ગામવટો/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગામવટો

(મણિલાલ હ. પટેલના ગ્રામચેતનાના નિબંધો)


સંપાદક
વીનેશ અંતાણી




ડિવાઇન પબ્લિકેશન્સ
અમદાવાદ


GAMVATO
(Manilal H. Patelna Gramchetanana Nibandho)
(A Collection of Essays)
Integrated by Vinesh Antani
Divine Publications, Ahmedabad
2013


નિબંધોના © મણિલાલ હ. પટેલ
સંપાદકીય © વીનેશ અંતાણી
પુસ્તકના © ડિવાઇન પબ્લિકેશન્સ


પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩
પ્રત : ૫૦૦

મૂલ્ય : રૂ ૧૦૦.૦૦

પ્રકાશક
ડિવાઇન પબ્લિકેશન્સ
૩૦, બીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ,
જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ,
અમદાવાદ–૩૮૦૦૦૧
ફોન : ૨૨૧૬૭૨૦૦, ૯૮૨૫૦ ૫૭૯૦૫
E–mail : divinebooksworld@gmail.com
Web. : www.divinepublications.org


ટાઇપ સેટિંગ : સ્ટાઇલસ ગ્રાફિક્સ, અમદાવાદ
મુદ્રણ : યુનિક ઑફસેટ, અમદાવાદ

નિવેદન

સર્જક મણિલાલ હ. પટેલ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં નિષ્ઠાપૂર્વક કામ કરે છે. મને શરૂઆતથી એમના નિબંધોમાં રસ પડતો રહ્યો છે. કૃષિપુત્ર તરીકે એમના લોહીમાં વણાયેલું ગ્રામજીવન એમના નિબંધોમાં જાતઅનુભવોની સાદ્યંત સચ્ચાઈ સાથે ન પ્રગટે તો જ નવાઈ. વર્ષોથી નગરજીવન સાથે જોડાવાનું બન્યું છતાં મણિલાલ પટેલમાંથી પેલો ગામડાનો જણ કદીયે અદૃશ્ય થયો નથી. ગામડાથી જેમ જેમ દૂર વસતા જવાનું બનતું ગયું તેમ તેમ ગ્રામજીવનનો ઝુરાપો વ્યક્તિ અને સર્જક મણિલાલમાં વધારેને વધારે દૃઢ થતો ગયો. સમયની સાથે ગામડાની બદલાતી–કથળતી જતી પરિસ્થિતિની પીડા એમનાં કાવ્યો અને કથાસર્જનમાં પણ દેખા દેતાં રહ્યાં છે. પરંતુ નિબંધોમાં તે બધુ જ પ્રચ્છન્નપણે અભિવ્યક થતું અનુભવાય છે. આમ પણ મણિલાલને નિબંધનું સ્વરૂપ સૌથી વધારે પ્રિય છે. થોડા સમય પહેલાં અમૃતભાઈ ચૌધરીએ એમની પ્રકાશન સંસ્થા ‘ડિવાઈન’ દ્વારા મણિલાલ હ. પટેલના ગ્રામજીવનને લગતા નિબંધોનું સંપાદન પ્રગટ ક૨વાની ઇચ્છા વ્યક્ત કરી અને તેનું સંપાદન હું કરું તેવું એમણે સૂચવ્યું ત્યારે મારા પ્રિય સર્જકની નિબંધસૃષ્ટિમાંથી ફરી એક વાર ખૂબ નજીકથી પસાર થવાના આનંદનો લાભ હું જતો કરી શકું તેમ નહોતો. મણિલાલભાઈએ એમના નિબંધોમાં ગ્રામજીવનનાં લગભગ બધાં જ પાસાને શબ્દરૂપ આપ્યું છે. આ સંપાદનમાં તે બધા જ પાસાનું અને મણિલાલની સર્જકતાનું પ્રતિનિધિત્વ કરે તેવા નિબંધોની પસંદગી કરવાનો પ્રયત્ન કર્યો છે. તે માટે જરૂર પડી ત્યાં મણિલાલભાઈની મદદ પણ મને મળી છે. એમણે પ્રસંગોપાત પોતાના નિબંધસર્જન વિશે લખેલી કેફિયતનો પણ આધાર મળ્યો છે. પ્રકાશક મિત્ર અમૃતભાઈએ મને ગમતા કામમાં જોડ્યો તે માટે હું એમનો આભાર માનુ છું. આશા છે કે ગુજરાતી નિબંધસાહિત્યમાં આગવી ભાત પાડતા આ નિબંધોનું ચયન ભાવકો–અભ્યાસીઓને ગમશે.

હૈદરાબાદ
– વીનેશ અંતાણી
 

મણિલાલ હ. પટેલની નિબંધસૃષ્ટિ

કવિ–વાર્તાકાર–નવલકથાકાર–વિવેચક મણિલાલ હ. પટેલની સર્જકતા એમના નિબંધોમાં વિશેષ ખીલી ઊઠી છે. તેઓ એમના ગ્રામજીવનના નિબંધોમાં સહજતા અને સરળતાથી વિહાર કરી શકે છે. એનું કારણ સ્પષ્ટ છે. ગ્રામજીવન સાથે એમની ચેતના, એમનું ભાવજગત – કહોને, એમનું સમગ્ર અસ્તિત્વ એકાકાર થયેલું છે. ગ્રામજીવન સાથે એમનો સંબંધ નાભિનાળનો છે. તેઓ તે વિશે નિબંધ લખે છે ત્યારે કશુંય બહારથી આરોપિત કે શિક્ષણ–અભ્યાસ દ્વારા થયેલું એમનું સંમાર્જન પ્રેરકબળ બનતું નથી. ગ્રામજીવનના નિબંધોનું સર્જન કરવું એમના માટે શ્વાસોચ્છ્વાસ લેવા જેવી સ્વાભાવિક પ્રવૃત્તિ છે. મણિલાલના નિબંધોની તળ ભૂમિને તપાસવા માટે એમના શબ્દો પાસે જવું પડે. એમણે ‘આડા ડુંગર ઊભી વાટ' નિબંધસંગ્રહમાં મૂકેલી નિબંધસર્જન વિશેની કેફિયતના આરંભે જણાવ્યું છે : ‘ચાર સાડા ચાર દાયકા પાછળ નજર કરું છું તો દેખાય છે, મહીસાગર કાંઠાનું એક ખોબા જેવડું અને અભાવગ્રસ્ત ગામ. માટીનાં નાળિયેર ઘરો; મોટાં ફળિયાં; જીવતા ત્રિભેટા અને ઊંડાં નેળિયાં; ખુલ્લું પાદર અને ખેતરાઉ સીમ તથા વૃક્ષાળ વગડો. ભાવભર્યાં મનેખ, નદીએ જતા નેળિયાને ધારે ડુંગરા એવડું ઘર છે – પછીતમાં જ ખેતર, ટેકરી અને પછી શરૂ થઈ જતાં મહીસાગર માતાનાં કોતરો – ઝાડીભર્યાં ખેતરો. ઉંમરા ને કણજીઓ, બાવળ, પીપળો અને આમલી, સમડી અને કંઠેજાળ. ગામમાં ઘરઆંગણે લીમડા ચામર ઢોળે, વાડામાં શિરીષના ઝાડવે પાપડા રણક્યા કરતા હોય. ડાંગર પરાળનાં કૂંધવાં જાણે તડકાના ઠારેલા ઢગલા; આંગણે ભેંસબળદનાં ધણ અને બધે જ કામ કરતી હસતી–હસાવતી બેન–દીકરીઓ – બા, ભાભીઓ અને કોઠાડાહ્યી ડોશીઓ ! તડકા–છાંયડાની જતી વેળાઓ અને ઋતુએ ઋતુએ કલરવતાં છાંડવે–છાડવી પંખીલોકની વ્હાલસોઈ સૃષ્ટિ... વર્ણવતાં પાર ન આવે ને ગણાવવા બેસીએ તો આપદાઓ કંઈ ઓછી નહીં. દુઃખનું ઓસડ દા'ડાઓ એમ માનતી ભાવુક/ભોળી પ્રજા. ‘કૂટકૂટ ખેતી' વચાળે વારતહેવારે કે ટાણા પ્રસંગે ઘૂમર માંડી ગાતાં અને મેળે/મેળાવડે મજા કરી લેતાં મનેખ – બધું જ દેખાય છે; એવું ને એવું જ...' વતન – ગામમાં રહેતાં રહેતાં અને ગામ છોડ્યા પછી નગરજીવનમાં ગોઠવાયેલા મણિલાલે એમની બહાર અને ભીતર જે સતત દેખાતું રહ્યું છે તેનું નિબંધોમાં નિરૂપણ કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં તદ્દન નવી જ ભાત પાડતા ગ્રામજીવન – ગ્રામચેતના – વિશેના નિબંધોનું સર્જન મણિલાલ માટે સ્વાભાવિક જ નહોતું, અનિવાર્ય પણ હતું. એમની બધા જ પ્રકારની સર્જનાત્મક રચનાઓનાં મૂળિયાં પણ એમના નિબંધોમાંથી જોઈ શકાશે. ગામડું અને તેની સાથે સંકળાયેલું બધું જ વ્યક્તિ અને સર્જક મણિલાલ માટે માત્ર વીતી ગયેલો ભૂતકાળ નથી, એ એમના ચિત્તમાં સચવાઈ રહેલો જીવતોજાગતો વર્તમાન છે. જે ઉચ્છેદાઈ ગયું છે, જે લગભગ ભૂંસાઈ ગયું છે, તે બધું જ એમની ચેતનામાં રસાઈ ગયું છે. એમણે કહ્યું છે : ‘મારામાં ગામ હજી અકબંધ છે.’ તેથી જ તેઓ ગ્રામજીવનનાં વિવિધ – સમગ્ર – પાસાંને આલેખવા માટે નિબંધોનું સર્જન કરતા રહ્યા છે. સર્જક મણિલાલે નિબંધોનું સર્જન કર્યું તો નિબંધોએ વ્યક્તિ મણિલાલને ઘડ્યા. તેઓ કહે છે : ‘.... જીવનનાં નકરાં સત્યોની મોઢામોઢ થયો તેય આ નિબંધોમાં.’

*

મણિલાલ હ. પટેલનો જન્મ ૧૯૪૯માં પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના એક ગામ મોટાપલ્લામાં થયો. ચાલીસ–પચાસ ઘરનું નાનકડું ગામ. મણિલાલને છેક નાનપણથી જીવનની કવડી વાસ્તવિકતાઓ સમજવાનો વારો આવે છે. કડક સ્વભાવના બાપુજી અને નરી મમતાની મૂર્તિસમી મા તથા ભાઈઓ–બહેનોના કુટુંબમાં તેઓનું બાળપણ અને કિશોરાવસ્થા અભાવો અને વેદનાની વચ્ચે પસાર થાય છે. નાનપણથી જ સ્નેહીજનોનાં મૃત્યુની પીડા છાતીમાં ભરાતી રહે છે. માતા જીજીના વસમા જીવનના સાક્ષી મણિલાલ પર માતાની અમીટ છાપ પડેલી છે. બધાં એમને જીજી કહીને બોલાવે. માતાનું જીવંત રેખાચિત્ર દોરતા નિબંધ ‘જીજી’માં મણિલાલે માને આ રીતે યાદ કરી છેઃ ‘હસે તો વ્હાલી લાગે, જોકે હસવાનું એને નસીબ ન્હોતું ને કદીક હસેય એમાં પ્રસન્નતાની ચોકી ક૨તી ઉદાસી કળાય. માત્ર સંતાનસુખ પામેલી જીજીના આ સુખને દુઃખનો કાયમી પહેરો હતો. કૈં કેટલાય જીવનસંતાપો અને કાયામાં ન પરખાતો રોગ... જીજીને પડછાયાની જેમ પળોજણો વળગેલી રહેતી. જીજી એને પાળ્યાપંપાળ્યા વિના અને કાકાનાં (અમે બાપુજીને કાકા કહીએ છે) સ્નેહ કાળજીની જરાય આશા વિના પોતાનાં નિત્યકર્મો કર્યા કરતી. નીચી નોડે કામ કરવું એ જ જાણે એનો જીવનધર્મ હતો.’ માંદી રહેતી માને સાજી કરવાના પ્રયત્નરૂપે અંધશ્રદ્ધાથી ભરેલી ઉપચારપદ્ધતિ પણ મણિલાલે જોઈ હતી. ‘રાતે ભૂવા ધૂણે, ધગધગતી સાંકળો જોઈને જીજી ચીસ પાડે. કાકાનેય પૂર્વજ રમે. અમે ઊંઘમાંથી જાગી જઈએ તોય ઢબૂરી દેવામાં આવે. સવારે જીજીના ડિલે ડામ પડ્યા હોય ફોલ્લા.' એક વા૨ મહીસાગરના કાંઠે આવેલા કારંટા ગામમાં પીરની દરગાહમાં જીજીની સારવાર ચાલતી હતી તે વેળા મણિલાલે સા૨વા૨ના નામે મા સાથે જે બનતું હતું તે નજરે જોયું હતું. ત્યાંનું ભયાનક વાતાવરણ આલેખતાં તેઓ લખે છે : ‘હું તો ડરી ગયેલો – અવાક. જીજી આસોપાલવના થડમાં હાથ જોડીને બેઠી હતી. પીર વારે વારે ઘોડો ને કાકળો વાળતા, પણ જીજી તો શાંત ! જાણે એના ચહેરા પર કોઈ જ ભાવ નહીં – જીવવાની કશી ઝંખના જ નહીં! મને ભાળીને સહેજ હેબતાઈ ગયેલી! મને થયેલું કે જીજીને અહીંથી લઈ જાઉં – પાછી ઘરે, નહીં તો જીજી કદી પાછી નહીં આવે!' અંધારિયા મુલકના સમાજજીવનની અને કૌટુંબિક વ્યથા–વેદનાની કદીય ભૂંસાય નહીં તેવી ગાઢ અસર બાળક–કિશોર મણિલાલના ચિત્ત પર પડતી રહી. તેની વચ્ચે રામી મા જેવાં માતાતુલ્ય કાકીનો સ્નેહ એમના અંતરને ભર્યુંભર્યું રાખે છે. ઘ૨ના સંજોગોને લીધે મણિલાલ નાની વયથી પોતાનાં કામ જાતે કરતા થઈ જાય છે. માતાની ગેરહાજરીમાં અને કઠોર પિતાની હાજરીમાં ભાંડરુઓ અને ઘરકામની જવાબદારીનો બોજ ઉપાડી ‘કાચી વયેય કામગરા રહેલા’ મણિલાલના ચિત્તમાં આજુબાજુ જીવતાં લોકો અને સમાજજીવનનાં અનેક ચિત્રો અંકાતાં જાય છે. બાળપણ–તરુણાવસ્થાના ‘ફળફળતા અનુભવો’થી નાની વયે જ પરિપક્વ થવા લાગેલા મણિલાલને આવી કઠોરતાઓ વાસ્તવ સાથે જોડી રાખવા ઉપરાંત વિપદાઓમાંથી માર્ગ કાઢવાની સૂઝ આપે છે. તેઓ પાંચમાંથી અગિયાર ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા માટે બાજુને ગામ મધવાસ આવ–જા કરવા લાગે છે. ઘરકામની સાથે ખેતરકામ પણ ઉમેરાય છે. પ્રકૃતિ સાથેનો સંબંધ બંધાવો શરૂ થઈ જાય છે. તેઓ લખે છે : ‘ઘરની ભાવસંકડામણમાંથી મોકો મળતાં કિશોર મણિલાલ નદી–ડુંગર, સીમ–વગડો વહાલાં કરે છે. એનો જીવ ઝાડવાંને છાંયડે ઠરે છે. પ્રકૃતિ તરફનું ખેંચાણ કલાપી–કાન્ત આદિનાં કાવ્યવાચનથી પોષાતું રહે છે. ખેતરોની ખેડાયેલી ભરભરી માટીમાં માનો વહાલકુડો સ્પર્શ પમાય છે. અંકુરિત થતાં બીજ અને લચી પડતા મોલ, વૃક્ષો પર આવતી અને ફૂલતી–ફળતી ઋતુઓ, ઊતરતે ચોમાસે સોનાવરણી થતી સીમ અને વઢાતાં ખેતરોમાં રેલાતા તડકા–છાંયા, ગામ–સીમ પર લીંપાતાં અંધારાં અને દૂધમલ ચાંદની, ઉનાળે ધૂળ ઉરાડતા વંટોળિયા અને વરસાદની વાટ જોતાં તરસ્યાં ખેતરો...’ મણિલાલ દ્વારા ભવિષ્યમાં લખાનારા નિબંધોનાં બીજ રોપાતાં જાય છે. સમાંતરે તેઓ સાહિત્યના સંપર્કમાં મુકાય રહે છે. તે સમય દરમિયાન એમને જૂની રંગભૂમિનાં ‘નાટકોનો નેડો’ લાગે છે. લુણાવાડામાં નાટકો ભજવવા આવતી નાટક કંપનીઓનાં નાટકો જોવા તેઓ પગે જતા–આવતા. વધતી જતી વાચનભૂખને સંતોષવા માટે એમણે પોતાના ગામમાં નાટક ભજવીને થોડા રૂપિયા ભેગા કરી લાઇબ્રેરી શરૂ કરી હતી. ત્યાર પછી શરૂ થાય છે મોડાસા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો તબક્કો. આ સમય દરમિયાન એમની સાહિત્ય વિશેની સમજ પાકટ બનવા લાગે છે. પોતાનો શબ્દ પાડવાની દિશા પણ ખૂલવા લાગે છે. તેઓ ૧૯૭૩માં કૉલેજમાં અધ્યાપક તરીકે ઈડ૨ જાય છે. ‘ઈડરનો પહાડી પ્રદેશ – એનાં, ત્યાંનાં ભરચક ચોમાસાં, ઉમાશંક૨–પન્નાલાલની ભણતર/ઘડત૨ ભૂમિને પામ્યાનો રોમાંચ, ઈડરનાં પૂર્વોત્તર પહાડી વનો તથા જનવન પ્રદેશ – ઇત્યાદિ’ મણિલાલના સર્જકચિત્તને જુદી જ ભૂમિકા પૂરી પાડે છે. તે વર્ષોમાં એમણે સર્જનાત્મક ગદ્યખંડોમાં પ્રકૃતિ–આલેખન પ્રારંભ્યું હતું. ઈડર અને તેની આજુબાજુના પરિવેશથી તરબોળ થયેલા મણિલાલને પોતાનું સાહિત્યસ્વરૂપ જડી આવે છે. તેઓ પ્રકૃતિનાં અવનવાં રૂપોથી સુગંધિત નિબંધોનું સર્જન ક૨વા લાગે છે. પ્રથમ નિબંધસંગ્રહ ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે'ના પ્રકાશન સાથે નિબંધકાર મણિલાલ હ. પટેલની સર્જનશક્તિઓ ૫૨ સજ્જ ભાવકોનું ધ્યાન સ્થિર થાય છે. નિબંધસર્જન સંદર્ભે મણિલાલ કોઈ પણ જાગ્રત સર્જક માટે જરૂરી એવી જાતતપાસ આદરે છે. એમણે કહ્યું છે : ‘પોતાની અનુભવભૂમિ પરખાયા પછી પણ સર્જકે એની અભિવ્યક્તિની આગવી મુદ્રા રચી આપવાની રહે છે – પ્રત્યેક સ્વરૂપની આ માગણી છે.' નિબંધલેખનના આરંભના એ સમયમાં જાણેઅજાણે આવી જતાં પ્રભાવોમાંથી છૂટવાની અને પોતાનો ગદ્ય મરોડ નિપજાવવાની ખાસ્સી મથામણ મણિલાલે કરી છે. નિબંધ સંદર્ભે એક બહુ જ જરૂરી સમજ એમનામાં દૃઢ થવા લાગે છે કે ‘નિબંધો, છેવટે તો એના લખનારની જીવનદૃષ્ટિને તથા એના સમૃદ્ધ જીવનરસને ચીંધે છે.’ આ સમજ જેમ જેમ વધારે પુખ્ત થતી જાય છે તેમ તેમ મણિલાલના નિબંધોમાં પ્રકૃતિ અને જીવનને સમાંતરે પારખવાની અને તેને અભિવ્યક્ત કરવાની વિદગ્ધતા વિકસવા લાગે છે. એમના નિબંધો 'કલ્પનાથી વાસ્તવાલેખન તરફ, વ્યથાસંવેદનથી જીવનવિચા૨ તરફ’ વળતા જોઈ શકાય છે. ૧૯૮૭માં મણિલાલ ઈડર છોડીને વલ્લભવિદ્યાનગરમાં વસવાટ કરવા આવે છે. તે સાથે જ એમનો ગ્રામજીવન અને વન–ડુંગરા સાથેના પ્રત્યક્ષ સંબંધનો તબક્કો પૂરો થાય છે. ગામડાનો જીવ નગરજીવન સાથે મેળ પાડવા મથે છે, પરંતુ એમને લાગે છે કે કશુંક એમનામાંથી ઉતરડાઈને અલગ થઈ રહ્યું છે. ગ્રામજીવનના ઝુરાપાની શરૂઆત થઈ જાય છે. આ ઝુરાપો મણિલાલની સંવેદનાની ધારને વધારે તીક્ષ્ણ બનાવે છે. તેઓ તળ અને વાસ્તવને નવેસરથી ઓળખવા માંડે છે. સર્જકનું સંવેદનશીલ મન વિચ્છેદમાંથી અનુસંધાન શોધવા મથે છે ખરું, પરંતુ જેનાથી તેઓ ઉચ્છેદાઈ ચૂક્યા છે તે વિશેનો વિષાદ ઘેરો ને ઘેરો બનતો જાય છે. ‘ગામ છેટું પડી ગયું છે' નિબંધમાં આ વિષાદ તીવ્રપણે પ્રગટે છે : ‘... ક્ષણવાર માટે થાય છે કે અરે! હું અહીં ક્યાં આવી ચડ્યો? આ પરાયો દેશ, આ બીજો મુલક; અહીં હું જન્મ્યો નહોતો! હું જે શેરી–ફળિયામાં રમ્યો હતો તે આ નથી! અહીં મારું અસલ ઘર નથી, મૂળ ગામ નથી; પેલાં વ્હાલસોયાં–લડતાં તોય ગમતાં સ્વજનો અહીં ક્યાં છે? પેલાં ઝાડવાં, પેલો કૂવો, પેલી સીમ, એ નદી, એ તળાવ અને સીમ–વગડો તથા નિત્ય બોલાવતો ડુંગર ક્યાં છે? પેલી ઋતુઓ એમનાં વસ્ત્રો ફરફરાવતી આવતી અને તમને ન્યાલ કરી દેતી હતી તે હવે અહીં નથી જ નથી !... તમને અચાનક થાય છે કે તમે તમને પોતાને જ મળી શકતા નથી...’ નગરમાં આવી ચઢ્યા પછી વેધક બનતી જતી એકલવાયાપણાની – બહારની વ્યક્તિ હોવાની – પોતાને પણ ન મળી શકવાની – વેદના વેધક બનવા લાગે છે. એમને લાગે છે કે તેઓ નગરજીવનની વચ્ચે દૂર દેશના કોઈ અજાણ્યા ને એકલવાયા ઝાડ જેવા બની ગયા છે. નગરજીવનની ઋતુઓ, વૃક્ષ–ફૂલોની સાથે ગામડા–ડુંગરા–વનમાં અનુભવી શકાતી તેવી એકાત્મતાની લાગણી અનુભવી શકાતી નથી. એક તરફ નગરજીવન સાથે ઓતપ્રોત ન થઈ શકવાની વેદના છે તો બીજી તરફ નિજના મુલકમાં પાછા ન જઈ શકવાની પરિસ્થિતિની વિડંબના એમને અકળાવે છે. મૂળથી વિખૂટા પડી ગયાની વેદનાને મણિલાલ ‘માટીવટો’ જેવું નામ આપે છે, જેમાં ‘દેશવટા’ પછી અનુભવાતી તીવ્ર પીડા પ્રચ્છન્ન રીતે પ્રગટ થાય છે. ગામડાથી દૂર આવી ગયા પછી ગામડાના જીવ એવા સર્જકને ગામડાની ભૂંસાતી જતી ઓળખ વધારે સ્પષ્ટ દેખાવા લાગે છે. શહેરીજીવનની આંચથી બદલાવા લાગેલાં ગામડાં માત્ર ભૌગોલિક રીતે કે બાહ્ય પરિવેશની દૃષ્ટિએ જ બદલાયાં નથી, એની ભીતરનું પણ ઘણું બધું બદલાયું છે. મણિલાલને પ્રતીત થવા લાગે છે કે ગામડામાં આવી ગયેલું આ પરિવર્તન તેનું અંદર–બહારથી પૂરેપૂરું ભૂંસાઈ જવું છે. આ ‘ભૂંસાઈ જવું' મણિલાલના નિબંધોનો કેન્દ્રસ્થ ભાવ બને છે અને એમના નિબંધોમાં નવું જ પરિમાણ ઊપસી આવે છે. ગુજરાતી નિબંધમાં અતીતરાગ નવી વાત નથી. પણ મણિલાલનો અતીતરાગ એમની અંગત સ્મૃતિઓની સીમામાંથી બહાર નીકળીને એક સમયે જેને જીવતીજાગતી, સતત ધબકતી, અનુભવી હતી તે ગ્રામચેતનાના વિલીનીકરણની કારમી વાસ્તવિકતા સાથે જોડાઈ જાય છે. એમને ગામડાંની ભૂંસાતી લોકસંસ્કૃતિનાં દરેક પાસાંનો અભાવ ખટકવા લાગે છે. તેઓ તે વિશે માત્ર વેદના અનુભવીને અટકી જવા માગતા નથી, જે ભૂંસાઈ જવા આવ્યું છે તેને શબ્દોમાં સાચવી લેવાનો ભરચક–પ્રામાણિક–પ્રયત્ન આદરે છે. તેઓ ગામડું, ગામડાંનાં કેટલાંય વિશિષ્ટ સ્થળો, સાધનો અને ચીજવસ્તુઓ વિશે આગવા નિબંધોનું સર્જન કરીને લુપ્ત થઈ રહેલી વિશિષ્ટ સભ્યતાનું જીવંત દસ્તાવેજીકરણ કરી આપે છે. જનજીવન સાથે એક થઈ ગયેલા લોકસંગીતને તેઓ યાદ કરે છે. ગ્રામબોલીના ભુલાઈ ચૂકેલા કેટલાય શબ્દપ્રયોગો એમના નિબંધોમાં પુનઃધબકી ઊઠે છે. કૃષિજીવન સાથેનો અંગત સંબંધ તે વિશેના વિશિષ્ટ નિબંધ લખાવે છે. ગામડાના વારતહેવારો, સામાજિક વિધિવિધાનો વિશે તેઓ સમગ્રલક્ષી ચિત્ર દોરી આપે છે. આ બધું માત્ર વિગતો જ અંકે કરી આપતી શુષ્કતા સાથે થયેલું નથી, તેમાં સર્જનાત્મકતા, ઊર્મિઉછાળ, સંવેદનાત્મકતાનાં વિધવિધ પાસાંઓ સમ્મિલિત થતાં જાય છે – અને તે રીતે આપણને મળે છે લલિત નિબંધોની કેટલીય નમૂનેદાર રચનાઓ. આ પ્રકારના નિબંધો મણિલાલ હ. પટેલે ગુજરાતી નિબંધસાહિત્યને કરેલું મહત્ત્વનું અને આગવું પ્રદાન છે. તેઓ જુદાં જુદાં નિમિત્તે ઓરિસા–બંગાળ અને વિલાયતના પ્રવાસે જાય છે. પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો, એમની સર્જકદૃષ્ટિએ દેખાયેલું બીજા પ્રાંતોનું સમાજજીવન, ત્યાંની સંસ્કૃતિ વગેરે એમના પ્રવાસનિબંધોમાં વ્યક્ત થાય છે. મણિલાલ જેવા પ્રકૃતિપ્રેમીની નજરમાંથી પરપ્રાંતનો પ્રકૃતિ–પરિવેશ પણ છૂપો રહી જ શકે નહીં. મણિલાલ ચરિત્રાત્મક નિબંધોનું સર્જન કરતા રહ્યા છે. તે પણ એમની સાથે જોડાયેલી સ્વાભાવિક પ્રક્રિયા છે. ગામડામાં રહીને તેઓ કેટલીય વિશિષ્ટ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. તેઓ એમની સાથે લોહીના સંબંધે અભિન્નપણે જોડાયેલી વ્યક્તિઓનાં ચરિત્રો તો આલેખે જ, મોતીકાકા અને ખુશાલકાકા જેવા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ‘માણસો’નાં સુરેખ રેખાચિત્રો પણ તેઓ દોરી આપે છે. એમના ચરિત્રનિબંધોમાં ‘સગાંવહાલાંની વ્યથાવેદનાઓ સાથે પૂર્વોત્તર પંચમહાલના ગ્રામીણ સમાજનો એક જીવતોજાગતો ઇલાકો પણ આંખ સામે તાદૃશ’ થઈ ઊઠે છે. ડુંગરની ધાર પર આવેલા ખોબા જેવડા ઘ૨–ખેતરની ભૂમિમાંથી બહા૨ નીકળીને નગરજીવનની વચ્ચે મુકાયેલા મણિલાલ હ. પટેલના નિબંધોમાંથી એમની જીવનયાત્રાનાં કેટલાંય પગલાં જોઈ શકાય છે. એક વ્યક્તિ તરીકે એમનું બનતા જવું પણ એમના નિબંધોમાં શબ્દસ્થ થતું રહ્યું છે. સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેલા આ સર્જક માટે નિબંધનું સ્વરૂપ એમનો પોતાનો મુલક બની ગયું છે. નિબંધોએ એમને ઘડ્યા છે અને સાહિત્યસર્જનમાં સ્થિર કર્યા છે. એમણે પ્રકૃતિને પ્રેયસીની જેમ ચાહી છે. નિબંધો સમક્ષ તેઓ જાણે પૂરેપૂરા અનાવૃત થયા છે. નથી એમણે નિબંધો પાસે કશું છુપાવ્યું, નથી એમનાં નિબંધોએ એમની પાસે કશું છુપાવ્યું.

*

મણિલાલ (જૂના) ૧૧મા ધોરણમાં ભણતા હતા તે વખતે પ્રિલિમ પરીક્ષાના ગુજરાતીના પેપરમાં એમણે ‘વર્ષાની એક સાંજ' વિષય પર નિબંધ લખ્યો હતો. તે સમયે તટસ્થ પરીક્ષણ થાય તે માટે ઉત્તરવહીઓ બાજુની હાઈસ્કૂલમાં મોકલવામાં આવતી. મણિલાલે પરીક્ષાના ભાગરૂપે લખેલો નિબંધ વાંચીને લિમડિયા હાઈસ્કૂલના આચાર્યે જણાવ્યું હતું : ‘અમે આ વિદ્યાર્થીના ગુજરાતી વિષયના ઉત્તર પેપરમાં લખેલો નિબંધ ‘વર્ષાની એક સાંજ’ અમારા બધા વર્ગોમાં વાંચી સંભળાવ્યો છે – તમે પણ તેમ કરો તો સારું; નિબંધ બહુ કલ્પનાશીલ રીતે લખાયેલો છે...’ આ વાત જાણે મણિલાલ દ્વારા ભવિષ્યમાં લખાનારા સર્જનાત્મક નિબંધો માટેની ભવિષ્યવાણી હતી. એવું જ બીજું એક સંભારણું મણિલાલે નોંધ્યું છે. થોડાં વરસો ઈડરના પહાડો અને ત્યાંના જનવન વચ્ચે વિતાવ્યા પછી તેઓ વલ્લભવિદ્યાનગરમાં વસવાટ શરૂ કરે છે ત્યારે ઉમાશંકર જેવા વિદગ્ધ સર્જકે એમને જણાવ્યું હતું : ‘તમે ઈડરિયો મલક છોડી જશો, પણ એ એમ છૂટશે નહીં. એનું ખરું સંધાન તો હવે પછી અનુભવાશે...’ ઉમાશંકરભાઈએ સ્નેહપૂર્વક કરેલી આ ભવિષ્યવાણી પણ સાચી પડી છે. મણિલાલના ચિત્તમાંથી ગ્રામજીવન, ખેતર–ફળિયાં–ઝાડ–ઝાડવાં–પંખીઓ, રૂપ બદલતી ઋતુઓ, ગામડાંનાં ભાવભર્યાં માનવીઓ ક્યાંય દૂર ખસ્યાં નથી. બલકે તે બધાંની સાથેનું ‘ખરું સંધાન' સતત વધતું રહ્યું છે. અતીત બની ગયેલા સમયનો ભર્યોભાદર્યો સંસાર એમના સર્જનના કેન્દ્રમાં રહ્યો છે. નિબંધો લખતાં લખતાં તેઓ તેના સ્વરૂપને વધારે ને વધારે સમજવાનો અને નિકટતાથી પામવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. નિબંધમાં રહેલી સ્વૈરવિહાર કરવાની મોકળાશને મણિલાલે છૂટથી માણી છે. એમણે નિબંધસર્જનની પ્રક્રિયાને પતંગ ચગાવવાની પ્રક્રિયા સાથે સરખાવી છે, ‘કિન્ન બરાબર બંધાય પછી દોરી છોડવાની, ખેંચવાની ને પાછી ઢીલ મૂકવાની, હવા વચ્ચે એને સ્થિર કરવાનો, જરાક ગુંલાટ ખવડાવી પેચ પણ લેવાનો...’ એમણે નિબંધસ્વરૂપની નિર્બંધતામાંય એક ભાત જોઈ છે અને એ ભાતને વિવિધ તરાહોથી ગૂંથતા જઈને એમણે એમના નિબંધોને રૂપ–આકાર આપવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કર્યો છે. તેઓ પોતાનો આગવો ગદ્યમરોડ નિપજાવી નિજી મુદ્રા ઉપસાવવા માટે સતત જાગ્રત રહ્યા છે. એમણે નિબંધોમાં જીવનરસ અને જીવનદૃષ્ટિને છેહ આપ્યો નથી. નિબંધકાર મણિલાલ હ. પટેલ પ્રકૃતિ અને જીવન બંનેને ઝીણવટથી નીરખતા રહ્યા છે અને તેનું સર્જક માટે જરૂરી એવી નિસબત સાથે સાતત્યપૂર્વક આલેખન કરતા રહ્યા છે.

*

મણિલાલ હ. પટેલનો પ્રથમ નિબંધસંગ્રહ ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે.' ૧૯૮૫માં પ્રગટ થયો. તેમાં ઈડર વિસ્તારના પહાડોનો પરિસર છે, વન અને ઋતુઓનું આકર્ષણ છે તથા પ્રકૃતિના રહસ્યલોકને વધાર ને વધારે પામવાની તીવ્રતા છે. નિબંધસંગ્રહ ‘કોઈ સાદ પાડે છે'માં ‘જવનિકા', ‘નિસબત’, ‘હારાકીરી’ જેવા ચિંતનાત્મક નિબંધો મળે છે. તેની સાથે પ્રકૃતિપ્રેમ, વિવિધ ઋતુઓ પ્રત્યેનો અનુરાગ, ન ભુલાયેલા વતનની સ્મૃતિઓ તેમ જ બાળપણની કેટલીય યાદોનું સર્જનાત્મક શૈલીમાં આલેખન કરતાં નિબંધો મળે છે. એમણે કેટલાક સાહિત્યકારોના વતનની લીધેલી મુલાકાત એમની પાસે નિબંધોનું સર્જન કરાવે છે. ‘કોઈ સાદ પાડે છે'ના નિબંધોની તપાસ કરતાં ડૉ. દીપક રાવલે નિરીક્ષણ કર્યું છે : ‘અગાઉના નિબંધસંગ્રહો કરતાં અહીં મણિલાલનું ગદ્ય વધુ પરિપકવ પ્રતીત થાય છે. પ્રથમ નિબંધસંગ્રહમાં જે ઉત્કટ આરણ્યક આવેગ હતો તે જરા ઠરેલ બન્યો જણાય છે. વિચાર તેમ જ ચિંતન અહીં ભળ્યાં છે.’ ત્યાર પછીના નિબંધસંગ્રહ ‘માટીવટો'માં લેખકના જીવન અને મન પર અમીટ છાપ છોડી ગયેલી વ્યક્તિઓનાં જીવંત અને હૃદયસ્પર્શી ચરિત્રાત્મક રેખાચિત્રોની સાથે શૈશવ–ગામ– વતન તરફનો અતીતરાગ પ્રબળપણે વાચા પામે છે. ભાંગતાં ગામડાનાં જોઈને એમનો વિષાદ ઘેરો બનતો જાય છે. સમયની સાથે બદલાતી જતી સાંસ્કૃતિક અને સામાજિક પરિસ્થિતિઓની કડવી વાસ્તવિકતા એમને અકળાવે છે. એક સમયે ગ્રામજીવન સાથે જે કંઈ સહજતાથી જોડાયેલું હતું તે બધું જ નવા જમાનાની અસરમાં લુપ્ત થવા લાગ્યું છે તે કઠોર વાસ્તવિકતા એમની સામે ઊઘડતી જાય છે. કહી શકાય કે ‘ભૂંસાતાં ગ્રામચિત્રો'ના નિબંધોની ભૂમિકા અહીંથી સ્પષ્ટ બનવા લાગે છે. ‘વૃક્ષાલોક’ના નિબંધોમાં મણિલાલનો વૃક્ષપ્રેમ તારસ્વરે પ્રગટ થયો છે. પ્રકૃતિ અને ગ્રામપરિસર ઉપર થયેલા યંત્રસંસ્કૃતિના આક્રમણથી વિક્ષુબ્ધ સર્જકનું સંવેદનાશીલ ચિત્ત ‘વૃક્ષો જ સાચાં સ્વજનો છે.' જેવો ભાવ અનુભવે છે. અને એમના ‘તરુરાગ’ને આ નિબંધસંગ્રહના નિબંધો સુપેરે પ્રગટ કરે છે. ‘માટીનાં મનેખ’ નિબંધસંગ્રહમાં ચરિત્રલેખોનું સર્જન થયું છે. નિબંધકાર તરીકે મણિલાલને સૌથી વિશેષ યશ અને કીર્તિ અપાવનાર નિબંધસંગ્રહ ‘ભૂંસાતાં ગ્રામચિત્રો' વર્ષ ૨૦૦૦માં પ્રગટ થયા છે. આ સંગ્રહોમાં મણિલાલે બદલતા સમયની સાથે ભૂંસાતી જતી ગ્રામસંસ્કૃતિનું દસ્તાવેજીકરણ કરી આપ્યું છે એક સમયે તેઓ જે સંસ્કૃતિ, જે સમાજજીવન, જે લોક, જે પ્રકૃતિ સાથે ઓતપ્રોત બનીને જીવતા હતા તે બધું જ હવે ભૂતકાળ બની જવા લાગ્યું છે. તે વિશેની પીડા આ નિબંધોમાં પ્રગટ થઈ છે. ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’ને મણિલાલે ‘એકવીસમી સદીમાં વાંચવાનું પુસ્તક' કહ્યું છે. સાહિત્યના અભ્યાસીઓએ ‘ભૂંસાતાં ગ્રામચિત્રો'ના નિબંધોને જુદી જુદી રીતે તપાસ્યા છે તો વાંચકોને આ નિબંધો એમનાં મૂળિયાં સુધી લઈ ગયા છે. ખાસ કરીને પોતાનાં વતન–ગામ–દેશથી દૂર થઈ વિદેશમાં વસતા કેટલાય ગુજરાતીઓનાં મન પર એની ઊંડી અસર થયેલી જોવા મળી છે. ‘મલકની માયા'ના નિબંધોમાં જે છૂટી ગયું છે તેનો વસવસો અને ઝુરાપાનો ભાવ કાયમ રહે છે, તો ‘વેળા વેળાની વાત'ના નિબંધોમાં એમણે ગ્રામજીવનની સાથે અનિવાર્યપણે સંકળાયેલી અને હવે અદૃશ્ય થવા લાગેલી ચીજવસ્તુઓ–સાધનો–સ્થળોને શબ્દોમાં સાચવી લીધાં છે. ‘જૂની જણસનું જતન’ જેવા આ નિબંધોને રઘુવીર ચૌધરી ‘વિદાય થતી વસ્તુઓનો નાનકડો મેળાવડો’ કહે છે. ત્યાર પછી પ્રગટ થયેલા નિબંધસંગ્રહ ‘આડા ડુંગર ઊભી વાટ'ના નિબંધોમાં પણ છેટાં પડી ગયેલા ગામડાં માટેનો તલસાટ વિવિધ સંવેદના સાથે સર્જનાત્મક આકાર પામ્યો છે. ૨૦૧૦માં પ્રગટ થયેલા નિબંધસંગ્રહ ‘ધૂળમાં ઊડતો મેવાડ'માં એમણે પ્રવાસનિબંધોનું સંકલન કર્યું છે, જેમાં પ્રવાસસ્થળોનાં શબ્દચિત્રોની સાથે ત્યાંના ઇતિહાસની વિગતો પણ વણાતી રહી છે. આ પ્રવાસનિબંધોને એમની સર્જનાત્મકતાનો લાભ મળ્યો છે.

*

આ સંપાદન માટે મણિલાલની ભાતીગળ નિબંધસૃષ્ટિમાંથી પચીસ નિબંધો પસંદ કર્યા છે. પ્રથમ નિબંધ ‘ગામ'ના આરંભમાં લેખક કહે છે : ‘ત્યારે તો ગામનો ગજવામાં ઘાલીને ફરતા.' નિબંધના આરંભે જ ‘ત્યાર’ અને ‘અત્યાર’ વચ્ચેના ભેદની ભૂમિકા રચાઈ જાય છે. વરસો પછી પોતાના ગામમાં પ્રવેશ કરતાંની સાથે શું બને છે? ‘ગામમાં પહોંચીએ ને તરત જ આપણે એની માટી જેવાં માટીનાં મનેખ જેવાં થઈ જઈએ છીએ.’ આ એવું સ્થળ છે, જ્યાં નાગરી શિષ્ટતાનાં આવરણો ખસી જાય છે. લોન્ગ શોટમાં ગામ ૫૨ નજ૨ પડતાંની સાથે જ એક સમયનું પોતાનું ગામ ક્યાંક ખોવાઈ ગયું છે તેનો વિષાદ લેખકને ઘેરી વળે છે. આંખ સામે ગામનું બદલાયેલું રૂપ છે અને મનમાં તે ગામ એક સમયે જેવું હતું તેની સ્મૃતિઓ છે. સમયની સાથે જે વિલુપ્ત થઈ ગયું છે, લોકજીવનમાં જે ફેરફારો આવ્યા છે તે બધું જ ઝેર જેવું લાગવા માંડે છે. જે ગામને ગજવામાં ઘાલીને ફરતા તે ગામની કડવી–વરવી વાસ્તવિકતા જીરવી શકાતી નથી. બધું જ અસહ્ય બની ઊઠે છે ત્યારે સર્જક લગભગ ચીસ પાડી ઊઠે છે : ‘હે આથમવા જતી વીસમી સદી! મને આપી શકે તો મારું ગામ –હતું એ વું અસલ ગામ – પાછું આપતી જા !' બીજો નિબંધ ‘ઘર’ વાંચતાં સમજાય છે કે નગરજીવનની સુખસગવડો અને આધુનિક જીવનશૈલીની વચ્ચે પણ લેખકને એક સમયના ગામડાના ઘરનું સુખ હજાર ઘણું સારું લાગે છે. નિબંધકારનો કૅમેરા સ્મૃતિશેષ બની ગયેલા ઘરના ખૂણેખૂણે ફરી વળે છે. તેઓ કશુંય બતાવવાનું ચૂકતા નથી, કારણ કે ઘર વિશેનું કશુંય એમના ચિત્તમાંથી ભૂંસાયું નથી – ન્હાવાનો પથ્થર અને ઢોરને બાંધવાની ગમાણ સુધ્ધાં યાદ છે. માત્ર પોતાનું જ ઘર નહીં, ગામ આખાંનાં ઘરોનો પરિવેશ એમને યાદ છે : ‘અમારાં ગામડાંમાં માઢ–મેડીઓ ન મળે. ન મળે સાંકડી શેરીઓની સંકડાશ કે પાસેપાસે વસેલાં ફળિયાંની ગીચતા પણ ન મળે. અમારાં ગામડાંને ન તો ખડકીઓ હોય, ડેલીઓ હોય કે ન ચણ્યા હોય કોટકાંગરા. બધી ખુલ્લાશ...’ પછી તરત જ સર્જક આ મોકળાશને ગામડાના લોકોના મનની મોકળાશ સાથે જોડી આપે છે. એ ઘરોમાં માત્ર હયાત વ્યક્તિઓ જ રહેતી નહોતી, ‘ત્યાં પૂર્વજો રહે ને ભૂતવંતરાં' પણ રહે. ઘરની ચીજવસ્તુઓ, વલોણાની નંદવાયેલી મોટી ગોળી, પતરાંની પેટી, જૂનાં લૂગડાં અને બાપાની થોડીક ચોપડીઓ... જૂના અવાજો સ્મૃતિમાં પડઘાય છે : બાપાને પૂર્વજ આવ્યા હોય ત્યારે સંભળાતા હાકોટા–છાકોટા, ઉંદર બિલાડીનો કે ઢોરનો અવાજ. ઘરનું પ્રકાશ આયોજન–ગ્યાસતેલના ખડિયા અને ફાનસનું અજવાળું... નિબંધના શબ્દે–શબ્દે ઘૂંટાતી સ્મૃતિ છેવટે ખંડેર બની ગયેલા ઘરની ભેંકારતામાં ઘેરો વિષાદ બની જાય છે. સર્જક ઘરમાંથી ‘ફળિયું'માં પ્રવેશે છે, પરંતુ એ ફળિયું હવે ‘જનમોની પેલે પાર રહી ગયું છે જાણે.' છતાં સંવેદનશીલ નિબંધકાર માટે તે ખોવાઈ ગયેલું ફળિયું પણ ક્યાં આઘું છે, ‘આંખો મીંચી લઉં તો દેખાય, આ રહ્યું એ ફળિયું.’ તે સાથે જ શરૂ થાય છે ફળિયાની સ્મૃતિકથા. હારબંધ ઘરોની વચ્ચે પથરાયેલું ફળિયું, ફળિયામાં જોવા મળતાં કેટલાંય વિશિષ્ટ દૃશ્યો, વિવિધ ઋતુઓની છાયાઓમાં બદલાતો રહેતો ફળિયાનો ચહેરો... એ ફળિયું કદાપિ ઝંપતું નહીં – ‘લોક વગડે જાય તોય ફળિયું તો ભર્યુંભાદર્યું. ઢોર બરાડે, છૂટે, બંધાય. ચકલાં, કબૂતરો ચણ્યા કરે ફળિયું.’ ફળિયું માત્ર ગામ–ઘરોનાં લોકોથી જ નહીં, સમયસમયે ગામમાં આવતાં લવારિયા, સોરઠીઆ વેપારીઓ જેવા બહારીજનો અને માંગણોથી પણ ગાજતું રહેતું. સાસુઓની મંડળી, વહુવારુનાં મંદ હાસ્ય, જુવાનિયા અને વડેરાની હાજરીથી ફળિયું ધમધમતું રહેતું. રામાયણ વંચાય ને મહાભારત પણ વંચાય. ભજનો ગવાય, ઉત્સવો ટાણે તો ફળિયાનું રૂપ જ બદલી જતું. લગ્ન–મરણ જેવા પ્રસંગે પણ ફળિયું જીવંત થઈ ઊઠતું. કન્યાવિદાય પછી ફળિયામાં પાછળ રહી જતા સૂનકારને યાદ કરતા સર્જકના ગદ્યમાં કવિતા પ્રવેશે છે : ‘ફળિયું સાવ સૂનમૂન, માંદી ગાયની આંખ જેવું.' સ્મૃતિના ધોધની વચ્ચે ફળિયાનાં જુદાંજુદાં આંતર–બાહ્ય રૂપોને આકારતો જતો મણિલાલનો આ નિબંધ એની ચિત્રાત્મકતા, વેગીલા ગદ્ય અને ફળિયાના સજીવારોપણને લીધે ગુજરાતી નિબંધસાહિત્યનો એક ઉત્તમ નિબંધ બન્યો છે. ગામનું પાદર આખા ગામની સંસ્કૃતિને સજીવન બનાવતું સ્થળ. મણિલાલે એનાં ચિત્રો ‘પાદર’ નિબંધમાં આલેખ્યાં છે. સ્વાભાવિક રીતે જ ‘પાદર’માં ગ્રામસમાજનો બહોળો પટ આલેખાય. સમૂહજીવનનો અને લોકસંસ્કૃતિનો આગવો ચહેરો પાદરમાં બંધાવા લાગે છે. ગાડાચીલા, આછી કરકરી ને સુંવાળી ધૂળ, દોસ્તારોની યાદો, પાદરમાં રમાતી વિવિધ રમતો, પીપળ નીચે આવેલું શિવાલય, પાદરનો કૂવો અને તેની પાસે આવેલો ચૉરો, એની પડખે પાળિયા, નિશાળ, મોટો વડલો, ખખડધજ લીમડો, આંબલીનાં ભૂતાવળાં ઝાડ, નાનકડી તળાવડી, ગાય ભડકાવવા ભેગું થયેલું લોક, પાદરે ઘૂંટાતી જોગણીઓની કથાઓ, પરણવા ઊઘલતી જાન, કન્યાવિદાયની ભીની ક્ષણો. સીમંતપ્રસંગે થતી વિધિઓ, ફૂલેકાં, હોળી–દિવાળી જેવા તહેવારો અને સૌભાગ્યવતીના તૂટતા ચૂડલા વગેરે વિગતોથી મણિલાલ પાદર સાથે જોડાયેલા જનજીવનનું આલેખન કરવા જાય છે. સમયસમયે ગામમાં આવતા હાથીવાળા બાવાઓ, નટડા, લવારિયા, જિપ્સીઓને પણ તેઓ યાદ કરે છે. પાદરનું આલેખન એટલું સમજી બન્યું છે કે આ નિબંધ માત્ર મણિલાલના નિજ અનુભવનો જ રહેતો નથી, એક સમયે ગ્રામજીવન સાથે સંકળાયેલી બધી જ વ્યક્તિઓના ગામના પાદરનું પણ સંભારણું બની જાય છે. ‘મેળો’ નિબંધનો આરંભ શ્રાવણ મહિનાના પ્રાકૃતિક સૌંદર્ય વર્ણનથી કરીને લેખક મેળાની સાથે જોડાયેલી જુવાન હૈયાંની કેટલીય અનુભૂતિઓની યાદ તાજી કરાવી આપે છે અને પછી તરત જ આપે છે મેળાની વ્યાખ્યા : ‘મેળો તો મનેખડાનો મેળાવડો' આગળ જતાં કહે છે : ‘મેળામાં બેઉ મળે છે – જીવ અને જોવનાઈ.’ એમણે નાનપણ અને કિશોરાવસ્થામાં ‘મહાલેલા’ કેટલાય ગ્રામ– મેળાઓની વિગતો તાજી થઈ ઊઠે છે. મેળાની વાત નીકળે ને પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથા યાદ ન આવે તો જ નવાઈ. લેખકે વયની સાથે બદલતા જતા મેળાના સંદર્ભો વિશે રસપ્રદ નિરીક્ષણો કર્યાં છે. મેળાની સાથે અંગત રીતે સંકળાયેલાં સંવેદનોની વાત કરતાં કરતાં તેનું બહોળું સામાજિક ચિત્ર પણ અનાયાસે ઊપસતું રહ્યું છે એક સમયના લોકમેળાઓ ૫૨ શહેરોએ કરેલા આક્રમણથી તેના બદલાયેલા સ્વરૂપ વિશે લેખકને વિષાદથી વિશેષ આક્રોશ વધારે જાગ્યો છે : ‘મેળો તો સંસ્કૃતિનો, ખાસ કરીને ગ્રામસંસ્કૃતિનો સાથી, પ્રજાજીવનની અસ્મિતા અને સ્નેહસૌહાર્દનું મિલનસ્થાન તે મેળો... હવે એની અસલિયત ઉ૫૨ યંત્રોનું અને કહેવાતી નવી સભ્યતાનું આક્રમણ થઈ ગયું છે... આજે તો મેળા અને મેળાવડા બધાં ‘દેખાડો' બની ગયાં છે.’ નાનપણ અને તેનાં સ્મરણો નિબંધકાર મણિલાલની મૂડી છે. ‘મધવાસનું પાદર’ સંસ્મરણોની ગાંઠડી છોડતો નિબંધ છે. લેખક વાત માંડે છે તેઓ જ્યાંભણવા જતા તે ગામ મધવાસના પાદરની, પરંતુ પાદરનાં સ્થૂળ સ્થળો કેન્દ્રમાં રહેતાં નથી, તે પાદરની સ્મૃતિ જોડાયેલી કેટલીક વ્યક્તિઓ કેન્દ્રમાં આવી જાય છે. એક સ્મરણ બીજાં સ્મરણોને ખેંચી લાવે છે. તેમાંથી નિબંધનો ઘાટ ઘડાતો રહે છે. તે વ્યક્તિઓ પણ કેવી ? નથી એમની સાથે કશો દેખીતો સંબંધ કે નથી તેમાંની કોઈ લેખકના જીવનમાં સીધો વળાંક લાવી – છતાં લેખકને લાગે છે કે એ બધી જ વ્યક્તિઓ એમના જીવતરના ઘડતરકાળનો હિસ્સો હતી. આ લેખકની તરુણાવસ્થાનાં સંસ્મરણો છે – એવી વય, જ્યારે મનમાં અનેક સંવેદનો અને આવેગો ઊઠવા લાગ્યાં હોય છે. તે સમયે જે વ્યક્તિઓને નજીકથી જોઈ હોય, કોઈ ને કોઈ રીતે એમના સંપર્કમાં આવવાનું બન્યું હોય, તે બધી જ વ્યક્તિઓ ‘મનની મંજૂષા'માં અકબંધ પડી રહે છે. આછી વિગતોવાળાં, પરંતુ ગાઢ રેખાઓવાળાં આ લઘુ વ્યક્તિચિત્રોમાંથી તે સમયના લોકજીવનનો પરિચય પણ મળે છે. ‘ડાંગવનોમાં પહેલો વરસાદ' મણિલાલના નિબંધોમાં મહોરી ઊઠતી કવિતાનો નમૂનો છે. વાતાવરણ વરસાદી છે અને તે પણ વિશિષ્ટ પ્રાકૃતિક સૌંદર્યથી મંડિત ડાંગપ્રદેશમાં. આખોય નિબંધ કાવ્યાત્મક શૈલીમાં ન લખાય તો જ નવાઈ. ઘેરાયેલા મેઘથી રચાતી જતી દૃશ્યાવલિઓની આકર્ષક ભાત રચાતી જાય છે. સન્નાટાની નીરવતા પણ સંભળાય છે અને મેઘગર્જનાના ઘોષપ્રતિઘોષ પણ સંભળાવા લાગે છે. સર્જકને લાગે છે, જાણે તેઓ કવિતાની સમક્ષ ઊભા છે. વરસાદ અવશપણે અનેક કાવ્યકૃતિઓ પાસે ખેંચી જાય છે. વરસાદમાં ભીંજાયેલી પહાડી વનની કેડીઓ ભીંજાયેલી વન્યબાળાઓ બની જાય છે. ભીનાં ભીનાં સંવેદનોથી સર્જાયેલો આ નિબંધ નિર્બંધ બનીને સાહજિક ગતિમાં વિકસતો રહે છે. વિશાળ ફ્લક પર ડાંગનાં ગામડાંનાં શબ્દચિત્રો આલેખાતાં જાય છે. ત્યાંના લોકજીવન અને રામાયણમાં નિર્દિષ્ટ દંડકારણ્યના સંદર્ભો પણ જોડાતા રહે છે. મણિલાલે એમના નિબંધોમાં ગ્રામજીવન સાથે અભિન્નપણે જોડાયેલી કેટલીય ચીજ–વસ્તુઓ વિશે પણ લખ્યું છે. એવો એક નિબંધ છે : ‘વલોણાનો વૈભવ.' ગામડામાં વહુવારુની કાર્યકુશળતાની કસોટી માટે વલોણું મોટું સાધન હતું. તેઓ વલોણા વિશેની વિગતોની સાથે તેની આસપાસ રચાયેલી કેટલીક કાવ્યકંડિકાઓ અને કહેવતોને યાદ કરે છે. તે કારણે આ નિબંધ ઘરવપરાશની કોઈ નિર્જીવ વસ્તુનું શુષ્ક શબ્દાંકન બનીને અટકી જતો નથી. તેમાં લોકસંસ્કૃતિના અનેક સંદર્ભો વણાતા રહે છે. ઝીણી વહુ અને એમના ખેતર–પડોશી દાસભાઈ વચ્ચેના સંવાદમાંથી પ્રગટતી વ્યંજના, લોકબોલીનો સહજ વિનિયોગ, સ્ત્રી–પુરુષ વડે સામસામે નેતરાં ઝાલીને કરવામાં આવતા વલોણાનું લયબદ્ધ ચિત્ર જેવાં સ્થાનોને લીધે આ નિબંધ લલિત નિબંધનું ઉમદા ઉદાહરણ બન્યો છે. ‘કોઈ સાદ પાડે છે'માં સંગ્રહસ્થ નિબંધ ‘ફાગણ'માં એમના ઋતુઓ વિશેના નિબંધોની તમામ લાક્ષણિકતાઓ પકડી શકાય છે. ફાગણ બેઠો છે અને સર્જકની આંખ સામે ધરતીનાં બદલાયેલાં રૂપ સ્પષ્ટ થવા લાગે છે. તેની સાથે લોકસમુદાયના ચિત્તમાં જાગતાં સંચલનો પણ ઝિલાતાં રહે છે. ફાગણ પૂરેપૂરો મનમાં ઝિલાય તે પહેલાં તો નજીક આવી રહેલા ઉનાળાની માનસિક તૈયારી થવા લાગે છે. ‘છાકભર્યા ફાગણ'નો કેફ એમને આદિવાસીઓના ઢોલમાં સંભળાયો છે તે ફૂલોવાળો દુપટ્ટો વક્ષ પર નાખીને ફરતી કન્યામાં પણ દેખાયો છે. કવિ–નિબંધકારને કાચી કેરીઓની તૂરી વાસમાં અને મહુડાને હાથા આવતાં એનાં ટેરવે ટેરવે આંખો ઉઘાડતાં મધુપુષ્પોમાં ફાગણ દેખાવા લાગે છે. મણિલાલે કેટલાય ઉત્તમ ચરિત્ર–નિબંધો આપ્યા છે. તેમાં ‘જીજી’ એમનો શ્રેષ્ઠ ચરિત્ર–નિબંધ છે. મા–જીજી – ૫૨ ચોવીસે કલાક તોળાયેલો રહેતો ઘર– ખેતર–સંયુક્ત પરિવારના કામકાજનો ભાર, નાદુરસ્ત તબિયત, એક માત્ર જેઠાણી રામીમાની જ હૂંફ, અંધવિશ્વાસથી ખદબદતા સમયમાં સા૨વા૨ને નામે માએ ભોગવેલી કેટલીય શારીરિક અને માનસિક યાતનાઓ – એ બધામાંથી વહાલસોઈ, છતાં સંતાનો માટે પૂરતો સમય ન આપી શકતી માતાની પીડાનું જુદું જ સ્વરૂપ લેખકે આલેખ્યું છે. જીજીના ચરિત્ર–આલેખનમાં સંવેદનશીલ સર્જકની પીડા છે તો સર્જક માટે જરૂરી એવું તાટસ્થ પણ છે. જીજીની મૃત્યુવેળા અને ત્યાર પછી ઘર–મનમાં વ્યાપી જતા સૂનકારનું હૃદયદ્રાવક આલેખન વાચકની આંખ ભીંજવી જાય છે. મણિલાલે ચરિત્ર–નિબંધના લેખનની એક મહત્ત્વની લાક્ષણિકતા તારવી આપી છે; ‘ચરિત્ર–નિબંધ સમકાલીન સમાજજીવનનો દસ્તાવેજ પણ આપે અને એની ચરિત્ર–નિબંધો સંદર્ભે થતી ઘટનાસંકલનના કાળજીપૂર્વની હોવી જોઈએ તેમ થાય તો એમાં મૂલ્યો અને જીવનઘડતરનો હિસાબ મળે છે.’ ‘જીજી' આ લાક્ષણિકતાના સંદર્ભે ચરિત્રનિબંધનો આદર્શ નમૂનો બન્યો છે. યશવંતભાઈ શુક્લે આપેલો પત્ર–પ્રતિભાવ આ નિબંધ વિશે બધું જ કહી દે છે : ‘તમારી વેદના અને સંવેદનાએ અનેક સ્થળે તમારી અનુભૂતિને કાવ્યકોટિએ પહોંચાડી છે. પરિસ્થિતિથી ઊર્ધ્વ થઈને તમે સારાયે સામાજિક–આર્થિક પરિવેશનું ઉત્તમ ચિત્ર પૂરું પાડ્યું છે.’ ‘હિમોજ્જ્વલા રાત્રીઓ'ની પ્રથમ પંક્તિથી ઝિલાયેલો કાવ્યાત્મક મિજાજ — ‘રાતવાસો રોકાઈ ગયેલો ભાદ્રપદનો તડકો આજે આસોની પ્રતિપદાએ સૂર્યોદય પહેલાં સોનામહોરની ડાળએ ફૂલોરૂપે ઊઘડ્યો છે' – પછી તો સમગ્ર નિબંધમાં વિસ્તરતો ચાલ્યો છે. શરદના તાપ માટે કવિ–નિબંધકાર કહે છે : ‘શરદનો તાપ તો અકારણ કઠોર બાપ જેવો હોય છે.' સાંજે ધીમેકથી આવી જતી ઓતરાદા વાયરાની લહેરખીને તેઓ ‘વળી વળીને યાદ આવતા પ્રિયજન’ સાથે સરખાવે છે. શરદમાં દેખા દેતાં પતંગિયાં પણ મણિલાલના નિરીક્ષણનું કેન્દ્ર બને છે ને આવી ઊભે છે એક અવિસ્મરણીય કલ્પન : ‘રંગોળી પૂરનારા મૂળે પતંગિયાંની પાંખો જોઈને કસબ શીખ્યા હશે.' કુદરતનાં સૌંદર્યનો આવો અઢળક ખજાનો પણ ક્ષણભંગુર ? વિષાદ સરી પડે છે : ‘જે કંઈ સરસ છે તે બધું ક્ષણભંગુર કેમ છે ?’ અને પછી સર્જક આશ્વાસન મેળવે છે નિસ્પૃહ માટીમાંથી : ‘તને પામું તો બધું પામું !' સૃષ્ટિનાં અવનવાં સૌંદર્યમઢ્યાં રૂપો ચન્દ્રવતી રાત્રિઓના આલેખનમાં ફેરવાઈ જાય છે : ‘સારી રાત ચાંદની વેરાય છે. અઢળક ઢોળાય છે અઢળક. સવારે પારિજાત તળે, ટગરી તળે રહી ગયેલી ચાંદનીને જોયા કરું છું...’ અજવાળી રાતનો હિમોજ્જવલ અનુભવ સર્જકની ચેતનામાં વિસ્તરીને છેક વનવગડે, નદી–દરિયા, પહાડ–શિખરે જઈ પહોંચે છે. પૂનમના ચાંદાનાં અને ચાંદનીનાં વિવિધ રૂપો મણિલાલની સ્મૃતિમાંથી આ રીતે ઊઘડે છેઃ વતનઘરના આંગણે ‘ભૂખ્યા હતા તો એ મકાઈના રૂડારૂપાળા રોટલા જેવો લાગેલો... ને વયમાં આવતાં કણબીની કન્યાના ગોળમટોળ ચહેરા જેવો. કૂવાને થાળે બેસી લીમડાની ડાળીઓમાં દળાઈચળાઈને આવતી ચાંદનીની ભૂંગળીઓ સાથે રમ્યા છીએ... ક્યારેક પ્રવાસમાં બહાર પથરાયેલી થીજેલા કોપરેલ જેવી ચાંદની રાતોમાંથી અશબ્દ પસાર થવાનું છે...’ નરી કવિતાના પર્યાય જેવો ‘હિમોજ્જ્વલા રાત્રિઓ' ઉત્તમ લલિત નિબંધ છે. ‘મોંઘી જણસ’નો મિજાજ કંઈક અંશે હતાશાનો છે. જે વીતી ગયું છે તેની પાસે પાછા જઈ શકાય તેમ નથી. સ્મરણો કદાચ ટકી જવાનું બળ આપે, પરંતુ એની સાથે કેટલીક વિસંગતતાઓ જોડાયેલી છે : જેને ભૂલી જવું છે તેને ભૂલી શકાતું નથી, ને જેને સદાય યાદ રાખવા મથીએ છીએ એના ઉપર કાળ પોતાનાં પડળો ચઢાવ્યા કરે છે.' આવી વિડંબના સર્જકના સંવેદનશીલ હૈયાંને કોરી ખાય છે. ‘મારું મન ભરાઈ આવે છે' નિબંધમાં પણ ગ્રામજીવનથી કપાઈ ગયાનો, અળગા થઈ ગયાનો અને એકલા પડી જવાનો ભાર સર્જકના મનને ઘેરી વળ્યો છે. એવી મનઃસ્થિતિમાંથી છૂટવા માટે ક્યાંયથી આશ્વાસન મળવાની બધી બારીઓ બંધ થઈ ગઈ હોય ત્યારે સર્જક માટે માત્ર વૃક્ષો જ એકમાત્ર આધાર બની જાય છે. નિકટમાં ઊગેલા આમ્રતરુ સાથે અનુભવાતું સંવેદન અને એની સાથે હરઘડી ચાલતો મૌન સંવાદ સર્જકને સધિયારો આપે છે. વૃક્ષો સાથેનો એકત્વભાવ એટલો બધો વિકસી રહે છે કે સર્જકને લાગે છે, તેઓ ધીમે ધીમે થડમાં અને પછી ઝાડમાં રૂપાંતરિત થતા જાય છે. આ સંપાદનમાં મૂકેલો અન્ય નિબંધ ‘આંગણામાં આંબાનું ઝાડ છે' પણ આ સંદર્ભમાં વાંચવા જેવો છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ પરિસ્થિતિમાં, પ્રકૃતિ–વતન–ગામ–ખેતર સાથેનો શૈશવી સંગાથ મણિલાલનો કેડો છોડતો નથી. પ્રકૃતિ વિશેનો નાનો સરખો સંકેત પણ એમનામાં સ્મરણોનો ધોધ જગવી દે છે. ‘પોયણી મઢી ચાંદની’ એવાં સ્મરણોનો નિબંધ છે. સર્જકને યાદ આવે છે શરદનો વૈભવ અને તે ઋતુની ઝાકળભીની સવાર, જુદાં જુદાં ઘાસની સુગંધ, બાસમતી અને કૃષ્ણકમોદની માઈલો સુધી વિતરેલી ક્યારીઓમાં ચાલવાનું સુખ, પીછો ન છોડતું ગામ, ભીની માટીની મહેક ને ખીલી ઊઠેલાં પોયણાં... અન્ય નિબંધ ‘વઢાઈ ગયેલાં ખેતરો' પણ શરદના દિવસોની સુગંધને જીવંત કરી દે છે. શરદના સુગંધી દિવસો એમના વતન વિચ્છેદના વ્રણને તાજા કરે છે. આ બંને નિબંધમાં પ્રકૃતિ ત્યજીને વિકૃતિભર્યા નગરજીવનમાં સ્થિર થયેલા ખેડૂતપુત્રની પીડાને વાચા મળી છે. ઘાસ જેવા વિષય પર લલિત નિબંધ લખવાનું તો પ્રકૃતિપ્રેમી અને વૃક્ષોના જીવ મણિલાલને જ સૂઝે. નિબંધનું શીર્ષક તત્ત્વચિંતકના તારણ જેવું છે : ‘ઘાસ સત્ય જગત મિથ્યા.’ આ નિબંધમાં પણ કાવ્યકંડિકાઓ સહજ રીતે ઊતરી આવી છે. સર્જકે ઘાસને પૂર્ણપણે સજીવ બનાવી દીધું છે. એમને ઘાસમાં ખેપાની, અળવીતરી, ચંચલ, બળવાખોર, વ્યક્તિનાં લક્ષણો દેખાય છે. ઘાસનાં બહુરૂપીપણાનું આલેખન આસ્વાદ્ય બન્યું છે. ઘાસની શાશ્વતા એમની નજરે ચઢે છેઃ ‘માણસ નહોતો ત્યારે પણ ઘાસ હતું, ને માણસ નહીં હોય ત્યારે પણ ઘાસ હશે.’ ઘાસ સાથે જોડાયેલો વૈશ્વિક સંદર્ભ નિબંધના વિષયને વ્યાપક અને બહુપરિણામી બનાવે છે. વર્ષાઋતુના આગમનની સાથે જ મણિલાલમાં મૂળ નાખીને બેઠેલી વૃક્ષ બની જવાની વૃત્તિ માથું ઊંચકી બેસે છે. બાળક જેવી લાગતી આ ઇચ્છા પાછળ એમનો પ્રકૃતિપ્રેમ છુપાયેલો છે. કૃતક સભ્યતાની સંકડામણમાંથી છૂટીને પંખી, પવન અને ઝરણની જેમ મુક્ત વિહાર કરવો છે, પરંતુ માણસ તરીકેની હયાતિનાં બંધનો એમને છોડે તેમ નથી તે વિશેની કારમી સભાનતામાંથી સર્જાયો છે ‘વૃક્ષાવતારની વૃત્તિ' નિબંધ. ધરતીનાં વિવિધ સ્વરૂપો સાથે તાદાત્મ્ય અનુભવતા સર્જક મણિલાલ પાવાગઢ સાથે પણ એવું જ એકત્વ ન અનુભવે તો જ નવાઈ લાગે. એમણે પ્રકૃતિની જેમ પાવાગઢનાં પણ જુદાં જુદાં રૂપોને માણ્યાં છે. કોઈ એક જ ખૂણે ઊભા રહીને જોયા કરવાની સ્થળવિશેષનું સંપૂર્ણ ચિત્ર પામી શકાતું નથી. મણિલાલે પાવાગઢને બધી બાજુએથી આશ્લેષમાં લીધો છે. સર્જક ‘ઉદાસ પાવાગઢ અને હું' નિબંધમાં પાવાગઢની ઉપર, એની બહાર — શિખરે અને તળેટીમાં— તથા એની ભીતર જે ભર્યું છે તેનો તાગ મેળવવા મથે છે. એટલું જ નહીં, તેઓ પાવાગઢની ઉદાસીને પણ પામી જાય છે. સ્વાભાવિક છે, કારણ કે જે વાસ્તવિકતા પાવાગઢને ઉદાસ બનાવે છે તે વાસ્તવિકતાએ મણિલાલને પણ ઉદાસ બનાવ્યા છે – એક સમયે જે ભર્યુંભાદર્યું હતું તે હવે નથી રહ્યું તે વિશેની વાસ્તવિકતા. ‘જળ ગયાં ને ઝાડવાંય ગયાં! હરિયાળી કંદરાઓના વિરૂપ ઢેકા નીકળી આવ્યા છે... એ વનસ્પતિ ગઈ ને પંખીલોક ગમે...’ મણિલાલ કહે છે : ‘હું પાવાગઢને છેક મારી ભીતર અનુભવું છું.’ પાવાગઢ એના ભવ્ય ભૂતકાળ અને વર્તમાનનાં ખંડેરોની વચ્ચે સતત પડઘાતા વિષાદના ભાવ સાથે આલેખાયો છે. સર્જનાત્મક ઉન્મેષ સાથે લખાયેલા પ્રવાસનિબંધો ‘ધૂળમાં ઊડતો મેવાડ’માં ચિત્તોડના ઇતિહાસ પર મીરાંની યાદની પીડા છવાઈ ગઈ છે. આખો નિબંધ ચિત્રાત્મકતાથી ભર્યોભર્યો બન્યો છે. વેગવંતી સાંઢણીઓ જેવું ગદ્ય રાજસ્થાનના મધ્યકાલીન ઇતિહાસખચિત પ્રદેશને વર્તમાનમાં જીવંત કરી દે છે. ચિતોડનો ભૂતકાળ અને વર્તમાન સમાંતરે આલેખાયો છે. વીતેલા સમયના પગના ડાબલા, વીરતાની કથાઓ, રૂપાંગનાઓએ કરેલાં જૌહરની અગ્નિજ્વાળાઓ, રાણીવાસની રંગીનીઓ – એ બધું જ હવે તો ભૂંસાઈ ગયું છે, છતાં સર્જકચિત્ત તે બધાંને વર્તમાનમાં યાદ કરીને સમયની અખિલાઈની સાથે અસ્તિત્વની ક્ષણભંગુરતાને ગૂંથે છે. કવિ મણિલાલ પણ પ્રવાસી નિબંધકારની પડખે ઊભા રહીને બધું જુએ છે. આરંભ જ કાવ્યાત્મક છે : ઝોંકાકરેલા, ટોળાબન્ધ ઊંટો જેવી ટેકરીઓ. ઊંટના રૂંવાં જેવું ઘાસ, કથ્થાઈ— આછા રાતા ને પીળા રંગોની ઝાંય...’ નિબંધપ્રવેશની સાથે જ ચિત્રિત થયેલો રાજસ્થાનનો લેન્ડસ્કેપ અને તેના લોકજીવન–સંસ્કૃતિ સાથે અનિવાર્યપણે જોડાયેલા ઊંટોનો નિર્દેશ ભાવકચિત્તમાં પરિવેશનું સમગ્ર ચિત્ર ઊભું કરી દે છે. ઇતિહાસની સીમામાં ઊભેલો નિબંધ આસ્વાદક લલિત નિબંધ બન્યો છે. પ્રકૃતિ અને વૃક્ષો સાથેની મણિલાલની તાદાત્મ્યતા એમનામાં પંખીલોક સાથેનો અનુબંધ પણ જોડી જ આપે. ‘બસ, ટહુકા સાંભળું છું'ના શબ્દેશબ્દે વિવિધ પંખીઓના ટહુકા સંભળાય છે. ‘પંખીઓની દુનિયામાં એક વખત આપણો પ્રવેશ થઈ જાય પછી તો આપણે માલામાલ થઈ જઈએ છીએ. કેટકેટલાક ટહુકા ને કેવાં ને કેવાં ગાન...’ સર્જક કાન સરવા રાખીને બેઠા છે. શોબિગીના ટહુકા, બુલબુલનાં ગાન, ગ્રીષ્મમાં ‘નકટી’ થઈ જતી કોયલોનું કૂઊઊ... કૂઊઊ... હવે બહુ ઓછું દેખાતા ‘નાચણ પંખી’ની ચંચળતા... લેખકની નજરે ચઢતાં અને સ્મૃતિમાં જડાયેલાં કેટલાંય પંખીઓની વિવિધ લીલાઓની રસપ્રદ વિગતો મળે છે અને પંખીઓની અવનવી સૃષ્ટિ જીવંત થઈ ઊઠે છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધનો વિષય છે મહુડો. ‘હવામાં છાક સમાતો ન હોય, બપોરે સમય સહેજ પોરો ખાતો હોય, પાનખર વસંતમાં પલટાઈ ગઈ હોય ત્યારે મહુડો માયા ઉતારતા યોગી જેવો લાગે છે.’ બધાં જ પાંદડાં પીળાં પડી જાય ત્યારે મહુડા સોનાનાં વૃક્ષો બની જાય છે. મહુડો સોને મઢાઈ જાય, એની બધી જ ડાળીઓ સોનાપત્રો સાચવીને મલકાતી હોય ત્યારે પાકેલાં ખેતરોની ગંધથી સીમ મઘમઘી ઊઠે છે...’ ફરી પાછો કવિ ગદ્યકારની કલમમાં ઊતરી આવે છે : ‘ક્ષણવાર માટે થાય કે સોનું મ્હેકે છે કે તડકો’ આખો નિબંધ મહુડાનાં વિવિધ રૂપોને ખોલી આપે છે. મહુડાની ભરચકતા, એનો વૈભવ, એના જુદા જુદા ઉપયોગો, ‘મહુડા’ શબ્દ સાથે જોડાયેલા બીજા અર્થસંદર્ભો, એની સુગંધ, એનું સૌંદર્ય અને પછી વરસાદ પડતાંની સાથે જ પાછો નિજમાં નિમગ્ન થઈ જતો મહુડો... વૃક્ષો સાથે અભિન્નભાવ અનુભવતા આ સર્જકે ‘ઝાડવે ઝાડવે જીવ’માં પણ એમની વૃક્ષપ્રીતિને નિરૂપી છે. તેમાં ઉમરાં, કેસિયા, ગુલમહોર, રાતો શિરીષ, ગરમાળો જેવાં વૃક્ષો સર્જકનાં અવલોકન અને આલેખનના વિષય બન્યાં છે. ‘વીરેશ્વર—સારણેશ્વર’ તથા ‘વસંતમાં પ્રવાસ’ બંને મણિલાલના નિબંધસર્જનના પ્રારંભકાળના નિબંધો છે. સ્વાભાવિક છે કે તે સમયે તેઓ નિબંધના નિજ સ્વરૂપ અને શૈલીની શોધમાં હતા, છતાં બંને નિબંધોમાંથી આજના પૂર્ણ વિકસિત નિબંધકારનાં લગભગ બધાં જ લક્ષણો તારવી શકાય છે. ‘વસંતમાં પ્રવાસ’ નિબંધ વસંતના વાવડ મળતાં જ અરણ્યમાં રખડવા નીકળી પડેલા પ્રકૃતિપ્રેમીના બાહ્ય જગતમાં થઈ રહેલા પ્રવાસની સમાંતરે ચાલતો ચૈતસિક પ્રવાસ પણ છે. વસંત જેટલી વૃક્ષો–ફૂલોમાં ફૂલીફાલી છે તેટલી જ સર્જકના ચિત્તમાં પણ ખીલી ઊઠી છે. નિબંધકાર જાણે છે કે પાનખર આવે તો જ વસંતને પ્રવેશવાની મોકળાશ મળે. તેથી તેઓ વસંત વિશે વાતો કરતા કરતા પાનખરને પણ ભૂલતા નથી : ‘વસંત પ્રારંભાય ત્યારે બધે પડાવ તો પાનખરનો જ હોય છે.’ ‘વીરેશ્વ૨–સારણેશ્વર’ મણિલાલે ઈડરનિવાસ દરમિયાન વીરેશ્વર અને સારણેશ્વર સ્થળોની વારંવાર લીધેલી મુલાકાતો પર આધારિત સ્થળવિષયક નિબંધો છે. નગરસંસ્કૃતિથી હજી અભડાયાં નહોતાં તેવાં આ સ્થળોમાં સર્જક જીવન અને કવિતાને પાસેપાસે વસતાં અનુભવે છે. એથી જ તો એમને કેટલીય કાવ્યપંક્તિઓ અનાયાસ સાંભરતી રહે છે. બંને સ્થળોનું પ્રકૃતિક સૌંદર્ય, જીવતીજાગતી બેઠેલી વનચેતના, ત્યાંથી થઈને વહેતી નદીઓ, પ્રાચીન મંદિરો અને તેમાં કંડારાયેલાં શિલ્પો વગેરેની વિગતોથી નિબંધનું કાઠું બંધાયું છે. ‘વીરેશ્વર–સારણેશ્વર’ નિબંધના અંતે મણિલાલ હ. પટેલે આપણને નગરસંસ્કૃતિની નાગચૂડમાં ભીંસાઈ ગયેલાંઓને – પ્રકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોની મુલાકાતે આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું. પૂછ્યું હતું : ‘તમે આવશો? આવો તો મને બોલાવજો. આપણે સાથે જ...’ આપણે સદેહે જઈ તો શક્યાં નહીં હોઈએ, પરંતુ નિબંધકાર મણિલાલ હ. પટેલની ચેતનામાં સદાયે જીવંત રહેલા પ્રકૃતિ, વૃક્ષાલોક, પંખીલોક, ગ્રામજીવન જેવા આપણાથી અજાણ કેટલાય પ્રદેશોમાં એમની સાથે સતત રહેવાની તક આપણને મળી છે – એમના આગવા નિબંધસર્જનને લીધે. એમણે ગુજરાતી ભાવકોને આંગળી ચીંધીને ચીંધીને, ઝીણામાં ઝીણું, બધું જ બતાવ્યું છે અને આપણે તેને મન ભરીને માણ્યું છે. એમની સાથે ક૨વા મળેલા આ સહપ્રવાસનું ગુજરાતી નિબંધ સાહિત્યમાં બહુ ઊંચું મૂલ્ય છે.

૧૩–૪–૨૦૧૨, હૈદરાબાદ
–વીનેશ અંતાણી