ગાતાં ઝરણાં/આકાર હોય છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


આકાર હોય છે


સાચી સ્વતંત્રતાનો એ વ્યવહાર હોય છે.
દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે.

દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,
બુદ્ધિ-પ્રદેશમાં યદિ અંધાર હોય છે.

મારું જીવન તિમિર ગણો છો? ભલે ગણો.
ચમકે છે આગિયાઓ જો અંધાર હોય છે.

આ એ જ દિલ છે, એ જ છે આસન મયુરનું,
જ્યાં આપનો નિવાસ ઘણી વાર હોય છે.

એ વર્તણુંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.

જીવન-કિતાબ લાખ પ્રકારે લખાય ૫ણ,
સરખો સહુનો અંતમહીં સાર હોય છે.

ભોળી ઉષાને ભાન નથી કંઈ સ્વમાનનું,
નિત્ એને જન્મ આપતો અંધાર હોય છે.

ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.

૧૮-૨-૧૯૫૦