ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/મારી લોકયાત્રા – ભગવાનદાસ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મારી લોકયાત્રા, ભગવાનદાસ પટેલ, ૨૦૦૬
રોમાંચક અને પ્રેરક આનંદકથા

હા, સ્વરૂપે તો આ આત્મકથા છે. લેખક કહે છે : ‘આ મારી આત્મકથા નથી; ‘લોક’ને ઉકેલવા જતાં થયેલા અનુભવોની આનંદકથા છે.’ પણ આત્મકથા આનંદકથા શા માટે ન હોય? આત્મકથા કંઈ ‘મારો જન્મ વૈશાખ સુદ...’ એમ આરંભીને, જીવનવિગતો પીરસતો જતો વ્યક્તિજીવન અને એના સમયસંદર્ભનો આત્મલક્ષી ઇતિહાસ જ હોય? ગુજરાતીમાં લખાયેલી આત્મકથાઓ પણ વિવિધ દિશાઓમાં વિસ્તરતી લાક્ષણિકતાઓવાળી છે જ. અને એથી આત્મકથાનું સાહિત્યસ્વરૂપ બહુપરિમાણી બન્યું છે. ભગવાનદાસ પટેલની આ આત્મકથા એમની પોતાની, ને એમણે આપણનેય કરાવેલી, લોક-યાત્રા છે. આ લોકયાત્રા ગ્રામ-વાસીથી શરૂ થઈને વન-વાસીની કથા સુધી પ્રસરે છે એટલે એનું તળ, પૂરેપૂરું, ‘લોક’ છે. સૌથી આનંદની વાત તો એ છે કે આ કથાનું આલેખન ખૂબ પસંદગીપૂર્વકનું અને સઘન છે. કેટલાબધા અનુભવો અહીં હજુ લખાયા નથી (પોતાના પરિવાર-જીવન વિશે તો એમણે ખૂબ જ ઓછું, ન-જેવું લખ્યું છે), પણ જે અનુભવો આલેખાયા છે એ પણ સહેજે ત્રણસો-ચારસો પાનાંમાં વિસ્તરે એવા ને એટલા છે. લેખકે એ ૧૫૦ થી ય ઓછાં પાનામાં લખ્યા છે. નાનાં નાનાં ૨૭ પ્રકરણોમાં, બહુ ઝડપી પણ અસરકારક ચિત્રોની આ ચિત્રમાલા આયોજિત પણ છે. પરિવર્તનો અને વળાંકોથી ચિહ્નિત થતો વિકાસ વિશેષ રસપ્રદ હોય છે. એવા સ્પષ્ટ વળાંકો અહીં આલેખાય છે – ને દરેક વળાંકે લેખકના વ્યક્તિત્વનું નવું પરિમાણ પ્રગટ થતું રહે છે. સાબરકાંઠાના એક નાના ગામનો આ ખેડૂતપુત્ર હિંમતનગર-તલોદમાં ભણીને ખેડબ્રહ્માની હાઇસ્કૂલમાં શિક્ષક થાય છે. ખેડબ્રહ્મા નજીકના, રાજસ્થાન સરહદે જતા, આદિવાસી-પ્રદેશમાં લોકસાહિત્ય સંપાદિત કરવા જતાં, એ સમાજનો સઘન સાંસ્કૃતિક અનુભવ પામે છે અને, સંવેદના ને સંકલ્પ એટલાં તીવ્ર છે કે આ કથાનાયક, પરિણામ લાવતો કર્મશીલ બને છે. કિશોર ‘બાબુ’માંથી લોકસાહિત્યના, દેશ-વિદેશમાં જાણીતા થયેલા સંપાદક-અભ્યાસી ભગવાનદાસ પટેલ વિકસે છે એની આ કથા છે – આત્મકથનને સંયત રાખીને ‘લોક’ની કથાઓને ઉઘાડતી જતી રોમાંચક કથા છે. પહેલો વળાંક લેખકની બાલ્ય-કિશોરવયની સંવેદના ભાતીગળ ગ્રામ-સભ્યતાથી પોષાઈ છેઃ વ્રતો, ઉત્સવો, લગ્નાદિ સામાજિક પ્રસંગો; ખેડુ પાસેથી સાંભળેલી ‘ગજરામારુ’ વગેરે કથાઓ; સામાજિક-ધાર્મિક નાટકો લઈને આવતી ‘રામલીલા’ઓ; અને ખેડૂત જીવનનો અનુબંધ. પહેલી વાર, ખેતી માટે બળદ ખરીદવા જાય છે ત્યારે, બળદ આપનારી આદિવાસી સ્ત્રી આખી રાત બળદને ઘાસ નીરતી રહે છે, ને એની સાથે વાતો-વલોપાતો કરતી રહે છે એ દૃશ્ય લેખકને હલાવી જાય છે. ને બીજીવાર, ખેતર માટે ખેડૂની શોધ કરવા મધ્યપ્રદેશની સીમાએ જવાનું થાય છે ત્યાં ખરી આદિવાસી સંસ્કારશીલતાનો અનુભવ એમને થાય છે : અત્યંત ગરીબ પરિવારે કરેલું સ્વાગત, વતન છોડતાં વડીલોના જ નહીં, નદીનાય આશીર્વાદ લેતા આ આદિવાસીઓ, અંદર દબાયેલી એમની વેદનાઓ. લેખકનું મન જાણે ત્વરિત નિર્ણય લે છે. એ કહે છે, લોકના આ નિર્વ્યાજ આંતરિક વૈભવનાં દર્શન પછી મારો ખેતી કરાવવાનો ઉત્સાહ ઓસરવા લાગ્યો અને લોક તરફનું આકર્ષણ વધવા લાગ્યું. (પૃ. ૩૦) આ પહેલો વળાંક. ખેડબ્રહ્મામાં શિક્ષક થયા પછી આ લોક-ખેંચાણ એમનામાં પ્રબળ થતું જાય છે. આદિવાસી સમુદાયની એક ગીતપંક્તિ, કંઈક પ્રતીકાત્મક રીતે ને કંઈ ગૂઢ રીતે, એમને ખેંચી જાય છે : ‘માંય પરણાવી દૂરા દેસ, ઝળૂકો મેલી દેઝે’લા. / એેણ ઝળૂકે નં ઝળૂકે પાસી આવું’લા [મને દૂર દેશ પરણાવી છે પણ તું (સૂર્યપ્રકાશ સામે) દર્પણ મૂકી દેજે, એમાં પ્રતિબિંબિત થતા કિરણે કિરણે હું (ત્વરિત) પાછી આવીશ.] એટલે પછી આ શિક્ષક, નાના શહેરની ઉજળિયાત વસતી મૂકી, હરણાવ નદી કિનારેના આદિવાસી આશ્રમ ‘સેવાનિકેતન’માં રહેવા ચાલ્યા જાય છેે. અને, આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ભીલી બોલી શીખવાની શરૂઆત કરે છે. આ સજ્જતાના મૂળમાં અજંપ તાલાવેલી છે : આદિવાસી લગ્નો, ઉત્સવો, ગીતો માટે. વિદ્યાર્થીઓ કહે છે : ઋતુ પ્રમાણે અમારા હોઠ પર ગીતો ઊગે. સો, પાંચ સો, હજાર ગીતો અમને કંઠે. ચાલો સાહેબ, આવતે અઠવાડિયે જવું છે? તો શિક્ષક કહે છે : અઠવાડિયા સુધી રાહ શા માટે જોવાની? અને પહેલો અનુભવ – લોકોત્સવ ‘ગોર’. પછી તો આદિવાસી-પ્રદેશ એમને માટે ‘લોકજ્ઞાનની વિદ્યાપીઠ’ (પ્રકરણ : ૧૦) બની જાય છે. થેલો, થેલામાં નોંધપોથી, ટેપરેકર્ડર; શિખાતી જતી આદિવાસી ભાષા, સાદો વેશ. થોડાક જાકારા મળે છે ખરા, પણ આ ‘પગવૉનપઈ’ (ભગવાનભાઈ) છેવટે આદિવાસી અગ્રણીઓ, આદિવાસી ગાયકોનાં હેત-પ્રેમ જીતી લે છે. નવો વળાંક ભદ્ર સમાજ તો કહેતો હતો : આદિવાસીઓ લૂંટી લેશે, મારશે, લુચ્ચી પ્રજા છે. પરંતુ લેખકને બિલકુલ ઊલટો અનુભવ થયો : એ લોકો ઉમદા સંસ્કારશીલ છે. અમદાવાદના શ્રેયસમાં લોકનૃત્ય-મહોત્સવમાં ગયેલા આ આદિવાસીઓ પુરસ્કાર લેતા નથી. કહે છે – આપણને ખવડાવ્યું-પીવડાવ્યું મહેમાન કર્યા, પૈસા શેના? આવું તો ઘેર ઉત્સવે નાચીએ જ છીએ ને! અમે ભિખારી નથી... લેખક હવે આદિવાસીના મિત્ર છે. કહે છે – ‘હોળીની ગોઠ લો છો ને? બસ, એ રીતે આ પુરસ્કાર લઈ લો.’ વિદ્યાર્થીઓની ઉત્સાહી મદદથી સંપાદનકાર્ય ચાલ્યું. સારું ચાલ્યું. પણ એમને થાય છે કે હવે આ ‘વિદ્યાર્થી કે અન્યની જેષ્ઠિકાને ટેકે ચાલીને ક્યાં સુધી સંશોધન કરવું? સંકલ્પ કર્યો કે લોકસાહિત્ય-સંશોધન-યાત્રા આરંભી છે, તો એકલાએ જ માર્ગ કાપવો. રાતે પણ અજાણ્યા લોકો વચ્ચે એકલા જ રોકાવું.’ (૫૦) આ વિદ્યાર્થીગુરુઓ પાસેથી ઘણું શીખી-જાણીને હવે શિક્ષક નિતાન્ત સંશોધક બને છે – હવે આગંતુક રૂપે સંશોધન નહીં; સ્વતંત્ર, પ્રથમ અનુભવ રૂપે સોંસરી ગતિ જ ઇષ્ટ. પહેલો અનુભવ થાય છે રોમાંચક સામાજિક રિવાજોનો. બેત્રણ દૃષ્ટાંત જોઈએ : l કન્યા પીઠી ચોળાવી રહી છે ને બાળકને સ્તનપાન કરાવી રહી છે! શિક્ષક પૂછે છે, ‘કન્યાનું આ બીજું લગ્ન છે?’ ‘ના સાયેબ, ઓણીનું લગન તો ગેઈ સાલ થાવાનું ઓતું, પોણ વિદ દાપું નેં આલી હકો (પણ વર દાપું ન આપી શક્યો), પોણ દાપા પેટે ખેતીકોમ કરવા હાહરીમાં આવતો-જતો રેંવા લાગ્યો. એતણ એંણાનુું જ સૈયું હે.’ ‘પણ સમાજ વોંધો ન લે?’ ‘અમાર તો કુંવારે હી ગોઠિયા-ગોઠણ (પ્રેમી-પ્રેમિકા) કરવાનો રિવાજ હે’ એટલે પ્રેમીથી બાળક થયું હોય એને પણ નવો વર સ્વીકારે. બસ, કન્યાના બાપને થોડું ઓછું દાપું મળે એ જ. (પૃ. ૪૯) l દેવા ગમાર ૭૦ વરસે લગન કરે છે – ઠાઠથી. લેખક પૂછે છે દેવાના દીકરાને : ‘૭૦ વરહે થા-ર બા-ન (બાપને) પણ્ણવાનું કારણ?’ એ કહે છે, મા મરી ગઈ, ડોસા એકલા પડી ગયા. એટલે ‘એખલાની ઝંગ્ગી હેંણ જાય? એતણ નવી આઈ લેઈ આવા.’ ડોસાને છોકરાંને ઘેર છોકરાં છે. શરમ નથી આવતી? ‘ઈમાં હેણી શરમ?’ અમારે તો વળી જુવાનીમાં છોકરા-છોકરી ભાગી જાય, દાપું આપવાના પૈસા ન હોય એટલે ઉમંગથી લગ્ન ન થયું હોય તો ભોટા-ભોટી(ડોસાડોસી) થયા પછી પરણવાનો ઉમંગ જાગે. પત્ની પિયર જાય, પીઠી ચોળે! વરરાજા પણ! ‘જૉનમાં ભોટાનાં સૈયાંનાંય સૈયાં ગાય નં ઢોલે નાસે (નાચે).’ l ‘ગુજરાંનો અરેલો’ મહાકાવ્યના ગાયક જીવાકાકા. એમને બાર પત્નીઓ. કેમ? જુઓ એમનું અર્જુનપણું! : યુવાનીમાં બળદના વેપારી. વારંવાર બહારગામ જવું પડે. લાંબુંય રોકાવું પડે. વળી ત્યાં અરેલા ગાય. પ્રેમ થાય ને સ્ત્રી પરણી લાવે. એમ હવે બાર પત્નીઓ છે! ‘અત્યારે પાસે બેઠી છે એ પત્નીએે પાંચ વર્ષ પહેલાં છૂટાછેડા લીધા છે.’ ‘તો પછી?’ એનાં બાળકો આ જૂના પતિ પાસે છે – એની સંભાળ લેવા બેચાર રાત રોકાશે. ‘નવો તણી (ધણી) વિરોદ નેં કરે?’ ‘એમાં શાનો વિરોધ?’ છૂટાછેડા વખતે, છોકરાં ધાવણાં હોય તો એમનેય નવા પતિને ત્યાં લઈને જાય; ઉછેરી, મોટાં થતાં જૂના પતિને સોંપી આવે... લેખકનું લોકસાહિત્ય-સંપાદન પૂરજોશમાં ચાલે છે. જીવાકાકાના કંઠમાંથી ગીતો રેકર્ડ થતાં રહે છે. જીવાકાકા માત્ર ‘માહિતીદાતા’ નથી : ‘મારા હરદામાં તો વેણલખા (વણલખ્યા) બાર સૉપરા હે. ઉં બાર અરેલા જૉણું. બાર મઈના ગાઉં નં નાસું એતરું બત્તું મારા હરદામાં હે.’ રેકર્ડ પરથી, એ મહાકાવ્યની ચોપડી થાય એની આ આદિવાસીનેય મનીષા છે! : ‘થું (તું) માર સૉપરી બણાવણાનો નં ઉં અમ્મર થાઈ ઝાવાનો.’ પણ પુસ્તક ખૂબ મોડું થાય છે (પુસ્તક થવું એ આ વિકટ સંશોધન કરતાંય અઘરું છે!) ને લેખક પુસ્તક આપવા જાય છે ત્યારે જીવાકાકા આ દુનિયામાં નથી... ત્રીજો વળાંક : સાંસ્કૃતિક અધ્યયન. સંશોધનની આ વિદ્યા-કલા-યાત્રામાં લેખકના હૃદયદ્રાવક માનવસંબંધોનાં ને વ્યક્તિચરિત્રોનાં પ્રકરણો પણ છે. એક જ જોઈએ : નાથાભાઈ ગમાર ઉદારચરિત, નમ્ર. ‘રાઠોર વારતા’ના સાધુ ગાયક. લેખક લખે છે : ‘મૌખિક મહાકાવ્યની એક પછી એક પાંખડી (પ્રસંગ) ઊઘડવા લાગી અને તેના ભીતરનો વાચિક વૈભવ કેસેટમાં પુરાવા લાગ્યો. આખી રાત આ નિર્ધન લાગતું ખોલરું આંતરિક વૈભવથી છલકાતું રહ્યું’ (૫૪). આ નાથાભાઈનાં પત્ની સંતોકબહેને ભગવાનદાસને ‘ધરમનો ભાઈ’ ગણેલા. એના સગા ભાઈ પણ સારી રીતે જાણે. સંતોકબહેનને કેન્સર થયું – લેખકે હૉસ્પિટલમાં સારવાર અપાવી. પણ ન બચ્યાં. હવે આદિવાસી રિવાજ એવો કે સ્ત્રીના મરણ વખતે એક પિયરિયો તો હાજર રાખવો પડે. નહીં તો એ લોકો જમાઈ પક્ષનો વિધ્વંસ કરી નાખે એવા હિંસક. નાથાભાઈ ગભરાયા. પણ સંતોકબહેનના ભાઈને વિશ્વાસ. ભગવાનદાસને કહે – અમારા કરતાંય વધારે તો તું એનો ભાઈ હતો – ધરમનો સાચો ભાઈ. બનેવી એકલા દવાખાને હોત તો જુદી વાત (– તો એમને મુશ્કેલી થાત) ‘પૉણ સિન્તા મા કરઝે. અમેય મૉનવી હૈય. થુંય અમાર પાઈ(ભાઈ) હેં. અમે નાથાના કળબા પર સરેતરું (ચડાઈ) નેં કરીએ નં લોથ (લાશ) બાળવાના પૈસા પૉણ ગાયના રુદર (લોહી) બરાબર!’ લેખકનો કેવો તો અંતઃપ્રવેશ – આ ક્યારેક જનૂની ને હિંસક બની જતી આદિવાસી પ્રજાના ભીતરમાં! ‘ડુંગરી ભીલોના દેવિયાળાના અરેલા’ના ગાયક રાજાકાકાને એનું છાપેલું પુસ્તક લેખક આપી શકે છે. આવરણ પરનો ફોટોગ્રાફ જોતાં આ સરળ જીવ તન્મય થઈ જાય છે. એના મૃત્યુ પછી એની દીકરી કહે છે : તારી ચોપડી તો બાપા છાતીએ રાખીને સૂતા. મારો ભણેલો છોકરો વાંચી સંભળાવે ત્યારે માંદગીમાંથી ય ઊભા થઈને કહેતા – ‘સૉપરી હૉપવીન (સાંભળીને) આંહુય આવેં નં નાસુ (નાચવાની ઇચ્છા) ય આવેં’ (૧૦૬) લેખક કહે છે, આ જ ‘સાચો જીવતો ચંદ્રક’ મારે માટે – આ સમૃદ્ધ સાહિત્યનું સંકલન કરવામાં ખર્ચેલા જીવનનાં થોડાંક વર્ષો સાર્થક થયાં છે.’ (૧૦૬) અને આ ભરપૂર જીવન-અનુભવ લેખક પાસેથી ધ્વનિમુદ્રણ ઉપરાંત, ટુકડેટુકડે હજાર કિલોમીટરની પદયાત્રા કરાવીને પાષાણ-ઓજારો, ગુફાચિત્રો, અશ્મ સમાધિઓનું અધ્યયન કરાવીને ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ નામનું પુસ્તક પણ સંપડાવે છે. મહત્ત્વનો વળાંક : કર્મશીલતા સમાજ-સંસ્કૃતિના અનુભવો, લોકસાહિત્ય-સંપાદન, કષ્ટસાધ્ય પ્રકાશન, ને પછી દેશ-વિદેશમાં સંપાદક-સંશોધક તરીકેની સ્વીકૃતિ – એટલું પર્યાપ્તથીય વધુ હતું. પણ લેખકનું જીવનકાર્ય ત્યાં પૂરું થતું નથી. એ કર્મશીલ (ઍક્ટિવિસ્ટ) બને છે – એક અપ્રતિરોધ્ય સંવેદનશીલતાથી. કઈ છે એ સંવેદના? આદિવાસી પ્રજાએ ઉત્તમનો જ નહીં, એની આદિમ પાશવી હિંસકતાનો અનુભવ પણ કરાવ્યો. તીવ્ર વૈરવૃત્તિ – સામેવાળાને કે એના ગામ/ગોત્રના કોઈને પણ ‘વધેરી’ દેવાની, સામેવાળામાં જે સૌથી વધુ પ્રતિષ્ઠિત હોય – મુખી જેવો હોય – એને મારવામાં પાંચ ગણું વેર વળે. સ્ત્રી (ભલે ડોશી હોય) મરી જતાં, પિયરના માણસો સામેવાળાનો સર્વનાશ પણ કરે. લેખકે જુગુપ્સાભર્યા ‘ઉત્સવ(!)’ જોયા : દુશ્મનને મારી નાખ્યા પછી એના અનેક ટુકડા કરી, તેનું માથું અલગ કરી, લોહી એક પાત્રમાં લીધું... માનવમેળો ઊમટ્યો... પથ્થરોના ઢગલા પર એ લોહી છાંટ્યું (૬૭) લેખકને હઠાત્ મહાભારતનું દુઃશાસન-રુધિર-પાન-દૃશ્ય યાદ આવી જાય છે. એક જગાએ, ભોપા (ભૂવા)એ ડાકણ ઠરાવેલી નિર્દોષ સ્ત્રીની આંખમાં મરચું ભરી, ઝાડ પર ઊંધી લટકાવી, નીચે મરચાંની ધૂણી, તપાવેલા તીરના ડામ... લેખક કહે છે  : ‘લોકસાહિત્યના સંશોધનના ભોગે પણ ડાકણપ્રથા બંધ થવી જોઈએ... મારામાં કર્મશીલ[...] સક્રિય થવા લાગ્યો’ (૧૧૪-૧૫). અને બધું પદ્ધતિપૂર્વક કર્યું. આદિવાસી કલાકારોને વિશ્વાસમાં લીધા. એમનાં જ મહાકાવ્યોને આધારે નાટ્ય-રૂપાંતરો કર્યાં. ભજવાવ્યાં. ગુજરાતની, ને છેક અમેરિકાની સંસ્થાઓની મદદ લીધી. આદિવાસી માનસમાંથી નરસંહારવૃત્તિ ખાસ્સી ઓછી કરી. અભ્યાસકથા આવી રોમાંચક કથા છે આ. પણ, વચ્ચે વચ્ચે ને અંતે, લેખકે પોતાના અધ્યયન-પ્રકાશનનો ઇતિહાસ પણ આપ્યો છે. પુસ્તકપ્રકાશન જ નહીં, આદિવાસી સાહિત્ય અને સંસ્કૃતિને સ્થિર ભૂમિકાએ મૂકવા ને વિશ્વ લગી પહોંચાડવા એમણે ‘લોકપ્રતિષ્ઠાનો’ રચ્યાં ને ‘આદિવાસી અકાદમી’ થઈ – એ પ્રકરણો પણ નોંધપાત્ર છે. આખી કથા, આદિવાસી ભાષાની આછી શી તાલીમ આપે એવા આલેખનનો નકશોય રચે છે, શરૂઆતમાં વાક્યોના અનુવાદ, પછી વળી કેટલાક જરૂરી શબ્દોના જ અનુવાદ, ક્યાંક તો પછી સાવ અનુવાદ વિના. લેખકની, વર્ણનની ભાષા, ક્યાંક રંગીન (ફલાવરી) પણ બની છે; ક્યાંક, આ હિંદીના સ્નાતકે, થોડીક વાગ્મિતા પણ ફરફરાવી છે. પણ લાંબું નથી કર્યું – સંયત ને સઘન, ને એથી જ વધુ અસરકારક એની લખાવટ છે. લેખકે અનુસંધાન કર્યું છે મેઘાણીથી. યાદ કરાવે છે : ‘૧૯૨૮માં મેઘાણીએ ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ આ પ્રકારની લોકયાત્રાનો આરંભ કર્યો હતો.’ અલબત્ત, ૨૦૦૬માં થતી આ નવી લોકયાત્રા વધુ રોમાંચક, વધુ પરિમાણો વાળી છે. રસપ્રદ અને અભ્યાસપ્રદ છે. વાંચનારને પ્રાપ્તિનો રોમાંચ થશે. પરંતુ સાહિત્યના ને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની સામે આ કૃતિ પાઠ્યપુસ્તક તરીકે મુકાવી જોઈએ – તો સંવેદનશીલતાની તેમ જ સંશોધન-પદ્ધતિની તાલીમ આપતા અધ્યયનનું એક જીવંત પરિમાણ એમને મળશે.

● ‘પ્રત્યક્ષ’, ઑક્ટો.-ડિસે. ૨૦૦૮