ગાતાં ઝરણાં/દીદાર બાકી છે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દીદાર બાકી છે!


જીવન-સાગર મહીં તારો ફક્ત આધાર બાકી છે,
સુકાની ચેતજે તોફાન પારાવાર બાકી છે.

ધરાના રજકણો ચૂમી ચરણ તેઓને કહી દેજો:
કે હે, સદ્ભાગી! એક દુર્ભાગીનાં પણ દ્વાર બાકી છે.

તપાસી જખ્મ દિલના લૂણની ચપટી ભરી બોલ્યાં:
કે સારો થઈ જશે બીમાર, આ ઉપચાર બાકી છે.

કથન મારું સુણી મુખ ફેરવીને ચાલવા માંડયું,
હું કહેતો રહી ગયો કે વારતાને સાર બાકી છે.

મળી રહેશે તમોને જુલ્મનાં ફળ, ધૈર્યનાં મુજને,
હજી હું જીવતો છું, ને જગત જોનાર બાકી છે.

સમયસર અવયવો સૌ યમને શરણે થઈ જવા લાગ્યાં,
પરંતુ આંખ કહે છે : આખરી દીદાર બાકી છે !

‘ગની’, આપ્યું ખુદાએ એક તો અમને વ્યથિત્ જીવન,
વળી શિર પર લટકતી મોતની તલવાર બાકી છે.

૧૨-૬-૧૯૪૫