ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સાહિત્ય સંકેત – રાધેશ્યામ શર્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યસંકેત, રાધેશ્યામ શર્મા, ૨૦૦૬
મર્મગ્રહણને ન ચૂકતું સર્વગ્રહણ

સાહિત્યસંકેતનાં ૧૮૨ પાનાંમાં સમાવિષ્ટ ૪૨ લેખો આસ્વાદ અવલોકન, સમીક્ષા, નિરીક્ષા, વિવેચન એવાં વિવિધ અભિધાનો ધરાવે છે. વ્યાપક ચર્ચાને લગતા કેવળ બે ત્રણ લેખોને બાદ કરતાં બાકીના બધા જ, પુસ્તક કે પુસ્તક-અંતર્ગત કૃતિને હાથ ધરે છે, એટલે મુખ્યત્વે અહીં કૃતિ-સમીક્ષાના લેખો છે – ભાગ્યે જ લાંબું ચીતરતા લાઘવભર્યા લેખો. રાધેશ્યામ શર્મા આપણા નિત્ય-સમીક્ષક છે. એ એમની વિધાયક, સંમાન્ય ઓળખ છે. વળી રાધેશ્યામજી સર્વકૃતિસમભાવી છે. અને એ એમની વિલક્ષણતા છે. સર્વસમભાવી ખરા, પણ શર્માશ્રીમાં વખાણનો છેડો છોડ્યા વિનાની તપાસ-ચિકિત્સકતા જરૂર છે. ગમે તે લેખકની કૃતિની કે વિચારણાની, એકબે મહત્ત્વના મુદ્દા પકડી લઈને એ ખબર તો લઈ જ લે છે – ક્યારેક સ્પષ્ટ શબ્દોમાં, ક્યારેક માર્મિકતાના વેષ્ટનથી. જોઈએ : કૃષ્ણરાયન ‘સાહિત્ય એક સિદ્ધાંત’ (અનુ. શાલિની ટોપીવાળા)માં ‘અવલોકનો હંમેશાં વિવેચન અને પત્રકારિતા વચ્ચેનો ધૂંધળો પ્રદેશ છે.’ એમ લખે છે ત્યાં તરત એનો પ્રતિવાદ કરતાં લેખક કહે છે, આવા ઉત્તમ વિચારક આવું કહે ત્યારે એ, ‘એમના વિવેક પર ચોંટેલી ધૂંધળાશનો નાદર નમૂનો બને.’ (પૃ. ૬૬). નાનાવિધની ‘વિવેચન વિચારકોશ’ તરીકે પ્રશંસા કરતી વખતે જ ચંદ્રકાન્ત ટોપીવાળાના એક મત સામે એ તર્જની ઊંચકે છે : અછાંદસ લખનારે છંદની તાલીમ લેવી જ જોઈએ એવા ટોપીવાળાના આગ્રહ સામે રાધેશ્યામ લેખ છે, ‘જેમને છંદમાં પડવું જ નથી, અને અછાંદસનો જ નાદલય, અર્થલય સર્જન માટે જેમને સાનુકૂળ છે એમણે શા માટે પેલી પરંપરાબદ્ધ તાલીમ લેવી?’ (૭૭). જોકે આ એક નિરંતર વિવાદનો મુદ્દો છે. કવિ કદાચ તાલીમ સુધી ન જાય તોય ઉત્તમ છાંદસ કવિતાના વાચન-પઠનથી એના કાન કેળવાતા રહ્યા હોય તો રાધેશ્યામજી જેને અછાંદસનો ‘નાદલય’ કહે છે એમાં એને મદદ જરૂર મળે. અલબત્ત, રા. શર્માએ ઉઠાવેલો મુદ્દો એક મતવિકલ્પ તરીકે ખસેડી શકાય એમ નથી. મરમાળી ટિપ્પણ (કમેન્ટ) દ્વારા એ લેખક/ કૃતિની વિલક્ષણતા બરાબર ચીંધી આપે છે. સુરેશ દલાલની આસ્વાદપ્રવૃત્તિની વાત કરતાં, ક્યારેક એમનું આસ્વાદન ‘કોમ્પિયર કરાવતા હોવાનો વહેમ જાગે’ (૪૫) એવું બને છે, એ નિર્દેશ્યું જ છે તો પુરુરાજ જોષીની એક સમીક્ષાને તે આ રીતે પ્રશંસે છે : “પવનની વ્યાસપીઠ’ પરનું પુરુરાજી વિવેચન અનિલ જોષીને બે વાર વાંચવા મોકલવું ઘટે’ (૯૧). રવીન્દ્ર પારેખના વિવેચનસંગ્રહ ‘એકોક્તિ’ અંગેની નારાજગી એમણે કાકુથી સંકેતી છે : ‘એમનો [રવીન્દ્રનો] પરિશ્રમ ને પ્રતિશ્રમ પ્રશસ્ય છે’ (૧૨૫). વળી કહે છે, ‘[આ] સંગ્રહનો ગુણપક્ષ ખરો; અને તે આટલા પૂરતો કે અન્યોને પણ અન્યોક્તિ કરવા ઉત્તેજે એવી હઠભરી સ્પષ્ટ-અસ્પષ્ટ સ્વગતોક્તિઓ અહીં ભરી, ભરાઈ પડી છે.’ (૧૨૬). માર્મિક ટીકા ન કરવી હોય ત્યાં હળવી મજાકને રસ્તે પણ રાધેશ્યામ આપણને લેખકની મર્યાદા બતાવી આપે છે. પ્રવીણ દરજીના એક નિબંધમાં, જ્યાં સર્જકતાનો મૂળ સૂર છૂટી જાય છે ત્યાં રાધેશ્યામ એમને આમ પકડે છે : ‘અહીં લેખકમાં આસનબદ્ધ લેક્ચરર પ્રાધ્યાપક પંડિત મો‘શાય પોતાનું ‘ગનાન’, ભલે થોડાં વાક્યોમાં પણ, વહાવે છે : ‘વેદોએ અગ્નિનો ભારે મહિમા કર્યો છે એ જાણું છું, [...] વનોનાં વન એ બાળી મૂકે છે એ હકીકતથી પણ વાકેફ છું’ (હાઆક્...છી!) (૧૬૫). કૌંસ-પ્રતિક્રિયા રાધેશ્યામની છે. પણ વળી આપણને વળતું રાધેશ્યામને જ પૂછવાનું મન થાય, કે તો પછી શા માટે તમે અનાસ્વાદ્ય કૃતિઓનો આસ્વાદ કરવાનું માથે લો છો? બીજા કેટલાક આસ્વાદો-સમીક્ષાઓમાં પણ આ સર્વકૃતિસમભાવની તકલીફ જોવા મળશે. તર્કની ધારવાળી એમની પ્રતિવાદ-શક્તિ ‘છેલ્લી પચીસીની વાર્તા’ (શરીફા વીજળીવાળા) લેખની તપાસમાં કંઈક વધુ તીવ્ર, આકરી અને આકરી ટીકામાં પરિણમી છે. શરીફાના આખા લેખને તેઓ ‘પૂર્વગ્રહદુષ્ટ વિધાનોની વખાર’ (૧૩૫) કહે છે એ તીર, વક્રતાથી એમના આ લેખ તરફ પણ તકાઈ રહ્યું છે. અલબત્ત, જ્યાં શરીફામાં ‘જ’કારોની આત્યંતિકતા પ્રગટી છે ને આધુનિકતા તરફનો અણ-ગમો ઊપસ્યો છે ત્યાં રાધેશ્યામે પ્રતિવાદમાં કેટલાક સાધાર (વેલીડ) મુદ્દા ઉપસાવ્યા છે, ને એમ ‘આધુનિકતા’નું રક્ષા-વિધાન (ડિફેન્સ) રચ્યું છે. પરંતુ કંઈક ‘ક્લીન સ્વીપ’ના અભિનિવેશમાં એમનાથી અતર્ક સામે વળી અતર્ક મુકાઈ ગયા છે. (જુઓ પૃ. ૧૩૮ ઉપર ‘યાદ રાખવું જરૂરી છે કે...’થી શરૂ થતો ફકરો). ટૂંકું અને માર્મિક લખનાર તરીકે જાણીતા રાધેશ્યામે અહીં નાહક ૭-૮ પાનાંનો વિસ્તાર વહોર્યો લાગશે. આ લેખની બરાબર સાથે મૂકી શકાય એવો, આધુનિક વાર્તા વિશેનો, કિશોર જાદવ મિષે કરેલો ડિફેન્સ – ‘કિશોર જાદવના વાર્તાપ્રયોગોની આસપાસ’ – પણ જોઈ લેવા જેવો છે. કિશોર જાદવમાં વરતાતી લાક્ષણિક આધુનિકતાની વ્યાપક ભાવે, દૃષ્ટાંતો વિનાની, સરાહના એમણે કરી છે. કિશોર જાદવના પહેલા વાર્તાસંગ્રહ વિશે તે કહે છે, ‘એમ જ લાગે વાર્તાઓ વાંચતાં, કે અહીં પરંપરાગત રચનાઓની લેખકે શોકસભા જ ભરી છે!’ (૧૪૮). પણ સાથે સાથે, રાધેશ્યામ શર્માએ એ નોંધવાની નિખાલસ તટસ્થતા પણ બતાવી છે કે ‘સામાન્ય વાચક તો મોંમાથું ગુમાવી ચૂકેલી વાર્તાસૃષ્ટિમાંથી રદબાતલ થઈ આઉટ’ થઈ જ ગયો પણ ‘કેટલીક વાર તો વિશિષ્ટ જિજ્ઞાસુ ભાવક પણ વિમાસણ અનુભવતો લાગે છે.’ (૧૪૯) આનો ઉપાય એમને એ લાગે છે કે જે ‘શુદ્ધ વાચકભાવક’ હોય એણે આ ‘વાર્તાપ્રયોગોની સાથે સાથે અને એની સમાંતરે’ રહેવું પડશે; અને વિવેચકો દ્વારા થતા ‘કેવળ કૃતિલક્ષી આસ્વાદ-વિવેચનના આધારે જ સર્જનનો મહિમા સમજી શકાશે ને સ્થાપી શકાશે’ (૧૫૦). બરાબર. પણ તો પછી અહીં, આ સંગ્રહમાં, એમણે કિશોર જાદવની એકાદ વાર્તાનો આસ્વાદ પણ જો મૂક્યો હોત – સંતુલન અને પ્રતીતિકરતા માટે... ટૂંકું કરવામાં ક્યાંક વાત પૂરી ખૂલી નથી. લાભશંકર ઠાકરના ચાર સંગ્રહોની વાત ચાર પાનામાં સમાવવા-સમેટવામાં કવિતાનો કોઈ વિશેષ નીપજી આવ્યો નથી – કેટલાંક આમ-તેમ ઢળતાં વિધાનો જ ટપક્યાં છે. ‘આ રચનાઓની ધ્યાનાર્હ વિશિષ્ટતા સાથે મર્યાદા પણ ગણાય, અને તે છે ભાવની, રસની, સંવેદનની મહદંશે અનુપસ્થિતિ’ (૩૩). તથા ‘કળાપદાર્થને વસ્તુલક્ષી વધુમાં વધુ કઈ રીતે પ્રગટ કરવો એવી શંકાનો લાભ લાભશંકરને બેશક આપી શકાય. બાકી બૌદ્ધિક ચાતુરીનો અભિગમ ભાવના પક્ષ કરતાં ચડિયાતો છે.’ (૩૩). આવું ઉભડક ‘વિવેચન’ વાંચતાં વળી વહેમ પડે છે કે રાધેશ્યામ પોતે સ્પષ્ટ નથી હોતા એમ નહીં, પણ ક્યારેક માધુર્યલાભાર્થે એ અસ્પષ્ટતાને વહેતી રાખીને આપણને ચકડોળમાં બેસાડી દે છે! કૃતિસમીક્ષામાં જ નિરત રહેનાર આ સજ્જ વિવેચક સાહિત્યના કોઈ વ્યાપક મુદ્દા વિશે વ્યાખ્યાન કરે ત્યારે આપણે જિજ્ઞાસાથી ઊંચે-કાન થઈએ. પરંતુ, ‘કેટલીક નાટ્યાત્મક ક્ષણો વિશે’ નામનો પરિષદ-વ્યાખ્યાનલેખ જિજ્ઞાસાતોષક બનતો નથી. કેટલા બધા નાટ્યાત્મક પ્રસંગો હતા એમની પાસે, પણ એ સમર્પક રીતે કોઈ સૂત્રમાં જોડાયા નથી. કેટલાકના, આ અભ્યાસવક્તવ્યમાં, સંદર્ભો સુધ્ધાં અપાયા નથી. જેમ કે શાલિભદ્રચરિત્રવાળી કથાનાં કૃતિનામ અને કર્તાનામનો કોઈ નિર્દેશ નથી. વળી, લેખના અંતભાગમાં આ વાંચતાં આશ્ચર્યનો ધક્કો વાગે છે : ‘આ સર્વ નાટ્યક્ષણોનું ઇન્ટરપ્રિટેશન મેં ટાળ્યું છે કેમ કે આ લખતાં સુઝાન સૉન્ટાગનું ભૂત મારા હાથ પર બેસી ‘અગેઇન્સ્ટ ઇન્ટરપ્રિટેશન’ બોલતું ધૂણી રહ્યું હતું!’ (૩૧) અરે ચતુરસુજાણ, અહીં તો તમારે સંદર્ભપ્રવૃત્ત થવાનું હતું ને અમને શ્રુતિફલ સંપડાવવાનું હતું. એક નક્કર લેખ, રાધેશ્યામ જરૂર આપી શકત તે આમ, આસ્વાદ-વાર્તામાં વિખેરાઈ ગયો છે. લેખકની, કૃતિમાં ઊંડે ઊતરીને મર્મ ગ્રહી આપનારી રસજ્ઞતા જેમ કેટલીક કવિતા-કૃતિઓના વિવેચનમાં એમ વાર્તા-કૃતિઓના આસ્વાદોમાં વરતાઈ આવે છે. હરીશ નાગ્રેચાની ‘ખીંટી’ અને હર્ષદ ત્રિવેદીની ‘નિયતિ’નો આસ્વાદ આવા, મર્મજ્ઞના આસ્વાદો છે ને રાધેશ્યામનો વિવેચક-વિશેષ બતાવી આપનારા છે. વાચકને સાથે લેતો આસ્વાદક ક્યાંક ઇંગિત કરીને ખસી પણ જાય છે; એ કહે છે, વાચકે ‘આખી વાર્તા વાંચવી પડે. બધું ફોડ પાડીને વર્ણવવાની અત્રે પ્રસ્તુતતા નથી.’ (૧૫૪). પરંતુ કેટલીક નિબંધકૃતિઓના ને ગ્રંથ-પ્રકરણોના આસ્વાદો એટલા આસ્વાદ્ય રહ્યા નથી. ક્યાંક સરેરાશ ને નબળી કૃતિઓને પણ એમણે તરાપે ચડાવી છે. કૃષ્ણરાયનને ભલે એમણે સાચું સંભળાવ્યું પણ રાધેશ્યામભાઈનાં પોતાનાં અવલોકનોમાં પત્રકારી શૈલીની રજ ચોંટેલી રહે છે. એક નિર્દશન છે એમનાં કેટલાંક લેખશીર્ષકો : ‘તુલનાત્મકતાના તોરણ હેઠળ વર કરતાં અણવરનો મહિમા!’, ‘અન્યોક્તિ’ : સ્વગતોક્તિઓનું લાઉડસ્પીકર’, ‘ચમારકુંડની વાસ, વાર્તાઓમાં સુગંધરૂપે’, આવી આ-કર્ષકતા ક્યારેક નિર્વાહ્ય ગણાય પણ વાચકને અરધે રસ્તે મળવા દોડતી રંજક શૈલી પણ એમનામાં આવી જતી હોય છે : ‘ઉમાશંકરે સૂતા ઝરણાનેે જગાડીને કેટલાક અનુજોષી કવિઓમાં બુદ્બુદો ઉડાડ્યા! જોશી જમાતમાં માત્ર આસ્વાદક જોશી કે જોષી નથી પણ શુદ્ધ ‘કવિતા’ના દલાલ છે.’ (૪૪) આવો અર્ધશ્લેષ-શોખ રાધેશ્યામનો ખ્યાત લક્ષણવિશેષ છે. ભાષામાં મરોડ લાવવા જતાં ક્યારેક એમની અભિવ્યક્તિ આમ મચકાઈ જાય છે. કેટલાક શબ્દપ્રયોગોને એમનામાં ઘણો ઘસારો વેઠવો પડે છે. જેમ કે ‘ખતરાસભર અખતરો’ જેવો પ્રયોગ ત્રણ વાર (પૃ. ૬૦, ૬૫, ૧૪૯) આવીને સાવ લપટો થઈ ગયો છે. છેલ્લો વાચક પણ હંમેશાં દૃષ્ટિવર્તુળમાં રહેવો જોઈએ એ છેડોય એમનાથી છૂટતો નથી ને જે માર્મિક વિદગ્ધવૃત્તિ છે એ પણ છૂટતી નથી. (શબ્દસૂચિ કરી હોત, તો વધારે ખબર પડત આપણને કે કેટકેટલા વિદેશી વિવેચક-વિચારકોને એમણે, ક્યાંક શોખપૂર્વક પણ, સાથે રાખ્યા છે. વિશાળ વાચનસંદર્ભો સદ્ય એમની સ્મૃતિમાંથી બહાર આવે છે – અનિવાર્યપણે, ક્યારેક વળી ઉજવણી રૂપે!) એટલે ઉત્તમ કૃતિઓ હાથ ધરવી ને એમાં ઊંડા ઊતરવું-થી લઈને પરિહાર્ય કૃતિઓમાં પણ પેસવું ને એમાં પથરાવું-સુધી લેખક મહાલે છે. ‘કવિતા-વ્યક્તિ સુરેશ’ શીર્ષકવાળુું ‘તરાપો’ કાવ્યસંગ્રહનું આમુખ-લખાણ અહીં (અરે ‘ત્યાં’ પણ) મૂકવા જેવું ન હતું. કાલવ્યય ને પૃષ્ઠવ્યયની જુગલબંધી થઈ રહી છે. બિનજરૂરી વાક્યો એવાં ફેલાતાં જાય છે કે ત્યાં પછી માર્મિક રાધેશ્યામ પણ પોતાને અટકાવી શકતા નથી! જુઓ : ‘કવિનું જીવન એટલે કયું જીવન? [તે] શું ખાય છે, પીએ છે, પહેરે છે, ઓઢે છે, પાથરે છે’ (૧૮૩). આ (મેં ઘેરાં કરેલાં) છેલ્લાં બે ક્રિયાપદો હઠાત્ શૈલીવશાત્ ખેંચાઈ આવ્યાં છે. એટલે કેટલીક વાર, ટૂંકું એટલે લાઘવભર્યું, એ સમીકરણ પણ ખોટું પડે છે. આવો એક લેખ વાંચીએ એટલે એ પછી તરતના લેખનાં પાનાં પર આપણી આંખ રસ-સ્વાદ-ધ્યાન વિના જ ગબડવા લાગે છે. પરંતુ, મગજમાં આમ ‘ઝમ્ ઝમ્’ થતું હોય ને ત્યાં જ, એ બીજા લેખમાં, એવું કોઈ વાક્ય આવી ચડે છે કે આપણે સ્વસ્થ થઈને ફરી, નવેસર એ લેખ વાંચવા લાગીએ.... ‘તૉલ્સ્તૉય અંગે રિલ્કે’ આવો, સરસ, પકડી લેનારો લેખ છે. રિલ્કેના પત્રોમાંથી રચાતું આવતું તૉલ્સ્તૉયનું એક સભર અદ્ભુત ચિત્ર સામે આવી જાય છે. ‘રિલ્કેનો કળાજીવન અને તૉલ્સ્તૉયનો જીવનકળા માટેનો આગ્રહભર્યો પક્ષપાત’ (૧૮૮) કેવા સમ પર આવે છે, રિલ્કેના મન પર તૉલ્સ્તૉય કેવો પ્રભાવ પાથરે છે, એ રાધેશ્યામ શર્માએ ઉત્તમ રીતે બતાવ્યું છે. ખરા વિવેચક-વિચારક-આસ્વાદક રાધેશ્યામ આ છે; ને આ ખરા રાધેશ્યામ જ, ફૂટકળને પરહરીને સન્નદ્ધ સજ્જતા સાથે સતત સામે આવે એવી આપણી બહુસંમત ઇચ્છા હોય. ● ‘પ્રત્યક્ષ’, જાન્યુ.-માર્ચ, ૨૦૦૯