ગિરીશ ભટ્ટની વાર્તાઓ/નાયક
રવિવારની સાંજે પિસ્તાલીસ વર્ષની વનલીલા સાવ એકલી જ ડ્રોઈંગરૂમની બારી પાસે ખુરશી નાખીને બેઠી હતી. હાથમાં એક પુસ્તક હતું જે તે વાંચતી નહોતી પણ... એમ જ રમાડતી હતી. ચશ્માં પણ ક્યાં પહેર્યાં હતાં? બેતાળાં આવી ગયાં હતાં પણ દૂરની દૃષ્ટિ હજી સાબૂત હતી. છેક રસ્તાપારનાં દૃશ્યો બરાબર જોઈ શકતી હતી, શોપિંગ સેન્ટરનાં સાઈન બોર્ડ વાંચી શકતી હતી. હર્ષ કાયમ મજાક કરે કે તેમને તો દીર્ઘદૃષ્ટિવાળી પત્ની મળી હતી! હમણાં જ તે ગયા હતા, ક્લબના મેળાવડામાં. ઈજન તો બંનેને હોય પણ તે ગઈ નહોતી; કારણ....? તો મિત્રપત્નીઓ! ‘અરે, કેટલી દંભી, કેટલી વાતોડી? ઐશ્વર્યોની પ્રશસ્તિ કરવાની એકેય તક ગુમાવે નહીં!’ હર્ષવદન હસ્યા હતા : ‘તો પછી મારે ત્યાં તારી પ્રશસ્તિ ગાવી પડશે!’ તો વનલીલા ક્યાંય જવાની નહોતી કે કોઈની પ્રતીક્ષા કરવાની નહોતી. દીકરી... પાસેના ખંડમાં તૈયાર થતી હતી. વહુ... મેડીના ખંડમાં સાજ સજતી હતી. એકેય કાર્યક્રમની તેને જાણ નહોતી. અઢાર વર્ષની સુરખી કેવી નિખાલસ હતી? હજી વર્ષ પહેલાંની જ વાત ગણાય. આવીને કે જતા સમયે... બધી જ વાતો વનલીલાને જણાવે. વસ્ત્રો બદલતાં બદલતાં તે ખૂલતી જાય. વનલીલા ખાલી સ્થાનો પૂર્યા કરે ને તે... ખાલી થતી જાય : મમ્મી... રાધલી કેવી લુચ્ચી? બોલે મધ જેવું મીઠું પણ મનની મેલી. યામિની તો તેના બૉયફ્રેન્ડની વાતોમાંથી નવરી જ ના થાય! સાવ જૂઠી! અને અમારી મૅડમ? ભૂલી જ જાય મૅથ્સમાં ક્યાં હતાં? પાંચમા ચેપ્ટર પરથી કૂદીને દશમે...! પણ હવે તો, બાય મમ્મી.. પૂરું કહે, ના કહે ને વહેતી થઈ જાય. તો વહુ વિશાખા તો એમાંથી પણ બાકાત. સેન્ટની સુગંધ આવે ને ઓસરી પણ જાય. તે ત્યાં સુધીમાં સૅન્ડલ ખખડાવતી, ઝાંપે પહોંચી ગઈ હોય. ક્યારેક અણધાર્યો ફોન આવે : ‘મમ્મી મહારાજને કે’જો ને થાળી ઢાંકીને મારા રૂમમાં મૂકી દે.’ હા, નાનો પુત્ર... પંદરનો હતો જે સાવ અલગ હતો. પાર્થને વનલીલા વિના ના ચાલે. બધી જ વાતો-અથથી ઈતિ-કહે ત્યારે જ ચેન પડે. તે પણ તૈયાર જ થતો હતો. સ્પોર્ટસનો ડ્રેસ પહેર્યો હતો. તેનું ક્રિકેટ બૅટ વનલીલા સામે જ પડ્યું હતું. ટીમનું સિલેક્શન થવાનું હતું. હજી હમણાં જ વનલીલા સાથે સંવાદ કર્યો હતો. ‘મમ્મી... કોચ મારી ફૅવરમાં છે પણ કૅપ્ટન... નું નક્કી નહીં. કદાચ... સિલેક્ટ થઈ પણ જાઉં.. મમ્મી, આમાં તો કોચનું જ ચાલે ને?’ તે આવીને પાછો એ જ વાત કહેવાનો હતો એ તે જાણતી હતી. વનલીલા પોતાના સુખ ગણતી હતી : ‘પાર્થ પ્લસ તો સુરખી માઈનસ, વહુ માઈનસ તો ભાર્ગવ પ્લસ. અને હર્ષવદન.. તો સુપર પ્લસ. વનલીલા, તું સુખી જ છે. વૉટ મોર યુ નીડ?’
(ર)
અચાનક દૃષ્ટિ પડી તો બંગલીના ઝાંપે કોઈ ખડું હતું. ઝાંપા પાસેની જગામાં એક માણસ ઊભો હતો; પુરુષ-લગભગ ત્રીસની વય લાગી. વાન શ્યામ, વસ્ત્રો જરા અવ્યવસ્થિત, આંખો પર ગૉગલ્સ. હાથમાં એક બૅગ. જાણે તે કોઈની પ્રતીક્ષા કરી રહ્યો ના હોય! વનલીલા જરા ચોંકી હતી કે તે, તેની બંગલીના ઝાંપા પર વળી કોની પ્રતીક્ષા કરતો હશે? અત્યારે... ત્રણ ત્રણ સ્થળેથી બહાર જવાની તૈયારી થઈ રહી હતી : વહુ, સુરખી ને પાર્થ! તે કદાચ પાર્થની પ્રતીક્ષા કરી રહ્યો હોય! કદાચ તેની ક્રિકેટ ટુકડીનો કોચ પણ હોય. શું કે’તો હતો પાર્થ કે કોચ તેની ફેવર કરી રહ્યો હતો, જ્યારે કૅપ્ટન...! દેખાવ ને વય એ વાતની ચાડી ખાતાં હતાં. પણ અંદર કેમ ના આવે? પૂછું પાર્થને? વનલીલાની એ વાત ગલત સાબિત થઈ. બાય મમ્મી... કરતો પાર્થ સડસડાટ નીકળી ગયો હતો, તે બારીમાં ડોકાઈ પણ હતી; એ જોવા કે એ વ્યક્તિ પાર્થ સાથે જાય છે કે નહીં. પણ તેમ ક્યાં બન્યું હતું? પાર્થ સડસડાટ ચાલ્યો ગયો હતો ને પેલો એમ જ ઊભો હતો. વનલીલા નિરાશ થઈ હતી. તો પછી-? વહુ કે સુરખી? એક લખલખું દેહસોંસરું લટાર મારી ગયું. થયું કે રસોઈ કરી રહેલા મા’રાજને બોલાવીને એ વ્યક્તિની પૃચ્છા કરે કે આમ શા માટે...? ત્યાં જ પરફ્યૂમનું ટોળું પસાર થઈ ગયું. ટપ ટપ ટપ કરતો સૅન્ડલરવ પાસેથી સરકી ગયો. થયું-સૌમ્યા વહુ! સૌમ્યા હતી, શું પેલો પુરુષ તેની રાહ જોતો હશે? તે થથરી ગઈ હતી. દીકરો ક્યાં હશે અત્યારે? તેણે બારીમાંથી જોવાનું બંધ કર્યું. ને પાછળ જ સુરખી નીકળી હતી. ઉતાવળી જતી હતી. ને પાછો પેલી ઝાંપા પરની વ્યક્તિ સાથેનો સંદર્ભ જોડાઈ ગયો હતો. શું બની રહ્યું હતું? તેને થયું કે તે સુરખીને તો પૂછશે જ. પેલી પારકી જણીને તો ક્યાં પૂછવાપણું હતું? વનલીલાએ ફફડતા જીવે બહાર જોયું તો કોઈ નહોતું ત્યાં. સૌમ્યા વહુ, સુરખી કે પેલો પુરુષ. પછી કેવા અમંગળ વિચારો આવ્યા? શું વહુ? શું સુરખી? શું... હશે? હશે કશુંક? થયું કે માનો અવતાર જ નકામો. નર્યો વલોપાત કરવાનો....! હર્ષવદનને કશું છે? એય મા’લતા હશે ક્લબમાં! કોઈ તેની ગેરહાજરી વિશે પૂછતા પણ હશે ને હર્ષ ચિત્ર-વિચિત્ર, રસિક કે રમૂજી કારણો આપતા હશે, ને પેલીઓ ખી ખી ખી કરતી હશે. વનલીલા સામે અણગમતાં દૃશ્યો સળવળવા લાગ્યાં હતાં. પાછી ગંભીર થઈ ગઈ હતી. હર્ષવદનને આવી વાત કહે તો તે પણ પેલીઓની માફક હસી પડે; કહે કે તેને હવે ઉંમરની અસર થવા લાગી હતી. પાછા ભોળા થઈને પૂછી પણ લે : ‘તને કેટલાં થયાં, પ્રિયે?’ તેણે મન મક્કમ કરીને નક્કી કરી નાખ્યું કે તે પૃચ્છા કરશે-વહુ હોય કે દીકરી! આમાં પરિવારની પ્રતિષ્ઠાનું શું? છે એકેય ડાઘ હર્ષવદન પર? સામેના અરીસામાં તેનું બિંબ થરથરી રહ્યું હતું. મા’રાજે કહ્યું : ‘જાઉં છું બા.’ ને તેણે હા પાડી. તે હવે સાવ એકલી હતી!
(૩)
ત્યાં જ ડોરબેલ રણઝણી હતી. થયું, તનસુખ મા’રાજ હશે. કદાચ... થેલી ભૂલી ગયા હશે, ભુલકણા જ હતા. પાર્થ શું કહેતો હતો- ‘ભુલક્કડ મહારાજ!’ નક્કી ગયા જન્મમાં માસ્તર હશે ! પંડ્યાસાહેબ! પણ રસોઈ અચ્છી બનાવતા હતા, આંગળા કરડી ખાઈએ એવી. પ્રવેશદ્વાર ખોલ્યું તો પેલો-ઝાંપા પાસે ઊભેલો પુરુષ. વનલીલા સ્તબ્ધ બની ગઈ હતી : ‘તે! પણ શા માટે અહીં? એનો અર્થ એ છે કે... આ સૌમ્યા કે સુરખી માટે નહોતો ઊભો.’ રાહત અનુભવાઈ. વળી એ જ લાગણી થઈ કે શા માટે અહીં! તેણે અવલોકન કર્યું કે.... વસ્ત્રો, દેખાવ અવ્યવસ્થિત છતાં મવાલી કક્ષાનો ના લાગ્યો. જોકે આજકાલ... કોઈ વ્યક્તિને અમુક પૂર્વધારણાથી ઓળખવા પ્રયત્ન કરીએ તો ખોટા પડવાનું વિશેષ બને. ‘કોણ... તમે?’ તેણે સાવચેતીપૂર્વક પૂછ્યું હતું. પૂરું દ્વાર ખોલ્યું પણ ક્યાં હતું! કેવા બનાવો બનતા હતા? તે હસીને બોલ્યો : ‘હું વિનાયક અંકલનો ભત્રીજો.’ ને હેબતાઈ ગઈ હતી વનલીલા : ‘આ... આવ્યો ! આટલે વર્ષે?’ ‘આવ... અંદર...’ તે શુષ્કભાવથી બોલી. થઈ આવ્યું કે કહી દે કે તે ઓળખતી નહોતી પણ તેમ કરી શકી નહીં. કારણ કે તેના હાથમાં બેગ હતી અને એમાં ગુલાબી રંગના કાગળોમાં લખેલા પ્રેમપત્રો હોય પણ ખરા. આટલા વર્ષે આ જાગ્યું હતું. ના, આને બારણેથી ધકેલી ના શકાય. કદાચ...! અઢાર વર્ષની વનલીલાએ પિસ્તાળીસની વનલીલાને આંચકો આપ્યો હતો. શ્રદ્ધા મૅડમે તેના મરોડદાર અક્ષરોની કેટલી પ્રશસ્તિ ગાઈ હતી? ક્લાસે ક્લાસે તેની નોટબુક ફરી હતી. કૉલેજની અધ્યાપિકાએ તેની ભાષાનાં વખાણ કર્યાં હતાં. હાંસિયામાં લખ્યું હતું : ‘કળીને ફૂલ બનવાની પૂરી શક્યતા છે. તું ગુજરાતી જ લેજે-મુખ્ય વિષયમાં.’ પણ તે તો વિનાયકના પ્રેમમાં પડી ગઈ હતી. સારા મરોડદાર હસ્તાક્ષરો અને ભાવમય ભાષા-બેય વડે ગુલાબી કાગળો પૂર્ણતઃ પ્રેમમય બન્યાં હતાં. વિનાયક આ બાબતમાં તેને પ્રસન્ન કરી શકે તેમ હતો જ નહીં, પણ કેટલો મીઠા-બોલો હતો? તે જીતાઈ ગઈ હતી. એ વિફલ પ્રેમના અવશેષ સમા પ્રેમપત્રો મહદ્અંશે એ બેગમાં હશે, એમ લાગ્યું તેને. તો પછી આ મુલાકાત શુભ ના ગણાય. તે ભીતરથી ફફડી રહી હતી. શું થશે? ને તો પણ બોલી : ‘આવ... અંદર.’ તેની સામે અનેક ચહેરાઓ હતાં. વિચિત્ર ભાવભંગીઓ સાથે સંવાદો સંભળાતા હતા. હર્ષવદન કહી રહ્યા હતા : ‘વનલીલા, આવા સરસ પ્રેમપત્રો મને કેમ ના લખ્યા? શું એ વિનાયક મારા કરતાં પણ...?’ સૌમ્યા હસતી હતી : ‘મમ્મીની આ આવડત તો અત્યારે જ જાણી. રાતે જાગીને બધાય વાંચી ગઈ.’ ને સુરખી તો ગુસ્સામાં હતી : ‘મમ્મી... કેટલી ધમકાવશ મને? છે કોઈ બૉય ફ્રેન્ડ? ‘કોનો ફોન હતો? કોની સાથે ગઈ હતી? સખી કે સખો?’ ‘તો મમ્મી, આ વિનાયક ક્યાંથી ટપકી પડ્યો? યોર બૉય ફ્રેન્ડ ઈઝ ઈટ?’ અરે, આ તો હળવી કોમેન્ટ વિશે વિચાર્યું હતું. એ તો તીક્ષ્ણ પણ હોઈ શકે. ને બને જ. પણ આ લોકો સુધી આવી વાત પહોંચાડવી જ શા માટે! તે બોલી : ‘બેસ... શું કહેવું છે તારે?’ તેના અવાજમાં નિર્ણાયકતા ભળી હતી.
(૪)
બધું સાવ વિસરાઈ ગયું તેવું તો નહોતું. ક્યારેક બધું ઝબકી જતું હતું-વીજ-લિસોટાની જેમ. શ્વાસ થંભી પણ જતા. કેવું થયું વનલીલા? એમ બોલાઈ પણ જતું. પછી-એ ક્યાં હશે? પરણ્યો હશે કે નહીં? કેવી સ્ત્રી મળી હશે? સુખી હશે કે પછી...? એવા પ્રશ્નો થતા. એમ પણ થતું કે તે વિનાયકને પરણી શકી હોત તો? તો... હર્ષવદન તો અજાણ્યા જ હતો. પાર્થ, સુરખી, સુમન, સૌમ્યા... ક્યાં હોત? આ કેવી રચના હતી ઉપરવાળાની? તેને બે પુરુષ વિશે વાતો વિચારવી પડતી હતી. હવે જોકે એ વિનાયકનો ચહેરો પૂરો યાદેય ન હતો. અને તેને પણ તે પૂરી યાદ નહીં જ હોય. ક્યારેક થતું કે હવે વિનાયક ક્યાં હતો તેની જિંદગીમાં. એ તો ખાલી એક અમસમજુ છોકરીની રમત હતી. મરોડદાર અક્ષરો અને સરસ સરસ વાતો કરવાથી કાંઈ સંસાર ચાલે? પ્રેમ થાય, કરાય? એ પ્રેમપત્રો કદાચ અગ્નિને હવાલે પણ થઈ ગયા હશે. હવે તે ધારે તોપણ એવા પત્રો ના લખી શકે. ને જરૂર પણ ક્યાં હતી? એક આખો સમયખંડ પડખું બદલી ચૂક્યો હતો. નવાં સુખો માણી રહી હતી અને નવા પ્રશ્નો પણ ! એમાં એ અતીતનો પુરુષ ક્યાં હતો? ક્યારેક સ્મરણમાં ઝબકી જતો હતો, ને થતું કે ક્યાં હશે! બસ, પત્યું! પણ... એ વિનાયકનો કોઈ સંબંધી છોકરો, શાનો છોકરો-ખાસ્સો પુરુષ જ-સામે બેઠો હતો. વય પણ ત્રીસ, બત્રીસની-બ્લેકમેઈલ કરી શકે તેવી. બ્લેક મેઈલ? હા, એ જ કરવા આવ્યો હશે. હાથમાં બૅગ હતી. જેમાં તે મૂરખીએ લખેલા પ્રેમપત્રો હશે. એ વય જ એવી હતી કે તેના જેવી કોઈ મુગ્ધ છોકરી મૂરખી બની જાય! એ વયની ભૂલોનો બદલો પિસ્તાળીસ વર્ષની વનલીલાએ ચૂકવવો પડશે! તેણે તેની જાતને તૈયાર કરી- ‘વનલીલા, નો વે. એ જ કરવું પડે. લજ્જાસ્પદ સ્થિતિમાં મુકવા કરતાં આને પાંચ, દશ હજાર બાળી દેવા સારા.’ વિનાયકે પાઠ ભણાવીને જ મોકલ્યો હશે ને? કદાચ મોટું મોઢું પણ ફાડે! આખરે વિનાયક પણ નીચો જ ગયો. એક વેળા ચાહેલી સ્ત્રી સાથે આવું વર્તન પણ કરે. હર્ષવદન તેની સાથેનો સંસાર થોડો છોડી દે. પણ તેની નજરમાં ઊતરી તો જાય. પુત્ર, વહુ ને દીકરી જરૂર ક્ષુબ્ધ બની જાય. ને એવું જીવન... આ વનલીલાને મંજૂર ન હતું. અરે, કેવું કેવું લખ્યું હતું એ પત્રોમાં? શબ્દો વડે, તે પૂરેપૂરી સમર્પિત થઈ ચૂકી હતી. ભાવુક હતી, નવી નવી પ્રેમમાં પડી હતી અને અણઘડ હતી! આંધળીભીંત હતી. ઓળઘોળ બની ગઈ’તી વિનાયક પર. પુરુષ ભાળ્યો જ નો’તો જાણે! એક પળે બધું જમીનદોસ્ત થઈ ગયું હતું. કાટમાળ ખંખેર્યો ત્યાં સુધીમાં હર્ષવદનની પત્ની બની ચૂકી હતી. વિનાયક? અને કોઈ સ્ત્રીએ કહ્યું હતું : ‘વિનાયક તો હોય જ. વિધ્નહર્તા વિના શુભ અવસરનો આરંભ થાય જ નહીં. જો આ ગણેશની મૂર્તિ.’ પછી ઉમેર્યું હતું : ‘વહુ આસ્થાવાળી છે.’
(પ)
પેલો સોફા પર બેસીને આસપાસનાં દૃશ્યો અવલોકતો હતો ને એ દરમિયાન વનલીલા, એની સાથેના સંભવિત વાર્તાલાપમાંથી પસાર પણ થઈ ગઈ. આ બૅગમાં મારા પ્રેમપત્રો જ છે ને? મેં એક વયે તેને લખેલા! બોલ, શું કરવું છે તેનું? વહેવાર નક્કી કરવા જ આવ્યો છું ને? કેટલું લઈશ બદલામાં? બોલ, કેમ... મૌન બનીને બેઠો છું? મારા પતિને આપવાને બદલે મને આપવાની શી કિંમત ઉપજાવવા માગે છે? સાંભળ, મેં વિનાયકને સાચો પ્રેમ કર્યો હતો. ક્યારે? જ્યારે મને પ્રેમના અર્થનું પૂરું ભાન પણ નહોતું. શું કહ્યું છે, એ વિનાયકે? કેટલાં...? હા... મને બરાબર યાદ છે. મેં એકવીસ પ્રેમપત્રો લખ્યા હતા. બોલ, શું લેવું છે આ અભાગણી પાસેથી? મને કેટલી પીડા થાય છે કે મેં જેને ખરા હૃદયથી ચાહ્યો, અધકચરી સમજ વચ્ચે સાચે સાચે ચાહ્યો-એ... ખાલી છીપલું સાબિત થયો. બોલ.. હવે, હમણાં કોઈ આવશે! જો, રમત નહીં કરવાની. બધાં જ લાવ્યો છું ને? પૈસા લેતો પરવાર. મારે પણ એ બધાંને અગ્નિને હવાલે જ કરવાના છે. તેનું રક્ત ગરમ થતું હતું. સ્પંદનો વધી રહ્યાં હતાં. ગણતરી થઈ ગઈ હતી કે ઘરમાં કેટલી રોકડ હતી, ખાતામાં કેટલી. હવે તે અઢારની વનલીલાને દોષ આપતી નહોતી, માફ કરી દીધી હતી. બસ, આ રકમ બોલે ને બાળી દેવી. ને પછી... આગળની ફળીમાં અગ્નિસંસ્કાર કરી નાખવા સાથે સાથે એ પુરુષની યાદોને પણ. શા માટે યાદ કરવો વિનાયકને? ને ત્યાં શું જોયું? પેલી વ્યક્તિ હળવેથી બૅગ ખોલીને ગુલાબી પરબીડિયાંઓ ટિપૉય પર ઠાલવતી હતી. ‘જુઓ... એકવીસ છે. વિનાયક કાકાએ કહ્યું’તું કે ઘરમાં કોઈ ના હોય એ સમયે વનલીલાને સોંપી દેવાં. કાકાએ કહ્યું કે તે હવે આ - જીરવી શકે તેમ પણ ન હતા, ને સાચવી શકે તેમ પણ ન હતા. એકાકી જીવ. આ અવસ્થાએ કેટલું બધું ના થઈ શકે? તેમણે તેમને...’ તે વધુ સાંભળી ના શકી. આંખો વરસતી હતી. જેનો ચહેરોય ભૂલી ગઈ હતી એ વિનાયક સામે તગતગતો હતો. હવે તે વિ-નાયક નહોતો.
⚬❖⚬❖⚬❖⚬❖⚬