ગાતાં ઝરણાં/મજૂર જાગે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મજૂર જાગે છે


છે ઠંડો ઠંડો પવન ને સમય છે સંધ્યાનો,
એ કાળ પૂર્ણ થયો સૂર્યની તપસ્યાનો.
ચમનમાં પક્ષીઓ ઝૂલી રહ્યાં છે હીંડોળે,
કંઈકે જાય છે માળા તરફ ઊડી ટોળે.
નમન કરીને જગતને રવિ સિધાવે છે,
કરીને મજદૂરી મજદૂર ઘેર આવે છે.

કરે ન ખર્ચ કરજના એ ધાકનો માર્યો,
મળ્યું તે ખાઈને સૂતો એ થાકનો માર્યો.
જગતનું દુખ બધું ભૂલી ગયો એ ક્ષણભરમાં,
ને રાત એની બની માતા એ તિમિરઘરમાં,

પરંતુ ક્યાં સુધી શ્રમજીવી લઈ શકે વિશ્રામ?
કે પળમાં થઈ ગઈ સ્વપ્ના સમી એ રાત તમામ!
જગાડવાને ઉષા આવી બાંગ પોકારી,
કહે છે રાત્રિ, ‘રે કોણ છે તું ગોઝારી?’
જગતનો ભાર ઉતારી મજૂર થાક્યો છે,
ઘડીક પોઢવા એ મારે ખોળે આવ્યો છે.
દિવસના તાપનો સંતાપ ને સિતમ કેવો?
હજી તો માંડ સૂકાયો છે એનો ૫રસેવો!

હું એને સ્વપ્નની દુનિયામાં લઈને જાઉં છું,
ઘુમાવી એને ગગનમાં અગન બુઝાવું છું.
જે અવયવોમાં હતું દુખ તે સર્વ સાજા છે,
હતો એ દિવસે મજદૂર, રાતે રાજા છે
પ્રભુ ન આજનો અંધાર મારો જાય કદી,
ન એ ઊઠે, ન જગતમાં સવાર થાય કદી.

કહ્યું પ્રભાતે કે, ‘ખોટી છે એ બધી ડંફાસ,
મેં જન્મ લીધો છે, આ તારા આખરી છે શ્વાસ.
હું આજ એને જગાડીશ જાગવા માટે,
જે એને લેવાનો હક છે તે માગવા માટે.
એ જાગશે તો જમાનાને જાગવું પડશે,
જગતથી જુલ્મ-અનિષ્ટોને ભાગવું પડશે.’

તે આંખ ચોળી, ફર્યો પાસું, જોશમાં આવ્યો,
જુઓ, તે ચેત્યો, તે ચમકયો, તે હોશમાં આવ્યો!
લ્યો ઈન્કિલાબની નોબત ફરીથી વાગે છે !
જગતના શોષકો ! ચેતો મજૂર જાગે છે !
૫-૬-૧૯૪૫