ગાતાં ઝરણાં/કથાનો સાર છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથાનો સાર છે


પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે.
જાવું હો જિંદગી તો જા. મુજને લગીર વાર છે.

મારી વિપદને કોઈની જીભ ઉપર મૂકી જુઓ,
લોકની આંખ જે કહે, એ જ કથાનો સાર છે.

ઝીલી પ્રહાર નિત્યના રંગ ધરે છે જિંદગી,
એક રીતે વિચિત્રતા આપની, ચિત્રકાર છે.

જોઈને ખુશમિજાજમાં હિતચિંતકો ડરો નહીં,
મારા સતત રુદનનો આ એક નવો પ્રકાર છે.

વિરહમાં મારા હાલ પર પ્રકૃતિએ રૂદન કર્યું,
રાતનાં અશ્રુઓ હતાં, લોક કહે તુષાર છે.

લાગણીઓ શીશુ રહે, બુધ્ધિ ભલે ને પીઢ હો,
જીવી રહ્યો છું એ સમય સાંજ નથી, સવાર છે.

નિત્ય-વ્યથાને ‘જિંદગી’ ચિરશાંતિને મરણ કહે,
સત્યથી સાવ વેગળો જગમાં ‘ગની’, પ્રચાર છે.

૨૨-૧-૧૯૫૦