ગાતાં ઝરણાં/ખલાસીને
Jump to navigation
Jump to search
ખલાસીને
માર હલેસાં માર, ખલાસી!
માર હલેસાં માર,
નાવને પાર ઉતાર ખલાસી!
માર હલેસાં માર.
જો સામે વિકરાળ વમળ છે,
કાળ સમું તોફન પ્રબળ છે,
જ્યાં ઊભો ત્યાં ઊંડાં જળ છે,
નાવડી ના લંગાર,
ખલાસી!...
તારું પાણી બતાવ ગગનને,
દે લપડાક વિરોધી પવનને,
હોડમાં મૂકજે તારા જીવનને,
મૃત્યને પડકાર,
ખલાસી!...
લક્ષ્ય ઉપર દે દૃષ્ટિ બાંધી,
શ્રધ્ધાનો સઢ લેજે સાંધી,
જો સામેથી આવે આંધી
વીજ કરે ચમકાર,
ખલાસી!...
આજ ભલે ને તારી હોડી,
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશો તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી!...
૧૫-૮-૧૯૪૯