ગાતાં ઝરણાં/કવિ અને કલાકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ અને કલાકાર

જીવનનો કોઈ પ્રસંગ કે પ્રકૃતિનું કોઈ દૃશ્ય, જીવનના પ્રસંગોનું કે પ્રકૃતિનાં દૃશ્યોનું કોઈ વૈચિત્ર્ય જોઈ હરકોઈ સંસ્કારી માણસને કશુંક સંવેદન થાય છે અને એ સંવેદનમાં એ શાંતિ, સમતા, આમોદ, ઉલ્લાસ, ઉત્સાહ કે ગમગીની અનુભવે છે. વિશિષ્ટ રસવૃત્તિનો કે અતીવ વેદનાશીલ માણસ એવું સંવેદન કે સ્ફુરણ કે સ્પંદન અનુભવીને બેસી નથી રહેતો, તેને પોતામાંથી છૂટું પાડવા મથે છે, એને તટસ્થતાથી નિહાળે છે અને પોતાની રસવૃત્તિના કે સ્વભાવના વલણ અનુસાર કે ઘડતર અનુસાર પોતાની વિદગ્ધતા કે તાલીમ અનુસાર, તે સ્ફુરણને પૂરું સમજવા, પૂરું ઉતારવા, શબ્દ, રવ, આકાર, રંગ, પથ્થર, આદિ વાપરે છે. કવિની વૃત્તિવાળો માણસ પોતાના પેલા આગ્રહી, આકાર લેવા માગતા અનુભવને શબ્દોમાં ઉતારે છે, શબ્દોમાં તે બરાબર ઊતરી રહે ત્યારે જ તેને મૂળ અનુભવમાં શું રહસ્ય છુપાયેલું હતું તે સમજાય છે. કવિ શબ્દમાં પોતાનો ભાવ ઉતારે છે એનો અર્થ એ કે શબ્દની શકિત જેમાં ઉત્તમ રીતે જળવાય વા ઊતરે એવા શબ્દસ્વરૂપમાં–શબ્દોના આકારમાં તે ભાવને એ ઉતારે છે. મતલબ કે કોઈ વિશિષ્ટ લયવાળી શબ્દરચનામાં ઉતારે છે. ભાવ કે ઊર્મિ કે અનુભવનું સ્વરૂપ એવું ડહોળાયેલું, આતુર, આકુલ અને મસ્ત હોય છે કે એને ચોક્કસ લયમાં ઉતારવાનું ના હોય તો ભાષાની ભેખડ તોડીને વીખરાઈ જાય. માટે જ કવિ ચોક્કસ છંદરચના પોતાના કાવ્ય માટે રાખે છે, જેથી પોતાના ભાવને યથેચ્છ સંયમ પણ મળે અને વેગ પણ મળે. આ કર્મનું તાત્પર્ય એ કે કવિતા એ અર્થની અનુભૂતિની, ઊર્મિની કલા છે. અર્થથી જે એ સાર્થક છે. એ અર્થ એક ચોક્કસ અનુભૂતિનો, ભાવોર્મિનો, ભાવવિશેષ(mood )નો છે. એ સાર્થકતા ના હોય તો કોઈ કાવ્ય કાવ્ય જ બનતું નથી. કવિતા એ શબ્દની કળા છે, કારણ કે કવિનું વલણ કે શિક્ષણ અનુભવને વધારે સફળ રીતે શબ્દમાં ઉતારી શકે છે અથવા એમ કહો કે એની અનુભૂતિ એવી છે કે એને માટે શબ્દ અને છંદ પસંદ કરો તો જ તે ઠીક નિરૂપાય, કિંવા બરોબર કવિને પોતાને જ સમજાય.

કાવ્ય શબ્દની કળા છે, કારણ કે કવિને આવિષ્કાર માટે શબ્દ અનુકૂળ છે. શબ્દ વિના તેનો અર્થ પ્રકટ થઈ શકે તેમ નથી, પણ તત્ત્વતઃ તો કાવ્ય-કાવ્ય તો શું સર્વ કળા अर्थની કળા છે, ભાવોર્મિની કળા છે. કલ્પના કે વિચારના વૈચિત્ર્યની કળા છે.

આટલું સ્પષ્ટ સ્વીકારીએ તો કવિનો ધર્મ પ્રગટ થશે. જે ઊર્મિ સ્વકીય હોય અને આગ્રહી હોય તે જ આવિષ્કારને યોગ્ય કહેવાય. કલાના પરમ પ્રયોજન–આનંદ કે તલ્લીનતા-સિવાયનું પ્રયોજન તેના સર્જનને પ્રસંગે હોય નહિ, કોઈ સિદ્ધાંત સ્થપાયાના ઈરાદાથી, કોઈ લોકને ઈષ્ટ એવી માગણીના પોષણ અર્થે અથવા કામાદિવિષયક લાગણીઓને આડકતરી રીતે સંતોષવા કે ઉત્તેજવા લખેલી કવિતા બીજા વર્ગની કવિતા થઈ જાય. ઊર્મિને કે અનુભૂતિને એકાગ્ર કરી તટસ્થ રીતે નિહાળી, યોગ્ય શબ્દને લય કે છંદમાં ઉતારવી જોઈએ. ભાષાના સ્વરૂપને તથા છંદના સ્વરૂપને (પછી છંદ ગમે તે પસંદ થયા હોય; અલબત્ત, એ છંદ પણ अर्थને અનરૂપ જ હોય) બરાબર જાળવવામાં આવે તો જ મૂળ સ્ફુરણાને ફરી ફરી ચિંતન કરવા યોગ્ય રૂપ મળ્યું કહેવાય. અનુભવનું મૂળ સ્વરૂ૫ માણવું હોય તો તેને અણીશુદ્ધ આકાર મળવો જોઈએ, જેથી તમે તેનો વિવશ, વિહ્વળ કે આકુળ થયા વિના વિમર્શ કરી શકો.

જેની અર્થ ઉપર, ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી તે કવિ નથી. જેને ભાષાવિષયક કે છંદવિષયક આગ્રહ નથી તે સાચો કલાકાર નથી. કલાકારમાં જેટલું ઊર્મિનું–સાચી ઊર્મિનું, કહેવાતા જોસ્સાનું નહિ–બળ જોઈએ તેટલું શબ્દાકારમાં તેને મૂકતાં ધૈર્ય જોઈએ.

ભાઈશ્રી ગનીને મારી અંતઃકરણની શુભેચ્છા પાઠવું છું.

તા. ૧૮-૮-૫ર
મ. ઠા. બા. કૉલેજ
સુરત

વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી