ગાતાં ઝરણાં/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન
સૂરતના આશાસ્પદ અને શ્રમજીવી કવિ ભાઈ ગનીભાઈનો કાવ્યવ્યાપાર ખીલતો જતો હતો અને એમને મધુર કંઠે ગવાયેલ ગઝલો અને ગીતોની હારમાળા રચાતી જતી હતી; પણ એ ચો૫ડીને પાને ચઢે એવી કોઈ શક્યતા ન હતી. આપણાં અનેક કવિ-લેખકોની જે અવદશા આ બાબતમાં છે તેવું જ ભાઈ ગનીભાઈ માટે હતું અને એમની સ્થિતિ તે વળી વધારે મુશ્કેલ. પરસેવો પાડીને રોટલો મેળવનાર આ ભાઈ એ નાણાં ક્યાંથી લાવે? સદ્‌ભાગ્યે એમના ઘણા સ્નેહી મિત્રો છે અને તેઓ એમની ઉન્નતિમાં રસ લેનારા છે. તેમણે આ કાવ્યો ગ્રંથસ્થ થાય તે માટે એક સમિતિ રચવાનો ને જોઈતાં નાણું ઊભાં કરવાનો સંકલ્પ કર્યો અને એ સમિતિનું પ્રમુખપદ મારે માથે નાખ્યું. આ સમિતિએ જોઈતાં નાણાં એકત્ર કરી દીધાં ને ભાઈ ગનીભાઈને જાહેર સમારંભમાં તેની ભેટ આપી. આ નાણાંમાંથી આજે આ પ્રકાશન થાય છે એ ભારે આનંદની વાત છે. સૂરતની આ સમિતિએ જે રાહ લીધો છે તેનું અનુકરણ અન્યત્ર થાય તો અંધારે પડેલાં ઘણાં રત્નો ચમકી ઊઠે અને આપણા સાહિત્યજગતની સમૃદ્ધિમાં ૫ણ વધારો થાય. આ પ્રસંગે જહેમત ઉઠાવી નાણાં ભેગાં કરનાર સમિતિના તમામ સભ્યો અને ઉદાર દિલે નાણાં આપનારા સભાસદોનો હું હાર્દિક આભાર માનું છું અને ભાઈ ગનીભાઈની કાવ્યકલા સોળે પાંખડીએ ખીલે અને ગૂજરાતના સાહિત્યગગનમાં તેઓ ચમકતા રહે એવી શુભેચ્છા પ્રકટ કરું છું.
૨૮-૭-૫૩
ઈશ્વરલાલ ઈ. દેસાઈ
 
“શ્રી ગની કાવ્ય સંગ્રહ પ્રકાશન સમિતિ”
પ્રમુખ : શ્રી ઈશ્વરલાલ ઈ. દેસાઈ


જ. મુનાદી
શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે
શ્રીમતિ મનહરબહેન કાજી
શ્રીમતિ વનલીલાબહેન ભટ્ટ


શ્રી કુસુમચંદ ઝવેરી
શ્રી અશ્વિન મહેતા
શ્રી ચંદ્રકાન્ત પારેખ
શ્રી જયંત જાદવ


: મંત્રીઓ :


શ્રી દોલત દેસાઈ


શ્રી બળદેવ મોલિયા