ગાતાં ઝરણાં/મન, ગાજે!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મન, ગાજે!


મન, ગાજે! મન, ગાજે! એક્ ગીત મધુરું આજે.
યુગયુગના વિનવેલ અતિથિ
આવ્યા તુજ દરવાજે,
મન, ગાજે! મન, ગાજે!...

ઝરણું ગાતાં, નદીઓ ગાતી; કોકિલ ગાતી કુંજે,
એવે ટાણે છાનાં રહેવું
આ૫ણને નહિ છાજે,
મન, ગાજે! મન, ગાજે!...

ચંદ્ર-સૂરજના મંજીરાઓ અળગા રહીને રણકે,
પૂરવ-પશ્ચિમની કરતાલો
દૂર રહીને બાજે,
મન, ગાજે! મન, ગાજે!...

ગીત સુણી નાસે અંધારાં, જીવન-જ્યોત પ્રકાશે,
ખુદ તારા ઉત્કર્ષને માટે,
મારી મુક્તિ કાજે,
મન, ગાજે! મન, ગાજે!...

રાત-દિવસ આ શ્વાસ-સિતારી સાજ સનાતન તારો,
સોહમ ગાતાં તાર તૂટે ત્યાં
હોંશે પોઢી જાજે,
મન, ગાજે! મન, ગાજે!...

૩૧-૮-૧૯૫૨