ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતા : ગાંધીયુગીન કવિતા
કોઈ પણ યુગના સાહિત્યને એનો સમયસંદર્ભ વળગેલો હોય છે એ ખરું પણ એ કદી એક પરિમાણવાળો કે સપાટ હોતો નથી. એક કલાપ્રવૃત્તિ લેખે સાહિત્યમાં સમયસંદર્ભ એટલે તે સમયનાં માત્ર વૈચારિક-સામાજિક-રાજકીય પરિબળો ને વલણો જ નહીં; સાહિત્યની પોતાની પૂર્વપરંપરાઓ, નવાં પ્રયોગો-વલણો અને વિભાવનાઓ તેમજ પરંપરાને ઉલ્લંઘી જવાનો સંઘર્ષ – એ બધાંથી એનો પિંડ રચાતો હોય છે. ક્યારેક એવું પણ બને કે તે સમયનાં પ્રભાવકારી સામાજિક-રાજકીય આંદોલનો એ સમયની કવિતાને આંશિક રીતે પ્રભાવિત કરી ગયાં હોય – અનેક સંવેદનવિષયોમાંના એક વિષય તરીકે એ પરિબળો નિરૂપણ પામ્યાં હોય. અલબત્ત, એ આલેખનનો એક નકશો જરૂર ઉપસાવી શકાય. □ ૧૯૨૦થી ૧૯૪૭ના સમયગાળાની ગુજરાતી કવિતામાં રાષ્ટ્રીય આંદોલનની ઇતિહાસલક્ષી વાસ્તવિકતા કેવું નિરૂપણ પામી હતી એની ચર્ચાની શરૂઆત હું એક ઘટનાનાં બે ભિન્ન પાસાં બતાવતા દૃષ્ટાંતથી કરું : ૧૯૩૧માં ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા નીકળ્યા ત્યારે એમને વળાવવા એકઠી થયેલી મોટી મેદની સામે ઝવેરચંદ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય રજૂ કરેલું, બલકે બુલંદ અવાજે ગાયેલું. મહાદેવભાઈ દેસાઈએ એ વિશે નોંધ્યું છે : ‘કુડીબંધ તારો ને કાગળો આવેલા તે [બાપુ આગબોટમાં] વાંચવા માંડ્યા. મેઘાણીનો ‘છેલ્લો કટોરો’ વાંચીને બાપુ કહે : ‘મારી સ્થિતિનું આમાં વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’ (મહાદેવભાઈ આગળ કહે છે) કાવ્ય વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય તેમ પ્રતીત થાય છે. જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને – અંધારપછેડો ઓઢીને જોયા કીધું હોય એમ લાગે છે. (‘સોનાનાવડી’ (મેઘાણીની સમગ્ર કવિતા), ૧૯૯૭ : પૃ. ૮૬ ઉપરની નોંધ) હવે, આ કાવ્ય તથા આ પ્રકારનાં અન્ય કાવ્યોને સમાવતા, કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ના નિવેદનમાં મેઘાણી લખે છે : ‘એને ‘યુગવંદના’ નામ એ અર્થમાં અપાયું છે કે કોઈ ચિરંજીવી કાવ્યતત્ત્વથી પ્રેરાયેલ નહીં, પણ ચાલુ કાળનાં જ બળોએ સ્ફુરાવેલાં સમયજીવી ગીતો આમાં પ્રધાન સ્થાને છે. એટલે આ યુગને જ અર્પણ થયેલ અંજલિથી અધિક મહિમાને એ ન માગી શકે એવાં છે.’ (‘સોનાનાવડી’, પૃ. ૪૧૬) કાવ્ય પાસેની મેઘાણીની આ જ અપેક્ષા વસ્તુલક્ષી રીતે એમના એક લેખમાં આ રીતે વ્યક્ત થઈ છે : ‘રાષ્ટ્રગીત બનવા માગતી કવિતાએ વધુમાં વધુ કલાનિર્માણ પોતાનામાં ઊતરેલું બતાવવું જોશે.’ (‘પરિભ્રમણ’ ખંડ ૧, ૧૯૪૬, પૃ. ૩૬) મેઘાણીથી એ બની શક્યું ન હતું પણ કવિતામાં કલાનિર્માણ જ પહેલું જરૂરી, એવી એમની અભિજ્ઞતા એમાં દેખાય છે. એટલે કે, લેખકનું આવું દૃષ્ટિબિંદુ પણ સમયસંદર્ભનું જ એક મહત્ત્વનું બિંદુ છે. ઉમાશંકર જોશીએ પણ, એ જ સમયગાળામાં લખેલા સમકાલીન કવિતા વિશેના લેખોમાં, એ સમયના કવિને બંને બાજુ ખેંચતાં વિચારબળો અને રચનાબળોની કેટલીક માર્મિક બાબતો ઉપસાવી આપી છે : (તે લખે છે) ‘૧૯૩૦માં સમાજ કવિઓને અનેકવિધ કાવ્યસામગ્રી આપી રહ્યો હતો’ (‘શૈલી અને સ્વરૂપ’, પૃ. ૨૮૫) અને ‘વાસ્તવપ્રિયતાની પ્રેરણા પ્રથમ મળી દેશના રાજકીય ઉત્થાનમાંથી’ (એ જ, પૃ. ૨૨૧) – એવાં બે નિરીક્ષણો એમણે આપ્યાં છે એમાં અગાઉના સમયની કવિતાથી આ સમયગાળામાં આવતો મહત્ત્વનો વળાંક નિર્દેશ પામ્યો છે. પંડિતયુગની કવિતામાં દિવ્ય-ભવ્ય આકાશી તત્ત્વોનું આરાધન-આલેખન હતું પણ હવે આ ત્રીસીના કવિઓને ગાંધીજીએ વળી એક જુદું આસમાન પણ બતાવ્યું હતું. આ સમયના કવિઓ ગાંધીજીનાં જીવન-વિચાર-કાર્યો સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. ને રાષ્ટ્રીય આંદોલનના સૈનિકો જેવા હતા. નવા વાતાવરણની એક આભા હતી. પણ એ બધાની વચ્ચે, સભાન કવિઓએ કાવ્યનાં રચના-બળોની ધરી પણ સાવ છોડી ન હતી. બલવંતરાય ઠાકોરનો પ્રભાવ ઓસર્યો ન હતો, બલકે આ નવકવિઓને એમણે સતત કાવ્યત્વ અંગેના દૃઢ માનદંડો બતાવ્યા હતા. એટલે પોતાના સમયની નબળી કવિતા વિશે ઠાકોરે ‘પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી’ એવી કઠોર ચિકિત્સા કરી હતી એવી જ ચિકિત્સા પોતાના સમયની, ૧૯૩૦ આસપાસની કવિતા વિશે ઉમાશંકરે પણ કરેલી : ‘આપણો પ્રણય તે રોતલ, દેશપ્રેમ તેય રોતલ’ (૧૯૩૪ની ગુજરાતી કવિતા, ‘શૈલી અને સ્વરૂપ’, ૨૦૫) અને વાસ્તવનું આલેખન પણ કેવું તો રંગદર્શી બની જતું હતું એ અંગે પણ એમણે એક સ્પષ્ટ નિરીક્ષણ આપ્યું : ‘વાસ્તવિકતાને કવિતામાં ઉતારવા કવિઓ પ્રેરાયા પણ [...] વાસ્તવ કાવ્યત્વને પામે એને બદલે વાસ્તવિકતાનો વાવટો ઉડાવવા જેવું વિશેષ જોવા મળતું.’ (એ જ, ૨૮૬) એટલે, આ સમયગાળાની કવિતાનાં બેત્રણ મુખ્ય લક્ષણો-વલણો તારવી શકાય : (૧) કાવ્યત્વ અંગેનો ખ્યાલ પરિમાર્જિત થયો હોવાને લીધે અને બલવંતરાય ઠાકોરનો પ્રભાવ નિર્ણાયક બન્યો હોવાને કારણે, આ ફરીવાર ઊઘડી આવેલી સમાજ-અભિમુખતા દલપતરામ-નર્મદના સમયની સમાજ-અભિમુખતાથી જુદી હતી. સુંદરમે જે નોંધ્યું છે કે દલપતરામની કવિતા એમના સમયની સર્વ સામાજિક પ્રવૃત્તિઓના કૅટલૉગ જેવી હતી (જુઓ, ‘અર્વાચીન કવિતા’) એવું ગાંધીયુગમાં બનવા પામ્યું નહીં. રાષ્ટ્રીય આંદોલન, ગાંધીજીવન અને વિચાર, દલિત-પીડિત-સહાનુકંપા અને એ સમયનાં અન્ય વૈચારિક આંદોલનો – એવા વિષયોની કવિતા લખાઈ ખરી પણ એનું પ્રમાણ એટલું મોટું નથી. એ સમયના મહત્ત્વના કવિઓમાં તો એ આપણી ધારણાથી પણ ઓછું છે. એક જ દાખલો લઈએ તો ઉમાશંકર જોશીના પહેલા કાવ્યસંગ્રહ ‘ગંગોત્રી’ (૧૯૩૪)માંનાં કુલ ૧૦૦ જેટલાં કાવ્યોમાંથી સ્વાતંત્ર્ય, ગાંધીજી, આદિ અંગેનાં કાવ્યો ૧૫-૨૦થી વધારે નથી! (૨) વળી, આ સમયગાળો ભલે ત્રણ દાયકાનો હોય – ગાંધીજીની પ્રવૃત્તિઓ ૧૯૨૦માં સંપૂર્ણ અસહકારની લડતથી સઘન બની; ૧૯૩૦માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે ખ્યાત દાંડીકૂચ કરી; ૧૯૪૨માં આઝાદી માટેની નિર્વિકલ્પ ઘોષણાવાળી ‘હિંદ છોડો’ની આખરી લડત ઉપાડી અને ૧૯૪૭માં આઝાદી મળી – એ આખો સમયગાળો સતતપણે એટલી તીવ્રતાથી ને એટલા પ્રમાણમાં ગુજરાતી કવિતામાં આલેખાયો નથી. એ સમયની નવલકથામાં એનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ વિશેષ છે. એ સમયનાં કાવ્યોની રચનાતારીખો જોઈએ તો ખ્યાલ આવશે કે ૧૯૩૦ અને એની આસપાસનાં વર્ષોમાં જ સમસામયિક પરિબળોની કવિતાનું પ્રમાણ વધુ રહ્યું છે. એટલે, વધુમાં વધુ એક દાયકો આ વિષયો કાવ્યોમાં વિશેષ આલેખન પામતા રહ્યા છે. (૩) કવિતાની રંગદર્શિતાનું જે વલણ ઉમાશંકરે બતાવ્યું છે એનો ફાળો પણ આ સ્થિતિ માટે ઘણો જવાબદાર જણાય છે. એ રંગદર્શિતાએ બે પરિણામો આપણી સામે ધર્યાં છે – આ રંગદર્શિતાને કારણે સામાજિક વાસ્તવનું આલેખન, એમાં ગાંધીપ્રેરિત સમાજવાદની સાથે માર્ક્સવાદી-સામ્યવાદી વિચારધારાનું, જેને પ્રગતિવાદ નામ અપાયેલું, એનું આલેખન પણ બહુ ઓછો સમય ટકે છે. ઉમાશંકરે નોંધ્યું છે કે, ‘જીવનની વાસ્તવિકતામાંથી વિષય લીધો છે એ તો તરત પ્રગટ થઈ જતું પણ કાવ્યના અવયવે અવયવમાંથી – ભાવપ્રતીકો, શબ્દો, લય બધામાંથી – આ એક વાસ્તવરચના છે એવો રણકો જવલ્લે જ ઊઠવા પામતો. રચના રૉમેન્ટિક જ, વિશેષ તો, બની જતી. પ્રગતિવાદ અકાળે શમ્યો એમાં આશ્ચર્ય શું?’ (‘શૈલી અને સ્વરૂપ’, પૃ. ૨૮૬) આ રંગદર્શિતાને પ્રભાવિત કરનારું એક બીજું પરિબળ તે રવીન્દ્રનાથની કવિતાનું આકર્ષણ. એ આકર્ષણ કવિઓને આ વાસ્તવમાંથી વાળીને એક નવા જ રહસ્યલોકમાં, સૌંદર્યલોકમાં ખેંચતું ગયું. જોતજોતામાં ‘ગાંધીયુગ’ આથમવા લાગ્યો. ને ૧૯૪૦ની આસપાસ તો કવિઓ નર્યા સૌંદર્યાભિમુખ બનવા લાગ્યા. ૧૯૩૯થી આરંભાયેલું બીજું વિશ્વયુદ્ધ, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ની નિર્ણાયક લડત, ૧૯૪૭ની આઝાદી, અને દેશવ્યાપી નિર્દય કોમી રમખાણો તેમજ ગાંધીજીની હત્યા – એવી પ્રચંડ વાસ્તવિક ઘટનાઓએ ગુજરાતી કવિતામાં ભાગ્યે જ કશો પ્રભાવક પ્રવેશ મેળવ્યો. □ સામાજિક વાસ્તવના આલેખનના સંદર્ભે, ગાંધીયુગીન કવિતાનાં મુખ્ય વલણોના આ ઝડપી ચિત્ર પછી હવે આ સમયગાળાની કવિતામાં રાષ્ટ્રીય આંદોલન અને સામાજિક વિચારબળો કેવાં આલેખન પામ્યાં છે એના કેટલાક નિર્દેશો આપવા માગું છું. ગાંધીયુગમાં સ્વાતંત્ર્ય-આંદોલન ઉપરાંત ગાંધીજીના દૃષ્ટિફલકે આવરી લીધેલા વિચાર-સંવેદન-જગતનું ય નિરૂપણ થયું છે. ગાંધીજીની જીવનદૃષ્ટિના કેન્દ્રમાં હતો માનવ – છેલ્લામાં છેલ્લો માણસ. આ માનવતાવાદ અને માનવીય સંવેદના બંધુત્વ, સમાનતા, જનસેવા અને દરિદ્રસેવા, ગ્રામાભિમુખતા, પીડિતોની વેદના... એમ વ્યાપક રીતે પ્રસરતાં રહ્યાં. પીડિત-પીડક અને શોષિત-શોષકના વિચારભાવમાં વળી, એ વખતે ઊતરેલી સામ્યવાદી વિચારધારાનું બળ પણ ભળેલું છે. આ વિવિધ વિષયોનાં એ સમયનાં બધાં કાવ્યો ધારો કે સંચિત કરવા જઈએ તો મને લાગે છે કે પીડિતોની વેદનાની રચનાઓનું પ્રમાણ સૌથી વધુ હોઈ શકે. એટલે ગાંધીજીવન અને વિચાર તથા સ્વાતંત્ર્યેચ્છાની કવિતાની સમાન્તરે જ ‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘ત્રણ પાડોશી’ (સુંદરમ્), ‘દેવ’ અને ‘પૂજારી’ (શ્રીધરાણી), ‘કરાલ કાળ જાગે’ અને ‘કવિ તને કેમ ગમે’ (મેઘાણી), ‘પહેરણનું ગીત’ અને ‘જઠરાગ્નિ’ (ઉમાશંકર) જેવાં કાવ્યો રચાતાં રહ્યાં છે – મુખર અભિનિવેશ સાથે અને ક્યાંક રૂપક-અલંકરણનો સહારો લેતા અર્ધમુખર રચનાગુંફન સાથે. રાષ્ટ્રીય આંદોલન ઘટના અને ભાવના એવા બંને સ્તરે ઝિલાતું રહેલું છે. મુખ્યત્વે કવિ નહીં એવા ર. વ. દેસાઈએ ‘જલિયાંવાલા બાગ’ વિશે, વિશ્વાસભંગની વેદનાને ચીતરતું, કાવ્ય આપ્યું. સ્નેહરશ્મિમાં આરંભે ‘સ્વાધીનતાનું ગીત’ વગેરે જેવાં સ્વાતંત્ર્યભાવ-વિષયક ઠીકઠીક કાવ્યો મળ્યાં એ પછી દેશળજી પરમારની પ્રસંગલક્ષી કવિતાએ ધ્યાન ખેંચ્યું. કદાચ દેશળજીમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઘટનાઓ કાવ્યવિષય બની છે – બારડોલી, ધારાસણા, દાંડીના સત્યાગ્રહો; સ્વાતંત્ર્યેચ્છા, સમર્પણ આદિ ભાવો યુયુત્સાના આવેશ સાથે એમનામાં આલેખાયા છે. એ સર્વમાંથી, આપણા સમય સુધી કંઈક ખેંચાઈ આવ્યું હોય એવું તો એક જ કાવ્ય છે : ‘અમર ઇતિહાસે’. ખંડ શિખરિણીના લયને એમણે આકર્ષક રીતે પ્રયોજ્યો છે :
ઊંડા અંતર્નાદે
ઊંચા આશાવાદે યુવકજન હે, રાષ્ટ્ર રચવું
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું
અમર ઇતિહાસે ભળી જવું.
શ્રીધરાણીની આરંભકાલીન કવિતામાં પણ દેશળજીની જેમ પ્રસંગલક્ષી કાવ્યોનું પ્રમાણ વધુ છે. ‘કોડિયાં’ (૧૯૩૪)માં એમણે નોંધ્યું છે કે, ગાંધીજીના મહાભિનિષ્ક્રમણ – કદાચ દાંડીકૂચ – વિશે સો જેટલાં સૉનેટની ‘સ્વનિતસંહિતા’ રચવાનો એમનો અભિલાષ હતો પણ પછી એ સાત કૃતિઓમાં ચરિતાર્થ થયેલો. એમની આ સમયની કવિતામાંથી ‘સપૂત’ એક જીવંત ચિત્રમાં ઘટનાને કંડારી શકેલું છે. ગુલબંકીની છટામાં પ્રગટ થયેલી પદાવલીની લાક્ષણિક ભાતને કારણે એ આપણા સ્મરણમાં સચવાઈ રહેલું છે :
આવવું ન આશ્રમે – મળે નહીં સ્વતંત્રતા!
જંપવું નથી લગીર – જો નહીં સ્વતંત્રતા!
સ્નેહ, સૌમ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!
ગાંધીજીની પ્રતિજ્ઞાની દૃઢતાનો ભાવ અહીં સ્પષ્ટપણે ઊતર્યો છે એ તો ખરું પણ આ ચારે પંક્તિઓમાં આવર્તિત ભાવમાં ન-કાર જુદાંજુદાં વાક્યાંશોથી નિરૂપાયા છે એમાં કવિકૌશલ પણ ઊપસે છે. શ્રીધરાણીનું ‘ભરતી’ ઉમાશંકરના ‘બળતાં પાણી’ની જેમ અન્યોક્તિની મદદથી સ્વાતંત્ર્યેચ્છાના આવેશને ચિત્રાત્મક રીતે વ્યક્ત કરી રહે છે. મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે છવાયેલા રહ્યા છે પણ સુંદરમ્-ઉમાશંકરમાંય, સંયત રહેતી મુખરતાવાળી રાષ્ટ્રીય ચેતનાની કવિતા, ભલે ઓછી છે, પણ એવી જ બળવાળી છે. સ્રગ્ધરાના ઘોષમાં સુન્દરમે ‘સાફલ્યટાણું’ નામની, સ્વાતંત્ર્યના અભિનિવેશને ધન્યતાના ભાવ રૂપે આલેખતી, મહત્ત્વની રચના આપી છે. આ વિષયની ગાંધીયુગીન બધી કવિતામાં ફરી વળવું અત્યારે શક્ય નથી. પણ એ સમયના કવિઓમાંથી બે પ્રતિનિધિ કવિઓની – ઝવેરચંદ મેઘાણી અને ઉમાશંકર જોશીની – કવિતા પર એક વ્યાપક નજર નાખવા ધારું છું. મેઘાણીમાં સ્વાતંત્ર્ય-આંદોલનનું મુખર-બુલંદ ગાન છે ને ઉમાશંકરમાં મુખરતાને સંયત રાખતી, વિચાર અને સંવેદનમાં ઊંડે ઊતરતી માર્મિકતા છે – એ દૃષ્ટિએ પણ આ યુગની કવિતાના બંને છેડાનું પ્રતિનિધિત્વ જળવાશે. મેઘાણીની વિશેષતા એ છે કે એમણે સ્વાતંત્ર્ય-આંદોલનનાં સંચલનો માત્ર ઝીલ્યાં છે એમ નહીં, એ સંચલનોને પ્રેર્યાં પણ છે. મોટા જનસમુદાયમાં સ્વાતંત્ર્ય-ભાવના ઉત્તેજિત થાય એવા લયવાળાં, એવી ઓજસ્વી પદાવલીવાળાં ગીતો એમણે રચ્યાં ને હૃદયદ્રાવક રીતે ગાયાં. આની અસરકારકતાને લીધે, ‘છેલ્લી પ્રાર્થના’ (‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’) જેવાં પંદરેક ગીતોને સમાવતો એમનો ૧૯૩૦માં પ્રગટ થયેલો સંગ્રહ ‘સિંધુડો’ રાજદ્રોહના આરોપસર જપ્ત થયેલો. એ પૂર્વે ગાંધીજીની ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭) અને, ૧૯મી સદીમાં ‘હિંદ અને બ્રિટાનીઆ’ (ઇચ્છારામ દેસાઈ, ૧૮૮૬) રાજદ્રોહનો આરોપ પામેલાં ગુજરાતી પુસ્તકો હતાં. મેઘાણીમાં ચારણી કુંડળિયા છંદોની ઓજસ્વિતા અને વર્ણલયનો તથા પદાવલીનો વેગીલો પ્રવાહ છે. અનુસર્જન હોય ત્યારે પણ, પ્રભાવક ગુજરાતી શબ્દચયનનું સહજ કૌશલ છે. એમનાં પ્રસંગલક્ષી કાવ્યોમાંય વિગત કરતાં તો વાગ્મિતાથી પ્રચુર બનતી ભાવોત્તેજકતા વિશેષ છે. આવી ભાવોત્તેજકતા ‘છેલ્લો કટોરો’માં, ‘આગેકદમ’માં, ‘ઓતરાદા વાયરા’માં, ‘ઘટમાં ઘોડાં થનગને’થી આરંભાતા ‘તરુણોના મનોરાજ્ય’માં, ‘જાગો જગતના ક્ષુધાર્ત’ના ઘોષવાળા ‘કાલ જાગે’માં – એમ લગભગ બધાં જ સ્મરણભોગ્ય-લોકભોગ્ય બનેલાં ગીતોમાં અનુભવાય છે. મેઘાણીમાં આવી ઓજસ્વી ઉપરાંત પ્રસાદ-મધુર ભાવલયની કવિતા પણ છે. ‘ઘણ રે બોલે’માં અનુનયભર્યો ભજનનો ઢાળ છે તો ‘સ્વતંત્રતાની મીઠાશ’ નામના કાવ્યમાં, એટલો જ અસરકારક બની શકતો, આર્દ્ર-મધુર લય છે : તારા નામમાં ઓ સ્વતંત્રતા! મીઠી આ શી વત્સલતા ભરી; મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી! મેઘાણીની આ શબ્દ-સુધા, એમની સર્જકતા જો, પ્રાથમિક રહી ગયેલી સપાટીએથી ઊંચકાઈ હોત તો, તત્કાલીનતાને ઠેકી જનારી રાષ્ટ્રકવિતા આપનાર સંજીવની એમાંથી પ્રગટી શકી હોત. કવિ-શબ્દની આ સંજીવની, આરંભકાલીન કચાશો અને દીર્ઘસૂત્રિતા છતાં, ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં વરતાય છે. ૬ ખંડોમાં આયોજિત ૪૯૧ પંંક્તિઓના આ કાવ્યને ઉમાશંકરે એક બૃહત્ ફલક પર આલેખ્યું છે. એનો એક છેડો બુદ્ધ અને ઈસુ, તથા એથીય પાછળ ‘માણસજાતના અભ્યુદય’ સુધી પહોંચતા ઇતિહાસની પૂર્વસરહદ સુધી ખેંચાયેલો છે તો બીજો છેડો ‘વિશ્વશાંતિ’ શબ્દને કોઈ રાજકીય-સામાજિક વિભાવ સુધી અટકાવવાને બદલે એક વ્યાપક વૈશ્વિક અર્થ-સંવેદન સુધી લઈ જતી ભાવના સુધી વિસ્તરેલો છે. મૂળથી જ માનવજાતનો વિકસતો-વકરતો ગયેલો શસ્ત્રરાગ; સ્વાતંત્ર્ય સાથે સમત્વ અને બંધુત્વની અનિવાર્યતા છતાં ફ્રાન્સનું સમત્વ વિનાનું ‘રુધિરઝર સ્વાતંત્ર્ય’ અને રશિયાનું બંધુત્વભાન વિનાનું શસ્ત્રસ્થાપિત સમત્વ; ગ્રીસ-રોમ-મિસરના પતનથી ઝાંખી થતી સંસ્કૃતિનો વળી પશ્ચિમમાં પુનર્જન્મ; અને હવે ગાંધી દ્વારા ભારતમાં એના અભ્યુદયની શક્યતા, ગાંધી દ્વારા જ માત્ર પૂર્વમાં નહીં પણ પશ્ચિમ સહિતના વિશ્વભરમાં ઊગી શકનારી નવતર વિશ્વશાંતિ; અને વિશ્વશાંતિ એટલે માનવ-પશુ-પંખી-વૃક્ષોને પણ આવરતી એકાત્મકતા, એવી કવિદૃષ્ટિ – આવાં ઘટકોમાં વિસ્તરતું આ કાવ્ય, ગાંધીવિચાર અને ગાંધીચરિત્રકેન્દ્રી હોવા છતાં ચિંતનોર્મિનાં ઊંડાણને તાગવાના પ્રયત્નની દિશામાં જતું હોવાથી તે સમયની આભાવાળું રહીને ય તત્કાલીનતાની બહાર પણ પ્રસરી રહ્યું છે. એનું છંદકૌશલ ને કવિકર્મ પણ ધ્યાનપાત્ર છે. ‘ગંગોત્રી’નાં એમનાં કાવ્યોમાં પણ એક તરફ મુખર ઉદ્ઘોષ છે : ‘મુખે સમરગાન હો, પ્રિય સ્વતંત્રતા પ્રાણ હો’ તો બીજી તરફ સ્વતંત્રતાનું એક નવું જ – કવિદૃષ્ટિયુક્ત ભાવરૂપ ઊપસ્યું છે : ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ?’ અને ‘બળતાં પાણી’માં અન્યોક્તિ દ્વારા, ‘વિશ્વતોમુખી’માં એક વિરાટ ભાવ-ચિત્ર દ્વારા, ‘બાણપથારી’ સૉનેટમાળામાં ગાંધીજીવનદર્શનને પુરાકલ્પનમાં ગૂંથીને – એમ ઉમાશંકર સમકાલીનતાને ઝીલવા-આલેખવાનો એક સર્જક તરીકે રસ્તો કાઢતા રહ્યા છે. ‘ગંગોત્રી’ના નિવેદનમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે, ‘હમણાંનાં વરસોમાં ગુજરાતમાં જીવનનો પ્રચંડ જુવાળ ચડી આવ્યો તેની અસરતળે જ આ કાવ્યો લખાયાં છે, એવી કબૂલાત અહીં ચોરી રાખવી ઇષ્ટ નથી લાગતી.’ ઉમાશંકરની ભાવનાત્મક અને વૈચારિક નિસબત એમાં વરતાય છે. પણ નોંધપાત્ર તો એ છે કે આ સંગ્રહના શીર્ષકપૃષ્ઠ પર મૂકેલો મંત્ર ‘મુખે સમરગાન હો’ – એ આ કાવ્યોની ખરી ઓળખ નથી પણ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એ છે. ‘ગંગોત્રી’ શીર્ષક પણ ભાવનાલક્ષી નહીં, પ્રકૃતિરાગલક્ષી છે એવું એમણે જ સૂચવ્યું છે. સ્વાતંત્ર્ય-આંદોલનની ઘટનાનું આલેખન કવિતામાં થતું હોય ત્યારે કવિપ્રયોજનને વીસરી શકાય નહીં. – એ દૃષ્ટિએ મેં આ વિગત-વિશ્લેષણ આપ્યું છે. કેવળ ઇતિહાસનો અભ્યાસી આ સમયગાળાની કવિતાને શી રીતે જુએ એનું પણ મને ઘણું કુતૂહલ છે. એવી દૃષ્ટિએ પણ કોઈએ આ સમયની કવિતાનું વિગત-વિભાગ-લક્ષી સંકલન-સંપાદન કરવું જોઈએ. સ્વાતંત્ર્ય-આંદોલન એક પ્રચંડ ઘટના હતી ને ગુજરાતની ભૂમિને તો એનો સઘન સ્પર્શ હતો. એટલે એ સમયના સાહિત્યને એણે પૂરેપૂરું સ્પંદિત-પ્રભાવિત કર્યું હોય. પરંતુ કવિ એક વ્યક્તિ તરીકે એમાં ગળાડૂબ હોય ત્યારે પણ એની નજર ક્યારે બારી બહાર દોડી-ઊડી જશે એ કહેવાય નહીં. ગાંધીયુગની કવિતાનો જે આલેખ ઊપસે છે એમાં, આથી, ઉપર-નીચે જતી રેખાઓ ઘણી છે. એમાંથી શક્ય બની એટલી રેખાઓને અહીં ઝીલવાનો પ્રયત્ન મેં કર્યો છે. અનેક સંદર્ભોમાં ખેંચી જનારા આ વિષયમાં, આમ નવેસર પ્રવેશવામાં મને બહુ રસ પડ્યો છે, ને એમાં હજુ વિગતે આગળ જઈ શકાય એમ છે એવી જિજ્ઞાસા જાગી છે. એટલે આવી અભ્યાસતક ઊભી કરી આપવા માટે હું પરિસંવાદ-આયોજકોનો આભારી છું.
● મુંબઈની મણિબહેન નાણાવટી કૉલેજે ‘સ્વાતંત્ર્ય આંદોલનની ઇતિહાસલક્ષી વાસ્તવિકતાનું સાહિત્યમાં નિરૂપણ’ એ વિષય પર યોજેલા પરિસંવાદમાં ૨૮ જૂન ૨૦૦૮ના દિવસે રજૂ કરેલું વક્તવ્ય. ● ‘પરબ’, ફેબ્રુઆરી, ૨૦૦૯