ગાતાં ઝરણાં/ગુલાબના છોડ
Jump to navigation
Jump to search
ગુલાબના છોડ
નાના ગુલાબના છોડ રે...
અમે નાના ગુલાબના છોડ!
કરતાં સૌ દોડાદોડ રે...
અમે નાના ગુલાબના છોડ!
આકાશે તારલાઓ ચમકે જે રીતથી,
અજવાળીશું અમે ધરતીને સ્મિતથી;
મોટા અમારા કોડ રે...
અમે નાના ગુલાબના છોડ!
અધખીલ્યાં પુષ્પો સંગ કળિઓનો રાસ છે,
જુદો છે રંગ, જુદી સૌની સુવાસ છે;
શોધી જડે ના જોડ રે...
અમે નાના ગુલાબના છોડ !
પ્રેમે પોષાય છે કેમળ આ ડાળીઓ,
માત-પિતા જાણે આ ઉપવનના માળીઓ;
રહેવા ન પામે ખોડ રે...
અમે નાના ગુલાબના છોડ !
પા પા પગલી છે હજી જીવનનાં દ્વારે,
મોટાં થઈને રહ્યું ચાલવું અમારે;
દુનિયાની જોડાજોડ રે...
અમે નાના ગુલાબના છોડ.
૨-૪-૧૯૫૨