ગામવટો/૧૧. હિમોજ્જ્વલા રાત્રીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. હિમોજ્જ્વલા રાત્રીઓ
રાતવાસો રોકાઈ ગયેલો ભાદ્રપદનો તડકો આજે આસોની પ્રતિપદાએ સૂર્યોદય પહેલાં સોનામહોરની ડાળે ફૂલોરૂપે ઊઘડ્યો છે. અમાસના અંધારે અજવાળેલી એની કાયા વધારે ઊજળી લાગે છે. આ અજવાળું જાણે સોનામહોર પર ઊગેલાં, ઊઘડેલાં સોન–પુષ્પોનું છે. એના ઠસ્સા આગળ હવે તડકો પણ ઝાંખો લાગવાનો. ઓ સોનમહોર ભાઈ! આટલું અભિમાન સારું નહીં હાં કે! ઉનાળે ગુલમોરની ગરિમા જોઈ છે? શી સ્વસ્થતા કેળવીને ઊભા હોય છે એ ! ને ગરમાળા, પુષ્પનિમિલિત નેત્રે વિનમ્ર ! આ સૂડાઓનું વૃંદ ગયા જનમમાં સોની હશે? સોનમહોરનાં પુષ્પો પર સવારથી જ આ ત્રાટક્યું છે. ચૂપકીદીપૂર્વક સોનપુષ્પોને સૂંઘતાં, ચાખતાં એ વિદગ્ધ અદાથી વાલમાંથી રતી ચોરવાની વેતરણ કરી રહ્યાં છે.

ભાદ્રપદનાં ટાઢાંબોળ જળમાં ઝબોળાઈ ઝબોળાઈને ચકચકિત થયેલો સૂરજ કૂણી નજરે કૂપળોને જોઈ રહ્યો છે. પણ એની કૂણાશ પર ભોળવાઈ જવા જેવું નથી. કુદરતની કળા એવી હોય છે કે કુમાશને કરકરી બનતાં વાર લાગતી નથી. શરદનો તાપ તો અકારણ કઠોર બાપ જેવો હોય છે. વાતેવાતે ખિજાતા બાપનો આકરો સ્વભાવ અને આ બપોરિયો તાપ સરખા લાગે. સવારે પગદંડો જમાવવા મથતી શીતળતાને સૂરજ ટકવા દેતો નથી, પણ શીતળતા સાંજે પાછી આવી લાગે છે, વળી વળીને યાદ આવતા પ્રિયજનની જેમ. ધીમેકથી ઓતરદા વાયરાની લહેરખી આવે છે ને તડકાના ડિલે ટાઢક ચંપાય છે. પછી એ નરમ પડે છે. રાતે પુષ્પપગલે આવીને જળમાં ગરક થઈ જતી શીતળતા પછી જતી નથી. છેવટે ટાઢ અને તડકો સમાધાન કરી લે છે. સ્વભાવ છોડીને સૂરજ પણ હેમાળાનો પ્રભાવ સ્વીકારે છે. જીત પામેલી ઠંડી છેવટે અહંકારમાં આવીને ઘણું બધું ઉજ્જડ કરવા ને ઊઝરડી નાખવા જેટલી ક્રૂર બને છે, ત્યારે પાછો સૂરજ પોતાનો સ્વભાવ બતાવીને અસલ પ્રભાવની પુનરસ્થાપના કરે છે. આવી બધી ગતિવિધિ નોંધતું મારું મન રાતદિવસની સંતાકૂકડીને એના સંદર્ભવૈવિધ્ય સમેત પરખવા મથે છે. શરદ આવે છે ને પતંગિયાં લાવે છે. રચનાકારે કેવો તો પક્ષપાત કર્યો છે. ફૂલોને રંગો આપ્યા, એથી અદકા પતંગિયાંને આપ્યા. પતંગિયાં જાણે ફૂલો માટે સર્જ્યાં ના હોય! જુગલબંધી તો એમની જ. રંગમેળાય એમના. નાજુક પાંખો પર શી નકશી છે! કેવી અદ્ભુત મીનાકારી છે. કુદરત કારીગર છે. એની કળાનો આલેખ પાંખે પાંખે લખાયેલો છે. કાળી પાંખો ૫૨ મરુન ભાત.. જાંબલીમાં પીળો, ને વાદળીને સોનેરી છાંયથી બાંધ્યો છે. અનેક રંગોની પૂરણી એકમાં. રંગોળી પૂરનારા મૂળે પતંગિયાંની પાંખો જોઈને કસબ શીખ્યા હશે. ઊડતાં પતંગિયાંને જોયા કરું છું. મારા વ્યતીતમાંથી ઘડી કાઢીને મારી સમ્મુખ મોકલાયાં હશે આ પતંગિયાં! ન જાને! એને જોઉં છું ને વહી ગયેલી રંગતની છાલક વાગે છે. થોડા જખમ ઉબળે છે. મારી નિઃસહાય પીડાને જાણે પાંખો ફૂટી છે. દર્દ મારા દ્વારે પાછું આવ્યું છે, ઓરડે ઓરડે એક પતંગિયું ફરે છે, અદૃશ્ય ! રંગરંગની નકશીવાળું, નિર્દોષ, નિર્મિળ! હું થોડાં પતંગિયાંની પાંખોને સ્પર્શું છું. એના રંગો હાથને લાગે છે. ક્ષણવાર. સાંજે ફૂલો ગરી જાય છે, પતંગિયાં ક્યાંક ચાલ્યાં જાય છે. પછી દેખાતાં નથી. માટીમાં એમની પાંખોને ઊડતી, અથડાતી જોઉં છું ને ચચરાટ થાય છે. જે કંઈ સરસ છે એ બધું ક્ષણભંગુર કેમ છે? મારો અનુત્તર પ્રશ્ન મારા પર ભાર થઈને તોળાઈ રહ્યો છે. હું માટીને જોઈ રહું છું. કેટલી નિઃસ્પૃહ છે એ! આમ એની જ તો લાલી છે બધી. ફૂલોને રંગો આપનારી એ, પતંગિયાંમાં રંગો પૂરનારી પણ એ. બધા રંગો પાછા ગોપવીને જડવત્ જંપી ગયેલી માટીને મુઠ્ઠીમાં ભરું છું ને માથે ચઢાવું છું, માટીમાં, તને પામું તો બધું પામું ! તને પામનારે પછી કશાને પામવાનું ક્યાં રહે છે, વારુ! નવા દિવસો છે. ખેતરો ગાડે ચઢ્યાં છે, ખળે સોનું ખડકાયું છે. ચકલી કિરણ સળીઓ લઈ જઈને માળો ગૂંથી લેવામાં પડી છે. વગડાની વાટ ઊઘડી છે. પાણીએ ડહોળાશ છોડી મનને નિર્મળ કર્યું છે. રહેશે દેખાય એવું. પોયણાના દિવસો છે, ચન્દ્રવતી રાત્રિઓ ! ચંપોચમેલી, જૂઈ ને પારિજાતનાં ફૂલોમાંથી ચન્દ્રિકાનું પોત વણાયું છે. રાતરાણી ને નાગચંપાએ મહેક મોકલાવી એને સઘનસભર કરી દીધી છે. ‘દૂધેભરી તળાવડી ને મોતીડે બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગ્યાં'તાં...’નો મતલબ સમજાય છે. ‘આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે... આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે...’ પ્રિયકાન્તની પંક્તિઓની જન્મદાતા રાત્રિઓ તે આ જ રાત્રિઓ! હિમોજ્જ્વલા રાત્રિઓ । ‘આજ ગગનથી ચંદન ઢોળાય રે, સખી મને આસોના ભણકારા થાય!' બીજી સખીને કહેતી કિશોરીને કાન માંડીને સાંભળવાનું ગમે છે. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે સાંભળેલી પહેલી સુરાવલિ આ રહી :

ઢોલીડા, ઢોલ ધીમો ધીમો વગાડ મા
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના
ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા...

ક્યાંક ઝાંઝર ચમકે છે, ચૂડીઓ ખનકે છે, કંઠ છલકે છે, આંખ મલકે છે, મનડું હરખે છે, દિલડું કોકને બરકે છે, ઓઢણી લહેરાય છે. એકલું પડેલું કોક વહેરાય છે... સારી રાત ચાંદન વેરાય છે. અઢળક ઢોળાય છે અઢળક. સવારે પારિજાત તળે, ટગરી તળે રહી ગયેલી ચાંદનીને જોયા કરું છું :

‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે સે...'

આ પંક્તિ સાંભળું છું ને જીવ પૂર્વોત્તર પંચમહાલના મલકમાં મારે વતનગામ પહોંચી જાય છે. મહીની નાળમાં નીતર્યાં નીર વહેતાં દેખાય છે. શાળામાં નિબંધ લખવા અમે મિત્રોએ એક વાર ‘ચાંદની રાતે નૌકાવિહાર' કરેલો... મહીના નીરમાં હોડી કાબૂમાં ન રહેતાં છેક ચારપાંચ માઈલ નીકળી ગયેલી. એ સ્મરણ તાજું થાય છે. ‘મારી મહીસાગર' એટલે મારી ચેતનામાં વહેતી નદી. મારી ભીતરની ચેતના. નદી જ વળી. આ ચેતના એ જ આદ્યશક્તિ. એ શક્તિના ઉપાસનાના આ દિવસો છે. પણ રહો, શક્તિ ઉપાસના તો બહાનું છે. અહીં તો માનવલીલાઓએ માઝા મૂકી છે. વૃત્તિઓ એમનું દાપું માગે છે... વય વસને પરખ્યા વગર દાપું ચૂકવે છે. ‘લૂંટવ્યું એટલી લ્હાણ'ને સમજનારા ક્યાં છે? અહીં તો ‘લૂંટયું એટલી હાણ' છે. પણ હાણમાં હરખાનારો સમાજ હોય તો તમે શું કરો? જીવ બાળો ને જોગી કહેવાઓ એ નફામાં. આ વખત ભોગીઓનો છે. ભજનારાઓ આ ઋતુમાં ભોંયરામાં ચાલ્યા જતા હશે. માતાજી પણ સ્થળ છોડી જતાં હશે. ખરું સૌન્દર્ય અને સત્ત્વ તો આ દિવસોમાં વનવગડે, નદી–દરિયે, પહાડ–શિખરે હોવાનું. ઈડરિયાગઢ ૫૨ બેસીને અજવાળી રાત્રિઓ જોઈ છે. વિરેશ્વર– સારણેશ્વરનાં વનોમાં, પહાડોમાં આસોમાં વરસતી ચાંદનીએ ભીંજાયેલા તે હજી સુકાયા નથી! ગઢ પરથી હિમોજ્જ્વલા રાત્રિએ જોયેલું ઝરણાંની જેમ વાંકુંચૂકું વહી જતું સોનેરી દીવાઓનું શહેર ઈડર જોયું હતું– એ કુંવારા મન પર અંકાયેલું પ્રથમ પ્રણયદૃશ્ય હતું... એ જડતર જરા પણ ઝંખવાયું નથી. વતનઘરના આંગણે પૂનમનો ચાંદો કેટકેટલી વાર જોયો છે. ભૂખ્યા હતા તો એ મકાઈના રૂડારૂપાળા રોટલા જેવો લાગેલો... ને વયમાં આવતાં કણબીની કન્યાના ગોળમટોળ ચહેરા જેવો. કૂવાને થાળે બેસી લીમડાની ડાળીઓમાં ગળાઈચળાઈને આવતી ચાંદનીની ભૂંગળીઓ સાથે રમ્યા છીએ... ક્યારેક પ્રવાસમાં બહાર પથરાયેલી થીજેલા કોપરેલ જેવી ચાંદની રાતોમાંથી અશબ્દ પસાર થવાનું છે... પણ દરેક વખતે આઠમા ધોરણમાં મોઢે કરેલી ‘શરદવર્ણન’ (જયંત પાઠક)ની પેલી પંક્તિઓ અચૂક સાંભરી છે :

સ્થળ સૌ જમુના તીર બન્યાં ને નરનારીઓ,
વ્યગ્ર ગોપગોપી શાં ચન્દ્રપૂનમનો ચડ્યો.
નીલાકાશમાં સોહે બિંબ શું મનભાવન,
ઢળેલું કૃષ્ણ સ્કંધે રાધાનું જાણે આનન !

કૉલેજમાં ભણતાં કોઈ સાહેબે આ રાત્રિઓને વર્ણવતાં ‘હિમોજ્જ્વલા રાત્રિઓ’ કહેલું. એમાં ચૈત્રના મોગરાનો રંગ અને અજાણી કન્યાનું મોહક–સંમોહક શ્વેતશ્વેત સ્મિત મેં મારા તરફથી ભેળવ્યાં છે. એ મોગરા, એ સ્મિત અને આ જ્યોત્સ્ના રાત્રિઓ... ચમકતી ચંદિરા, બસ હવે. મનની દાબડી ખોલવી નથી. એમાં ઢાકાની મલમલ જેવું કૈં કેટલુંય સાચવીને, ગડીબદ્ધ ગોઠવી રાખ્યું છે... પણ પીડાનો પ્રસાદ ફરી ક્યારેક... ઈતિ અલમ્.

[ઑક્ટોબર, ૧૯૯૨: વિદ્યાનગ૨]