ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/મિતાક્ષર – ભોગીલાલ ગાંધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મિતાક્ષર, ભોગીલાલ ગાંધી, ૧૯૭૦
વિસરાઈ ગયેલો અભ્યાસગ્રંથ

સાંસ્કૃતિક સંચલનો અને વિચારણાઓના ઉપલક્ષ્યમાં ભોગીભાઈએ જે સાહિત્યવિચાર કરેલો એના, જુદાજુદા સમયે થયેલા, પંદર લેખો – એમણે જ ગ્રંથશીર્ષક સાથે લખ્યું છે એમ ‘સાંસ્કૃતિક સાહિત્યિક અભ્યાસલેખો’ – આ મિતાક્ષર (૧૯૭૦)માં સમાવિષ્ટ છે. નામ ‘મિતાક્ષર’ એટલે એમાં ટૂંકાં લખાણો હશે – એવું નથી. એમાં ૨૦-૨૦ પાનાંના અભ્યાસલેખોય છે, ને જેની જુદી નાનકડી પુસ્તિકા જ થવી જોઈતી હતી એ ‘નવજાગૃતિનો અરુણોદય’ નામનો લેખ તો ૫૦ પાનાંનો છે. પરંતુ, મિતાક્ષર એટલે સઘન લખાણ; વાચન-અધ્યયન કર્યું હોય એમાંથી મહત્ત્વના મુદ્દાઓને જ લક્ષ્ય કરતું સોંસરું (precise) લખાણ – એવા અર્થમાં આ ગ્રંથનામ બિલકુલ સાર્થક છે. વિચારણાની ચુસ્તી તો આ પુસ્તકના લેખોમાં છે જ, ઉપરાંત એમાં અધ્યયનલેખના સ્વરૂપની શાસ્ત્રીય ચુસ્તી પણ છે. પેટાશીર્ષકોથી, ૧-૨-૩ એવા વિભાગો અને ૩(૧), ૩(૨) એવા ઉપવિભાગોથી, પર્યાપ્ત સંદર્ભનિર્દેશો અને સમર્થક અવતરણોથી, આવશ્યક પ્રવેશભૂમિકા અને (જરૂર પડ્યે) ઉપસંહારથી એમના ઘણા લેખો સુમંડિત છે. લેખમાં જ સંદર્ભસજ્જતા એવી વરતાય કે લેખને છેડે – જેમકે, ‘અસ્તિત્વવાદ : એક વિશ્લેષણ’માં છે એમ – ૧૨-૧૩ અંગ્રેજી સંદર્ભગ્રંથોની યાદી હોય એ પૂરી પ્રતીતિકર લાગે. સાહિત્યના (અને બીજા પણ) પીએચ.ડી. સંશોધનદીક્ષિતોએે, કંઈ નહીં તો પદ્ધતિની દૃષ્ટિએ પણ, ભોગીભાઈના આ પુસ્તકના ઘણા લેખો જોઈ લેવા જેવા છે. સાહિત્ય અને સાહિત્યવિચારને પ્રભાવિત કરનારી પશ્ચિમની કેટલીક ચિંતનવિચારધારાઓએ ભોગીભાઈને આકર્ષેલા ને એનું રસપૂર્વક અધ્યયન એમણે કરેલું તે અહીં, એમની કેટલીક સ્પષ્ટ થયેલી ભૂમિકાઓ પરથી જણાઈ આવે છે. પ્રગતિવાદી આંદોલન સાથે એ સીધા (ઓગણીસસો ત્રીશીથી) સંકળાયેલા એટલે માર્ક્સવાદના અભ્યાસમાં તો એ ગયા જ હોય. પરંતુ એમના આ અંગેના, અને બીજા પણ કેટલાક, લેખો ઊહાપોહની ભૂમિકાએ અવતર્યા હોવા છતાં વિચલિત એકાંગિતાવાળા બન્યા નથી. ‘માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ એ લેખ, પન્નાલાલ પટેલે ‘પ્રગતિ’ અને ‘માર્ક્સવાદ’-વિરોધી ઉદ્ગારો કરેલા એના પ્રતિવાદરૂપે આરંભાય છે ને એમાં ‘ખરા’ માર્ક્સવાદની પ્ર-સ્થાપના લેખક કરી આપે છે; પણ એ સાથે જ, ‘અધકચરા’ ને ‘ખોટા’ માર્ક્સવાદીઓએ જ માર્ક્સવાદ અંગે ગેરસમજ ઊભી કરી છે એ, તથા સાહિત્યસર્જન એક વિશિષ્ટ કસબ છે એ વાત એ લોકો અતિઉત્સાહમાં ભૂલી ગયા છે – એમ કહેવાનું ભોગીભાઈ ચૂક્યા નથી. ‘સાહિત્યનું મૂલ્યાંકન’ એ મુદ્દા પર આવતાં પહેલાં માર્ક્સના સાહિત્યજ્ઞાનની જે સમૃદ્ધિ એમણે બતાવી આપી છે તે આનંદદાયક, ને વળી પરિપ્રેક્ષ્ય પૂરો પાડનારી છે. એમણે લખ્યું છે કે, ‘માર્ક્સના આખા કુટુંબમાં શેક્સ્પિયર અતિપ્રિય હતો. માર્ક્સ પોતે યુરોપભરના તમામ સાહિત્યનો અભ્યાસી હતો.’ (પૃ. ૧૧૦) લેખનું સંતુલન સાચવવા બાબતે ભોગીભાઈ સભાન છે એટલે માર્ક્સના અને પછી લેનિનના પણ સાહિત્યરસની વાત કરતાં કરતાં એ કહે છે કે ‘તેની અનેક વિગતો જતી કરી ટૂંકાણમાં થોડીક વાતો કહી દઉં’ (૧૧૧). આ ટૂંકી વાતો દરમિયાન, માનવતાવાદી વિચારક તરીકે માર્ક્સને રજૂ કરીને, સાહિત્યમૂલ્ય વિશેના એના વિચારને તે સ્પષ્ટતાથી મૂકી આપે છે : ‘માર્ક્સના દૃઢ મત અનુસાર સમાજમાંથી જ, એનો રંગ લઈને જ, કોઈ પણ કલાકૃતિ જન્મે છે, ને એને સામાજિક મૂલ્ય એ રીતે અર્પે છે; પરંતુ સામાજિક મૂલ્યની દૃષ્ટિએ કૃતિ બીજા જમાના માટે ગમે તેટલી ‘જૂની’ થઈ ગઈ હોવા છતાં એની ‘રસશક્તિ’ ચાલી જતી નથી.’ (૧૧૫) ૧૯૪૪માં લખાયેલો આ લેખ, વ્યાપક અધ્યયને સંપડાવેલી સ્પષ્ટતાઓ અને વિશદતાથી મહત્ત્વનો બન્યો છે. એ પૂર્વે ૧૯૪૦માં લખાયેલા, એમના વધુ જાણીતા રહેલા લેખ ‘સાહિત્ય અને પ્રગતિ’માં એમના કેટલાક અભિગ્રહો વધુ ચુસ્ત છે – પણ આ લેખમાં તો એમના અભિગ્રહો પણ ખુલ્લા છેડાવાળા જણાય છે. એ પછી લગભગ બે દાયકે જતાં ફરી એમને માર્ક્સવાદની વાત કરવાનું આવ્યું હતું. કલ્ચરલ ફ્રિડમના ઉપક્રમે, ૧૯૫૯માં, ગુજરાતી-મરાઠી સાહિત્ય સેમિનાર માટે એમણે નિબંધ તૈયાર કરેલો : ‘ગુજરાતી વિવેચન-સાહિત્ય ઉપર માર્ક્સવાદની અસર’. વિષય બહુ જ મોટો હતો (ને વળી ભોગીભાઈએ ‘વિવેચન’ની વાત હાથ ધરી હતી) પણ ૨૦ પાનાંનો આ લેખ એમણે એટલા લાઘવથી કર્યો છે (ક્યાંક તો એના વિભાગોમાંંના ઉપવિભાગોમાં વિચારણાના કેવળ મુદ્દાઓ જ નોંધી શકાયા છે) કે જો પૂરા વિચારવિવરણપૂર્વક એમણે આ લેખને વિસ્તાર્યો હોત તો, કશી બિનજરૂરી ચર્ચા દાખલ કર્યા વિના પણ, એ એક સંગીન દીર્ઘ અભ્યાસલેખ બન્યો હોત. આ લેખમાં એમણે ખાસ તો કેટલીક સ્થિતિઓ અને સંજ્ઞાઓને સ્પષ્ટપણે જુદી પાડી આપી છે : યુટોપિયનો અને માર્ક્સવાદીઓ, સમાજવાદીઓ અને પ્રગતિશીલો, માનવતાવાદીઓ અને ગાંધીવાદીઓ, વગેરે. માર્ક્સવાદ સંદર્ભે પ્રતિભાવિત થયેલા ગુજરાતી સાહિત્યવિવેચનમાં પણ એમણે માર્ક્સવાદીઓ, પ્રગતિ-વાદીઓ, પરંપરાવાદીઓ, સમન્વયવાદીઓ એવાં વિભિન્ન દૃષ્ટિબિંદુઓ નોંધીને ચિત્રને સ્પષ્ટ રાખ્યું છે. અધ્યયન-પરિશ્રમપૂર્વક વિષયની અનેક વિગતોમાં તે ફરી વળ્યા છે. ને એ પછી એમણે બે મહત્ત્વના નિષ્કર્ષો આપ્યા છે. એક એ કે, ‘એકંદરે, ગુજરાતી સાહિત્ય ઉપર માર્ક્સવાદની કોઈ સ્થાયી અને તલસ્પર્શી અસર થઈ નથી.’ (૧૪૩) અને બીજું, લેખનું સમાપનવાક્ય : ‘અંતે, આપણે બેધડકપણે એટલું કહી શકીએ કે માર્ક્સવાદ જ શું કામ, કોઈ પણ ‘વાદ’ કલા-સર્જનને અણઘડ રીતે સ્પર્શવા જતાં, અને એના ઉપર વર્ચસ્વ ધરાવવાનો પ્રયાસ કરવા જતાં, સર્જનના આત્માને જ ગૂંગળાવી માર્યા વિના નહીં જ રહે.’ (૧૪૫) આ ત્રણે લેખો ભોગીભાઈની વિચારણાનો એક મોકળાશવાળો વિકાસનકશો (ગ્રાફ) પણ આપે છે. એ પછી તો એમણે માર્ક્સવાદ પણ છોડ્યો. o ગુજરાતી વિવેચનમાં આધુનિકતાના ઉદયકાળે નોંધપાત્ર બનતી રહેલી કેટલીક પશ્ચિમી વિચારણાઓ તરફ ભોગીભાઈ પણ આકર્ષાયેલા. ‘પશ્ચિમમાં જીવનમૂલ્યોની સ્થિતિ અને સાહિત્યમાં એની મથામણો’, ‘સમૂહ માધ્યમ’, ‘અસ્તિત્વવાદ : એક વિશ્લેષણ’ – એ તેમના આ દિશાના લેખો છે. આ લેખોની સંદર્ભસૂચિઓમાં જે ગ્રંથો નિર્દેશ પામ્યા છે એ બતાવી આપે છે કે ભોગીભાઈએ એકબે ગ્રંથોની વિચારણાના દોહનમાં જવાને બદલે રસ અને જિજ્ઞાસાપૂર્વક વધારે વ્યાપમાં જવાનું પસંદ કર્યું છે. અહીં દોહન થયું નથી એમ નહીં – અસ્તિત્વવાદ વિશેના લેખમાં તો એ ખાસ્સા પ્રમાણમાં થયું છે ને ગમી ગયેલાં વિચારો/અવતરણોને અંગ્રેજી-ગુજરાતીમિશ્રિત અભિવ્યક્તિને સહારે ઉતારવામાં એમણે ઠીકઠીક અવિશદતા પણ વહોરી લીધી છે; પરંતુ બીજા લેખોમાં તે, એમની વિભાગ-આયોજન-પદ્ધતિને લીધે મુદ્દાઓને વિકસાવતા, પોતાનાં નિરીક્ષણો મૂકતા, વધારે સ્પષ્ટ વાત કરતા રહ્યા છે. ‘પશ્ચિમમાં જીવનમૂલ્યો...’ વાળા લેખમાં W. H. Whyteની Organisation Man (‘જૂથમાનવ’)ની વિચારણાને ભૂમિકારૂપે લઈને પછી એ સમયના ચિંતકો-સર્જકો (કામૂ, સાર્ત્ર, કાફકા, આદિ)ના સર્જન/વિવેચનમાં વ્યક્ત થયેલા અ-માનવીકરણને, વ્યક્તિત્વની-ઓળખની શૂન્યતાને, અસંગતતાને – ઠીકઠીક દૃષ્ટાંત-નિર્દેશોથી એમણે સ્પષ્ટ કર્યાં છે. રસ પડે એવું તો એ છે કે લાંબી પાદનોંધોમાં એમણે પોતાની વાતને વધુ દૃષ્ટાંત-વિશદ કરી છે. ‘સમૂહ-માધ્યમો’ એમનો વધુ નોંધપાત્ર, પોતીકાં નિરીક્ષણો અને તારણો પર ચાલતો લેખ છે. સમૂહમાધ્યમો અને એની ચર્ચા પણ એ વખતે આપણે ત્યાં નવાં હતાં. (આ વક્તવ્યલેખના આરંભે તે કહે છે કે, ‘આપણા દેશમાં હજી આ સમસ્યા પૂરતી ગંભીર ન બનવાને કારણે આજે આપણામાંના ઘણાને આ વિષય આપણા સંવિવાદ માટે અસ્થાને જણાયો છે’ – પૃ. ૩૬). એટલે એમણે લેખને વધુમાં વધુ સ્પષ્ટીકરણવાળો, મુદ્દાઓને ક્રમિક વિકસાવતો, કંઈક ઍકેડેમિક પ્રકારનો રાખ્યો છે. ઉદ્યોગીકરણે અને નવી ટૅક્નોલૉજીએ માનવજીવનને લોક-સમાજ (folk society)માંથી સમૂહ-સમાજ (mass society)માં પરિવર્તિત કર્યું એ, જાણીતી, વાત મૂકી આપીને ભોગીભાઈએ મુખ્યત્વે તો અહીં સાહિત્ય પર પડતી જતી સમૂહ-માધ્યમોની અસરને કેન્દ્રમાં રાખી છે. સાહિત્યકાર વળીવળીને મૂળસ્રોતને ‘નવાંનવાં રૂપોમાં સ્પર્શવા મથતો’ હોય છે એની સામે સમૂહમાધ્યમ બિલકુલ ઊલટી દિશામાં એને ઘસડી જવા કરતું હોય છે, એ વિ-સંવાદિતાને નોંધીને એમણે સાહિત્યને પણ સમૂહમાધ્યમ તરીકે ઉપ-યોજવાના ભયસ્થાનની વાત કરી છે. ‘રોજિંદા વપરાશથી ઉત્પાદનોની ઝપટમાં સાહિત્ય પણ આવી જાય ત્યારે ‘છીછરા, પહોળા આકારોમાં ઉપસાવેલી, એકધારી’ લોકપ્રિય કથાસાહિત્ય-કૃતિઓ જોવા મળે એવા એક નિરીક્ષણને આગળ કરીને, પછી એમણે ‘સ્ટાન્ડર્ડ ક્લોથ’ની જેમ, પુસ્તકોની ‘સ્ટાન્ડર્ડ વર્ઝન’વાળી આવૃત્તિઓ કરીને તેમજ ‘દૃશ્ય માધ્યમો દ્વારા સ્ટાન્ડર્ડ ‘જ્ઞાન’ પીરસીને ‘કરોડોની જ્ઞાનાનુભૂતિને સંતોષી શકાય’ એવા માર્મિક કાકુથી એક વિલક્ષણ સ્થિતિનું પ્રભાવક ચિત્ર આંકી આપ્યું છે. એમનું તારણ વધુ અસરકારક છે : ‘સમૂહમાધ્યમોની આવી સૃષ્ટિમાં સાચો સાહિત્યકાર સર્વથા અનાત્મીયતા (alienation) જ અનુભવે; અને એની સાથે એમ પણ કહી શકાય કે સમૂહમાધ્યમો પોતાની સૃષ્ટિને અનુકૂળ નવા સાહિત્યકારો-સર્જકો-બુદ્ધિજીવીઓ – ટૂંકમાં, new elite પેદા કરી લે છે. જેને નવી પરિભાષામાં mass-elite કહેવામાં કશું અજુગતું નથી.’ (૪૮) આજની આપણી વિલક્ષણ વાસ્તવિકતાનું જાણે કે એમણે ઘણું વહેલું નિદાન કરી આપેલું! ‘રજનીશજીનું તત્ત્વચિંતન’ લેખમાં એમણે રજનીશને ‘માસ લીડર’ તરીકે ઓળખાવ્યા છે એમાં પણ ભોગીભાઈની આ જ વિચારણા અનુસંધિત થઈ દેખાય છે. ભોગીભાઈની સાહિત્યવિચારણા એમની સંસ્કૃતિ-વિચારણાની લગોલગ રહી છે બલકે વ્યાપક સંસ્કૃતિવિચારને તે સાહિત્યવિચાર સાથે જોડતા રહ્યા છે. એથી, એક તરફ ‘હર્બટ રીડનું સંસ્કાર-કલા-ચિંતન’ જેવો લેખ ને બીજી તરફ ‘સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મકતા’ જેવો લેખ એમની પાસેથી મળ્યો છે. સાંસ્કૃતિક પરંપરા વિશેનો એમનો રસ એમની પાસે ‘ભક્તિપ્રણાલીની અવિરત ધારા’ જેવા અભ્યાસ તરફ પણ લઈ ગયો છે. એમનાં રસ-રુચિ આમ મોટા ફલક પર પ્રસરેલાં રહ્યાં છે. ભોગીભાઈના મોટાભાગના લેખો વક્તવ્યોનિમિત્તે થયેલા છે. વીસમી સદીના સાતમા દાયકામાં યોજાયેલાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં જ્ઞાનસત્રોમાંથી ચાર જ્ઞાનસત્રોમાં એમણે વક્તવ્યો કરેલાં અને ગુજરાત બહારની સાહિત્ય-સંસ્કારની સંસ્થાઓના પરિસંવાદોમાં પણ એમણે વક્તવ્યલેખો રજૂ કરેલા. પરંતુ લેખોનું આ મુદ્રિત રૂપ જોતાં લાગે છે કે વક્તવ્યોમાં મુખ્ય વિચાર રજૂ કરીને પછીથી એમણે એનું સંમાર્જિત-સંવર્ધિત અભ્યાસ-લેખરૂપ નીપજાવી લીધું હશે. (એક લેખ નીચે તો આ મતલબની ફૂટનોટ પણ જોવા મળે છે.). વક્તવ્યની પ્રવાહિતા એમના આકાશવાણી વાર્તાલાપોમાં સરસ ઊતરી છે જેમકે ‘અનુભૂતિ : પ્રતીતિ : અભિવ્યક્ત’ એ લેખ. એમાં બોલતા-વાતચીત કરતા ભોગીભાઈને સાંભળી શકાય છે. બાકી તો, એમના મોટા ભાગના લેખોની શૈલી ગંભીર પર્યેષણાત્મક અભ્યાસલેખોની શૈલી છે. ‘મિતાક્ષર’ના સર્વાધિક લેખો ૧૯૬૦-૭૦ના દાયકામાં લખાયેલા છે ને મુખ્યત્વે ‘પરબ’ અને ‘વિશ્વમાનવ’માં પ્રગટ થયેલા છે. એ સમયગાળામાં એમની સાહિત્યવિચાર-સક્રિયતા વધુ રહેલી (આ સમયગાળો પલટાતા સાહિત્યવિચારનો – આધુનિકતાવાદનો – ગાળો હતો). એ પછી ભોગીભાઈ ‘જ્ઞાનગંગોત્રી’ જેવાં વધુ વ્યાપક સંપાદનો તરફ તેમ જ રાજકીય-સામાજિક વિચારણા આપતાં લખાણો તરફ વળતા ગયા. એટલે એમણે કરેલી સાહિત્યવિચારણા સાહિત્યના ઇતિહાસની રેખાઓમાં પણ ન ઝિલાઈ! પરંતુ, ગુજરાતી સાહિત્ય-વિચારણાનો કોઈ સંપાદિત ગ્રંથ તૈયાર થાય તો એમાં ભોગીભાઈનો કોઈ ને કોઈ લેખ અધિકારપૂર્વક દાખલ થઈ શકે એમ છે.

● ‘પ્રત્યક્ષ’, જાન્યુ.-માર્ચ, ૨૦૧૧