ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/ગાંધીજીનું ચિંતનાત્મક ગદ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગાંધીજીનું ચિંતનાત્મક ગદ્ય* [1]

ચિંતનાત્મક ગદ્યની વાત કરવાની આવે ત્યારે બહુધા ચિંતનસામગ્રીની એટલે કે લેખકના વિચારો અને દૃષ્ટિકોણની ચર્ચા થતી હોય છે. પરંતુ એ ચિંતન ગદ્યરૂપે કેવું પ્રગટી આવ્યું છે, ગદ્યની કેવી મુદ્રા એમાં રચાઈ છે – તે ચર્ચાના કેન્દ્રમાં આવવું જોઈએ. વળી, આ પરિસંવાદમાં આપણે ૧૫૦ વર્ષના ગુજરાતી નિબંધની, એના ગદ્યની ચર્ચાનો ઉપક્રમ કર્યો છે એ કારણે ગદ્યરૂપની ચર્ચાનો તંતુ જળવાય એ વધુ પ્રસ્તુત, વિશેષ જરૂરી છે. એટલે અહીં હું, ગાંધીજીના ચિંતનની તરેહો કેવી રીતે બંધાઈ અને એમનું વિચારજગત કેવાં માધ્યમોથી, વક્તવ્ય-પ્રવચનથી અને લેખનથી, વ્યક્ત થયું એનો ભૂમિકારૂપે ટૂંકો નિર્દેશ કરીને એમના ગદ્યની – એમનાં મંતવ્યો, વિચારવલણો, આદર્શો અને એમના આગ્રહો, એમના ઉદ્રેકો, માનવીય લાગણીથી છલકતા એમના ઉદ્ગારોમાં વ્યક્ત થતા ગદ્યની – ગદ્યલેખેની કેટલીક લાક્ષણિકતાઓ તપાસવા ધારું છું. અલબત્ત, આવી તપાસ હજુ મોટો સ્વાધ્યાય માગી લે. અહીં તો, નમૂના લેખે, ગાંધીજીની ભાષાની કેટલીક વિશિષ્ટ રેખાઓ આલેખવા તરફ મેં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાંધીજીનું લેખન ગંજાવર હતું, એમને જે કહેવું હતું તે બધું તે સતત કહેતા રહ્યા અને લખતા રહ્યા. એમના વિચારોને ને એમના મિશન (જીવનકાર્ય)ને સૌ સુધી પહોંચાડવા એમણે પત્ર-પત્રિકાઓ-ચોપાનિયાંમાં લખ્યું – પત્રકારત્વને એમણે માધ્યમ બનાવ્યું. એ અર્થમાં ગાંધીજી વિચારક ઉપરાંત પત્રકાર લેખક હતા. સૌમાં નિરક્ષરોને પણ આવરી લેવા એમણે જાહેર પ્રવચનોનો ને આશ્રમવાસીઓ માટેનાં પ્રવચનોનો પણ આધાર લીધો. વળી એ પ્રવચનો, વ્યાપક પ્રસાર માટે, વાંચી શકનાર સૌ કોઈના લાભાર્થે એમણે લખ્યાં ને પ્રકાશિત કર્યાં. સક્રિય વિચારક તેમજ સુધારક માટે લેખન એ પણ એક અસરકારક સાધન હોય છે – પછી એ વિચારક નર્મદ હોય કે ગાંધીજી હોય. ગાંધીજીનું લેખન બહોળું છે એમ બહુવિધ પણ છે. પ્રસંગ આવ્યે એમણે ઘણા વિષયો પર લખ્યું, વિચાર આવ્યો અને એમણે વ્યક્ત કર્યો જ. એમનાં લખાણોમાં અનુનય છે ને આગ્રહ પણ છે, ક્યારેક દૃઢ આગ્રહ કે મતાગ્રહ પણ છે. એમના કેટલાક વિચારો ભવિષ્ય માટેય પ્રસ્તુત રહ્યા છે તો વળી કેટલાક તે સમયે પણ અપ્રસ્તુત હતા, પરંતુ, પોતાના વિચારોને તથા અભિપ્રાયોને એમણે નિસબતપૂર્વક અને અસરકારકતાથી વ્યક્ત કર્યાં છે. એટલે આપણને એમનો મત સ્વીકાર્ય લાગે, ક્યારેક ન લાગે, ત્યારે પણ એમના દૃઢમૂલ આગ્રહોની પ્રતીતિ જરૂર થવાની. હિંદ સ્વરાજ જેવા એક નાનકડા પુસ્તકમાં પણ એમના લેખનની, બલકે એમના વ્યક્તિત્વની, આવી બહુવિધ રેખાઓ જોવા મળશે. ગાંધીજીના ચિંતનાત્મક ગદ્યમાંના ચિંતનની – એમના વિચારજગતની – આટલીક લાક્ષણિકતાઓ, ટૂંકમાં નિર્દેશી છે. હવે એમના ગદ્યની વાત. ગાંધીજી સાહિત્યકાર ખરા? – એવો પ્રશ્ન કે એની ચર્ચા હવે અનાવશ્યક છે, કાળવ્યય કરનાર છે. પણ ગાંધીજી ગદ્યકાર ખરા? – એ પ્રશ્ન સંગત છે, ચર્ચાયોગ્ય છે ને એનો પહેલો ઉત્તર ‘હા’ છે. હા, ગાંધીજી ‘ગદ્યકાર’ હતા, માત્ર લખનાર ન હતા. લેખનનું – ભાષાનું – માધ્યમ એમણે વિચારોનું વહન કરવા જ પ્રયોજ્યું હોવા છતાં હંમેશાં એમની ભાષા, કેટલાક કહે છે એટલી બધી સાદી, સરળ, સમથળ, કશા રંગ વિનાની રહી નથી; એટલે કે એ કેવળ વિચારવાહક રહી નથી. એમાં (૧) વિચાર કોઈ જ આકાર વિના વ્યક્ત થયો હોય એવાં સ્થાનો ઘણાં છે તો વળી એવાં સ્થાનો પણ છે કે જેમાં વિચારે કોઈ આકાર ધારણ કર્યો હોય; એટલે કે એમના વિચારની એક વિશિષ્ટ મુદ્રા પણ એમના ગદ્યમાં ઊઠી છે. (૨) વિચાર ઉપરાંત એમનો એક લાક્ષણિક દૃષ્ટિકોણ, વિચાર વ્યક્ત કરવા માટેની કેટલીક પ્રયુક્તિઓ સાથે ઊપસ્યો છે. અને (૩) ભાષાની ભાષા તરીકેની કેટલીક વિશિષ્ટ રેખાઓ એમનાં લખાણોમાં ક્યારેક વિચારના પાત્રની બહાર પણ ઊભરાતી જોવા મળશે. ભાષાને ક્યાંક એમણે લાડ કર્યા છે તો ક્યાં એમને ભાષાનો ભાષા તરીકે મુકાબલો કરવાનો પણ આવ્યો છે. આ બધાથી ગાંધીજીના ગદ્યનું એક વિલક્ષણ પોત રચાતું રહ્યું છે. શબ્દને એમણે શબ્દ તરીકે ભલે સેવ્યો નથી – શબ્દની કળાની નહીં, પણ એમણે એક જગાએ લખ્યું છે એમ ‘શુદ્ધ હકીકતની કળા’ની તરફદારી કરનાર લેખક એ હતા – પણ શબ્દની અર્થવાહકતાને એમણે બરાબર ચકાસી છે. શબ્દ એમને માટે એવું એક સાધન છે જે ઉપયોગ માટેની પૂરી કાર્યક્ષમતા ધરાવતું હોય. ભાષાના ઓજારે વક્તવ્યને અસરકારક રીતે પ્રયોજવા માટે ધાર્યું કામ આપવું જોઈએ એમ માનનાર ગાંધીજી જ્યારે એ ઓજારને ધાર કાઢે છે ત્યારે એમનો શબ્દ વિચારની જ નહીં, ભાષાની ગુંજાશ પણ પ્રગટાવે છે. એમના કેટલાક અભિવ્યક્તિ-મરોડોમાં, ઘણું ખરું એમનાં સૂત્રાત્મક વાક્યોમાં, અગાઉ કહ્યું એમ, વિચાર એક આકાર ધારણ કરે છે જેમકે – કાચો ઘડો એક કાંકરેથી નહીં તો બીજેથી ફૂટશે – વિચારને એમણે અહીં એક દૃષ્ટાંતથી મૂર્ત, પ્રત્યક્ષીકૃત, કરી આપ્યો છે. પણ એટલું જ નથી. એ તો ‘કાચો ઘડો કાંકરો વાગતાં જ ફૂટવાનો’ એવા દૃષ્ટાંતથી પણ થઈ શક્યું હોત પરંતુ, તકલાદીપણું થોડીક વાર માટે કદાચ ટકી જાય પણ એ ઝાઝીવાર ટકી નહીં શકે – એવી શક્યતાને એમણે પ્રગટ કરવા ધાર્યું છે, ને કરકસરથી, જાણીતા દૃષ્ટાંતનો જરાક વધુ કસ કાઢ્યો છે. ને એથી, એમના વિચારની એક વિશિષ્ટ મુદ્રા ઊપસી છે. મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જય થાઓ – એ એમની જાણીતી ઉક્તિમાં, વિચારનું મૂર્તિકરણ, અનાયાસ આવી ગયેલી ગદ્યના લયના છટાથી, વધુ સ્પૃહણીય બન્યું છે. અલ્પાત્માને માપવાને સારું સત્યનો ગજ ટૂંકો ન બનો – એ પરવર્તી ઉક્તિમાં તો વિચાર વધુ ચાક્ષુષ થઈ ઊઠે છે – સત્યનો ગજનું રૂપકત્વ અંતર્હિત અર્થને પૂરેપૂરો ધ્વનિત કરી આપે છે. (ને એ પણ સંદિગ્ધતાના જરા પણ સ્પર્શ વિના જ.) આ પ્રકારનું એક લાક્ષણિક દૃષ્ટાંત હિંદ સ્વરાજમાંથી પણ મળે છે : બંગાળના ભાગલાએ અંગ્રેજી સલ્તનતને મજબૂત કરવાને બદલે ઊલટી નબળી પાડી છે, એવો ગાંધીજીનો એક નવો જ વિચાર પહેલાં એક સાદા વિધાનથી મુકાયો છે : બંગાળના વિભાગ કર્યા તે દહાડેથી અંગ્રેજી રાજ્યના વિભાગ થયા એમ ગણી શકાય. પણ પછી, કંઈક ઉદ્રેક સાથે, એમણે લખ્યું છે : ભાગલા તૂટશે, બંગાળ પાછું જોડાશે, પણ અંગ્રેજી વહાણની જે તડ પડી છે તે તો રહેવાની જ. તે દહાડે દહાડે મોટી થશે! – આમાંથી ધ્વનિત થતા અર્થમાં, અંગ્રેજી રાજસત્તા અંગની ભવિષ્ય-સંભાવના કરવા પાછળનું ગાંધીજીનું જે દર્શન છે એ તો મૂલ્યવાન છે પણ ‘વહાણની તડ’ દ્વારા વિચારનું જે ત્વરિત પ્રત્યક્ષીકરણ થાય છે એ ગદ્યસંયોજનની રીતે પણ આહ્લાદક બને છે. (‘વહાણ’ને કોઈ, અંગ્રેજોની દરિયાપાર પ્રસરતી સંસ્કૃતિનું પ્રતીક પણ કહી શકે.) એક વિશેષણ સુધ્ધાં નિષ્પ્રયોજન ન યોજવું જોઈએ એમ માનનાર ગાંધીજીના ગદ્યમાં અલંકરણનું પણ એક લાક્ષણિક રૂપ ઊપસે છે. પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતી વખતે, બીજાને સમજાવતી વખતે કે પ્રસંગ-પાત્રનું વર્ણન કરતી વખતે ગાંધીજીના મનમાં વિચાર અને વિગતની સાથે જ સાદૃશ્યો પણ જન્મે છે. એ સાદૃશ્યો વ્યવહારની ભૂમિકાએ પણ રહે છે ને ક્યારેક એથી ઊંચે પણ ઊંચકાય છે. જેમકે આ ઉક્તિઓ જોઈએ : ૧. કોમનો જુસ્સો એ સોડાવૉટરના ઉભરા જેવો છે. ૨. રામસુંદર ફૂટી બદામ નીવડ્યા, તેમનું જોર ખોટી સતીના જેવું હતું. ૧.માં વ્યવહારગત ઉપમા છે, ૨.માં રૂઢિપ્રયોગગત રૂપક છે પણ, રામસુંદર નામના વ્યક્તિ અંગેનો ભ્રાન્તિભંગ બે સરસ તર્ક-સોપાનોને આલેખતાં સાદૃશ્યો ‘ફૂટી બદામ’ તથા ‘ખોટી સતી’થી રજૂ થયો છે એ રસપ્રદ છે. કોઈવાર હાથવગું દૃષ્ટાંત ઉપાડી લઈને એમણે પોતાના કથયિતવ્યને એક વળ આપવા જેવું કર્યું છે. જેમકે – દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયાની શોધમાં ભમવાનું પણ લઈ મારો ભાર એમણે હળવો કર્યો. ક્યારેક લાગણીના ઉદ્રેકને વ્યક્ત કરવામાં, અથવા એમ કહીએ કે જ્યાં એમનો લાગણીનો ઉદ્રેક વ્યક્ત થયો છે ત્યાં, એમના ગદ્યમાં સાદૃશ્યો વિશેષ ઉભરાયાં છે – ક્યારેક એક સાદૃશ્યના સ્તર નીચે બીજું સ્તર પણ દેખાય છે. જેમકે – ‘આત્મકથા’માં ‘ચોરી અને પ્રાયશ્ચિત્ત’ પ્રકરણમાં, ગાંધીજી ચોેરીનો એકરાર કરતી એક ચિઠ્ઠી પિતાને લખે છે. એમાં ભાવ-પ્રતિભાવ ખૂબ ટૂંકાં વાક્યોમાં, લાઘવથી, આમ આલેખાયાં છે : તેમણે [પિતાજીએ] ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં, ચિઠ્ઠી ભિંજાઈ, એ મોતીબિંદુના પ્રેમબાણે મને વિંધ્યો, હું શુદ્ધ થયો. ‘આંખમાંથી મોતીનાં બિંદુ’ અને ‘પ્રેમબાણ’ એવી રૂપકાત્મકતા તો બરાબર અર્થવાહી છે. ‘પ્રેમબાણે મને વિંધ્યો’ ને મોતીબિંદુ (અશ્રુ)થી ‘હું શુદ્ધ થયો’ એ ક્રિયારૂપો પણ અર્થસંગત છે. પણ ‘મોતીબિદુંનું પ્રેમબાણ’ એ શું? અલંકરણ અહીં એકબીજા પર સવાર થવામાં ગુલાંટ ખાઈ ગયું છે! ગાંધીજીની ઉદ્રેકભરી કટાક્ષવૃત્તિ અને માર્મિક રમૂજવૃત્તિ એમનાં લખાણોમાં ક્યારેક બહુ જ રસપ્રદ રીતિએ ઝિલાઈ છે એ પણ એમના ગદ્યનું વિશિષ્ટ રૂપ બાંધે છે. ‘હિંદ સ્વરાજ’માં દાક્તર, ઇસ્પિતાલ, કોર્ટ, વકીલ, વગેરેની અનિષ્ટતા પર એમણે પસ્તાળ પાડી છે એમાં કટાક્ષનો સૂર પણ ગાંધીજીના વિચારની એક વિલક્ષણ મુદ્રા રૂપે, ઊપસ્યો છે. એ કહે છે : વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનાર વકીલ જ છે. કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. ‘ભારે આબરૂદાર’ ને ‘શોધી કાઢનાર’ શબ્દોના કાકુ જુઓ. ખાસ તો પોતે જ પોતાની પ્રશંસા કરે એ વિચિત્ર ચેષ્ટાની વિડંબના અહીં ગાંધીજી ઉપસાવવા માગે છે. આપણને યાદ આવી જાય ‘ભદ્રંભદ્ર’માં ચંપકલાલ ભટ્ટની પેલી ઉક્તિ : ‘હું ને પ્રસન્નમનશંકર આ દુનિયામાં સૌથી ડાહ્યા માણસો છીએ એવી માત્ર મારી જ ખાતરી નથી, પ્રસન્નમનશંકરની પણ એવી જ ખાતરી છે.’ અલબત્ત, ‘ભદ્રંભદ્ર’માં ભાષા-અર્થનો જે વિસ્ફોટ છે એવો ગાંધીજીની ઉક્તિમાં નથી – એમનામાં આક્રોશ પ્રગટ રૂપે જ આવે છે. પણ આક્રોશની મુદ્રા રસપ્રદ બને છે. પરંતુ ગાંધીજીની એક મર્મોક્તિમાં એમના ગદ્યની વિશિષ્ટ ભાત છે જે આશ્ચર્યજનક રીતે એમની રમૂજવૃત્તિનો આગવો સ્વાદ આપે છે. એમણે લખ્યું છે : જેમ કુંભાર ખિજાય તો ગધેડીના કાન આમળે તેમ કુંભારણ ગધેડાના ધણી તરફ વર્તતી હશે એમ હું અનુમાન કરું છું. સાદી રીતે તો, જેમ કુંભાર ગધેડીના કાન આમળે એમ કુંભારણ કુંભારના કાન આમળતી હશે – એમ કહેવાનું થાય. પણ ગાંધીજીએ અહીં બે-ત્રણ વળ ચડાવ્યા છે. પહેલું તો, કુંભારસંદર્ભે ‘ગધેડીના કાન’ (સ્ત્રીલિંગ) તથા કુંભારણસંદર્ભે ‘ગધેડાનો ધણી’ (પુલ્લિંગ) એવી પ્રયુક્તિ યોજાઈ છે ને બીજું, વધુ માર્મિક તો એ બને છે કે અહીં કુંભારના કાન કે ‘પોતાના ધણીના કાન’ આમળે એમ નહીં પણ ‘ગધેડાના ધણીના કાન’ આમળે છે એવું સૂચક વિલક્ષણ વિધાન છે, જે વધુ સ્ફોટક બની રહે છે. ગાંધીજીના ગદ્યમાં ક્યારેક એમનો અવાજ તારસ્વરે, યથાતથ, ઊતર્યો છે ને ત્યારે એ છાપેલા શબ્દમાંથી પણ ઊંચકાયો છે. ગદ્યનું એક સ્ફૂર્તિવાળું, જીવંત રૂપ ત્યાં સાક્ષાત્ થઈ ઊઠે છે. એવો એક પ્રસંગ છે : કોઈએ એમના પત્રનો વેળાસર જવાબ નથી આપ્યો એટલે શિસ્તના આગ્રહી ગાંધીજી અકળાયા છે. એ પ્રતિક્રિયામાં ઠાવકા ઠપકાને બદલે ઊંચકાયેલો ઉદ્રેક સંભળાય છે – તમે બીજા નિયમો જાળવો કે ન જાળવો, ઠેકાણાં રાખો કે ન રાખો, પણ મને કાગળ લખવાનું તો શૂળીએ બેઠા પણ કરો. ‘જાળવો કે ન જાળવો’, ‘રાખો કે ન રાખો’ એવી તરેહ રચાઈ છે એમાં તેમજ ‘ઠેકાણાં’ જેવા ઉધડો લીધાના ભાવ દર્શાવતા ને ‘શૂળીએ બેઠા’ એવા આકરો આક્રોશ બતાવતા શબ્દો પ્રગટી આવ્યા છે એમાં, આપણે તો ગદ્ય પણ આસ્વાદી શકવાના. ગાંધીજીની ભાષામાં સુગમ, સરળ શબ્દાવલી જ છે એવું નથી; પ્રસંગે સૂક્ષ્મ વિચાર આલેખવા, એમણે તળપદી શબ્દાવલીની સાથે સાથે સંસ્કૃતની શબ્દાવલીની પણ યોજી છે. એટલે એમનામાં ‘ઇન્ડિયન ઓપિનિયનના ઘરાક આઠસેંને આશરે હશે’ એવી તળ ગુજરાતીની બોલચાલની નિકટની અભિવ્યક્તિ પણ મળે છે અને સંસ્કૃતમય રચનાને પ્રયોજતી અભિવ્યક્તિ પણ મળે છે. જેમકે – એમ કહી શકાય કે એ અનિષ્ટ તો છે પણ અપરિહાર્ય છે. ગાંધીજીનાં ઘણાં લખાણો પાનાંનાં પાનાં સુધી સમથળ, સ્થિરપ્રવાહી શૈલીવાળી ભાષામાં લખાયેલાં છે અને માહિતી-વિચારને વહન કરતા સાધન તરીકે એમણે ભાષાને પ્રયોજી છે, પણ વખત આવ્યે એમના ગદ્યમાં ભાષાછટાઓ પ્રગટી આવી છે ને વખત આવ્યે એમણે ભાષાનો ભાષાલેખે પણ સ્વાદ લીધો છે – એમણે ઘણા વિષયોનું ઘણું વાંચ્યું છે એણે જેમ એમનું વિચારબળ વધાર્યું છે ને એમના વિચારજગતને પ્રભાવિત ને આલોકિત કર્યું છે એમ એ પુસ્તકોના ભાષાસામર્થ્યે પણ એમના મનોજગતને પ્રભાવિત ને આલોકિત કર્યું હશે. એથી એમની ભાષા પણ સમૃદ્ધ થતી ગઈ છે. ‘હિંદ સ્વરાજ’ ૧૯૦૮માં લખાયું હતું. એના ૩૦ વર્ષ પછી ૧૯૩૮માં એમણે એના વિશે પ્રતિભાવ આપતાં લખેલું : ‘એ પુસ્તક આજે મારે ફરી લખવાનું હોય તો હું ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું.’ વિચારની અભિવ્યક્તિના એક શક્તિમંત સાધન તરીકે પણ ભાષાને સમયાંતરે યથાયોગ્ય ને વધુ અસરકારક કરતા જવાની સભાનતા તો એમાં જોઈ જ શકાય. કોઈપણ ગદ્યલેખકની જેમ, ગાંધીજીની ભાષા પણ એમના આરંભિક લેખન પછી ક્રમશઃ વિકસતી રહી છે. એ વિશેનું બલવંતરાય ઠાકોરનું એક નિરીક્ષણ નોંધવા જેવું છે : ‘મોહનભાઈનું ચરિત્ર આમ લાંબો કાળ પ્રજ્વળતા યજ્ઞાગ્નિમાં તવાતું, સંશોધાતું અને પોલાદી નક્કરતા પામતું ગયું, અને એમની કલમ – એક શિખાઉની કાચી કલમ – જેને લખવાની હતી તે બાબતો યથાર્થ માંડવાનો અને પછી છાપવાનો પૂરતો સમય પણ ભાગ્યે જ મળતો, કેટલીક વાર તો રાત ને દિવસ એક કરતાંય સમય પહોંચતો નહીં – એ કલમ પણ તવાતી, સંશોધાતી અને પોલાદી નક્કરતા પ્રાપ્ત કરતી ચાલી, કલાકે કલાકે, દિવસે દિવસે, વર્ષે વર્ષે સુધરતી ગઈ, સાથે સાથે તેના અનિવાર્ય પરિણામ લેખે લેખિની-બળ કેવી રીતે ઘડાતું આવે છે એનો આખા જમાનાપર્યંત ચાલી રહેલો આ દાખલો ખરે જ માનવીય ને પ્રતીતિજનક ગણાવાને પાત્ર છે. આની સાથે મુકાબલો સહી શકે એવાં બીજાં ઉદાહરણો આપણે મિલ્ટન, વર્ડઝવર્થ કે દાન્તે જેવાનાં જ સંભારવાં પડે!’ ગાંધીજીના વિચાર-ચિંતનની, એમના સર્વગ્રાહી દર્શનની વિવિધ તરેહો એમના ગદ્યમાં અર્થના તંતુએ ઝિલાતી રહી છે એમ, ક્યાંકક્યાંક, ભાષાના ગતિશીલ તંતુઓમાં પણ ઝિલાતી રહી છે. એ બંનેને સંયોજતું ને એમની ઊંડી સમજની સંગીનતાને ધારણ કરતું, ગાંધીજીનું લાક્ષણિક ગદ્ય અવશ્યપણે ગુજરાતી ગદ્યની એક ઊજળી અને આસ્વાદ્ય રેખા છે.

● ‘પરબ’, ફેબ્રુઆરી, ૨૦૦૯ ● ‘ગુજરાતી નિબંધનાં ૧૫૦ વર્ષ’ – સંપા. ભોળાભાઈ પટેલ, સાહિત્ય અકાદેમી, દિલ્હી, ૨૦૧૧માં સંચિત.

  1. * સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા ‘ગુજરાતી નિબંધનાં ૧૫૦ વર્ષ’ વિશે યોજાયેલા પરિસંવાદમાં ગોવર્ધન ભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે તા. ૯-૨-૨૦૦૮ના રોજ રજૂ કરેલું વક્તવ્ય.