ગાતાં ઝરણાં/ભોમનો પાલવ
Jump to navigation
Jump to search
ભોમનો પાલવ
ખૂબ દિપાવી જાણે છે ભવ,
ધન્ય તને કહેવાતા માનવ!
જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં દિઠો દવ,
વાહ રે મારા મૂર્ત અનુભવ !
કાળ, વધુ ફેલાવ ન પાલવ!
પાખંડી, મર્યાદા સાચવ !
મારી તમન્ના, મારું જીવન;
ભીત્તર પંકજ, ઉપર કાદવ.
ઝાકળ-બિન્દુ હરિયાળી પર,
વ્યોમનાં આંસુ, ભોમનો પાલવ.
સ્મિત અકારું, દર્દ વહાલું;
હર્ષનું માતમ, શોકનો ઉત્સવ,
જગ-રત્નાકરના મરજીવા !
શ્વાસ હવે છે છેક અસંભવ.
ક્યાંક ‘ગની’, સર્જાઈ ક્યામત!
શોર ઊઠ્યો છે : માનવ! માનવ!
૧૫-૧-૧૯૫૩