ગિરીશ ભટ્ટની વાર્તાઓ/સાંકળ
(૧)
જે બન્યું તેને સંજોગ ગણવા પડે. એ રાતે પોતાના ઘરના સાંકડા, સુશોભિત બેડરૂમમાં છવીસ વરસની દુલારી અધૂકડા ચિત્તે ઉદાસ ચહેરે પલંગમાં બેઠી હતી. અને પાસેના ખંડમાં બત્રીસ વરસનો સાધારણ દેખાવવાળો પરપુરુષ પ્રાણલાલ કોર પર બેઠો હતો. વચ્ચેનું બારણું બંધ હતું. લાચારી હતી બંનેની. સોપો પડી ગયો હતો એ શેરીમાં અને આસપાસ કદાચ તેઓ જ જાગતાં હશે. ભીંત પર ટિક ટિક કરતી ઘડિયાળ સાડા અગિયારનો સમય બતાવતી હતી. ઘટનાક્રમ આ મુજબ હતો: અગિયાર વાગે પતિનો લોંગ ડિસટન્સ ફોન આવ્યો હતો કે તે નહીં આવી શકે. સંકેત સેલ્સમેન હતો; ફરવાનું જ કામ. એક સ્થાનથી બીજે સ્થાન. નિયત કાર્યક્રમ. આજે આવવાનો જ હતો. પત્ની ખુશ હતી. ઘર, તન ને મન સજીને બેઠી હતી. સેલ્સમેનની પત્નીને વિયોગની નવાઈ ના હોય. જનમ મરણના ફેરાઓ જેવી જ આવજાઓ! દુલારી કહેતી હતી એક સખીને, મજાકમાં. સંકેતનો ફોન આવ્યો હતો: સોરી, ડાર્લિંગ, ઇમરજન્સી! નહીં આવી શકાય. અચાનક દિલ્હી જવાનું... થયું. ત્રિવેદી હોસ્પિટલાઈઝડ અને મુખરજી...! પાપી પેટ કા સવાલ! દુલારી નિરાશ થઈ ગઈઃ કેટલાં પગથિયાં આરોહી ચૂકી હતી ને હવે...! સંકેતે પૂછ્યું હતું: શું લાવું તારા માટે, દિલ્હીથી? તે ચીડમાં બોલી હતી: દરિયો ! ભાડમાં જાય નોકરી! સંકેતે તેને મનાવી પણ તેણે તો ફોન કાપી જ નાખ્યો હતો. રડી પડી હતી: શું આ જિંદગી હતી? પ્રતીક્ષા કર્યા કરવાની! પતિના ફોનની કે પતિની. તેને સખીઓએ ચેતવી હતીઃ દુલારી, પતિ તો એવો પસંદ કરવો કે જે રોજ સાંજે ઘરે અને રોજ રાતે આપણાં પડખામાં હોય! હવે ગીતો ગાયા કરજે પ્રતીક્ષાના. ને આ તો પાછો બીજવર છે. દુલારી, આગલી પત્નીની કથા શ્રવણ કર્યા કરજે ને પ્રશ્ન કર્યા કરજે. જૂનો ફોટો પણ હશે ઘરમાં. કેટલો તફાવત વયનો હતો. દુલારી તું ભર જોબનમાં ઝુલતી હોઈશ ને તે વાળમાં કલર લગાડતો હશે. પણ તેણે નિર્ણય બદલ્યો નહોતો. તેને સંકેત ગમ્યો હતો: કેવો તેજસ્વી છે? વાચાળ, હાજર જવાબી, સ્માર્ટ અને...! છે એકેય સખીને આવો જીવનસાથી? ને તે તેને પરણી હતી. સખીઓને પત્રો પણ લખ્યા હતા: ક્યાં આગલી પત્નીની કશી વાતો કરી હતી? અરે, તેનો ભીંતે લટકતો ફોટો પણ કબાટમાં પડ્યો હતો. અરે, મેં જ સામેથી પૂછ્યું હતું એ ગાર્ગી વિશે! અને મેં, જેટલાં ફેરફારો સૂચવ્યા એ બધું જ કર્યું: બાથરૂમમાં શાવર, ડબલ બેડ, આછા નીલ રંગના પરદાઓ. ખૂબ સુખી હતી સંકેત સાથે. બાકી સેલ્સમેન છે એટલે પ્રવાસ-વિયોગ તો હોય. દરેક સ્થાનથી ફોન, ગિફ્ટ, ફ્લાઈંગ કિસ, દુલારીએ સખીઓને ભોંઠી પાડી દીધી હતી. એક બોધવાક્ય પણ લખ્યું હતું: ખબર છે, વિયોગ પછી મિલનમાં કેવી મોજ હોય? વયનો તફાવત? ભૂલી જાવ બધું. દરિયા જેવો પુરુષ છે સંકેત. પણ તેને અત્યારે લાગતું હતું કે સખીઓ સાચી હતી. શું પામી ચાર વરસના સંસારમાં? સજાવેલું ઘર મળ્યું પણ આ તો એકદંડિયો હતો. એકલા ઊઠી જવું. એકલા જીવવું. અરે એકલા સૂવું એ સજાવેલા ડબલ બેડમાં! ફોનથી ઘંટડી વાગે ને દોડતા જવું એ સાંભળવા! પ્રેમાલાપો કરવા ને એ જ ઔપચારિક વાતો કરવી! પ્રતિક્ષાઓ! દુલારીને હવે થાક લાગતો હતો. પતિ થાક લઈને આવ્યો હોય, આરામ કરતો હોય ને થતું કે ક્યાં ખલેલ પહોંચાડવી. પેલી મોજ-મસ્તીની વાતો કોરણે મૂકવી પડતી હતી. કેટલો બોજ હોય માથે? ટારગેટ્સ! મીટિંગ! જીએમના ફોન! પતિ ભલે તેના પડખામાં હોય પણ મન તો ક્યાંય વિહરતું હોય. ફરવા લઈ જવાના બે કાર્યક્રમો તો રફેદફે થયા, ને ત્રીજામાં અરધેથી પાછા ફરવું પડ્યું! દૂરથી દરિયો જોવાયો હોટેલની બારીમાંથી. એક રાત રહ્યાં ને તરત પાછા વળી જવું પડ્યું! કોઈ ગુજરી ગયાં ત્યારે પણ તેણે જવું પડ્યું હતું. સંકેત તો ઈંદોર કે ભોપાલ ક્યાંય! પ્રેમની ઊર્જા ઓસરતી હતી. પતિની વાચાળતા પણ પોકળ જણાતી હતી. અને આજે તો મન વિદ્રોહ કરતું હતું: સખીઓ સાચી હતી. પોતે મૂરખી હતી. છેક ચાર વર્ષે ભાન થયું હતું. પતિના આગમન કાજે સજ્જ થઈને બેઠી હતી. આઘાતના પ્રત્યાઘાત પડે જ ને? દુલારીએ.. તૈયાર રસોઈ, ચીડમાં ને ચીડમાં ગટરને હવાલે કરી હતી, બારણાં વાસીને ડબલબેડમાં પડી હતી: નથી જમવું! આખી શેરી જંપી ગઈ હતી. એકલી તે... જાગતી હતી. સવા અગિયારે... બારણું ખખડ્યું હતું. હળવાં ટકોરા થયા હતા. એક પળ થયું: સંકેત.. હશે? બીજી પળે ભાનમાં અવાયું હતું: ક્યાંથી હોય? તે તો દિલ્હીની ટ્રેનમાં! ત્રીજી પળે સાવધ થવાયું: તો કોણ, આ સમયે? બારણા પાસે પહોંચી તો ધીમો પુરુષ સ્વર પણ કાને પડ્યો: હું પ્રાણલાલ.. અને તેનો ભય ઓસરી ગયો હતો: આ તો પ્રાણલાલ. તે જાણતી હતી તે પુરુષને. દીન ચહેરો, સાધારણ દેખાવ, ભદ્રામાસીનો દિયર, પરણ્યો હતો કોઈ રૂપાળી સ્ત્રીને. કઈ બિલ્ડરનો માણસ, અરે... સાધારણ.. જોબ... શું કહેવાય મુકરદમ! મજૂરોની હાજરી નોંધે, સિમેન્ટની થેલીઓ સાચવે, રેતીના ટ્રેક્ટરો મુકાવે. શું કહેતો હતો: માધાભાઈ કોન્ટ્રાક્ટરને મારા વિના ના જ ચાલે. ને તેની બૈરી ચાલી ગઈ હતી. દુલારી હસવા લાગી હતી: બૈરી ચાલી જ જાય ને? એટલી તો સમજદાર તો ખરી. દુલારીએ તરત બારણું ખોલ્યું. વિલંબ કરવો પોષાય તેમ નહોતું. તે બે સાદ વધુ પાડે ને પાસેના પાંચ ઘરની બત્તીઓ ઝબુકવા લાગે, બારીઓ ઊઘડવા લાગે. કેટલો રસ હોય એ લોકોને? સવા અગિયારે... કોઈ પરપુરુષ તેને બારણે ટકોરા મારે એ તો કેવો મોટો બનાવ બની જાય? કીડીઓને સાકરનો ગાંગડો મળ્યો! દુલારી સુપેરે ઓળખતી હતી એ સ્ત્રીઓને. ને તેણે બારણું ખોલીને પ્રાણલાલને અંદર લીધો. દુલારી ચકિત થઈ હતી: કેમ આવ્યા હશે? પ્રાણલાલ નવા વસ્ત્રોમાં હતો જે ચીમળાયેલાં હતાં. ખભે બગલથેલો હતો ને પગમાં જૂની ચપ્પલ. કાયમનો દીન ચહેરો અત્યારે વધુ દીન હતો. તેણે જ શરૂ કર્યું હતું: સમજાવવા ગયો હતો પણ ના આવી. સમજ પડી દુલારીને કારણ કે તે આ પ્રકરણ જાણતી હતી. અરે, આખી શેરીની સ્ત્રીઓ જાણતી હતી. તેને કોઈ પૂછવું પડ્યું નહોતું, એમ જ શેરી-ચર્ચામાંથી પ્રાપ્ત થયું હતું. ને તેને પણ થયું હતું કે આમાં પ્રાણલાલનો દોષ નહોતો. પેલી ચાલી ગઈ એનો પણ દોષ નહોતો. શું એ કોઠારમાં તે બંને ક્યાંથી સૂઈ શકે? એક તરફ... વસ્તુઓ, ઘરઘરાટી કરતો જૂનો ટેબલફેન અને પાછળ ધબધબ થતો દાદર! પાસેના રૂમમાં કુસુમ પરીક્ષાની તૈયારી કરે, મોટેથી વાંચે, ગાય ને કયારેક દુલારીને પ્રશ્નો પૂછે: હેં... કાકી, અંગ્રેજો ભારતમાં કયા બંદરેથી આવેલા - સુરત કે કાલીકટ? પ્રભા કહેતી હતી: આમાં વરવહુ શું કરે? સુવેય ક્યાંથી કે પ્રેમેય કરે ક્યાંથી? ભદ્રાની નરી નાગડદાઈ: અપુડી ક્યાં સુધી સહન કરે? દુલારીએ ક્યાં એકેયના દર્શન કરેલા? અપુડી વિશે સાંભળેલું: રૂપ રૂપના અંબાર છે. પ્રાણલાલને તો લોટરી લાગી! હશે તેનીય કશી લાચારી! થતું હતું: અપુડીને કશું નામ તો હશે ને? પ્રાણલાલ તેને અપુડી કહીને બોલાવતો હશે, પણ આ તો આખી શેરીની સ્ત્રીઓ એ નામથી..! સંકેત તેને શું સંબોધન કરતો હતો?
(ર)
એક લાચારીએ દુલારીને ભદ્રાને ઘરે પહોંચાડી હતી. કોઈ અચાનક ગુજરી ગયો હતો, સંકેત છેક દૂર ઈંદોરમાં. કેટલા સમયનું રોકાણ થાય એ ક્યાં નક્કી હતું? પ્રભાએ જ કહ્યું હતું: પ્રાણલાલને સૂવાનું કહે. ઘર રેઢું ના રખાય. રાતે તો કોઈ જોઈએ. ને તે ભદ્રા પાસે પહોંચી હતી. અને ભદ્રાએ હસીને કહ્યું હતું: એમાં શું? પ્રાણલાલ દરેક ને ત્યાં સૂવે છે. તારે ત્યાં પણ આવશે. તેને ગમે ત્યાં સૂવું જ છે. ક્યાં છે મહારાણી? ગઈ છે રિસામણે. છો ગઈ. નથી મનાવવી. આફુરી આવશે. કોણ સંઘરવાનું હતું ત્યાં? દુલારીને બધી સાંભળેલી વાતો યાદ આવી ગઈ હતી. તે શોકગ્રસ્ત હતી. ફોઈએ તેને કેટલી શિખામણો આપેલી – જિંદગી વિશે, સ્ત્રીઓ વિશે, ધર્મ વિશે? પ્રિય હતાં કોઈ. તે સત્વરે ત્યાં જવા ઇચ્છતી હતી. પ્રાણલાલને આખું ઘર બતાવ્યું હતું; પથારી, બત્તીઓની ચાંપોની જાણકારી, રેડિયો વિશે – જુઓ, ગીતો સાંભળવા ભજનો પણ સમય પસાર થઈ જશે. આ ચાદર આ...! પ્રાણલાલને આ સ્ત્રી સાવ અલગ લાગી. એમ પણ થયું – અદલ અપુડી જેવી જ? અને પાછા આવ્યા પછી આભાર માન્યો. આવું કોણ કરતું હતું? તેણે આઠ સ્થાને રાતવાસા કર્યા હતા. ગમ્યું ઘર ને ગમી આ સ્ત્રી. બીજી વેળા – ગોવા જવાનું થયું ત્યારે તેણે હસીને જાહેર કર્યું હતું: ચિંતા ના રાખશો. એક વાર આવી ગયો છું ને! ત્યારે બીજી વાતો પણ થઈ હતી: તમે પણ તેને અપુ જ કહેતા હતા? પણ નામ શું? અપર્ણા. વાહ સરસ નામ! જુઓ... આપણા દરેક પ્રશ્નનો ઉકેલ સમય હોય છે. એકવાર મળી આવો ને તેને. એક અધ્યાય પૂરો થયો હતો. પછી ક્યાં જરૂર પડી હતી? હા... યાદ આવી જતા એ લોકો; પછી પાછી આવી ગઈ હશે એ સ્ત્રી, શું નામ તેનું - અર્પણા? તે લોકોને સુવાની સારી જગા તો આપવી જોઈએ ને? શું કહેતા હતાં પ્રભામાસી? ઘરઘરાટી કરતો ટેબલફેન, દાદરની ધબાધબ અને કોઠારની ચીજો! અરે શયનકક્ષ તો સરસ હોવો જોઈએ. તેણે ડબલ બેડની વ્યવસ્થા કરવી જ હતી. ભલે પછી એક બેડ સાવ કરચલી વિનાનો રહ્યો હોય? સંકેત કેમ નીરસ થતા જતા હતા?
(૩)
ને એ પ્રાણલાલ આ સમયે તેના ઘરમાં હતો. વ્યથિત હતો. દુલારી વિચારતી હતી: એમ જ માનતો હશે ને કે પેલી તેની સાથે ચાલવા લાગશે, રૂમઝૂમ કરતી? તેનું પણ એમ જ હતું. ક્યાં આવ્યો હતો સંકેત? તે તરફડતી હતી ને એ પળથી? બેય સમદુખિયાં હતાં - તે અને પ્રાણલાલ! એક નાવના મુસાફરો! બેય ભગ્ન હૃદયો. નો વે દુલારી. સખીઓ સાચી હતી. હવે પેટ ભરીને પસ્તાવો કર. મૂરખી ઠરી ને? તેણે યંત્રવત, બધી સૂચનાઓ આપી: જુઓ તમે તો જાણકાર છો. ખાસ ફેરફાર નથી થયાં. આ પાણીની બોટલ, આ ચાદર... બસ, લંબાવો. થાક્યા હશો. ના આવી એમ ને? લખજો કાગળ, સમજાવવાની, હું પણ સમજાવીશ. એક ઓરડી ભાડે લઈ લો. બધું સુખ થઈ જશે. ને પ્રાણલાલ, પાંચ વાગે... ચાલ્યા જવાનું. જાણો છો ને આ બધી સ્ત્રીઓને? છે આપણે કશુંય? એ... શરૂ કરી દે ખોદણી. પ્રાણલાલે હોકારો ભણ્યો. બારણું બંધ કરીને, સાંકળ બરાબર વાસીને તે બેડરૂમમાં અને પછી બેડમાં પોટલાની જેમ પડી. આટલું કરતાં કેટલું થાકી જવાયું હતું? થયું: બિચારો! કેમ સમજાવવો? અરે. તે તેની જાતને પણ ક્યાં સમજાવી શકતી હતી? ઊંઘ આવશે? તેને પણ ક્યાં આવતી હતી? ઉચાટ વચ્ચે ઊંઘ ક્યાંથી સંભવ? ને એક બીજી બાબત: તે ક્યાં એકલી હતી? એક પરપુરુષ અને તે-બેય એક ઘરમાં હતાં, એક છત નીચે! કેવો વિચિત્ર યોગ! થયું કે જાગશે આખી રાત. એમાં જોખમ ના લેવાય. પાંચ વાગતાં પહેલાં તેને રવાના કરી દેશે. પાંચ પછી જ શેરીની બારીઓ ખૂલતી હતી, ભજનો ગવાતાં હતાં. શું કેવાય – પ્રભાતિયાં! કોઈ ભાળી જાય તો દુલારીના નામની પારાયણ બેસી જાય! ને પેલા પ્રભાતિયાં અલોપ થઈ જાય! હા... તે એમ કરશે. ને ક્યાં આવવાની હતી ઊંઘ? ભૂખી હતી ને? રસોઈ તો... ગટરમાં તણાતી ક્યાંય પહોંચી ગઈ હશે! ને તરત ઝબકારો થયો: પેલો ભૂખ્યો હશે? હા, હશે જ, વાતોમાં સમય ગયો હશે. ને શું કહેતો હતો? બસ ચૂકી ગયો હતો. ઘરે તાળું હતું. એ લોકો ક્યાંક... ગયાં હશે! અને સહાનુભૂતિ જન્મી હતી. થઈ ઊભી, ફ્રિજ ખોલ્યું ને બે ત્રણ ફળ તાસક, છરી લીધા. બારણું ખોલ્યું ને ધરાયું બધું: ખાવ અપુડીના સોગન ભૂખ્યા છો ને? પછી ઊંઘ ક્યાંથી આવે? આરોગો. જુઓ, ભુલશો નહીં. ચૂપચાપ નીકળી જવાનું પાંચ વાગે. ખબર છે ને પેલી નવરીઓ? ચાલો, શુભરાત્રિ. અને એક પરિતૃપ્તિથી છલકાતું હાસ્ય વેરાયું હતું.
(૪)
સંતોષની અનુભૂતિ થઈ: ચાલ દુલારી, એક પુણ્યનું કામ થયું. ભૂખ્યો જ હતો. કેવું કેવું બની ગયું? બારણું વસાયું, સાંકળ પણ વસાઈ, બત્તી પણ. થાક અને સંતોષથી લથબથ થતી પલંગમાં પડી હતી. થયું પાછું: ના આવ્યા! ને બધું વેરવિખેર થઈ ગયું. બીજી પળે થયું: યાદ જ નથી કરવું. તો જ બધું વળગે ને? અચાનક ઝબકારો થયો: અરે, આની ભૂખ ક્યાં એક જ હતી? તે બેઠી થઈ ગઈ પથારીમાં – પેલી ક્યાં હતી તેની સાથે? રિસાઈને...! ભૂખ જ ને? શું થતું હશે અવારનવાર? જોતો હશે મજૂરણોને રસ્તા પર જતી-આવતી સ્ત્રીઓને ટગરટગર? અરે તેને પણ? તેને પ્રાણલાલનો ડર લાગ્યો: સાંકળ ખખડાવશે તો? ઝટ સવાર પડે તો સારું. વળી ઝબકારો: તેનાથી તો સાંકળ નહીં ખૂલી જાય ને? તે પણ..! હા... તે પણ. દુલારીએ પગથી માથા સુધી કચકચાવીને ચાદર ઓઢી લીધી. પણ કાન સરવા જ હતા, સાંકળનો ખખડાટ સાંભળવા. તે અને સાંકળ- બેય જાણે ઓતપ્રોત હતાં.
⚬❖⚬❖⚬❖⚬❖⚬