ગામવટો/૮. વલોણાનો વૈભવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. વલોણાનો વૈભવ
‘છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ કહેવાય’

વલોણાએ આપેલી આ કહેવત સમજનારી પેઢી આથમતી જાય છે. વલોણામાંથી ધમધમતાં એ ઘર–ફળિયાં–ગામડાં તથા વલોણાંના છમ્મ છમ્મ અવાજોથી સમૃદ્ધ ઢળતી રાતો કે વહેલાં પરોઢિયાં હવે ક્યાં જઈને પામીએ ? જીવનરીતિઓ કે વ્યવહારો બદલાતાં જાય છે એમ જીવનની અસલગત ઓછી થાય છે એ તો ખરું, પણ સાથે સાથે પ્રજાની ભાષા–સમૃદ્ધિ તથા બોલીબળ પણ જાણે પાતળાં પડતાં જાય છે. ઉક્ત કહેવતનો અર્થ તો જાણીતો છે. આપણને – ઘરને નુકસાન– થાય, ગફલતને લીધે ખોટ આવે અને ઉ૫૨થી(છોગામાં/વધારામાં) આપણે મૂર્ખમાં કે બાઘામાં ખપીએ! વલોણાના અંતે છાશ પર તરી આવતું માખણ હથેળીએ હથેળીએ તારવી લેવાનું કામ દરેક સાસુ વહુને સોંપે એ સ્વાભાવિક છે. વહુએ આવડતપૂર્વક અને ચીવટથી છેલ્લામાં છેલ્લી તોર પણ વાળી લેવાની રહે છે. છાશમાં હાથ ઘૂમેડીને ભમરી પેદા (વમળ) કરીનેય માખણ તારવી લેવાનું હોય છે. એ પછી જ છાશ અડોશપડોશમાં માગનારને આપી શકાય. હવે જો વહુ કાળજી ના રાખે અને છાશમાં માખણ રહેવા દે તો છાશ લેનારને એ માખણ (માખણનાં ફોડવાં કે તો૨) મળે છે. છાશમાં માખણ જવાથી ઘરને નુકસાન થાય(એટલું ઘી ઓછું ઊતરે ને!) વળી છાશ લઈ જનારી પડોશણ ટીકા કરે કે– ‘ભઈ, જુઓને ! ફલાણાની વહુને તો માખણ તારવતાંય નથી આવડતું. ફૂવડ રાંડ છે ફૂવડ !’ બેઉ બાજુ નુકસાન – ને ચીંધતી, આવી એક બીજી કહેવત (જરાક જુદા અર્થમાં) બ્રાહ્મણો પણ કહે છે – ‘બાઈ! આ તો બાંમણ ભૂખ્યો જાય અને યજમાનને ખોટું લાગે – એના જેવી વાત છે !' વલોણાની પોતાની એક દુનિયા હતી ‘વલોણું’ કવિતા–વાર્તામાં પણ પ્રતીકાદિની રીતે પ્રયોજાયેલું છે. લગ્ન માટે તોરણે આવતા વરને પોંખતી વેળા વલોણાના રવૈયાનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે થાય છે. વલોણું–માં દહીં મથવા(વલોવવા) વપરાતો રવૈયો પુલિંગ છે(એનો આકાર પણ સૂચક હોય છે.) એ પૂંસકતા દર્શાવે છે. દહીંની ગોળીમાં રવૈયો મુકાય છે. ગોળી(મોટું અને માટીનું, પહોળા મુખનું વાસણ) નારીજાતિ છે. એમાં ફરતો અને દહીંને વલોવતો રવૈયો– એ આખી પ્રક્રિયા પણ સૂચક છે. અમારાં ગામડે તો રવૈયે વીંટેલાં નેતરાં – સ્ત્રી અને પુરુષ બંને સામસામે રહીને બરાબર કળથી ફેરવે છે ને ઝૈડકા દે છે !! – રવૈયાની ટોચે ટોચે ચારે તરફ લાકડાની ચપટી – ચારચાર પત્તીવાળી – મજબૂત ૨વેડીઓ જડેલી હોય છે – એની વચ્ચે પણ આવી જ ચાર રવેડી જડેલો દંડો છે. જે પેલા ચાર દંડ કરતાં મોટો છે. દેખાવે રવેડી–જડેલા રવૈયાની દહીં વલોવવાની ટોચ શીમળાનાં મોટાં ફૂલોમાં પૂંકેસર જેવી ભાત રચે છે. વચ્ચેનાં પૂંકેસ૨ ઘણી વાર મોટાં ને વધુ ટટ્ટાર હોય છે. આ પણ સંકેત માટે ઉપયોગી છે. રવૈયો આમ સાગના લાકડામાંથી ઘડીને લિસ્સો બનાવાય છે. વળી એ ગોળીમાંનાં દહીં–માખણ પી પીને અત્યંત સુંવાળો બની રહે છે. રવૈયાનો મધ્યભાગ મોટા કાણાવાળી (ગોળાકાર) માંકડીમાં પસાર કરાય છે. જેમાં ફર્યા કરે ત્યારે વીંઝાય નહીં! માંકડીના છેડા ઊતરેલા હોય છે અને એ ગોળીના મુખ સાથે (રવૈયાનો નીચેનો ભાગ ગોળીમાંના દહીં વચ્ચે પહોંચે એમ ઉતાર્યા બાદ) ગોળીબંધણાથી બાંધી દેવાય છે. રવૈયાના ઉપરના ભાગમાં એક જોડ નેતરાં હોય છે. જેના છેડાઓ ૫૨, મુઠ્ઠીમાંથી નેતરાં છટકે નહીં એ માટે લાકડાની ગિલોડીઓ બાંધેલી રહે છે. દાદાએ ધોળી ભીંડીના સુંવાળાં ફેલાં (રેસા)માંથી જાડી દોરડી વણી હોય છે તે આ નેતરાં ! દેખાવે સાપણ જેવાં એ નેતારાં હાથોમાં રમી રમીને રેશમી બની ગયાં હોય છે. ઘરનાં સ્ત્રીપુરુષ–બહુધા પતિપત્ની – છાશવારે છાશવારે વલોણું માંડે છે. અને દહીં ભાંગીને નવનીત નીતારે છે. વલોણું માટે નેતરાં તાણવાં એ પણ આવડત માગી લે છે. હળવે હાથે અને છતાં મહીંનું માખણ થવું જોઈએ. આપણા રંગદર્શી કવિ ન્હાનાલાલે લોકગીતના આધારે ગાયું છે.

‘હળવે તે હાથે, નાથ! મહીંડાં વલોવજો
મહીંડાની રીત ન હોય આવી જી રે.. !’

નેતરાં છમ્માછમ્મ તણાતાં હોય, ગોળીમાંનાં મહીં ઘમ્માઘમ્મ લહેરાતાં હોય, નેતરાં તાણનારાં બેઉ ઉલ્લાસમાં ડોલતાં હોય – રવૈયો નિશ્ચિત લયકેફમાં હિલ્લોળતો હોય અને રવૈયાની છેક ઉપરની ટોચે બાંધેલી ફૂમતી રાસડા લેતી હોય, ઘૂઘરીના રણકારા સાથે હાથનાં કંગન તાલ મેળવતાં હોય – એવાં દૃશ્યો તો આમેય વિરલ છે. અમે મનભરીને એ દૃશ્યો જોયાં–માણ્યાં છે એટલું જ નહિ અમેય નેતરાં ઝાલી નવોઢા નારી સાથે વલોણાં કર્યાં છે. જેનો રોમાંચ આ લખતાં પાછા દિલમાં કંપ ફેલાવી દે છે! વલોણાં જવાની સાથે શું શું ગયું એ તો વલોણાં સાથે કેવી કેવી દુનિયા જોડાયેલી હતી એ જાણે એને જ સમજાય ! વલોણાંની સૃષ્ટિએ કહેવતો અને રૂપકોય ખાસ્સાં આપ્યાં છે. આપણા કવિ દયારામની ગોપી, કૃષ્ણને પોતાના રંગમહેલે રાત ગાળવા નિમંત્રણ આપે છે ત્યારે કહે છે કે ઢળતી સાંજે ‘ગાય ખોવાઈ છે તે ગોતવા જાઉ છું' કહીને આવજો :

પડતી તે રાતના પધારજો પિયુ
કોઈ નથી બેઠું જાણવા જી રે!
પરોઢે જાતાં કોઈ પૂછશે તો કહીશું –
કે તેડ્યા'તા ‘વલોણું' તાણવા જી રે !

વલોણાની મશે. ‘બીજા વલોણાનો' સંકેત આપોઆપ મળી રહે છે. ‘પાણીડાંની મશે રે જીવણ જોવા નીસર્યાં રે' આપણું લોકજીવન તથા લોકસાહિત્ય આ રીતે તો સમૃદ્ધ છે. એકની મશે વાત તો બીજી જ થાય! આપણા વિવેચકોને આજેય એલિયટના ‘વસ્તુગત સહસંબંધક’–ની નવાઈ છે. પણ અમારા ગામનાં ઝીણી વહુ અને એમના ખેતર–પડોશી દાસભાઈને તો એવાં સાદૃશ્યો રોજનાં જીવનવગાં છે – હાથવગાં છે! આ રહ્યો અમે સાંભળેલો સંવાદ : ‘ચ્યમ, ભાભી! છાશવારો હતો કે શું? ખેતરે મોડાં ચ્યમ?’ ‘ભઈ! છાશવારો આવે તો તો હારું જ ને!' ‘ચ્યમ, દૂઝણું નથી ? ભેંસ આથો જઈ કે?’ ‘ના રે ભૈ! ભેંસ તો એ બેઠી હબદી! પણ, હું કઈએ. બળ્યું ! આ તમારા ભૈ તો વલોણાનું નેતરું ઝાલે કે હાંફ ચડે... તમે જ કહો દૂઝણું પાલવવું ચ્યમનું?' ‘હાચી વાત, ભાભી! ભાર દઈને ઝૈડકા દીધા વના તો માંખણ ચ્યમનું આવે? પણ અમે પાડોશી મૂવા છૈએ તે શું કામના, હૈં? બોલાઈ લેતાં હોય તો... સો કામ પડતાં મેલીને આઈ લાગશું... હાંકે !' ‘તમારી વાત તો હાચી; પે'લો સગો પાડોશી... પણ આ તો રોજનું લાગ્યું... પાડોશીય પોતાનું ઘર હાચવે કે પછી.–‘ –ને વલોણાની મશે સસરો, નોકર અને પાડોશીય વિરહણી કે ‘દેહની દુઃખી' વહુવારુનું વલોણું તાણવા તૈયાર બેઠા હોય છે. ગોળી અને રવૈયો, નેતરાં અને ઝૈડકા, છાશવારો અને માખણના લપકા – બધીય સંજ્ઞાઓ અહીં તો અનેકાર્થી બની રહેલ છે. ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી' એમ કહેતા જઈને જરાક મર્મમાં બોલી બધું ‘રાગમાં’ લાવનારાં અહીં લ્હેર કરે છે. ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે–‘ હજી તો સારી વાત માંડ મંડાતી હોય અને ઉત્સાહી અધીરો થાય એ દર્શાવવા આવી ઉક્તિ વપરાય છે. વાતનું વતેસર કરનાર કહે છે કે – ‘હવે છાશમાં પાણી નાખવું રહેવા દે –!' જે કામ વેળાસર ના થાય, સારું ઘર મળે ને કન્યાને વરાવાય નહીં છેવટે નબળે ઘેર વળાવવી પડે ત્યારે લોક કહે છે– ‘ખાટી છાશ છેવટે ઉકરડે પધરાવી!' વલોણાની મજા એ છે કે એ દિવસે સવારે રોટલા સાથે, ચાંદની ફ્રીજરમાં ઠારીને બનાવ્યાં હોય એવો માખણનો લોંદો ખાવા મળે છે. વલોણું કર્યાની પહેલી બપોરે કોપરા જેવી છાશ પીવા મળે. પછી છાશ ખટાશ પકડે. ગામડે તો વલોણાના વારે કેટલાંય લોક દોણી લઈને છાશ લેવા આવતાં. મફત. છાશ વેચવા માટે નહીં વહેંચવા માટે રહેતી. ખાટી છાશ અને ઘીતાવણીના તળિયેથી નીકળતા બગરાથી સ્ત્રીઓ વાળ ધોતી... આથી વાળને પોષણ તથા માથે ઠંડક મળતી પણ વાળ ગંધાતા. ‘છાશવારે ને છાશવારે’ – એટલે કે ત્રણચાર દિવસે – એવું સમય માપ પણ બોલાતું. વારેવારે ઝઘડનાર સાથે કહેવાતું – ‘આ તો છાશવારે ને છાશવારે ફજેતા...’ ગામમાં કોઈનું મરણ થાય ને શબ પડ્યું હોય ત્યારે ઘંટી–વલોણાં થંભાવી દેવાતાં હતાં!! ‘છાશ પૂરવી’ એટલે ત્રણચાર દિવસોનું દૂધ, ટંકે ટંકે દહીંની દોણીઓમાં આખરવામાં આવ્યા પછી એ દહીંની દોણીઓને, માટીની મોટી મોટી ગોળીમાં ઠાલવીને ગોળી માથે રવૈયો બાંધી વલોણાની તૈયારી કરવી! જેને ઘેર બેત્રણ ભેંસો રોજ દૂઝે છે તેવા ઘરોમાં, ખાવાપીવા માટેનું દૂધ તપેલી – કુલડીમાં કાઢી લીધા પછી, સવાર–સાંજે બંને ટંક વધારાના દૂધને દહીંની દોણીમાં ‘આખરી દેવામાં' આવે છે. જેનું દૂઝણું સાબદું એનું ઘર સુખી. આવા ઘરોમાં દર ચાર દિવસે વલોણું થાય. એલ્યુમિનિયમના (વાસણ) ઘી–તાવણામાં માખણ રાખીને ચૂલે મૂકી ધીમે તાપે માખણનું ઘી કરવામાં આવે છે. તાજા ઘીની સુગંધ ફળિયા સુધી ફોરી ઊઠે છે. તાજા તડકા જેવા એ ઘીને ગરમ રોટલા સાથે ખાવાથી અમૃતથી અદકો મીઠો સ્વાદ મળે છે. આવું ઘી ખાનારા શતાયું ભોગવે છે. ઘરની દોણીનું તોરવાળું દહીં તો ઘીથી વધુ ગુણિયલ છે. લસણ–ચટણી–રોટલા ને દહીં પણ ઉત્તમ ખોરાક છે. આજે દૂધ ડેરીમાં વેચી દેવાય છે. ને વેચાતાં દહીં–દૂધ લાવીને ખવાય છે – એની સાથે રોગ વધ્યા છે અને જીવનનો આનંદ ઘટ્યો છે. છાશ–દહીં વલોવવાની મોટી ગોળી ખાસ ચીકણી માટીમાંથી બને છે. ગેંગડિયા ગામનો રામજી કુંભાર એવી છાશ–દહીંની ગોળીઓ થાપીને બનાવતો ને નોખો નીંભાડો કરી પકવતો – એની આવક મોટી હતી. આવી ગોળીઓ ૫૨ ડિઝાઈન થતી અને મજબૂતી તો દહીં–માખણ પીને વધતી રહેતી. આવી જૂની નંદવાયેલી ગોળીમાં કપડાં ને દાગીનાય મુકાતાં. આ ગોળીને મૂકવા ટ્રકના ટાયર જેવું સૂંથિયું ફૂલજીવાદી બનાવતો. ખજૂરીમાંથી બનતાં એ સૂંથિયાં રૂપાળાં લાગતાં! એક વલોણાની પાછળ કેટકેટલી પ્રજા પોષાતી હતી ! વલોણાં જવાથી માત્ર પરોઢિયાં જ નહીં ચોપાડો અને ખાધાપીધાના સ્વાદ પણ સૂના પડ્યા છે !!...