ગાતાં ઝરણાં/બહારો જોઈએ
Jump to navigation
Jump to search
બહારો જોઈએ
સાથે કંઈ એ રીત જીવનભર તમારો જોઈએ,
આગ ૫ર આઠે પ્રહર વ્યાકુળ પારો જોઈએ.
જિંદગી પર જોઈતા સઘળા પ્રહારો જોઈએ,
જીવવા માટે મને કંઈ તો સહારો જોઈએ.
ચાહું છું દુખ-દર્દ દુનિયાનાં બધાં ભૂલી જવા,
મારી એકલતાને બસ તારા વિચારો જોઈએ.
કહી રહી છે પાનખરની હર અદા ઉપવન મહીં :
આમ બરબાદી સહે, જેને બહારો જોઈએ.
ઈશ્કને હર બિંદુમાં તોફાનની છે ઝંખના,
બુદ્ધિને પ્રત્યેક મોજાં પર કિનારો જોઈએ.
આપને ત્યારે જ સૂરજના પ્રતિસ્પર્ધી ગણું,
મારી સંધ્યાઓ બનાવી દો સવારો, જોઈએ :
પાનખરને પણ ઘડીભર થઈ જવું પડશે વસંત.
સિમિત કરતાં આ૫ ઉપવનમાં પધારો, જોઈએ!
જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મહેમાનને માટે ઉતારો જોઈએ.
૧૨-૫-૧૯૫૧