< ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે
ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સહાયક જ્ઞાનસાધનો અને એનું પદ્ધતિશાસ્ત્ર
આદરણીય પ્રમુખશ્રી, મુરબ્બીઓ, સ્નેહીજનો અને મિત્રો,
હું જાણું છું કે જે સ્થાને આપે મને સ્નેહપૂર્વક બેસાડ્યો છે તે સ્થાન આ પૂર્વે કેટલાક ઉત્તમ વિવેચકો-વિદ્વાનોથી વિભૂષિત થયેલું છે. એટલે હું સહજ સંકોચ અનુભવું છું. મારું વિવેચન-સંપાદનના ક્ષેત્રમાં જે કંઈ થોડુંક કામ છે એ, અભ્યાસ અંગેની જિજ્ઞાસામાંથી જન્મેલું છે. એ જિજ્ઞાસાને લીધે સાહિત્ય અને વિવેચનની ઉત્તમતા વિશેના કેટલાક આગ્રહો મારા મનમાં બંધાતા ગયા છે. પરિણામે, એવી ઉત્તમ સ્થિતિ જોઉં ત્યાં હું ઊંડા આનંદનો ને ઓશિંગણ થયાનો અનુભવ કરું છું. પણ જ્યાં એ ઉત્તમતાને કથળતી જોઉં છું ત્યાં ઉદાસીન રહી શકતો નથી ને મારી તીવ્ર નારાજગી પૂરી જવાબદારીથી પણ સ્પષ્ટ રૂપે વ્યક્ત કરી દઉં છું. એટલે, આ નિમિત્તે, મારો એક સ્વાધ્યાય ને એમાંથી નિષ્પન્ન વિચારો અહીં આપ સૌની સમક્ષ નિખાલસતાથી રજૂ કરી શકાશે એ આનંદને લીધે મારો પેલો સંકોચ ઓછો થાય છે.
□
આજે હું, આપણાં વિવેચન-સંશોધનનાં કાર્યોને વધુ નક્કર કરવામાં સહાયક બનનાર કેટલાંક મહત્ત્વનાં જ્ઞાનસાધનો અને એના પદ્ધતિશાસ્ત્ર વિશે વાત કરીશ.
મારી વાતને હું એક માર્મિક કિસ્સો ટાંકીને શરૂ કરુંઃ એક વિવેચકે પોતાના પુસ્તકમાં શબ્દસૂચિ ન મૂકેલી. એટલે બીજા એક વિદ્વાને ચિડાઈને જઈને ત્રીજા વિદ્વાનને કહ્યું : ‘આ તો કેવો અણઘડ ગણાય! સૂચિ જ નથી કરી?’ ત્રીજા વિદ્વાને કહ્યું : ‘ના, એ અણઘડ નથી, કુશળ છે. જો એણે સૂચિ કરી હોત તો તમે તમારા નામ સામે બતાવેલાં બેત્રણ પાનાં જોઈ લેત. અહીં તો તમારે, તમારું નામ શોધવા માટે પણ એની આખી ચોપડી વાંચવી પડશે!’
સૂચિ અંગેની આ હળવી બાબત સૂચવે છે કે સૂચિની શી ઉપયોગિતા છે ને આપણી માનસિકતા કેવી છે.
પરંતુ એમાં હવે સુધારો થતો જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોની આપણી જો કોઈ નોંધપાત્ર ઘટના હોય તો એ વધી રહેલા પુસ્તક-પ્રકાશનની ઘટના છે. સર્જનાત્મક સાહિત્યનાં જ નહીં, વિવેચન-સંશોધનનાં પણ ઘણાં પુસ્તકો પ્રગટ થયે જાય છે. નાના-મોટા પ્રકાશકો તો, પહેલાં પણ, વ્યવસાયી અગ્રતાક્રમો જાળવીને, ઘણાં પુસ્તકો પ્રગટ કરતા હતા પણ સાહિત્ય અને વિદ્યાની સંસ્થાઓ અનિવાર્ય લાગે એટલાં, મહત્ત્વનાં હોય એવાં થોડાંક પુસ્તકો પ્રગટ કરી શકતી. એમનાં સાધનો ટાંચાં હતાં. હવે, કેટલાંક વર્ષોથી, સાહિત્યસંસ્થાઓની પ્રકાશનયાદીઓ પણ વિસ્તૃત થતી ગઈ છે. વળી, ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આર્થિક અનુદાન દ્વારા, વ્યક્તિગત પ્રકાશનોને પ્રેરતી રહી છે એ કારણે પણ ગ્રંથપ્રકાશન વધ્યું છે. વ્યવસાયી પ્રકાશકો, સંસ્થા-પ્રકાશકો અને વ્યક્તિગત લેખક-પ્રકાશકો – એવા ત્રણે સ્રોતોમાંથી વિપુલ ગ્રંથરાશિ આપણી સામે આવી રહ્યો છે.
આ પ્રકાશન-વિસ્ફોટ એક રીતે સુચિહ્ન પણ છે કેમકે બજારલક્ષી અગ્રતા-અવરોધો ખસવાને લીધે ગંભીર પ્રકારનાં પુસ્તકો પ્રગટ કરવાની મોકળાશ વધી છે. પહેલાં તો, સિદ્ધ લેખકોનેય પુસ્તક પ્રકાશિત કરવા માટે મુશ્કેલી પડતી હતી. એ આ આર્થિક સહાયકતાએ નિવારી છે. એ જ મોકળાશને લીધે સાહિત્યની સંસ્થાઓ પણ, ઉપયોગી ને મૂલ્યવાન ગ્રંથોના પ્રકાશન-પુનઃપ્રકાશની પ્રવૃત્તિ, કેવળ વિદ્યાવૃદ્ધિને લક્ષ્ય કરીને, કરતી થઈ છે. જોકે વિપુલ ગ્રંથરાશિ અંગે ચિંતા પ્રેરનારી એક બાબત એ છે કે જરૂરી ગુણવત્તા-નિયંત્રણો શિથિલ થતાં રહ્યાં છે એટલે બિનજરૂરી ગ્રંથ-ઉત્પાદનોનો પણ આપણે સામનો કરવાનો આવ્યો છે. નવલરામે, એમના સમયનાં પ્રકાશનો વિશે કહેલું એ આજેય સાચું પડતું લાગે છે. ઈ. ૧૮૮૭ આસપાસ એમણે કહેલું : ‘ગુજરાતી ભાષામાં પુસ્તકો વગેરેની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી જોઈ અમને ઘણો સંતોષ થાય છે... અગર જો એ વૃદ્ધિ રાજ્ય-આશ્રયથી જ હોય, તો તે આપવામાં યોગ્યાયોગ્યતાનો વિવેક વખતે ન રહેવાથી, ચીંથરીઆં લખાણ વધી પડવાનો પણ સંભવ રહે છે ખરો.’ એટલે, ગ્રંથના પ્રકાશનપૂર્વે, પસંદગી-ચકાસણીને અગ્રતાક્રમ આપવાનો રહે.
સંદર્ભ-સાહિત્ય :
સાહિત્યવિવેચન-સંશોધન-ઇતિહાસની મુખ્ય ધારાની સમાંતરે જ, એક વ્યાપક સંદર્ભસાહિત્યનો મજબૂત આધાર ઊભો કરવામાં આવતો હોય છે. વિવિધ પ્રકારના કોશગ્રંથો, અનેકક્ષેત્રીય સૂચિકાર્યો અને વિશિષ્ટ પ્રકારનાં સંપાદનો આવાં સહાયક પણ શક્તિમંત જ્ઞાનસાધનો છે. એનું પોષણમૂલ્ય ને એનો પ્રભાવ વધુ વ્યાપક હોય છે. એક તરફ એ વિદ્વત્પ્રવૃત્તિને પોષે છે – વિવેચકો-સંશોધકોનાં કાર્યોને ગતિ આપવામાં, એને વધુ સાધાર અને સંગીન કરવામાં આ વૈજ્ઞાનિક-શાસ્ત્રીય જ્ઞાનસાધનોની ઉપકારકતા મોટી છે; તો બીજી તરફ, વ્યાપક સાહિત્યરસિક વર્ગને, વિદ્યાર્થીઓને, ગ્રંથપાલોને, સર્જનાત્મક સાહિત્યના લેખકોને માટે પણ એ ઘણાં મૂલ્યવાન નીવડે છે – આવશ્યક માહિતી-પરિચય સંપડાવવાની સાથે સાહિત્ય અને સાહિત્યવિદ્યા વિશેની એક અભિજ્ઞતા ઊભી કરવામાં એનો મહત્ત્વનો ફાળો રહેતો હોય છે. સંદર્ભગ્રંથોની લાક્ષણિકતા એ છે કે, શાસ્ત્રીયતાની સાથે જ એમાં વિશદતા ને સુગમતા હોય છે, અને સર્વવ્યાપી, મોટા ફલકને પણ એ લાઘવથી રજૂ કરે છે. એ રીતે એ સદ્ય પોષક બને છે ને એમ, વિદ્યાજગતનું ઘણું મોટું પ્રજાકીય પ્રદાન આ જ્ઞાનસાધનોથી અંકાતું હોય છે.
છેલ્લાં વીસ-પચીસ વર્ષો ઉપર નજર કરીશું તો જણાશે કે આવાં જ્ઞાનસાધનો ઊભાં કરવા તરફનું આપણું વલણ ઠીકઠીક વધ્યું છે. ઘણા કોશગ્રંથો, સૂચિગ્રંથો આપણને સુલભ બન્યા છે. ૧૯૮૦ની આસપાસ ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યકોશની યોજના હાથ ધરી એ એક મોટી ઘટના હતી. ૧૯૯૬ સુધીમાં, મધ્યકાલીન અને અર્વાચીન કર્તાકૃતિઓને તેમજ સાહિત્યના પ્રવાહો, સંકલ્પનાઓ, સંજ્ઞાઓ વગેરેને આલેખતા એના ત્રણ ખંડો પ્રકાશિત થયા છે. ઇતિહાસ અને વિવેચનના અનેક ગ્રંથોનો આધાર લઈને તથા એનું શુદ્ધિ-સંમાર્જન કરીને પ્રમાણભૂત માહિતી એમાં શાસ્ત્રીય રૂપે આપણને સુલભ કરાવાઈ છે. એવું જ બીજું મહત્ત્વાકાંક્ષી અને ગંજાવર કાર્ય ગુજરાતી વિશ્વકોશનું છે. વીસેક વર્ષથી ચાલતા ને હવે પૂર્ણાહુતિને આરે આવેલા, General Encyclopaediaના સ્વતંત્ર ગુજરાતી-વૈશ્વિક અવતાર રૂપે આ કોશે એક બૃહત્ જ્ઞાનસંદર્ભ આપણને સંપડાવ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ, હરિવલ્લભ ભાયાણીના મુખ્ય માર્ગદર્શન-સંપાદન હેઠળ મધ્યકાલીન કથાકોશ (ખંડ-૧, ૧૯૯૧; ખંડ-૨, ૨૦૦૧) પ્રગટ કર્યો તો જયંત કોઠારીએ સંકલિત પણ શાસ્ત્રીય સંશુદ્ધિ ને પદ્ધતિપૂર્વકનો મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (૧૯૯૫) તૈયાર કરીને મધ્યકાલીન કૃતિઓના અધ્યયન-સંપાદનને એક મોટો આધાર પૂરો પાડ્યો છે. એ પૂર્વે, ગુજરાતી સાહિત્ય પરિષદે ચંદ્રકાન્ત ટોપીવાળાના મુખ્ય સંપાદનમાં આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ (૧૯૮૬) અને પછી એની પૂર્તિ – સંવૃદ્ધિ રૂપે વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ (૧૯૮૮) પ્રગટ કર્યો. સંજ્ઞાઓ અંગે પ્રવર્તતી સંદિગ્ધતા કંઈક ઓછી કરતો ને કેટલાક ગુજરાતી પર્યાયોનું યોગ્ય ઘડતર કરી આપતો એ એક મહત્ત્વનો નમૂનો છે. એ પછીના દાયકે જયંત ગાડીતે અનુઆધુનિક સાહિત્ય સંજ્ઞાકોશનું સંપાદન કરીને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એનું પ્રકાશન (૧૯૯૯) કર્યું એ પણ સંજ્ઞા-સ્પષ્ટતા અને સમજની દિશામાં એક અગત્યનું ડગલું ગણાય. ગુજરાતીમાં એક પ્રમાણભૂત શબ્દ-સંદર્ભ-કોશ (થિસોરસ)ની જરૂરિયાત હજુ એમ જ ઊભેલી છે પણ એ દિશામાંના બે પ્રયત્નો નોંધવા જોઈએ. એક, ગુજરાત સાહિત્ય અકાદમીએ, ઈશ્વરલાલ દવે પાસે સંપાદિત કરાવી પ્રગટ કરેલો શબ્દાર્થકોશ (૧૯૯૪) અને બીજો, મફતભાઈ ભાવસારે સંપાદિત કરી પ્રગટ કરેલો, પાયાનો પર્યાયકોશ (૧૯૯૩, પુનઃ ૧૯૯૭). આ પર્યાયકોશ, કંઈક અંશે અમરકોશની દિશાનો, ચોકસાઈવાળો પ્રયત્ન છે.
ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ ગુજરાતી જોડણીકોશ ૧૯૬૭ની આવૃત્તિનાં, ૧૯૯૫થી આજ સુધી થયેલાં પાંચ પુનર્મુદ્રણો દ્વારા, એ જ રૂપે સતત સામે આવતો રહ્યો છે એ ઘટના, છેલ્લી પચીસીનાં પ્રકાશનોમાં થયેલા ઉમેરાની રીતે તો નોંધપાત્ર છે જ. આ કોશની સુધારેલી-વધારેલી આવૃત્તિ તો હવે થશે પણ આ દિશામાં એક પુરવણી (૨૦૦૫) પ્રગટ કરીને વિદ્યાપીઠે પોતાનો ધર્મ નિભાવ્યો છે. એ દરમિયાનમાં, આ સાર્થ જોડણીકોશને મુખ્ય આધાર તરીકે રાખીને બીજા નાના-મોટા વિદ્યાર્થી-ઉપયોગી શબ્દકોશ અન્ય પ્રકાશકો દ્વારા પ્રગટ થતા રહ્યા છે – એમાં મોટો કોશ (સંપા. રતિલાલ નાયક) વિશેષ નોંધપાત્ર છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે કે. કા. શાસ્ત્રી પાસે સંપાદિત કરાવી પ્રગટ કરેલો બૃહદ્ ગુજરાતી કોશ (ખંડ-૧, ૧૯૭૬; ખંડ-૨, ૧૯૮૧) સાર્થ જોડણીકોશ, ભગવદ્ગોમંડળકોશ આદિનો આધાર લઈને કરેલા સંકલિત કોશ જેવો છે – શાસ્ત્રીયતાની દૃષ્ટિએ એ વિવાદાસ્પદ બનેલો. નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે રમેશ શુકલનું માર્ગદર્શન લઈ પ્રકાશિત કરેલો નર્મકોશ (૧૯૮૮) આપણું એક મહત્ત્વનું પુનઃપ્રકાશન છે.
સૂચિગ્રંથો
અનેકક્ષેત્રીય અને વિવિધ દૃષ્ટિકોણ-પ્રયોજનથી થયેલી સૂચિઓને અભાવે આપણાં મહત્ત્વનાં વિદ્યાકાર્યો અટવાતાં-વિલંબાતાં રહે છે, અપર્યાપ્ત રહે છે ને પ્રમાણભૂત બનતાં નથી એ વાત હવે આપણને કંઈક સમજાતી જાય છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધના ગુજરાતી-મરાઠી ગ્રંથોને સમાવતી એક સૂચિ Catalogue of Native Publications ગ્રાન્ટ અને પીલ નામના અંગ્રેજ અભ્યાસીઓએ કરેલી (૧૮૬૪, ૧૮૬૭) એ પછી, લગભગ એક સદી સુધી, આપણે થોડીઘણી સૂચિઓ જ કરેલી – ને એમાંની ઘણીખરી તો હસ્તપ્રત-સૂચિઓ હતી. સામયિકોમાં, ગ્રંથોમાં, ગ્રંથાલયો અને ગ્રંથભંડારોમાં ઢંકાયેલી ને સમયના લાંબા ફલકમાં વેરવિખેર પડેલી સામગ્રીને શાસ્ત્રીય રીતે એકત્રિત કરીને સુલભ બનાવતી સૂચિઓ છેલ્લાં ૨૦ વર્ષમાં નોંધપાત્ર પ્રમાણમાં – લગભગ વરસે એક સૂચિ દીઠ – મળતી થઈ છે એ મોટી વાત ગણાય. આવી સૂચિઓ કરનારમાં, સ્વાભાવિક રીતે જ, સૌથી પહેલું નામ યાદ આવે પ્રકાશ વેગડનું. એમણે પહેલાં તો કર્તાલક્ષી અભ્યાસગ્રંથોના યોજકો-સંપાદકો માટે સંદર્ભગ્રંથસૂચિઓ તૈયાર કરી આપી ને એ પછી એમણે ઘણી મહત્ત્વની કહેવાય એવી સ્વતંત્ર સૂચિઓ તૈયાર કરી આપી : મહાનિબંધોની સૂચિ (૧૯૭૮, ૧૯૯૪); મધ્યકાલીન સાહિત્યની સંદર્ભસૂચિ (૧૯૮૪); ગોવર્ધનરામ વિવેચનસંદર્ભ (૧૯૯૫), નવલકથા સંદર્ભકોશ (૧૯૯૯). અનેક અભ્યાસીઓને આ સૂચિઓ ઉપયોગી થઈ પડી છે ને પરિષદના સાહિત્યકોશ ખંડઃ૧ (મધ્યકાળ) માટે એમની સંદર્ભસૂચિ ઘણી મદદરૂપ નીવડી હતી.
સામયિકોમાં પડેલી લેખસામગ્રીને સંકલિત રૂપે સૂચિબદ્ધ કરવાનું કામ વિદ્યાપીઠના લાઈબ્રેરિયનો કનુભાઈ શાહ અને કિરીટ ભાવસારે શરૂ કરેલું, એમણે ૧૯૭૫નાં ને ૧૯૭૬નાં, સર્વ વિદ્યાક્ષેત્રોનાં સામયિકોમાંના લેખોની વર્ગીકૃત સૂચિઓ ગુજરાતી સામયિક લેખસૂચિ નામે (અનુક્રમે ૧૯૭૯ અને ૧૯૮૨માં) પ્રકાશિત કરી. પણ પછીનાં વર્ષોમાંય ચાલવું જોઈતું એ કામ ત્યાં જ અટકી ગયું.
આપણા સાહિત્યવિવેચકો-સંશોધકો સૂચિકાર્ય સાથે સંકળાયા એને એક મહત્ત્વની ઘટના ગણવી જોઈએ. ધીરુભાઈ ઠાકરે જ્ઞાનસુધા : સ્વાધ્યાય અને સૂચિ (૧૯૮૭) તથા સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ (૧૯૮૭) પુસ્તકો કર્યા એમાં એમણે સ્વાધ્યાય મિષે સૂચિઓ પણ આપી. એ જ રીતે ચી. ના. પટેલે બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ (૧૯૯૯) કરી. આ બધી સૂચિઓ લાઈબ્રેરિયનની શાસ્ત્રીયતા નહીં પણ વિદ્વાનના સ્વાધ્યાયની દૃષ્ટિએ થઈ છે એ એનો ગુણ ને દોષ બંને છે.
માત્ર સાહિત્યનાં સામયિકોમાંની લેખસામગ્રીને વર્ગીકૃત રૂપે દર વર્ષે પ્રગટ કરવાનું ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિકે ૧૯૯૭થી શરૂ કરેલું. એની પાંચ વર્ષની એક સંકલિત સૂચિ રમણ સોનીએ અધ્યાપકો-વિદ્યાર્થીઓની ટીમને સંયોજીને સામયિક લેખ સૂચિ : ૧૯૯૬-૨૦૦૦ નામે પ્રગટ કરી. એને ગુજરાતની કોઈ વિદ્યાસંસ્થા પાસેથી નહી પણ Central Institute of Indian Languages, Mysore પાસેથી સંપૂર્ણ નિર્માણ-સહાય મળી છે એ નોંધવું જોઈએ. સંશોધનના વિદ્યાર્થીઓ દ્વારા, કિશોર વ્યાસના માર્ગદર્શનમાં, ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીની સાહિત્ય-સામયિક લેખસૂચિ તૈયાર થવામાં છે અને કિશોર વ્યાસે તૈયાર કરેલી ૨૦૦૬ અને ૨૦૦૭નાં વર્ષોની એવી સૂચિઓ ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થતી રહી છે ને હજુ એ આગળ ચાલે છે – એ બાબત સૂચિ-સાતત્યની રીતે પણ નોંધવા સરખી છે. તાજેતરમાં જ (૨૦૦૭માં) ‘પરબ’નાં ૪૦ વર્ષની ને ‘સ્વાધ્યાય’નાં પહેલાં ૨૫ વર્ષની સૂચિઓ પ્રકાશિત થઈ છે ને ‘પ્રત્યક્ષ’ની ૧૫ વર્ષની સૂચિ પણ પ્રગટ થઈ છે – એ પણ સામયિક-સૂચિઓ અંગે વધેલી અભિજ્ઞતા સૂચવે છે. ‘કુમાર’ની સૂચિસામગ્રી તેમજ, રજનીકુમાર પંડ્યાએ કરેલી ‘વીસમી સદી’ની સર્વસામગ્રી CD ઉપર ઉપલબ્ધ થઈ છે એ અદ્યતન ઉપકરણોને યોજવાની દિશાનું ડગલું છું.
ગઈ સદીના ત્રીજા-ચોથા દાયકામાં મોહનલાલ દલીચંદ દેસાઈએ અત્યંત પરિશ્રમ અને ચીવટથી તૈયાર કરેલી વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ જૈન ગૂર્જર કવિઓ (ત્રણ ભાગ, અનુક્રમે ૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪) એક ગંજાવર સંદર્ભગ્રંથ હતો. ગુજરાતી સાહિત્યકોશ ખંડઃ ૧ (મધ્યકાળ)માં એ સૂચિ ઘણી જ સહાયભૂત થયેલી. કોશકાર્ય દરમિયાન માહિતી અને પદ્ધતિમાં થયેલી સંશુદ્ધિ-વૃદ્ધિને તથા વિશેષ જાણકારીને ખપે લગાડીને જયંત કોઠારીએ જૈન ગૂર્જર કવિઓને ૧૦ ખંડોમાં પુનઃ સંપાદિત કરી આપી (ઈ. ૧૯૮૬ થી ૧૯૯૭) એ આપણા સમયનું એવું જ ભગીરથ વિદ્યાકાર્ય છે. એ સૂચિની પણ વર્ગીકૃત સૂચિ રૂપે જયંત કોઠારીએ તૈયાર કરેલો એનો ૭મો ખંડ (૯૦૦ પૃષ્ઠ) તથા દેશીઓની સૂચિ આપતો ૮મો ખંડ (૭૦૦ પૃષ્ઠ) સૂચિ કેવી રીતે સર્વાશ્લેષી ને બહુઘટકલક્ષી વસ્તુ હોઈ શકે એનો નમૂનો પૂરો પાડે છે. એમાં સૂચિ વિશે જયંત કોઠારીએ જે લખ્યું છે તે, નિરપેક્ષ રીતે પણ, સૂચિમાત્રની ઉત્કૃષ્ટતાને અંજલિરૂપે છે. એમણે કહ્યું કે : ‘સૂચિની સહસ્ર આંખોથી જ આવા સંદર્ભગ્રંથના વિશાળ જગતને પામી શકાય છે.’
જૈન ગૂર્જર કવિઓ, જૈન રાસાઓ તથા મધ્યકાલીન પદસંચયો વગેરેને આધારે બીજી ત્રણ સૂચિઓ, હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં, ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કરી છે : લોકગીતસૂચિ (૧૯૮૯; સંપા. કિરીટ શુક્લ), પદસૂચિ (૧૯૯૦; સંપા. નિરંજન વોરા) અને દેશીઓની સૂચિ (૧૯૯૦; સંપા. નિરંજન વોરા) સામગ્રીનું આવું વૈજ્ઞાનિક વર્ગીકરણ મહત્ત્વના સંશોધન-અભ્યાસો જન્માવી શકે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
એ જ રીતે, સાહિત્યકોશના મધ્યકાલીન ખંડને આધારે, પરિષદે જ, કીર્તિદા શાહ પાસે સંપાદિત કરાવીને મધ્યકાલીન કૃતિસૂચિ (૨૦૦૪) પ્રગટ કરી છે એ, એક જ વિષય પરની વિવિધ સ્વરૂપની ને વિભિન્ન કર્તાઓની કૃતિઓને એકસાથે જોવા-અભ્યાસવાની સુવિધા ઊભી કરી આપે છે.
એક લાક્ષણિક સૂચિની અહીં વાત કરવી જોઈએ : ૧૯મી સદીમાં, ૧૮૬૭ના કૉપીરાઈટ ઍક્ટ પૂર્વે પ્રસિદ્ધ થયેલાં હજારેક ગુજરાતી પુસ્તકોની, અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસારે સંપાદિત કરેલી ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ (૨૦૦૪) દસ્તાવેજી અંકનનો એક ખૂબ જ મહત્ત્વનો નમૂનો છે.
પદ્ધતિના પ્રશ્નો
જરાક ઝડપે નિર્દેશેલી આ વિગતો પરથી પણ અંદાજ આવશે કે જ્ઞાનસાધનો ઊભાં કરવાની દિશામાં આપણે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઠીકઠીક પ્રવૃત્ત થયેલા છીએ. પરંતુ, તેમ છતાં કહેવું જોઈએ કે, એનો પૂરો મહિમા હજુ આપણા મનમાં વસ્યો નથી. આપણે મન હજુ સંદર્ભગ્રંથોનું સ્થાન દ્વૈતીયીક રહ્યું છે. આસ્વાદ-સમીક્ષા-સાહિત્યપ્રવાહ અંગેના વિવેચનલેખો છાપગ્રાહી, મુગ્ધ દશાના, કાચા હશે તોપણ એના સંગ્રહને આપણે અગ્રતાક્રમ આપીશું – એને ‘શિષ્ટમાન્ય ગ્રંથ’ હેઠળ મૂકીશું પરંતુ, ખૂબ જ શ્રમ, શિસ્ત ને પદ્ધતિને પ્રયોજતા સૂચિગ્રંથને આપણે, એ સહાયક સામગ્રી હોવાથી જ, ગૌણ ગણવાનાં. આપણે ત્યાં સર્જક કે વિવેચકનો જે મોભો છે તે કોશકારનો કે સૂચિકારનો નથી. એટલે માત્ર કોશકાર્ય કે સૂચિકાર્યમાં સ્વતંત્ર કારર્કિદી બનાવનાર કોશવિદ્યાવિદ (લેક્સિકોગ્રાફર) કે સૂચિવિદ્યાવિદ (બીબ્લિઓગ્રાફર)આપણને ભાગ્યે જ મળે છે. એવા સાતત્યવાળા એક સૂચિકાર પ્રકાશ વેગડનું આપણે પર્યાપ્ત ગૌરવ કર્યું નથી. આપણાં અસંખ્ય પારિતોષિકોમાં સૂચિકાર કે કોશકાર કે સંપાદક માટે કોઈ અલગ, સ્વતંત્ર પારિતોષક નથી. સૂચિકાર્ય-કોશકાર્યને આપણે ભાષાવિજ્ઞાનના એક પેટાઘટક તરીકે ખતવ્યું છે. અલબત્ત, પારિતોષિકની એવી કોઈ મોટી કાર્યપ્રેરકતા હોતી નથી – આપણે ત્યાં તો નથી જ – પરંતુ પ્રશ્ન એ છે કે આવા સંદર્ભકારો પ્રત્યે આપણું કોઈ ઉત્તરદાયિત્વ ખરું કે નહીં?
બીજા અનેક અભ્યાસીઓના શ્રમ-સમયને બચાવતી સૂચિ એના કરનાર માટે ઘણી શ્રમસાધ્ય ને કષ્ટસાધ્ય હોય છે. પરંતુ સૂચિકાર્ય એ નર્યો શ્રમ – પશુશ્રમ – નથી, એ સૂઝ અને કલ્પનાને પ્રયોજતો શિસ્તકેન્દ્રી શ્રમ હોય છે. મહેનતપૂર્વક સંચિત કરેલી સામગ્રી એમાં એ રીતે વર્ગીકૃત અને આયોજિત રૂપે મૂકવાની રહે કે એથી જરૂરી વિગતો, ને એના સગડ શોધવામાં અભ્યાસીને એ તરત સહાયક બને. કમ્પ્યુટર સાયંસે પ્રચલિત કરેલો શબ્દ ‘યુઝર ફ્રેન્ડલી’ સૂચિમાત્રનો પણ મુદ્રાલેખ હોય છે. આ માટે કેટલીક રૂઢ શાસ્ત્રીય તાલીમ પણ લેવી જરૂરી છે. ગ્રંથાલયવિજ્ઞાન આવી તાલીમ આપતું હોવાથી સૂચિકારો મોટે ભાગે લાઈબ્રેરિયનો હોય છે.
આપણે ત્યાં થયેલી સૂચિઓ જોતાં જણાઈ આવે છે કે, સાહિત્યના અભ્યાસીઓ-વિવેચકો જ્યારે સૂચિપ્રવૃત્ત થયા છે ત્યારે ટેક્નિકલ જાણકારીને અભાવે વર્ગીકરણની કેટલીક શિસ્ત દાખવી શકતા નથી તો બીજી તરફ ગ્રંથાલયશાસ્ત્રના અભ્યાસીઓ-લાઇબ્રેરિયનોની સૂચિમાં, સાહિત્ય અંગેની ઝીણી જાણકારીના અભાવે ને ક્યારે રૂઢ વર્ગીકરણને વળગી રહેવાને કારણે કેટલાક વિગત-સંભ્રમ ઊભા થતા હોય છે. આ સૂચિઓની સમીક્ષાઓમાં એ જોઈ શકાશે. આવી બંને સ્થિતિઓમાં સૂચિની પારદર્શકતા ઓછી થાય છે, ને પરિણામે, એની સદ્ય-સહાયકતા ઘટે છે.
એટલે, એમ કહેવું જોઈએ કે જ્યાં રૂઢ થઈ ગયેલી પદ્ધતિ કાર્યસાધક ન બનતી હોય ત્યાં, તે તે કાર્યને અનુરૂપ નવી વૈજ્ઞાનિક ને વધુ ઉપયોગી પદ્ધતિ ઊભી કરવી જોઈએ, ને એમ સદ્ય-સંદર્ભ-સહાયને લક્ષ્ય કરવી જોઈએ. ઠાવકાં લાગતાં આવાં સંદર્ભકાર્યોમાંય, શાસ્ત્રીયતાનું નિયંત્રણ છોડ્યા વિના પણ, નવા પ્રયોગોને, નવી દિશાઓ ખોલવાને અવકાશ છે જ. દરેક નવા સૂચિકારે ને કોશકારે પોતાની વૈજ્ઞાનિક બુદ્ધિને તેમજ કલ્પનાશીલતાને યોજીને આગવું પદ્ધતિશાસ્ત્ર નિપજાવવું પડશે. જયંત કોઠારીનું કામ એવો એક મહત્ત્વનો નમૂનો છે. આધુનિક ટેક્નૉલોજીનો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ એને ટેકો છે.
□
આપણું ઈયત્તા-સમૃદ્ધ કોશસાહિત્ય પણ કેટલાંક પદ્ધતિગત ગાબડાં ધરાવે છે. અન્યથા ઉત્તમ ને મહત્ત્વાકાંક્ષી ગણાય એવા કોશોમાંય શાસ્ત્રીયતાને શિથિલ બનાવતાં સ્ખલનો જોવા મળે છે. ગુજરાતી વિશ્વકોશ જેવી પ્રસિદ્ધ કોશગ્રંથાવલિમાં પણ એકવાક્યતાના, પ્રતિનિર્દેશોની સ્પષ્ટતાના, અધિકરણોની વરણી અને એમાંના શબ્દપ્રમાણના, ચુસ્ત સ્વીકૃત વર્ણાનુક્રમના – એવા ઠીકઠીક પ્રશ્નો પડેલા છે. મોટા વ્યાપને બાથમાં લેવાને કારણે કેટલીક ક્ષતિઓનો પ્રવેશ અપ્રતિરોધ્ય બની રહે છે એ ખરું, ને કોશ જ્યારે વિવિધ વિષયોના અનેક વિદ્વાનોની મદદ લેતો હોય ત્યારે એકવાક્યતાના, અધિકરણોની ભાષાની વિશદતાના પ્રશ્નો પૂરેપૂરા હલ કરવા મુશ્કેલ બની જાય એ પણ ખરું; તેમ છતાં, અહીં પણ, એક ચુસ્ત પદ્ધતિશાસ્ત્ર થકી માર્ગદર્શક રેખાઓ આંકી આપેલી હોય તો આખી પરિસ્થિતિને નિયંત્રણમાં જરૂર રાખી શકાય, ને પરિણામને વધુ ને વધુ સ્વચ્છ રાખી શકાય.
આવા જ પ્રશ્નો પરિષદ પ્રકાશિત સાહિત્યકોશને પણ નડેલા છે. અધિકરણોમાં મહત્ત્વની વિગતો છૂટી ગયાના, અધિકરણના પરિરૂપની શિથિલતાના, પ્રમાણ-સંતુલનના કેટલાક પ્રશ્નો એમાં પણ છે ને વિવિધ લેખકોના સમુદાય પાસેથી મેળવેલી સામગ્રી ક્યારેક સંપાદકના શુદ્ધિકરણ-સંચામાંથી પસાર થવી બાકી રહી ગઈ છે.
વિદ્યાપીઠનો સાર્થ ગુજરાતી જોડણીકોશ વર્ષોથી આપણો એકમાત્ર સર્વમાન્ય કોશ ગણાતો રહ્યો છે. જોડણીની અરાજકતા નિવારવા ૧૯૨૯માં તૈયાર થયેલા આ કોશની ૧૯૬૭ સુધી થયેલી દરેક આવૃત્તિમાં યથાશક્તિ સંમાર્જન-ઉમેરણ થતાં રહેલાં. એ પછી પણ, એની મૂળગત શાસ્ત્રીય ક્ષતિઓની, શરૂઆતથી જ, વિદ્વાનો દ્વારા આકરી ટીકા થતી રહી છે. કમનસીબી તો એ છે કે ૧૯૬૭ પછી, વર્ષો સુધી એનું કોઈ મુદ્રણ સુધ્ધાં ન થયું ને પછી ૧૯૯૫થી એના એ જ રૂપે એનાં પાંચ-છ પુનર્મુદ્રણો થતાં રહ્યાં છે – ને એના ટાઇટલ પર ‘સાર્થ’ શબ્દ હજુય નાના ટાઈપમાં ને ‘જોડણીકોશ’ મોટા ટાઇપમાં છપાતાં રહ્યાં છે એ ઘણું સૂચક છે. આ કોશનું લક્ષ્ય જેટલું જોડણી પર રહ્યું છે એટલું શબ્દકોશ પર રહ્યું નથી. જોડણીની એકવાક્યતા જરૂરી ગણાવી જ જોઈએ, પણ શબ્દકોશ એ વધુ મોટી જરૂરિયાત પોષનાર એક બહુપરિણામી વૈજ્ઞાનિક બાબત ગણાય. (ને શબ્દકોશમાં જોડણીકોશ સમાયેલો જ હોય છે.) આપણી આટલી મોટી સક્ષમ ને સાધન-સજ્જ વિદ્યાસંસ્થા ૪૦ વર્ષ સુધી શબ્દકોશનું એક સંશુદ્ધ ને ઉપયોગી રૂપ નિપજાવી શકી નથી! – એ આશ્ચર્ય કરતાં ચડે એવું બીજું આશ્ચર્ય તો એ ગણાય કે ગુજરાતની બીજી કોઈ સાહિત્ય-સંશોધન-સંસ્થાને પણ આજ સુધી એક પ્રમાણભૂત કોશ કરવાનું સૂઝ્યું નથી.
ગુજરાત સાહિત્ય અકાદમીએ થિસોરસના પ્રતિમાન પર જે ગુજરાતી શબ્દાર્થકોશ કરાવ્યો છે એ તો ટીકા કરવાનું પણ મન ન થાય એટલો નબળો છે. હરિવલ્લભ ભાયાણીએ તો અકાદમીને કહેલું કે, થિસોરસ કરાવવો છે એ બરાબર, ‘પણ એ કક્ષાના ચોક્કસ અર્થભેદની સૂઝ હોય અને તે ભેદ વર્ણવી શકે એવા માણસ આપણી પાસે છે? એ વિના તો કામ ઘણું કાચું થશે.’ (જુઓ કોશનું ‘પ્રકાશકીય’ લખાણ). અને હરિવલ્લભ ભાયાણીની એ વાત દુર્ભાગ્યે સાચી પડી. આપ સૌ, એ કોશના આરંભથી લઈને લોકાર્પણ સુધીની કમનસીબ કથા કહેતું ‘પ્રકાશકીય’ અને થિસોરસની આશ્ચર્યજનક ને અસંગત વિભાવના રજૂ કરતું એના સંપાદકનું ‘પ્રાસ્તાવિક’ એટલું જ વાંચશો તોપણ આ દુર્ભાગ્યની પ્રતીતિ થશે. મોટા (ડબલ ડેમી) કદનાં ૪૦૦ જેટલાં પાનાંના આ કોશમાં છાપભૂલો જ એટલા મોટા પ્રમાણમાં છે કે એટલા માત્રથી જ, એનો ઉપયોગ કરવા જનાર, એમાંથી પાછો વળી જવાનો. કોઈ પણ ગ્રંથ અને એમાં પણ સંદર્ભગ્રંથ, આવી ને આટલી છાપભૂલો સાથે શી રીતે પ્રગટ કરી શકાય? પરંતુ આપણી ઉદારતા અને આપણી સહિષ્ણુતા, બેજવાબદારી અને ઉપેક્ષાવૃત્તિ જેટલાં જ મોટાં છે !
આ બધાં દૃષ્ટાંતો બતાવે છે કે આપણે, સાહિત્ય ને વિદ્યાના માણસો, પર્યાપ્ત અને સ્પષ્ટ આયોજન વિનાના આરંભો કરવા ટેવાયેલા છીએ. ચોકસાઈથી, ચીકાશથી, કાળજીથી, આગ્રહોથી તેમજ જાણકારી અને તાલીમ મેળવીને કોઈ પણ કામનો નકશો કે એનું સરખું માળખું રચવાનું ધૈર્ય આપણે ઘણી વાર દાખવતા નથી, ને ક્યારેક સરખું માળખું રચ્યું હોય તો એનું યોગ્ય પાલન-અનુસરણ થાય એ જોતાં રહેવાની તકેદારી રાખતા નથી. એ કારણે, આપણી સભાનતા અને આપણાં આર્થિક સાધના વધ્યાં હોવા છતાં આપણાં આ સંદર્ભગ્રંથ-પ્રકાશનો એનું મૂળભૂત લક્ષ્ય સિદ્ધ કરનારાં બનતાં નથી. જ્યાં એ થઈ શક્યું છે ત્યાં અલબત્ત ઉત્તમ પરિણામો મળ્યાં છે.
બે જુદાં જુદાં સંદર્ભસાધનો વચ્ચેના પ્રયોજનનો ભેદ સ્પષ્ટ ન થયો હોય ત્યારે પણ શ્રમની સાર્થકતા ને ઉપયોગક્ષમતા ન્યૂન બની રહે છે. આવી વ્યાવર્તકતાનો ખ્યાલ ન રાખ્યો હોવાને લીધે અકાદમી પ્રકાશિત સાહિત્યકાર પરિચયકોશ (૧૯૮૮, ૧૯૯૮, ૨૦૦૮) સાહિત્યકોશની દિશામાં ધસી ગયો છે ને એક સુબદ્ધ ડિરેક્ટરી જેવી ઉપયોગી પરિચયપોથી બનવાને બદલે એ બિનજરૂરી વિગતોના ભારથી મેદસ્વી બની ગયો છે. ક્યારેક ‘સાહિત્યનો ઇતિહાસ’ અને ‘સાહિત્યકોશ’ વચ્ચે પણ કેટલીક મહત્ત્વની ભેદરેખાઓ જળવાતી નથી ને એ કારણે ઇતિહાસમાં સમયસંદર્ભને સતત ઉપસાવનારું લેખન આપવાને બદલે આપણે એમાં વિગતોના ઢગલા કરી દઈએ છીએ. મારો સંકેત પરિષદપ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના છેલ્લા ખંડો (૫ અને ૬) તરફ છે.
અનેક વર્ષો સુધી જેની ઉપયોગિતા રહેવાની છે ને જે ફરી ફરી થવાના નથી એવા, કોશ આદિ સંદર્ભગ્રંથોને પ્રકાશનની ઉતાવળને કારણે આપણે કંઈક કાચી, અસંમાર્જિત અને પૂરી સંશુદ્ધિ વિનાની સ્થિતિમાં પણ પ્રગટ કરી દઈએ છીએ. જૂના કારીગરોમાં હતી ને અદ્યતન ટેક્નૉલોજીમાં પણ છે એવી, ફિનિશ્ડ પ્રોડક્ટ (સર્વાંગસંપૂર્ણ ને સફાઈદાર ચીજ) જ બજારમાં મુકાય એવી, કાળજી આપણી રહેતી નથી. આપણને જેટલો લોકાર્પણમાં રસ હોય છે એટલો એ ગ્રંથની સંતોષકારક લોક-ઉપયોગિતા એટલે કે સાહિત્યરસિક-ઉપયોગિતા સાચવવામાં હોતો નથી. આપણા ઠીકઠીક સંદર્ભગ્રંથો આવી ‘ઝટપટ પ્રકાશનવૃત્તિ’નો ભોગ બન્યા છે.
ગ્રંથ આંતરિક રીતે તો સમૃદ્ધ હોય જ, પણ એના બાહ્ય માળખાની, એના મુદ્રણરીતિ, આદિ જેવા પરિરૂપની એકવાક્યતા એ સંદર્ભગ્રંથ-પ્રકાશનની – ખરેખર તો ગ્રંથ-પ્રકાશન માત્રની – એક મોટી બલકે અનિવાર્ય આવશ્યકતા છે. પોતાનાં પ્રયોજનો ધ્યાનમાં રાખીને આવી એક સ્પષ્ટરેખ લેખન-રીતિ-માર્ગદર્શિની દરેક પ્રકાશનસંસ્થાએ ઊભી કરવી જોઈએ, પરદેશમાં તો વ્યાવસાયિક પ્રકાશન-સંસ્થાઓ પણ આવી ‘હાઉસ સ્ટાઈલ’ ધરાવતી હોય છે. આપણે ત્યાં કોઈ સાહિત્યસંસ્થા પાસે પણ આવી કોઈ લેખન-શૈલી-માર્ગદર્શિકા છે ખરી? ગુજરાતી સાહિત્ય પરિષદે સાહિત્યનો ઇતિહાસ, સાહિત્યકોશ, સંજ્ઞાકોશ જેવાં મહત્ત્વનાં પ્રકલ્પો / પ્રકાશનો કર્યાં છે. પરિષદનું મુખપત્ર ‘પરબ’ પણ એવું જ એક મહત્ત્વનું પ્રકાશન ગણાય. પણ આ બધામાં એક સૂત્ર રૂપે પરોવાયેલી કોઈ શૈલી-માર્ગદર્શિકા કે નિર્માણ-નિયમાવલિ છે ખરી? હા. સાહિત્યકોશના અર્વાચીન ખંડના કામની શરૂઆત થઈ એ વખતે અધિકરણના રૂપને દર્શાવતી – વિગતોનો ક્રમ, અધિકરણનાં ઘટકો અને એનું પ્રમાણ, અર્થસંકેતક વિરામચિહ્ન-યોજના, આવશ્યક સંદર્ભસૂચિ આદિનો સ્પષ્ટરેખ નકશો આપતી લેખન-માર્ગદર્શિની (૧૯૮૪) ઊભી કરેલી. એથી ઘણી કાર્યક્ષમતા વધેલી.પણ એ પછી (કે એ પૂર્વે પણ) સાહિત્યના ઇતિહાસગ્રંથો માટે કોઈ પદ્ધતિ-પરિરૂપ તૈયાર કરવામાં આવ્યું નહીં. પરિણામે સ્વૈરતા ને આકસ્મિકતા પ્રવેશ્યાં. સાહિત્યકોશના પહેલા ખંડમાં સંદર્ભગ્રંથસૂચિ મૂકવામાં આવી પણ બીજા ખંડમાં, ઘણી સામગ્રી તૈયાર હતી તેમ છતાં, કોશનાં પાનાં વધવાની દહેશતે, સંદર્ભગ્રંથસૂચિ ન મૂકાઈ! મધ્યકાળના પ્રત્યેક કર્તા વિશે જે સંદર્ભગ્રંથસૂચિ મળી એવી જ મૂલ્યવાન સંદર્ભગ્રંથસૂચિ અર્વાચીન કર્તાઓનાં અધિકરણો સાથે પણ જોડાઈ હોત તો અભ્યાસીઓને કેટલી મદદ મળત એની કલ્પના કરવી અઘરી નથી. સાહિત્યનો ઇતિહાસના પહેલા ચાર ગ્રંથોમાં, કોઈ નિશ્ચિત પરિરૂપ-પુસ્તિકાના અભાવે જે મુશ્કેલી પડી હતી તે, પછીના ગ્રંથોની યોજનાના આરંભે આવું બ્રોશર તૈયાર કરીને નિવારી શકાઈ હોત. પરંતુ સાહિત્યનો ઇતિહાસ પદ્ધતિપૂર્વકનો ને આધારભૂત રૂપનો જ અપાવો જોઈએ એવો જરૂરી તંત આપણામાં મોજૂદ નથી. હમણાં જ મને જયંત મેઘાણીએ કહ્યું કે સાહિત્યકોશમાં કર્તાની અટકનો અકારાદિક્રમ રખાયેલો તો પછી આ ‘પરબ સૂચિ’માં નામનો અકારાદિક્રમ કેમ? જયંતભાઈ ગ્રંથાલયશાસ્ત્રના અભ્યાસી છે ને એમણે ઝવેરચંદ મેઘાણીના પુનઃપ્રકાશિત ગ્રંથોમાં નમૂનેદાર સૂચિઓ તૈયાર કરીને સામેલ કરેલી છે એટલે એમને તો આવું આશ્ચર્ય થવાનું. જશવંત શેખડીવાળાએ ‘સાહિત્યકોશ’ની સમીક્ષા કરતાં લખેલું કે કેટલાકનાં નામ આગળ ‘પ્રાધ્યાપાક’, કેટલાકની આગળ ‘અધ્યાપક’ ને કેટલાક (અધ્યાપકો)ની આગળ કશું નહીં – એવું કેમ રહી ગયું છે? સાચી વાત છે. સંદર્ભગ્રંથો પાસેથી શાસ્ત્રીય એકવાક્યતા માટેનો આગ્રહ રાખવો એ વધારે પડતો આગ્રહ નથી જ. ઝવેરચંદ મેઘાણી વિશેના એક શોધગ્રંથમાં શ્રી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી, મેઘાણીભાઈ, ઝવેરચંદભાઈ – એમ સ્વૈર રીતે નામનિર્દેશ થતા જોયા ત્યારે થયેલું કે આપણી સાહિત્ય-સંશોધનની સંસ્થાઓ જો લેખનપદ્ધતિ અંગેનાં કાળજીભર્યાં, સુરેખ ને એથી અધિકૃત પ્રતિમાનો ઊભાં નહીં કરે તો પછી એ વ્યક્તિગત અભ્યાસી-વિદ્યાર્થીમાં તો ક્યાંથી ઊતરશે?
પીએચ.ડી. સંશોધનની તો બૂરી દશા છે. પણ એની વાત અહીં કરવી જોઈએ? હા, કરવી તો જોઈએ કેમકે આપણું સાહિત્ય-વિવેચન-સંશોધન વિદ્યાસંસ્થાઓમાં પાંગરે છે. એને સાહિત્યચર્ચામાં સાંકળવામાં નહીં આવે તો, છેવટે તો, આપણને જ નુકસાન જશે.
પીએચ.ડી. સંશોધનોમાં સામગ્રીનું શું થાય છે એ વાત તો બહુ ઉખેળવા જેવી નથી. એમાં સંશોધન ઓછું ને વિવેચન વધારે હોય છે ને ક્યારેક તો વિવેચન પણ ઓછું ને માહિતી-સંકલન જ વધારે હોય છે. એ તો ઠીક, પણ જેને ‘રિસર્ચ મેથોડોલૉજિ’ કહેવાય એનાથી તો ઘણાખરા શોધલાભાર્થીઓ ખાસ્સા અજાણ હોય છે – કેમકે એમના કેટલાક માર્ગદર્શકો પણ એટલા જ નિર્દોષ હોય છે. સંદર્ભનોંધો-નોટ્સ અને સંદર્ભગ્રંથસૂચિ-બીબ્લિઓગ્રાફી શા માટે હોય અને કેવી રીતે કરાય એનો સ્પષ્ટ અંદાજ ન હોવાને કારણે એમાં ખાસ્સી અરાજકતા પ્રવર્તે છે ને એની જવાબદારી વિદ્યાસંસ્થાઓ ઉપરાંત સાહિત્યસંસ્થાઓની પણ છે. સાહિત્યના પરિશીલન અને અધ્યયન-સંશોધનનાં કાર્યોને પરિપોષણ પૂરું પાડવામાં પૂર્ણતાના આગ્રહો ને વિદ્યાશિસ્ત સાથેનાં જ્ઞાનસાધનોનું પ્રદાન નિર્વિવાદ છે.
આપણે Chicago Manual of Style કે MLA Style sheet કે MLA Handbook for writers of Research Papers – એ કક્ષાનાં ભલે નહીં પણ એ પ્રકારની નાનીસરખી હાથપોથીઓ પણ નિપજાવી નથી. એની તાતી જરૂર છે. એવી જ તાતી જરૂર છે એક વ્યુત્પત્તિકેન્દ્રી બૃહત્ શબ્દકોશની. પણ હજુ તો આપણે વિવિધ પ્રકાશકો-સંસ્થાઓ-વ્યક્તિઓએ પ્રકાશિત કરેલાં સર્જન-વિવેચનનાં પુસ્તકોની વાર્ષિક સૂચિઓ પણ કરી શકતા નથી – જેની આપણને વારંવાર જરૂર પડે છે.
યુરોપ-અમેરિકામાંની સાહિત્યવિચારણા અનુવાદો, દોહનો ને સ્વતંત્ર અભ્યાસો રૂપે આપણે ત્યાં ઘણી ક્ષમતાથી થતી રહી છે. પરંતુ હજુ આપણે વિવેચન-વિચારણાના એ ગ્રંથો/લેખોની સૂચિ આપવી બાકી છે.
સંદર્ભસાહિત્ય અને એની રચનાપદ્ધતિની બાબતમાં આપણે પાશ્ચાત્ય પરંપરાથી તો ઘણા પાછળ છીએ જ પણ મરાઠી-બંગાળી આદિ ભારતીય ભાષાઓની પરંપરાથી પણ પાછળ છીએ. એ દિશામાં આપણે ગતિ કરી છે એ હવે વધુ નક્કરપણે ગતિશીલ બને એ આશયથી જ અહીં મેં આપણા સંદર્ભસાહિત્યની આટલીક સમીક્ષા કરી છે – એને ટીકા નહીં પણ આપણા સૌ વતીથી કરેલો એકરાર સમજવા વિનંતી છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ આપણી પ્રતિષ્ઠિત ને અગ્રણી સાહિત્યસંસ્થા છે. જ્ઞાનસાધનો અને પદ્ધતિશાસ્ત્રની દિશામાં પણ એ અગ્રણી બની રહે ને સંદર્ભસાહિત્યના નિર્માણમાં તેમજ એના ગુણવત્તાલક્ષી નિયંત્રણમાં પણ એ પ્રભાવક બની રહે એવી ઊંડી અભિલાષા સાથે, ને મારા આ વિચારો રજૂ કરવાની મને તક આપી એ માટે આભાર વ્યક્ત કરીને મારું વક્તવ્ય પૂરું કરું છું.
● ગુજરાતી સાહિત્ય પરિષદના ગાંધીનગર-અધિવેશનમાં તા. ૨૨.૧૨.૨૦૦૭ના દિવસે રજૂ કરેલું વિવેચન-વિભાગનું અધ્યક્ષીય વક્તવ્ય
● ‘શબ્દસૃષ્ટિ’, એપ્રિલ ૨૦૦૮