ગામવટો/૬. મધવાસનું પાદર
ભૂલાય નહિ એવું એક જીવન હોય છે. વીતી ગયેલી કેટલીક વિરલ વેળાઓ આપણા ચિત્તમાં જેમની તેમ સ્થિર થઈ ગયેલી હોય છે. એ ખરું કે આપણને શૈશવનાં સ્મરણો સૌથી વધારે વહાલાં હોય છે ને સવિશેષ તો એ જ યાદ રહે છે. જિંદગીની પહેલી પચીસી પછીના પ્રસંગો યાદ હોવા છતાં ઝાંખા પડતા જાય છે, જ્યારે શૈશવ–કિશોરકાળની યાદો તો પ્રવાસે–પ્રસંગે મંજાતી– અજવાળાતી રહે છે. હું ભણતો હતો એ મધવાસ ગામને પાદરે ઊભેલી મારી એ જૂની ‘શાળા’ અને ‘સ્કૂલ’ હજીય એમ જ ઊભેલી જોઉં છું – મારા મનમાં એ ઊભી છે. વાસ્તવમાં તો હાઈસ્કૂલ તો પડું પડું થતી ક્યારનીય પડી ગઈ છે. આજ તો સીમમાર્ગે એનું નવું મકાન છે, પણ જીવંત તો હતી ભાડાનાં ઘરોમાં બેસતી મારી નિશાળો. જીવતરના પાઠ ત્યાં શીખ્યા હતા, આજે તો પાઠ્યપુસ્તકોના પાઠ પણ પૂરતા ક્યાં શિખવાડાય છે? પણ આજે વાત તો કરવી છે કેટલીક નથી ભુલાતી એવી વ્યક્તિઓની, જેમને અને મારે, આમ જોવા જોઈએ તો કશો જ સંબંધ નથી ને તોય જાણે એ જ મારા જીવતરના ઘડતરકાળનો હિસ્સો હતી. મધવાસ ગામને ગોંદરે પરબડી પાસે વલ્લીના ઝાડના થડમાં કાશી ભોયણ શિંગોડાં લઈને વેચવા બેસતી. ઋતુ બદલાય એમ એના ટોપલામાં ફળ પણ બદલાતાં. સીતાફળ, રાયણ, જાંબુ એમ એનું કોમ જ વલ્લી નીચે બેસીને ફળો વેચવાનું. પૈસા સાટે વેચે એમ દાણા લઈનેય વેચે. એનો એ વાંસગૂંથેલો ટોપલો, એના ઉપર ઢાંકેલું રાતી કોરનું પીળચટું લૂગડું, સદાય હસતો રહેતો ચહેરો–એનો બોલવાનો લહેકો તથા નમાયા લાગતા અને ઓશિયાળું તાકી રહેતા છોકરાને પાસે બોલાવીને મફતમાં ફળ કે ખાવાનું આપવાની તેની રીત – બધું જ યાદ છે મને. ખરાં મનેખ હતાં એ બધાં. જીવતરના અભાવ વચ્ચેય એમણે માણસ તરીકેનો સ્વ–ભાવ છોડ્યો નહોતો. રજાક ઘાંચીની ઘાણી ફરતી. અમે પણ કદીક તલ કે મગફળી પિલાવવા જતા. રજાકભાઈ ઘડીકમાં ઘાણીએ બેસીને દાણા સંકોરે ને આંખે ડાબલા પહેરાવેલો બળદ ફર્યા કરતો હોય. ક્યારેક ગ્રાહક આવે તો રજાકભાઈ ચા–ગોળ–મરચું–હળદર આપવા પાછા દુકાનમાં આવે – ત્યાં બળદ તો ફરતો જ હોય, ઘાણી ચાલતી જ હોય, રજાકભાઈ નાનકડી હાટડી અને ઘાણી બેઉં ચલાવે. માટીનું ઘર નળિયે છાયેલું હોય. પાછલા ઓરડે ગુલબીબી ૨સોઈ કરતાં. વર્ષો લગી એ ઘાણી ફરતી રહી અને અમે રજાકભાઈની આપેલી ખાટીમીઠી ગોળીઓ ખાતા રહ્યા છીએ. થાય છે કે હજીય રજાકભાઈ ને ગુલબીબી ત્યાં જ હશે અને ઘાણી ચાલતી હશે! જોકે હવે તો એ ઘર પણ નદીના પૂરમાં પાદર થઈ ગયું છે, પણ મારા મનમાં વસેલા ગામમાં તો એ આખોય પરિવેશ અકબંધ છે. અદલોઅદલ. રજાકભાઈનો અવાજ પણ ઓળખી આપું એટલો તાજો છે, વસવસો છે કે આ અવતારે તો હવે એ નથી જ મળવાના. નાનકડી ગામ–બજારમાં નગીન સોનીનો પાનનો ગલ્લો હતો. નાનકડી કાયાને ઓછી ઊંચાઈ. બેઠી દડીના નગીન સોનીનું પાન ખાનારા લગ્નગાળામાં વધી જતા. ધોળી કેવેન્ડર અને કાળી તાજછાપ વેચતા નગીન સોનીના છોકરા પણ અમારી સાથે ભણીને શહેરોમાં ગલ્લાવાળા થઈ ગયા છે, પણ હજી મનના મુલકમાં એ નગીન સોનીના ગલ્લાનું લાલગુલાલ વિશ્વ અંકબંધ છે. દરેક વાતે જેનો પનો ટૂંકો પડતો એ નગીન સોનીનો રૂપાળો વસ્તાર (છોકરા– છોકરીઓ) આંખના પડદા પાછળ તગતગ્યા કરે છે. ગરીબના છોકરાને ઘડનારે રૂપાળાં બનાવ્યાં હતાં. દુનિયાદારીમાં એમનો, એ રૂપગુણને આધારે જલદી સમાવેશ થઈ ગયો અને નગીન સોનીની નાનકડી દુનિયા એ જ રીતે જિવાતી રહી હતી. રામજી માછી નદીમાં હોડી ચલાવ્યા કરતો. હલેસાં મારનાર ને સઢ બાંધનાર છોડનાર તરીકે નિશાળિયા કામ કરતા. રામજી તો હોકલી પીતો બેઠો હોય. બાર માસના દાણા બાંધેલ હોય એટલે કોઈ દૂરના અજાણ્યા જણ સિવાય રામજીને પૈસાની લેવડદેવડ ભાગ્યે જ થતી. નિશ્ચિત દાણા દિવાળી ઉપર રામજી ઉઘરાવી લેતો ને પછી હોડી છોડવામાં ઢીલાશ રાખતો. લોકો ક્યારેક એને વઢતા, પણ એ તો આજેય મને દેખાય છે તેમ મલકાતો, કતરાતો હોકલી પીતો બેઠો જ હોય. ગામમાં એક ગણપતિ મંદિર હતું. મંદિર શેનું? ઘરની પડસાળમાં બનાવેલું સ્થાનક. ત્યાં ગણપતિ બિરાજતા. એક વૃદ્ધ જટાધારી સુથારકાકા એના પૂજારી. ઘરમાં એમનાં પત્ની અને એકની એક દીકરી. ચાંદની જેવી ઊજળી ને નામ પણ ચંદ્રિકા. અમારા પાછળના વર્ગમાં ચંદ્રિકા ભણતી. ઘણા છોકરા પરી જેવી ચંદ્રિકાને લીધે ગણપતિના ભક્ત થઈ ગયેલા. ગણપતિદર્શનને બહાને જતા અને ચંદ્રિકાને જોતા... એની કૃપાદૃષ્ટિ પામવા મથતા. સુથારકાકા અમારા કપિલેશ્વર મંદિરેય પૂજા કરવા આવતા અને કાકી ઘીનો દીવો માગવા નીકળતાં ત્યારે ગણપતિબાપા અને ચંદ્રિકા બે જ ઘ૨માં પરસ્પર એકમેકને તાકતાં રહેતાં હશે. હંમેશાં સફેદ ઊજળાં એક પણ ડાઘ વગરનાં ફ્રોક પહેરતી – બે ચોટલા વાળી સફેદ રિબનનાં ફૂલો પાડીને જ બહાર નીકળતી ચંદ્રિકા આજે પણ એટલી જ ઉંમરની હશે? અરે, એવું તે ક્યાંથી બને? સમય કેવો ક્રૂર છે, નહિ? આજે પણ નિશાળોમાંથી ગભરુ બાળાઓને છૂટતી જોઉં છું કે વ્યાખ્યાન માટે જાઉં છું ત્યારે ચંદ્રિકાને શોધ્યા કરું છું. ક્યાં હશે ચંદ્રિકા સુથાર !! આ ચંદ્રિકા જેવી જ રૂપાળી, ઊજળી, દેખાવડી કુસુમ ગોર અમારી સાથે ભણતી હતી –અગિયારમા સુધીના એ બધા જ દિવસો મનની મંજૂષામાં અકબંધ છે. ‘અમે તમારી ટગરફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ–' રમેશ પારેખની કાવ્યપંક્તિ વાંચું છું ત્યારે ત્યારે કુસુમ ગોરને છોકરીઓની હરોળમાં પહેલી પાટલી ઉપર બેસીને મારા તરફ ટગર ટગર તાકતી જોયા કરું છું–સાચે જ કુસુમના ગોરા ચહેરા ઉપરની મોટી સફેદ–કાળી સુંદર આંખો નથી ભુલાતી. એનો ઋજુ ને થડકતો સ્નેહાર્દ્ર અવાજ પારિજાતનાં ફૂલો જેવો. એ ફૂલો જાણે કુસુમ ગોરના શબ્દોમાંથી જ ઘડાયાં ન હોય એમ લાગે છે. ભાનુમાસી–કુસુમનાં વિધવા બા – હજીય ઘરના બારણાના પગથિયે બેઠેલાં ભાળું છું. એમનાં જ બે મકાનોમાં અમારી હાઈસ્કૂલ બેસતી. ભાનુમાસીએ કશું જ કરવાનું નહોતું. આમ સુખ છતાં જાણે ખાલીખમ જીવતર લઈને બેસી રહ્યાં છે એવું મને ત્યારે લાગતું ને આજેય એમ જ અનુભવું છું. કાળ આપણી પાસેથી કેટકેટલું છીનવી લે છે ! દયા વગરનો છે કાળ તો, પણ આ કાળનેય ગાંઠ્યા વિના આપણે કેટલુંક તો જીદપૂર્વક સાચવી રાખીએ છીએ આપણી પાસે. કેટલાંક પાત્રો કદી ભુલાતાં નથી. અમારાં ગામોમાં ફરતો ટપાલી તે અર્જુનસિંહ બાપુ (સોલંકી!). બધાં એમને બાપુ કહેતા ને માન આપતા. અર્જુનસિંહ ધોતી ઉપર કેડિયું પહેરી માથે સાફો બાંધતા. પગમાં કાળા– રાતા બૂટ. મોજાં તો મહીસાગર ઊતરવાની એટલે રાખે જ નહિ, અર્જુનસિંહનો રથ ધૂળમાં રગદોળાયેલો ચાલે. બચરવાળ ઘર ને જમીન ટૂંકી. ત્યારે તો એમણે ‘પો. મધવાસ–'માં નોકરી બોલાવવાની, પણ પોસ્ટ મધવાસના તાબામાં આવતાં ડોલરિયા, કાનેસર, પલ્લા (મોટાં નાનાં મળીને છ–સાત ગામ) નવા ગામ, પાલ્લી, વાડી, લીંબોદરા, ભમરા, સજ્જનપુર, તરાળાના મુવાડા મળીને પંદર ગામોમાં ટપાલ વહેંચવા જવાનું. જોકે ઘણાં ગામોની તો મહિને એકાદ ટપાલ માંડ આવે. અર્જુનસિંહ અમારે ત્યાંય આવતા, મેં એ દિવસોમાં ‘પોસ્ટ ઑફિસ' વાર્તા વાંચેલી. મને અર્જુનસિંહમાં પેલો કોચમેન અલી ડોસો દેખાતો... અર્જુનસિંહની પ્રામાણિકતા, મહેનત તથા પ્રેમાળતા યાદ રહે એવી. જે ગામમાં જાય ત્યાં ચાપાણી પામે અને મહેમાનો હોય ત્યાં સૌ આગ્રહ કરીને એમનેય જમાડે. અર્જુનસિંહની નાનકડી ટપાલકચેરી તો ચાલતી હતી ચૌધરી ઠાકુરની મેડીવાળી હોટલમાં. મોરબંગલા જેવી મેડી. ગોંદરે નદીકિનારે છેલ્લી ઊભેલી. ચૌધરીજી મૂળ રાજસ્થાની હશે? ચા–ચવાણાની જયાફત કરનારા નિશાળિયા અને બસસ્ટૅન્ડે આવતી જતી (દિવસમાં ત્રણ વા૨) બસોના પેસેન્જર્સ. પાસે ૫૨બ. લોકો હોટલને બાંકડે બેસી થાક ગાળે. શંકર બારિયા ચા બનાવે. અર્જુનસિંહ ટપાલપેટી ઉઘાડીને સિક્કા મારે. છોકરાં ભૂંસું–ચવાણું ખાય. ચૌધરી ઠાકુર ગલ્લે બેઠાં બેઠાં આજ્ઞા કરે. મેડી ઉપર એમનું કુટુંબ રહે. બે દીકરીઓ ને દીકરો. બધાં ભણે સામેના ટેકરા ઉપરની અમારી નિશાળમાં અમારી સાથે. બાજુમાં લક્ષ્મીજીનું મંદિર એક તરફ ને બીજી દિશામાં રણછોડજી શિવજીનાં મંદિરો – ખાસ્સાં ઊંચે ટેકરે. એ મંદિરોમાં વાંચવાને બહાને સાંજે–સવારે–રવિવારે ગામના યુવાન છોકરાઓ આવે – અલગ અલગ બેસે ને મેડી ઉપર નજરું નોંધીને જોયા કરે પેલી ચૌધરી કન્યાઓને. એય ચોફેરના કઠેડામાં ફરતી હોય કે જોતી જોતી વાંચતી હોય... આવાં તારામૈત્રકોનો સાક્ષી હુંય રહ્યો છું... વયમાં આવનારાં છોકરાં કેવાં તો ચંચળ અને લોકનજરોથી બેખર હોય છે. મેડીની નીચે જરાક આઘે વહી જતી મહીસાગરને કાંઠે ઘણી વાર ચિતાઓ બળતી હોય. ડાઘુઓ દૂરના ગામડેથી લઈ આવતા મડદાને... ને પછી ચિતા પ્રજ્વળે, ડાઘુઓ એને બરાબર બાળે, ઠારે, પછી નહાય અને બાપુની હોટલની ચા પીને વાટે વળે. ગોંદરાના ભર્યાભર્યા જીવનની સામે જ સમાપ્ત થઈ જતું જીવન પણ અમે તો બાળપણમાં જ જોયું હતું. જીવતરના પાઠ તે આ સ્તો ! રોજેરોજના જીવતરમાંથી જે શીખવા મળે છે તે શિક્ષણ ભલે અનૌપચારિક કહેવાતું હોય – એના વિના ઔપચારિક શિક્ષણ પોથીમાંનાં રીંગણાં જ બની રહે છે. માગ જીવતરની નિશાળો જ્યાં હતી ત્યાં જ હતું મારા જીવતરની ખરી નિશાળ – જેવું મધવાસનું પાદર! એ પાદર હજી મારામાં ભર્યું ભર્યું જ છે !