ગાતાં ઝરણાં/ચમન માટે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચમન માટે


ખીલો કળીઓ, હસો પુષ્પો, વસંત્ આવી ચમન માટે,
ઊડો હે બુલબુલો, પાંખો મળી છે ઉડ્ડયન માટે.

તમારા રૂપની તારીફ હું એથી નથી કરતો,
કવિ પોતે કશું કહેતો નથી એના કવન માટે.

સુણીને સાદ તારો હું અહીં આવી ચઢ્યો બુલબુલ!
મને લાગ્યું, કહે છે કૈંક તું મારા જીવન માટે.

મળ્યો સહકાર કેવો વિશ્વનો એ કલ્પના કરજો,
ઘણી વેળા વિષય પણું હું બન્યો મારા કવન માટે.

કંઈ પીંખાઈ કરમાયું, કઈ ચગદાઈ રોળાયું,
ચમન છોડી જવું સાચે જ દુખકર છે સુમન માટે.

થયો આભાસ દુનિયાને પડયું આકાશ ધરતી ૫૨,
ચરણમાં આ૫ના, મસ્તક ઝૂકાવ્યું મેં નમન માટે.

‘ગની’ પર પ્રેમનું કારણ ગગન ધરતીને પૂછે છે,
ધરે કે’ છે : થશે એ એક દી મુજમાં દફન, માટે.

૧-૮-૧૯૪૮