ગાતાં ઝરણાં/હાય શું થયું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હાય શું થયું?


દિલ દર્દથી ધરાઈ ગયું, હાય શું થયું?
દુખનું ગળું કપાઈ ગયું, હાય શું થયું?

પ્હેલો પ્રસંગ છે કે હૃદય આજ ગાય છે!
ભયમાં જીવન મૂકાઈ ગયું, હાય શું થયું?

આ બદનસીબ આંખ, આ ગોઝારું જાગરણ,
રજનિથી પણ રડાઈ ગયું, હાય શું થયું?

જ્વાળારૂપી જીવનની ઉપર જગનું સાંત્વન-,
વાયુ બનીને વાઈ ગયું, હાય શું થયું?

એકાંતમાં જઈને રડ્યો એ દુખે તો હું,
વાતાવરણ છવાઈ ગયું, હાય શું થયું?

આ હવે ગણાય છે એકાંતની પળો,
આખું ગગન ગણાઈ ગયું, હાય શું થયું?

ઊંડાણમાં હૃદયના તપાસી જુઓ ‘ગની’,
પાછું કવન રચાઈ ગયું, હાય શું થયું?

૧૦-૪-૧૯૫૨