ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/પરિશિષ્ટ૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નવજાત શિશુ

(રવીન્દ્રનાથ લિખિત ‘ધ ચાઈલ્ડ’નો ગુજરાતી અનુવાદ)

(ચિત્રાંકન: રવીન્દ્રનાથ ટાગોર)
(ચિત્રાંકન: રવીન્દ્રનાથ ટાગોર)


-૧-
તેમણે પૂછ્‌યું, કેટલી થઈ રાત?
કાંઈ જ ન મળ્યો જવાબ.
કારણ કે પોતાના રસ્તા કે હેતુથી અજ્ઞાત, આંધળો સમય ખોવાતો ભુલભુલામણીમાં.
એક મહાકાયની મૃત આંખોના બાકોરા જેવો અંધકાર ખીણમાં.
દુઃસ્વપ્ન જેવા વાદળદળનું દમન આકાશમાં
અને રાત્રિના વિચ્છિન્ન અંગોપાંગ જેવા વિશાળ પડછાયા પથરાતા અવકાશમાં.
એક બીભત્સ જ્વાળા ભભૂકતી ક્ષિતિજે -
આ તે કોઈ અમાનુષી નક્ષત્રની અંતિમ ધમકી,
કે પછી કોઈ અનાદિ ક્ષુધાની જીહ્વા ચાટતી આકાશને?
બધું જ છિન્નભિન્ન, અસ્તવ્યસ્ત, વેરણછેરણ છે.
આ કોલાહલનું વ્યાકરણ છે વેદનાનો આક્રોશ
અને શબ્દો થઈ ગયા છે બેહૂદા ને બેડોળ.
આ તો છે એંઠવાડ, હડધૂત, તિરસ્કૃત, જીવનની નિષ્ફળતા,
ઉછાંછળા ગર્વના વિચ્છિન્ન અવશેષ, લુપ્ત નિર્ઝરના અવકાશ પરના સેતુના ટુકડા,
મૂર્તિવિહીન મંદિર જેમાં રહેતા સરિસૃપ, અવકાશે દોરી જતા સંગેમરમરના સોપાન.
એકાએક જાગી ઊઠતો કોલાહલ આકાશે ને ઝઝૂમતો
અને સહસા એક ધ્રૂજારી પ્રસરતી નિદ્રાહીન સમયમાં.
અથડાતું કોઈ તુમુલ પૂર ગુફાની દીવાલોને
કે પછી ચકરાવો લેતો ઝંઝાવાત ગજર્તો તાંત્રિક મંત્રો?
છે આ ચીસ પ્રાચીન વનનો સંચિત અગ્નિ આત્મહત્યાના પ્રયાસમાં પ્રગટવાની
કે પછી અંધ-બધિર પાગલોથી સટાસટ ફટકારાતી ચેતનાહીન મેદનીની?
ભયાનક કોલાહલની નીચે ગુપચુપ પ્રગટતો ઉકળતા લાવારસ જેવો ગણગણાટ-
બીભત્સ ઘુસપુસ, અફવા, બદનક્ષી અને વ્યંગમય પરિહાસ.
તે માણસો, જાણે મહાકાવ્યના છૂટા પડેલાં પાનાં, વેરાયેલાં અહીંતહીં.
ફંફોળતાં એકબીજાને એકલા કે સમૂહમાં.
તેમની મશાલના પ્રકાશમાં દોરાતી તેમના ચહેરા પર ભયભીત આકૃતિ.
એકાએક કોઈ પાગલ વહેમાઈને તેના સાથીને મારે છે
અને આખા ટોળામાં મારામારી ફાટી નીકળે છે
અને ચારે બાજુના પર્વતો ગાજી ઊઠે છે.
સ્ત્રીઓ રડે અને કૂટે છે, કહે છે કે તેમના બાળકો ખોવાયા છે,
અંતે ગુંચવાતા વિરોધાભાસી રસ્તાના વેરાનમાં.
બીજા બીભત્સ મજાક કરતાં ને કર્કશ હાસ્યથી થનગનતા,
તેમના કામાતુર અંગોનું પ્રદર્શન કરતા, કારણ તેમને નથી કોઈની પરવા.


 
-૨-
ત્યાં, પર્વતના શિખર પર ઊભો છે એક આસ્તિક,
શ્વેત, બર્ફીલા મૌનની વચ્ચે,
આકાશમાં પ્રકાશનો અણસાર શોધતો.
જ્યારે વાદળ પર વાદળ ખડકાતા
અને નિશાચર પંખી ચીસ પાડતાં ઊડતાં,
ત્યારે તે કહેતો,
‘ભાઈઓ, નિરાશ ન થશો, માનવ તો મહાન છે.’
પણ તેનું કોઈ જ સાંભળતું નહીં.
કારણ, બધાં એમ જ માનતાં કે હેવાનિયતનું મૂળ શાશ્વત છે
અને તેના ઊંડાણમાં છુપાયેલી માનવતા છેતરામણી છે.
જ્યારે તેઓ ઇજાગ્રસ્ત અને પરાજિત હોય છે ત્યારે પૂછે છે,
‘ભાઈ, તું ક્યાં છે?’
જવાબ મળે છે, ‘હું તમારી સાથે જ છું.’
પણ અંધારામાં કાંઈ જ દેખાતું નથી
અને તેઓ માને છે કે આ તો તેમની ઉત્કટ કામનાનો અવાજ છે
અને માનવને તો શ્રાપ છે પરસ્પરના દૂષણોના અંતહીન રણમાં ભૂતાવળો સાથે લડતા રહેવાનો.



-૩-
વાદળ વીખરાતા પૂર્વમાં પ્રભાત તારક દેખાતો, ધરતીના હાર્દમાંથી નિરાંતનો શ્વાસ નીકળતો.
વનના માર્ગે સંભળાતી પાંદડાના સળવળાટની લહેર અને પંખીનાં ગીત.
આસ્તિક કહેતો, ‘સમય થઈ ગયો છે.
‘શેનો સમય?’
‘યાત્રા માટે નીકળવાનો.’
તેઓ બેસીને વિચારતા, અર્થ જાણ્યા વિના.
ને તો યે પોતપોતાના સ્વાર્થ પ્રમાણે જાણે સમજતા હોય એમ લાગે છે.
પ્રભાતનો સ્પર્શ માટીમાં ઊંડે સુધી ઊતરે છે અને સર્વસ્વના મૂળમાં જીવનનો ધબકાર છે.
એક નાનો અવાજ ઊઠે છે, ‘પૂર્ણતાની યાત્રા.’
કોઈ જાણતું નથી કે આ અવાજ આવ્યો ક્યાંથી!
જનમેદનીમાં ઝિલાતા તે અર્થપૂર્ણ બને છે.
પુરુષો માથું ઊંચું કરી જુએ છે ને સ્ત્રીઓ ભક્તિથી હાથ જોડે છે. બાળકો હસીને તાળી પાડે છે.
સૂર્યના સોનેરી હાર જેવા સવારના પ્રકાશમાં આસ્તિકનું કપાળ ચમકે છે અને સૌ બોલી ઊઠે છે,
‘ભાઈ, અમારા પ્રણામ.’



-૪-
ચારે બાજુથી ભેગા થવા માંડ્યાં માણસો.
દરિયા પારથી, પર્વત પરથી ને પથહીન વેરાનમાંથી,
આવતા તે નાઈલની ખીણમાંથી ને ગંગાને કિનારેથી, હિમાચ્છાદિત તિબેટના મેદાનોમાંથી,
ઝગમગતા મિનારા ને ઊંચી દીવાલોવાળા નગરોમાંથી,
ગીચ, અંધારા, જંગલી, ઉજ્જડ પ્રદેશોમાંથી.
કોઈ ચાલતા તો કોઈ હાથી, ઘોડા, ઊંટ પર બેસીને,
કોઈ સવારના વાદળને ચૂમતી પતાકાવાળા રથમાં બેસીને.
બધા ધર્મના સંતો ધૂપ બાળતા ને ચાલતા, ચાલતા મંત્ર બોલતા.
રાજા મોખરે રહેતો તેની સેનાની, દુંદુભિનાદ ને તડકામાં તલવારો ચમકતી.
ચીંથરેહાલ ભિખારી ને વરણગિયા દરબારી,
ચપળ, યુવાન વિદ્યાર્થી ને જ્ઞાનથી લદાયેલા વિદ્યાવ્યાસંગી,
એકબીજાની સાથે જનમેદનીમાં કદમ મિલાવતા.
માતા, કુમારિકા ને નવોઢા - સર્વ નારી હસતી, હસતી વાતો કરતી.
ફૂલ, ફળ, ચંદન ને પવિત્ર જળનો પ્રસાદ ધરતી.
તેમની સાથે હાથ મિલાવતી - ગણિકા, સજ્જ ભડક પોશાકમાં ને તીણા અવાજે બોલતી.
અફવાનું વિષ માનવતાના સ્રોતમાં રેડાતું.
ટોળામાં અંધ, બધિરને મળતાં અપંગ ને વિકલાંગ, જે પ્રભુને વેચવાનો વેપાર કરતા,
તેવા ચોર અપ્રમાણિક ને બેઇમાનદાર.
સંતના ચાળા પાડતા ને બોલતા, ‘પૂર્ણતા.’
એ જાહેરમાં નથી બોલતા પણ મનમાં લોભ મમળાવતા
ને સ્વપ્ન જોતાં અસીમ સત્તાના ને સજા વિનાની લૂંટફાટનાં
ને તેમના મલિન, ખાઉધરા શરીર માટેની શાશ્વત મિજબાનીના.



-૫-
આસ્તિક વિચરતો વિકટ પથ પર, બળતી રેતીવાળા પથરાળ,
આકરા ઢાળવાળા પર્વતીય પથ પર.
તેને અનુસરતા બળવાન અને કમજોર, આબાલવૃદ્ધ, સામ્રાજ્યોના સમ્રાટ, ધરતીના ખેડનાર.
કોઈ થાકતા, કોઈ ગુસ્સે થતા, કોઈ શંકા કરતા, ડગલે ને પગલે પૂછતા, ‘હજી કેટલે દૂર?
જવાબમાં આસ્તિક ગીતના સૂર છેડતો.
મોં ચઢાવી મુઠ્‌ઠી ઉગામતા, પણ ન તેનો શબ્દ ઉથામતા.
ટોળાની ભીંસથી ને અમર આશાથી આગળ તે વધતા.
નિદ્રા ને વિશ્રામ ટૂંકાવીને, મોડા પડવાના ભયથી, આગળ રહેતા એકબીજાથી.
એક પછી એક, દિવસો પસાર થતા,
તેમને અદૃશ્યના આકર્ષણે આછી ક્ષિતિજ લલચાવતી.
તેમની મુખરેખા કંટાળીને સખત થતી ને તેમના વેદનાના નિઃસાસા ઘેરા થતા.



-૬-
રાત પડી.
પથારી પાથરી, મુસાફરો વડના ઝાડ નીચે સૂતા.
પવનના એક સપાટે દીવો હોલવાયો. બેહોશીમાં સરતી નિદ્રાની જેમ અંધારપટ ઘેરો થયો.
એકાએક કોઈ ટોળામાંથી ઊભું થયું, ને દયાહીન આંગળી ચીંધીં, મોટેથી બોલી રહ્યું,
‘જૂઠા મસીહા,તેં અમને છેતર્યા છે.’
એક પછી એક, એ બોલ સૌ ઝીલતા ગયા, સ્ત્રીઓ નફરત થૂંકતી ને પુરુષો ગજર્તા.
આખરે, બધાંથી બહાદુર એક વીરે તેના પર વાર કર્યો,
 તેનું મોં જોયા વિના સૌ તૂટી પડ્યા - વિનાશક પારાવાર.
અંતે, તેનું નિશ્ચેતન શરીર ધરતી પર પટકાતું.
સ્તબ્ધ રાત્રિમાં દૂરના જળરાશિનો અવાજ ઢબુરાતો ને હવામાં જુઇની આછી સુવાસ પથરાતી.



-૭-
મુસાફરો છે ભયગ્રસ્ત.
શરૂ થયાં નારીઓનાં ડૂસકાં.
નામોશીની વેદનાથી અકળાયેલા પુરુષો બરાડતા, ‘બંધ કરો.
કૂતરાં ભસી ઊઠતાં - ઢોરમારથી ચૂપ થતાં.
વેદનાપૂર્ણ નિસાસા શાંતિનો ભંગ કરતાં.
અંતહીન રાત્રિમાં સ્ત્રીપુરૂષોમાં ચહલપહલ શરૂ થતી.
દોષનો ટોપલો કોને ઓઢાડવો?
ચીસો અને બુમરાણની વચ્ચે ચપ્પાં ઊછળવામાં જ હતાં, ત્યાં તો અંધકાર આછો થયો
ને પ્રકાશ પર્વત શિખર પર ઢોળાયો.
અચાનક સ્તબ્ધ બની તે શ્વાસ ખાતા ને પડેલા નિશ્ચેતન શરીરને ટગર ટગર જોતા.
નારીઓના ડૂસકા નીકળતા ને પુરુષો હાથમાં મોં સંતાડતા.
થોડા છાનામાંના છટકવા છટપટતા પણ તેમના ગુનાથી હત વ્યક્તિ સાથે બંધાતા.
બેબાકળા બની એકબીજાને પૂછતાં, ‘હવે આપણને રસ્તો કોણ બતાવશે?’
પૂર્વનો વૃદ્ધ કહેતો નત મસ્તકે, ‘હત વ્યક્તિ.’
તે તો બેસી રહ્યા છે ચૂપચાપ - હાલ્યા ચાલ્યા વિના.
ફરીથી વૃદ્ધ બોલ્યો, ‘આપણે એને શંકાથી નકાર્યો ને ક્રોધથી માર્યો,
હવે એને પ્રેમેથી સ્વીકારવો રહ્યો.
કારણ - એના મોતમાં એ આપણા સૌનું જીવન જીવતો - મહાન હત વ્યક્તિ!
અને ઊભા થઈને એક અવાજે સૌ ગાઈ રહેતા,
‘હત વ્યક્તિનો જય થાઓ.’



-૮-
યૌવનનો નારો, ‘આ છે યાત્રા, પ્રેમ, શક્તિ, જ્ઞાન, સમૃદ્ધિના પથની યાત્રા.
જીતીશું આપણે આ જગત ને જગત સમસ્ત.’
ગજર્તો જળરાશિ ઉલ્લાસના અવાજનો.
એનો અર્થ નથી સર્વ સમજતા - એનું ક્ષણિક સ્પંદન સર્વ અનુભવતા.
આકાંક્ષાના સામૂહિક પ્રવાહને નથી પરવા મોતની કે ખતરનાક અકસ્માતની.
નથી પૂછતા તે હવે રસ્તો કે નથી મનમાં તેમના કોઈ શંકા
કે નથી કોઈ અવરોધ તેમના પગને થાકનો.
મોત અને સર્વ સીમાને પાર ગયેલા નાયકની ચેતના છવાઈ છે
તેમના હાર્દમાં ને અવકાશમાં.
તેઓ વિચરતા -
વાવણી કરાતા ખેતરોમાંથી, ધાન્યના ભંડારોની બાજુમાંથી, દુકાળગ્રસ્ત વેરાન મેદાનોમાંથી -
જ્યાં હાડપિંજરો ઝંખતાં તેમના માંસલ સ્નાયુને -
જીવનથી ધબકતા માનવસભર નગરમાંથી,
અતીતના ખંડેરને આલિંગતા સૂમસામ ઉજ્જડ રણમાંથી.
ઉનાળાના લાંબા દિવસોમાં તે કલાકો સુધી ચાલતા
અને સાંજે ઝાંખા થતા પ્રકાશમાં આકાશના જાણકારને પૂછતા,
‘ભાઈ, ત્યાં આપણી અંતિમ આશા અને શાંતિનો મિનારો દેખાય છે?’
શાણો શિર ધુણાવી કહેતો, ‘એ તો સૂર્યાસ્તનું અદૃશ્ય થતું અંતિમ વાદળ છે.’
યુવાનો પાનો ચડાવતા,
‘મિત્રો, રોકાશો ના, વીંધીને રાત્રિના અંધકારને આપણે જીવંત પ્રકાશના સામ્રાજ્યમાં જવાનું છે.’
તેઓ અંધારામાં ચાલતા.
રસ્તો જાણે જાણતો એનું પ્રયોજન અને પગ તળેની રેતી ચૂપચાપ બોલતી એની દિશા.
તારા- દિવ્ય મુસાફરો - મૂક વૃંદગાન ગાતા,
‘મિત્રો, ચાલતા રહો.’
હવામાં તરતો નાયકનો અવાજ, ‘મંઝિલ છે સમીપ.’



-૯-
પ્રભાતનો પહેલો પ્રકાશ ચમકતો વનના ઝાકળભીના પાંદડા પર
ને બોલી ઊઠ્યો આકાશનો જાણકાર,
‘મિત્રો, આપણે આવી પહોંચ્યા.
રસ્તાની બંને બાજુ પાક્યાં છે ડૂંડાં - ક્ષિતિજને આંબતાં
પ્રભાતના પ્રકાશને પુલકિત ધરાનો જવાબ!
ગામ અને પહાડની વચ્ચે, નદી કિનારે, રોજિંદા જીવનનો પ્રવાહ વહેતો.
કુંભારનો ચાકડો ફરતો, કઠિયારો બજારે બળતણ લઈ જતો, ગોવાળ ગાયો ચારવા જતો
ને પનિહારી માથે માટલી મૂકી કૂવે પાણી ભરવા જતી.
પણ ક્યાં છે રાજાનો કિલ્લો, સોનાની ખાણ, જાદુઈ કિતાબ ને પ્રેમનું જ્ઞાન જાણતા સાધુ?
આકાશનો જાણકાર આપતો સથવારો, ‘તારા કદી ખોટા ન્હોય - એમનો ઇશારો ત્યાં છે.’
અને ભાવથી તે એક ઝરણા પાસે પહોંચતો,
જ્યાંથી પાણીનો પ્રવાહ નીકળતો - પ્રવાહી પ્રકાશ જેવો -
જાણે આંસુ અને સ્મિતના વૃંદગાનમાં ઓગળતી સવાર!
તેની પાસે એક વિચિત્ર શાંતિમાં ડૂબેલા નારિયેળીની કુંજમાં એક પર્ણકુટિ છુપાઈ હતી,
જેના ફળિયામાં બેસીને ગાઈ રહ્યો હતો અજ્ઞાત કિનારાનો કવિ,
‘મા, દરવાજો ખોલો.’



-૧૦-
પ્રભાતના સૂર્યનું પ્રથમ કિરણ બારણા પર પડતું.
જનમેદનીના શોણિતમાં સજર્નનો આદિ મંત્ર ગુંજતો.
‘મા, દરવાજો ખોલો.’
દરવાજો ખૂલતો,
ઘાસની સેજ પર મા બેઠી છે ને તેના ખોળામાં તેનો શિશુ સૂતો છે.
ઉષાના પ્રભાત તારકની જેમ બારણે ઊભેલું સૂર્ય કિરણ બિરાજતું શિશુ શિરે.
કવિ છેડતો વીણા ને ગાઇ ઊઠતો,
‘નવજાતક છે માનવ, સનાતન છે માનવ, જય માનવ.’
રાજા અને રંક, સાધુ અને શેતાન, શાણા અને શઠ,
સૌ નમતા ને ગાતા,
‘નવજાતક છે માનવ, સનાતન છે માનવ, જય માનવ.’
પૂર્વનો વૃદ્ધ સ્વગત બોલતો,
‘મેં જોયું છે.’

રવીન્દ્રનાથે માત્ર એક જ કાવ્ય સીધું અંગ્રેજીમાં લખ્યું હતું. આશરે ૨૦૦ પંક્તિનું એ કાવ્ય ‘ધ ચાઈલ્ડ’ના શીર્ષક નીચે એક નાનકડા પુસ્તક આકારે ૧૯૩૧માં છપાયું હતું. એકાદ વર્ષ પછી તેનો બંગાળી અનુવાદ ‘શિશુતીર્થ’ શીર્ષક હેઠળ ‘પુનશ્ચ’ નામના પુસ્તકમાં આવરી લેવાયો હતો. અબુ સયીદ અય્યુબ જેવા સુવિખ્યાત રવીન્દ્ર-પંડિત આ કાવ્યને રવીન્દ્રનાથનું શ્રેષ્ઠ કાવ્ય ગણે છે. દસ વિભાગમાં વહેંચાયેલાં તેમ જ અતીતનાં કલ્પનો અને સાંપ્રતનાં અર્થઘટન દ્વારા અનાગત માટે આશાવાદ વ્યક્ત કરતાં આ કાવ્યને એકથી વધુ વિદ્વાનો રવીન્દ્રનાથનું શ્રેષ્ઠ કાવ્ય ગણે છે. શ્રી અબુ સયીદ અયુબ દૃઢપણે માને છે કે અંગ્રેજી કાવ્ય ભલે પહેલાં લખાયું હોય અને બંગાળી તેનો અનુવાદ હોય, પણ મૂળ અંગ્રેજી કાવ્યમાં બંગાળીની ભવ્યતાનો ખ્યાલ આવતો નથી. તે કહે છે કે કવિતા શબ્દોથી લખાય છે વિભાવના - idea - થી નહીં અને રવીન્દ્રનાથનું બંગાળી પર જે પ્રભુત્વ છે તે અંગ્રેજી પર નથી માટે ‘શિશુતીર્થ’ સૌંદર્યનાં જે શિખરો સર કરે છે તેનાથી અંગ્રેજી આવૃત્તિ ક્યાંય દૂર રહી જાય છે. તેમને આ કાવ્યમાં મહાકાવ્યની વિગતપૂર્ણ ભૂમિકા, ઉદાત્ત વિભાવના અને ઊર્મિ દેખાય છે તેમ જ શક્તિશાળી ભાષાનું ગભીર સંગીત સંભળાય છે. આ કાવ્યમાં સંસ્કૃતિના અસ્તિત્વ પૂર્વેના આદિયુગથી આરંભ કરી આવનાર ભાવિના સોનેરી સ્વપ્ન સુધીની માનવીની યાત્રાની વાત છે. પશુ અને માનવીય અવસ્થાના સંધિકાળથી સંસ્કૃત માનવી સુધીની યાત્રામાં પાશવી તત્વોનું દિવ્ય પ્રતિ પ્રયાણ કેટલું દીર્ઘ અને અવરોધ સભર છે તેનું કવિનું દર્શન અહીં પ્રસ્તુત છે. આ કાવ્યમાં ઈશુ ખ્રિસ્તની વાતનો અણસાર જરૂર આવે છે પણ તેમાં ગાંધીજી અને દાંડીકૂચની ઝાંખી પણ થાય છે. તેથી આપણે વાતનો આરંભ કરીશું જાન્યુઆરી ૧૯૩૦થી. ભારતમાં એ સમયે ગાંધીજી અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં રહેતા હતા અને એમના સત્યાગ્રહ તેમ જ સ્વદેશીના કાર્યક્રમો બંધ રાખેલા હતા. જાન્યુઆરીની ૧૮મીએ એમના પરમ મિત્ર, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર એમને મળવા આવ્યા હતા. શિયાળાની બપોરે નદીકિનારે આવેલા મગનલાલ ગાંધીના રુમમાં બે મિત્રો વચ્ચે ઘણી વાતો થઈ હતી. તેમની ચર્ચાનો સાર એવો હતો કે ભારતમાંની પરિસ્થિતિ એવી હતી કે એક સંગઠન રચવાની જરૂર હતી જેમાં દેશના બધાનો સહકાર મળે અને દરેક પોતપોતાની શક્તિ મુજબ પ્રદાન કરે. આવા સંગઠનનું નેતૃત્વ કરવાની ક્ષમતા માત્ર ગાંધીજીમાં જ હતી. હાલમાં કોઈની પાસે કાંઈ જ કાર્યક્રમ ન હતો - ગાંધીજી પાસે પણ નહીં. ગાંધીજીએ કહ્યું કે તે પણ આવા કોઈ કાર્યક્રમની શોધમાં જ હતા અને તેમને વિશ્વાસ હતો કે એક વખત તેમને કાર્યક્રમ મળી જાય પછી તેમને દેશમાંથી બધાંનો સહકાર મળશે અને અંગ્રેજ સરકારને પણ તેમનું સાંભળ્યા વિના ચાલશે નહીં. જાન્યુઆરીમાં આવી ચર્ચા કર્યા બાદ રવીન્દ્રનાથ માર્ચના આરંભે યરોપના પ્રવાસે ગયા અને માર્ચના મધ્યમાં ગાંધીજીએ દાંડી પ્રતિ પ્રયાણ કર્યું. ફ્રાંસ અને ઈન્ગ્લૅન્ડમાં પોતાના ચિત્રોના પ્રદર્શનોને અદ્‌ભુત સફળતા મળ્યા બાદ અને ઈન્ગ્લૅન્ડમાં Religion of Man વિશે વક્તવ્ય આપ્યા પછી રવીન્દ્રનાથ જુલાઈ માસમાં જર્મની આવ્યા. રવીન્દ્રનાથ સાથે જર્મની ગયેલા અમીય ચક્રવર્તીના જણાવ્યા મુજબ તેમની અને UFA Co. વચ્ચે એક ચલચિત્ર બનાવવા અંગે વાતચીત થઈ હતી. પછી દક્ષિણ જર્મનીમાં આવેલા મ્યુનિકથી કલાકના અંતરે આવેલા બવેરીયન આલ્પ્સ પર્વતોની વચ્ચે વસેલા ઓબેર્માર્ગાઊ નામના એક નાનકડા ગામમાં તે ઇશુ ખ્રિસ્તના જીવનના અંતિમ પાંચ દિવસોને વર્ણવતો passion play જોવા ૨૦મી જુલાઈના દિવસે ગયા હતા. આ passion play પાછળનો ઈતિહાસ રસપ્રદ હોઈ તેની થોડી વાત કરીશું. ઈ.સ. ૧૬૩૪થી દર દસ વર્ષે આ ગામમાં આ passion play ભજવાય છે. તે સમયે યરોપમાં પ્લેગની બિમારી ફાટી નીકળી હતી. તેનાથી બચવા આ ગામની ચારે બાજુ નાકાબંધી કરવામાં આવી હતી જેથી કોઈ પણ બહારનો માણસ આ ગામમાં ન આવી શકે અને પ્લેગના જંતુઓને ગામમાં પ્રવેશ ન મળે. પણ બાજુના ગામમાં કામ કરતો તેમનો જ એક માણસ પોતાના પરિવારને મળવા માટે નાકાબંધીને થાપ આપીને ગામમાં આવી ગયો અને પોતાની સાથે પ્લેગ લેતો આવ્યો. થોડા જ માસમાં ગામના ઘણાં માણસો પ્લેગને કારણે મરી ગયાં. ત્યારે ગામના આગેવાનોએ નક્કી કર્યું કે ઈશ્વરની માફી માંગવાની ભાવનાથી ગામનાં બધાં જ લોકો દર દસ વર્ષે passion play ભજવશે. ત્યાર બાદ ગામનો કોઈ પણ માણસ પ્લેગનો ભોગ બન્યો નહીં અને એકાદ બે અપવાદ સિવાય, દર દસ વર્ષે passion play ભજવાતો આવ્યો છે. આ પરંપરા આજ સુધી ચાલુ જ છે અને ઈ.સ. ૨૦૨૦માં ફરી passion play ભજવાશે. બીજી રસપ્રદ વાત એ છે કે આ નાટકમાં માત્ર ગામના જ નાગરિકો ભાગ લે છે અને બધાં જ પાત્રો, દિગ્દર્શક, રંગમંચ વ્યવસ્થા ઈત્યાદિ બધી જ જવાબદારી માટે બહારની એક પણ વ્યક્તિની મદદ નથી લેવાતી. આ નાટક બે ભાગમાં ૬થી ૮ કલાક ચાલતું હોય છે અને ૧૯૩૦માં renovate થયેલા પ્રેક્ષકગૃહમાં ૫૦૦૦ પ્રેક્ષકો એક સાથે બેસીને નાટક જોઈ શકે છે. આ નાટકથી પ્રભાવિત થઈને અને કદાચ UFA Co. સાથેની વાતોના નશામાં રવીન્દ્રનાથે એક રાતમાં એક નવી જ શૈલીનું ગદ્ય-કાવ્ય અંગ્રેજીમાં લખ્યું. જો કે જોયેલા નાટકની અને આ કાવ્યની વાર્તામાં કાંઈ જ સામ્ય નથી. આ કાવ્ય તે જ The Child. આ કાવ્યની રચનામાં અનેક શ્રાવ્ય અને દૃશ્ય કલ્પનોનો ઉપયોગ થયો છે - કદાચ ચલચિત્રની વાર્તા લખવાનો ઈરાદો હોય! આ ચલચિત્ર ક્યારેય બન્યું નહીં અને તે અંગેના કારણોની માહિતી પણ મળતી નથી. આ કાવ્યનું નામ પહેલાં રાખ્યું હતું He is Eternal, He is Newly Born, પછી The Newcomer અને ત્રીજી વાર The Babe, જે શીર્ષક તેની હસ્તપ્રત પર મળી આવે છે. સર્વ પ્રથમ તેનું પઠન રવીન્દ્રનાથે ન્યુ યોર્કના કાર્નેગી હૉલમાં ૧૯૩૦માં કરેલું અને તે સમયે હેન્રી મિલર પણ સભાગૃહમાં હાજર હતા. કાવ્ય લખાયાના એક વર્ષ બાદ The Child નામના શીર્ષક હેઠળ તેનું પ્રથમ અને એકમાત્ર વિદેશી પ્રકાશન રવીન્દ્રનાથના પ્રકાશક Macmillan નહીં પણ Allen & Unwin કર્યું હતું. રવીન્દ્રનાથની હયાતીમાં તેમના અગત્યના કાવ્યોના સંગ્રહ - સંચયિતા - ની ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ હતી અને ત્રણેમાં તેમણે સંખ્યાબંધ કાવ્યો સમાવ્યા કે બાદ કર્યા હતા અને ત્રણમાંથી એક પણ આવૃત્તિમાં શિશુતીર્થનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. છતાં જ્યારે ૧૯૪૦માં અબુ સયીદ અયુબ અને હીરેન્દ્રનાથ મુખોપાધ્યાયે ‘આધુનિક બંગલા કવિતા’માં આ કાવ્યનો સમાવેશ કર્યો ત્યારે રવીન્દ્રનાથે બુદ્ધદેવ બસુને લખ્યું હતું કે પોતાના પ્રિય એવા આ કાવ્યનો અખ્યાતિમાંથી ઉદ્ધાર કરવા માટે તેઓ સંપાદકોના આભારી છે! નાટ્યાત્મક અને ગભીર શબ્દોમાં પ્રાગૈતિહાસિક સમયનાં ભયાનક પણ આબેહુબ લાગતાં વર્ણનથી કાવ્ય શરૂ થાય છે. સ્થાવર અને જંગમ, જડ અને જીવંત આદિ પ્રાકૃતિક જગતમાં વ્યાપક અજ્ઞાનનો અંધકાર અને વિસંવાદિતા વર્ણવતી પંક્તિઓને અનુસરે છે માનવીની સ્વભાવગત આત્મસંરક્ષણની વૃત્તિથી પ્રેરિત શંકાશીલ અને હિંસક વ્યક્તિત્વની અભિવ્યક્તિ. પ્રથમ બે પંક્તિ પ્રતીકાત્મક છે:

કેટલી થઈ છે રાત?
મળતો નથી જવાબ.

આદિયુગનો અંધકાર કેટલે અંશે દૂર થઈ ગયો છે? આ વ્યાકુળ પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી આવતો. કાવ્યના પ્રારંભે કવિ આડકતરું સૂચન કરે છે કે વાત આદિયુગની છે, હજી અંધકાર છવાયો છે પણ તેનાથી વધારે સ્પષ્ટ વિગતો મળતી નથી. પહેલા દ્રશ્યની અંતિમ પંક્તિઓ જોઈએ:

ત્યાં માણસો, જાણે ઈતિહાસનાં છૂટા પડેલાં પાનાં, વેરાયેલાં અહીંતહીં.
મશાલના પ્રકાશમાં દોરાતી તેમના ચહેરા પર ભયભીત આતંકની આકૃતિ.
એકાએક કોઈ પાગલ વહેમાઈને તેના સાથીને મારતો,
ને જોતજોતામાં ફેલાતો આતંક ચોમેર પર્વતો ગજવતો.
સ્ત્રીઓ રડતી, છાજિયાં લેતી, બબડતી,
‘બગડી ગઈ છે સહુ બાળકોની મતિ.’

આ પંક્તિઓ પર તત્કાલીન હિન્દુ-મુસ્લીમ ઘર્ષણનો ઓછાયો પડ્યો હોય તો નવાઈ નહીં. રવીન્દ્રનાથ જેવા આંતરરાષ્ટ્રીય મુસાફર પર બીજા દેશોની પરિસ્થિતિની સંવેદનાની પણ અસર હોઈ શકે. પ્રેમ અને શાણપણથી માનવજાતને દોરતા બુદ્ધ, સોક્રેટીસ, ઈશુ ખ્રિસ્ત અને ગાંધીજી જેવા સંતોનું અવતરણ અને માનવજાતિએ તેમને આપેલી શ્રદ્ધેય સ્વીકૃતિ આ યાત્રાનો સુવર્ણકાળ છે જેની ઝાંખી બીજા અને ત્રીજા દ્રશ્યમાં થાય છે. ચોથા દ્રશ્યમાં આવે છે સમગ્ર માનવજાતિનો ઇતિહાસ જેમાં નાઈલ, ગંગા, તિબેટના પ્રદેશો, રાજા અને રંક, આબાલવૃદ્ધ, સાધુ અને શઠ ઘ્ સૌ કોઈ સાત્વિક નાયકને અનુસરે છે અને તેમની સાથે જ છે સમષ્ટિનો એક એવો અંગ જેને માટે ભૌતિક સ્વાર્થની સંતૃપ્તિ સિવાય અન્ય કોઈ ધ્યેય નથી. ત્યાર બાદ પાંચમા દ્રશ્યમાં આવે છે યાત્રાના પંથે મળતા અવરોધોની વાત, માનવીના નબળા નિર્ધારની વાત અને જાગી ઊઠે છે પેલી સુષૂપ્ત પાશવી વૃત્તિ જેને વશ થઈને ઉત્તેજનાની નબળી ક્ષણોમાં મસીહા સમા નાયકની હત્યા થાય છે. સ્વભાવગત પાશવી તત્વનો સમય અને સંસ્કૃતિ ક્યારેય વિનાશ કરી શકશે? છઠ્‌ઠા દૃશ્યમાં ફરી એકવાર અંધકાર છવાય છે. પણ આ અંધકાર પહેલાના અંધકારથી જુદો છે. અહીં અરાજકતા નથી પણ આતંકની વાત આવે છે. સંસ્કૃતિ પ્રતિ પ્રયાણ કરતા જનસમાજમાં ફરી એકવાર અંતરતમમાં છૂપાયેલી પાશવી વૃત્તિને છૂટો દોર મળે છે. એક સુંદર પ્રતીકાત્મક પંક્તિમાં રવીન્દ્રનાથ કહે છે:

પવનના એક સપાટે દીવો બૂઝાયો
ને બેહોશીમાં સરતી નિદ્રાની જેમ અંધારપટ ઘેરો થયો.

એક પ્રાકૃતિક તત્ત્વ - પવન - સંસ્કારનો પ્રગટેલો દીવો હોલવી નાખે છે અને કુદરતી અંધકાર વધુ ઘેરો બને છે જાણે માણસ નિદ્રાવસ્થામાંથી સરી પડે છે બેભાન અવસ્થામાં અને પોતાની હતાશામાંથી જાગી ઊઠે છે પેલું પાશવી તત્ત્વ:

‘જૂઠાબોલા, તેં અમને છેતર્યા છે.’
એક પછી એક, એ બોલ સૌ ઝીલતા ગયા.


સ્ત્રીઓની કિકિયારી ને પુરૂષોની ઘાંટાઘાંટ ઘ્ અસહ્ય હતો ત્યાં ઘોંઘાટ!
આખરે બધાંથી બહાદુર એક વીર ઘ્ ઊભો થયો ને તૂટી પડ્યો.
અંધારામાં તેનું મોઢું ન દેખાતું.
એક પછી એક, સૌ ઉઠ્યા ને કર્યા વાર પર વાર.
આખરે તેની નિશ્ચેતન કાયા ધરતી પર ઢળી પડી.
કુદરતનો પ્રતિભાવ ખૂબ સુંદર ઈન્દ્રીયગમ્ય વર્ણનથી અપાયો છે:
સ્તબ્ધ રાત્રિ!
દૂરના નિર્ઝરનો આછો અવાજ સંભળાઈ રહ્યો.
હવામાં જૂઈની મૃદુ ગંધ પથરાઈ રહી.

સ્તબ્ધ રાત્રિમાં દૂરના જલરાશિનો અવાજ રુદનના ધ્રૂસકા સમો સંભળાઈ રહ્યો છે અને જુઈના ફૂલોની ફોરમ ગત વ્યક્તિને અંજલિ આપી રહી છે. રવીન્દ્રનાથના ચરિત્રકાર કૃષ્ણ કૃપાલાની અને પ્રમથકુમાર બિશી એમ માને છે કે ભક્તની તેમને અનુસરનાર લોકો દ્વારા થયેલી હત્યાના પ્રસંગ દ્વારા રવીન્દ્રનાથે ગાંધીજીના અંતની ભવિષ્યવાણી કરી હતી. હું આની સાથે સંમત નથી. જો કે ભક્તમાં ગાંધીજીની અને જાત્રામાં દાંડીકૂચની છાયા મને ચોક્કસ દેખાય છે. ફરી એક વાર રવીન્દ્રનાથ અદમ્ય આશાવાદથી હત વ્યક્તિના આત્માની દોરવણી અને પૌર્વાત્ય શાણપણના માર્ગદર્શન નીચે યાત્રાને સાંપ્રત જગતમાં આગળ વધતી વર્ણવે છે. ૭મા દ્રશ્યમાં પૂર્વનો વૃદ્ધ માણસ જ્યારે કહે છે કે તેમને સૌને હત વ્યક્તિ માર્ગદર્શન આપશે, ત્યારે તે વધુમાં જણાવે છે કે, મૃત્યુ દ્વારા તે આપણા સૌના જીવનમાં સંજીવિત છે. આ જ વાત રવીન્દ્રનાથે ૧૯૨૨માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે સાબરમતી આશ્રમના અંતેવાસીઓને મહાત્મા કોને કહેવાય તે સમજાવતાં કહી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મહાત્મા શબ્દનો અર્થ શો છે? મહાત્મા એટલે મહા આત્મા, મુક્ત આત્મા, જે અન્ય સૌ આત્માઓ સાથે ઐક્ય અનુભવી રહ્યો છે. એનો અર્થ એ છે કે એનું જીવન એના સ્વમાં સીમિત નથી, પણ એનું જીવન આત્મામાં અસીમને પામે છે. આ પ્રાપ્તિ દ્વારા એ આત્મા મહા-આત્મા બને છે. કારણ કે એ આત્મા પોતાનામાં અન્ય સૌ આત્માઓને પામે છે.’ ઈતિહાસમાં એકથી વધુ સમયે માણસે પોતાના ઉદ્ધારકને પોતાની સમાજ વ્યવસ્થામાં બંધબેસતા ન થવાને કારણે ક્રૂરમાં ક્રૂર કહેવાય તેવી અસંસ્કૃત સજા કરી છે. સૉક્રેટીસ, ઈશુ ખ્રિસ્ત અને ગાંધીજી, એ ત્રણે ઉદાહરણો તરત જ નજરે ચડે છે. પણ મનુષ્યની યાત્રા વણથંભી રહે છે. તે તો સતત ચાલ્યા જ કરવાની. આઠમા દૃશ્યમાં ફરી એકવાર યાત્રાનો આરંભ થાય છે. નાયકનું પાર્થિવ શરીર ભલે તેમની સાથે નથી પણ તેણે પ્રગટાવેલો પ્રકાશ તેમને મૃત્યુની પારથી પણ માર્ગદર્શન આપતો રહે છે. એક વાર પાંગરેલા સંસ્કાર ક્ષણભર માટે અંધકારમાં અદૃશ્ય થઈ શકે પણ તેનું પુનર્જીવન નિશ્ચિત છે. તેમની યાત્રા તેમને સંસારના વિવિધ ક્ષેત્રોનો અનુભવ કરાવે છે. તેઓ પસાર થાય છે જાતજાતના અને ભાતભાતના પ્રદેશોમાંથી:

તેઓ વિચરતા -
વાવણી કરાતા ખેતરોમાંથી, ધાન્યના ભંડારોની બાજુમાંથી,
દુકાળગ્રસ્ત વેરાન મેદાનોમાંથી, જ્યાં હાડપિંજરો ઝંખતા જીવનને,
જીવનથી ધબકતા માનવસભર નગરમાંથી
અને જનશૂન્ય ઉજ્જડ રણમાંથી,
જ્યાં મૂક અતીતના ખોળે વસતી ભગ્ન કીર્તિ.
તેઓ વિચરતા દરિદ્રની જીર્ણ વસ્તી થકી
જ્યાંનાં રહેઠાણો કરતાં રહેવાસીઓનો ઉપહાસ.

સમૃદ્ધિ અને દારિદ્ર્યગ્રસ્ત સાંપ્રત જગતની કાવ્યમય પ્રસ્તુતિ કરીને કવિ મૃત્યુહીન જ્યોતિર્લોક પ્રતિ પ્રયાણ કરતા માનવીને કલ્પે છે. અંતમાં ચેતનાના સ્રોત સમા રવિકિરણથી અભિસિક્ત, માતાના ખોળામાં સૂતેલો નવજાત શિશુનો જયજયકાર બોલાવતી સમષ્ટિથી કાવ્યનો અંત આવે છે. આ કાવ્યનો અંત છે, યાત્રાનો નહીં. યાત્રા તો આગળ વધવાની જ છે. મનુષ્યની જયગાથા હવે ગાશે આ નવજાતક, જે સનાતન છે. આ સમગ્ર ચિત્ર ઈશુ ખ્રિસ્તના જન્મનું લાગે છે. અનેક nativityના દૃશ્યોમાં આપણે જોઈ છે એક પામના વૃક્ષોની વચ્ચે આવેલી ઝૂંપડી જેમાં ઘાસની પથારી પર બેઠેલી માના ખોળામાં નવજાતક ઈશુ ખ્રિસ્ત સૂતા છે. પણ આ કાવ્યમાં દર્શાવેલી મા કોણ છે? તે તો છે માતા વસુંધરા અને તેના ખોળામાં સૂતેલું બાળક છે માનવી - જેનામાં સર્જનના સારનો અર્થ આકાર લેશે. આ માનવ-બાળક સનાતન છે અને તેનાથી પરિપૂર્ણતાની યાત્રા ચાલતી રહેશે. આ છે શશીભૂષણ દાસગુપ્તાનું દર્શન જેની સાથે અબુ સયીદ અયુબ સંપૂર્ણપણે સંમત છે. ૧૯૩૬માં ન્યુ થિયેટર્સના સંગીત દિગ્દર્શક, તિમિર બરન, જેમણે સાયગલના દેવદાસ પિક્ચરનું સંગીત દિગ્દર્શન કર્યું હતું, તેમણે આ કાવ્યને અનુરૂપ એક સ્વર રચના કરી હતી અને તે રવીન્દ્રનાથને સંભળાવી હતી. એમ કહેવામાં આવે છે કે રવીન્દ્રનાથને તે પસંદ આવી હતી. આ ઐતિહાસિક સ્વરાંકન ૧૯૭૭માં રેકોર્ડ થયું હતું અને તેથી આજે પણ ઉપલબ્ધ છે.
જિજ્ઞાસુ વાચક તેને નીચેની લિંક ઉપર સાંભળી શકશે: https://www.youtube.com/watch?v=hDtZqtfToRM (૨૨.૧.૨૦૨૨)