ગીત-પંચશતી/પૂજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પૂજા


અરે ભાઈ, હું મારી જાતને સોંપવા માગું છું, મને કોણ લેશે? મારા આ મનને વિગલિત કરીને કામ ભુલાવી દઈને તમારી સાથે લઈ જાઓ. તમે બધા આ સંસારની વાટે કયા રૂપને હાટે નીકળ્યા છો? હું મારા પોતાના બોજાથી પાછળ પડી ગયો છું. રાતદિવસ તમારી આ ખુશખુશાલી જોઈને મારું મન આકુળવ્યાકુળ થાય છે. મારાં આ બંધનને તોડીને મને લૂટીને લઈ જાઓ. મનનો બોજો ઘરને બારણે છો પડ્યો રહે. જેમ જોતજોતામાં પૂર આવીને લઈ તાણી જાય છે તેમ મને પણ લઈ જાઓ. આટઆટલી અવરજવર થઈ રહી છે, એમાં જાણીતું કોણ છે? એવું કોણ છે જે મને નામ દઈને બોલાવી શકે? જો તે એકવાર આવીને હસતો હસતો ઊભો રહે તો તેને જોઈને ઓળખી શકું. ૧૮૯૦

હે સત્યસુંદર, આનંદલોકમાં મંગલ પ્રકાશમાં વિરાજો. મહાગગનમાં તારો મહિમા પ્રગટયો છે, તારા મણિભૂષણથી વીંટળાયેલા ચરણે વિશ્વજગત રહેલું છે. ગ્રહતારકો અને સૂર્યચંદ્ર વ્યાકુળ દ્રુત વેગથી અક્ષય કિરણનું પાન કરે છે, એમાં સ્નાન કરે છે. ધરણી ઉપર ઝરણાં ઝરે છે. ફૂલ, પલ્લવ, ગીત, સુગંધ અને સુંદર વર્ણોમાં મોહન મધુર શોભા વિસ્તરી છે. નિત્યનૂતન ધારામાં જીવન રાતિદવસ વહી રહ્યું છે. જન્મમાં અને મરણમાં તારી કરુણા અવિરામ વહી રહી છે. સ્નેહ, પ્રેમ, દયા અને ભક્તિ પ્રાણને કોમલ બનાવે છે. સંતાપ હરવાને માટે તું કેટલું સાંત્વન વરસાવે છે. જગતમાં તારો કેવો મહોત્સવ મચ્યો છે. તારા શ્રીસંપદ ભૂમાસ્પદ નિર્ભય શરણમાં વિશ્વ વંદન કરે છે. ૧૮૯૩

મને તમારી વીણા બનાવો, અને મને ઊંચકી લો. તમારી સુંદર આંગળીઓના સ્પર્શે તેના સુર ઝંકારી ઊઠશે. કમળ જેવા તમારા સુકોમળ કરથી મારા પ્રાણને સ્પર્શો, તમારા કાનમાં મારું હૃદય ગુંજન કરશે. તમારા મુખને તાકીને કોઈ વાર સુખે કોઈ વાર દુઃખે તે રડશે; જ્યારે તું ભૂલી ગયો હશે ત્યારે નીરવે તારે ચરણે પડી રહેશે. કોઈ જાણતું નથી કે કઈ નવીન તાનથી આકાશ તરફ ગીત જાગી ઊઠશે; આનંદના સમાચાર અનંતને કિનારે પહોંચશે. ૧૮૯૫

આંધળાને પ્રકાશ આપો, મરેલાને આપો પ્રાણ. તમે કરુણામૃતના સાગર છો, કરુણાનું ટીપું દાન કરો, મારું હૃદય શુષ્ક છે, પથ્થર જેવું કઠણ છે, પ્રેમવારિની ધારાથી શુષ્ક નયનોને સીંચો. જે તમને બોલાવતો નથી, તેને તમે બોલાવો—બોલાવો. તમારાથી જે દૂર જાય, તેને તમે રાખો, પકડી રાખો. જે તમારા સુધાસાગરને કિનારે તરસ્યા ફરે છે તેમને સ્નેહવારિથી શીતલ કરો, અરે સુધાનું પાન કરાવો. ૧૮૯૬

જગતમાં આનંદધારા વહી રહી છે. રાતદિવસ અનંત ગગનમાં કેટકેટલો. અમૃતરસ ઊભરાઈ જાય છે. સૂર્યચંદ્ર અંજિલ ભરીને પીએ છે, (તેથી) તેઓ સદા અક્ષય જ્યોતિથી પ્રકાશતા રહે છે, અને પૃથ્વી સદા જીવનથી અને કિરણથી ભરેલી રહે છે. તું કેમ પોતામાં મગ્ન થઈને બેઠો છે? શા કારણે તું સ્વાર્થનિમગ્ન છે? હૃદય પ્રસારીને ચારે કોર ધ્યાન દઈને જો, બધાં ક્ષુદ્ર દુ:ખોને તુચ્છ માનીને શૂન્ય જીવનમાં પ્રેમ ભરી લે. ૧૮૯૬

હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ, હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા — કશું જ તમને નહીં કહું. મેં તો મારાં જીવન અને મનને તમારે ચરણે ધરી દીધાં છે, તમે બધું સમજી લો. હું તે વળી શું કહું? આ સંસારના માર્ગનાં સંકટ ભારે કંટકમય છે. હું તો તમારી પ્રેમમૂર્તિને હૃદયમાં લઈને નીરવે ચાલ્યો જઈશ, હું તે વળી શું કહું? સુખદુઃખ, પ્રિયઅપ્રિય એ બધું મેં તુચ્છ કરી નાખ્યું છે. તમે તમારે પોતાને હાથે જે સોંપશો તે માથે ચઢાવી લઈશ. હું તે વળી શું કહું? તમારે ચરણે કશો અપરાધ કર્યો હોય ને જો તમે ક્ષમા નહીં કરો તો હે પ્રાણપ્રિય, મને નવી નવી વેદના આપજો. તોય મને દૂર ફેંકશો નહીં, દિવસને અન્તે મને તમારા ચરણ પાસે બોલાવી લેજો. તમારા સિવાય મારે બીજું છે કોણ? આ સંસાર મૃત્યુના અન્ધકારરૂપ છે. હું તે વળી શું કહું?

અમૃતધામનો આ કોણ યાત્રી જઈ રહ્યો છે? આજે આ અંધારઘેરી રાતે નભ એના જયગાનથી કમ્પી ઊઠ્યું છે, મારે કાને એનો આનન્દધ્વનિ પડે છે, મારું સૂતેલું હૃદય ચમકીને જાગી ઊઠે છે. એ માર્ગ ભણી જોઈ રહે છે. અરે, તમે સહેજ થોભો, થોભો, મને બોલાવી લો, મને આશ્વાસનના શબ્દો કહો. હું સદા સુખમાં દુ:ખમાં કે શોકમાં, દિવસે અને રાતે અપરાજિત પ્રાણે તમારી સાથે ચાલીશ. ૧૮૯૬

હે કરુણામય સ્વામી, તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ, તારો જ પ્રેમ સ્મરણમાં રાખું છું, ચરણમાં આશા રાખું છું. દુ:ખ આપ, તાપ આપ, બધું જ હું સહીશ, તારી પ્રેમરૂપી આંખ સતત જાગે છે, તે જાણીને પણ જાણતો નથી. એ મંગલરૂપ ભૂલી જાઉં છું, તેથી જ શોકસાગરમાં પ્રવેશું છું. આનંદમય તારું વિશ્વ શોભા સુખથી પૂર્ણ છે; હું મારા દોષથી દુ:ખ પામું છું, હું વાસનાનો અનુગામી છું, કઠોર આઘાતથી મોહનાં બંધન કાપી નાખ. અશ્રુરૂપી સલિલથી ધોવાયેલા હૃદયમાં દિવસરાત તું રહે. ૧૮૯૬

ચંદ્રસૂર્ય એની આરતી કરે છે; દેવ-માનવ એના ચરણમાં વંદન કરે છે — એ વિશ્વશરણ પોતાના જગતમંદિરમાં બિરાજેલા છે. અનાદિકાલથી અનંત ગગન એના અસીમ મહિમામાં મગ્ન છે – તેથી આનંદ આનંદ આનંદના સઘન તરંગો ઊઠે છે. હાથમાં છ ઋતુઓની છાબ લઈને ધરા પગમાં ફૂલ વેરી દે છે — કેટલી જાતના રંગ, કેટલી જાતની ગંધ, કેટલાં ગીત અને કેટલા છંદ, વિહંગોનાં ગીતથી ગગન છવાઈ જાય છે — જલદ ગાય છે, જલધિ પણ ગાય છે— મહાપવન હરખથી દોટ મૂકે છે, ગિરિકંદરાઓ પણ ગાય છે. કેટકેટલા સેંકડો ભક્તપ્રાણો પુલકિત બની જુએ છે, ગાન ગાય છે— પવિત્ર કિરણોમાં પ્રેમ પ્રગટ થાય છે, મોહબંધ તૂટે છે. ૧૮૯૬

૧૦

આંખ તને જોઈ શકતી નથી, (પણ તું) પ્રત્યેક આંખમાં રહેલો છે. હૃદય તને ઓળખી શકતું નથી, (પણ તું) ગુપ્તપણે હૃદયમાં રહેલો છે. વાસનાને વશ થઈ મન અવિરતપણે પાગલની જેમ દશે દિશામાં દોડે છે. સ્થિર આંખે તું અંતરમાં, શયનમાં, સ્વપ્નમાં સતત જાગતો રહ્યો છે. જેને બધાંએ છોડી દીધો છે અને જેનું કોઈ નથી તેનો તું છે, (તેના તરફ) તારો સ્નેહ છે. જે માણસ નિરાશ્રય છે અને રસ્તો જ જેનું ઘર છે તે પણ તારા ભવનમાં છે. તારા સિવાય બીજો કોઈ સાથી નથી; સામે જીવનનો અનંત વિસ્તાર છે. કોઈને ખબર નથી કે કેવી રીતે (તું) કાળરૂપી સાગરને પાર કરી રહ્યો છે.

(એટલું જ) જાણું છું કે તું છે એટલે (જ) હું છું, તું પ્રાણમય છે એટલે (જ) હું જીવું છું. જેટલો તને પામું છું એટલો જ (તને) વધુ (પામવાની) યાચના કરું છું, જેટલો (તને) જાણું છું એટલો (જ) નથી જાણતો (એમ લાગે છે).

જાણું છું કે તને હું નિરન્તર, લોકલોકાન્તરમાં અને યુગયુગાંતરમાં પામીશ. હું અને તું વચ્ચે બીજું કોઈ નથી, ભુવનમાં કોઈ બાધા નથી. ૧૮૯૬

૧૧

પ્રભાતે, નિર્મળ આનંદમાં, વિકસિત ફૂલોની સુવાસમાં વિહંગોનાં ગીતના છંદમાં તારો આભાસ પામું છું. પ્રતિદિન તારા ભવનમાં વિશ્વ નવજીવન પામીને જાગે છે. અગાધ શૂન્યતા કિરણોથી પૂર્ણ થાય છે; અખિલ વિશ્વ જુદા જુદા રંગોથી ભરાય છે. એકાંત આસન પર બેસી દૃષ્ટિ નાખી તું બધું જુએ છે. ચારે દિશાઓમાં રંગ, કિરણ, જીવનનો મેળો ક્રીડા કરે છે. (અને) તું અંતરાલમાં ક્યાંક છે? અંત ક્યાં છે? અંત ક્યાં છે? તારો અંત નથી, અંત નથી. ૧૮૯૬

૧૨

હે સુધાસાગરતીર, સુધારસની તરસથી નર-નારી આવ્યાં છે. શુભ વિભાવરી છે, શોભામયી ધરણી છે, સમગ્ર વિશ્વ આજે આકુલ આશ્વાસથી ગાય છે. ગગનમાં તારી પ્રેમપૂર્ણિમા વિકસે છે, તારો કૃપાસમીરણ મધુર મધુર વહે છે. આનંદનો રંગ દશે દિશાઓમાં ઊઠે છે. મન અને પ્રાણ અમૃતના ઉચ્છ્વાસમાં મગ્ન છે. ૧૮૯૬

૧૩

હૃદયની વેદના લઇને હે પ્રભુ, તારે દ્વારે આવ્યો છું. તું અંતર્યામી છે હૃદયસ્વામી છે. બધું જ જાણે છે. આ બધાં દુઃખ, લાજ, દરિદ્રતા, સંકટ છે તે બીજા કોને જણાવીશ? મોહપાશમાં પડીને હે નાથ, કેટલા અપરાધ કર્યા છે; હે પ્રભુ, તારા સિવાય સંસારમાં કોઈ ક્ષમા નહિ કરે. તારા પ્રેમસાગરમાં બધી વાસનાઓનું વિસર્જન કરીશ. તારા મિલનની અમૃતધારામાં બધા વિરહ- વિચ્છેદ ભૂલી જઈશ. હવે પોતાની ચિંતા કરી શકતો નથી. તમે મારો ભાર લઈ લો. થાકી ગયેલી વ્યક્તિને હે પ્રભુ, સંસારસાગરની પેલે પાર લઈ જાઓ. ૧૮૯૬

૧૪

સંસારમાં મેં મારું મન પરોવ્યું હતું. ત્યાં તમે આવીને પોતે જ તે મન લઈ લીધું, મેં સુખ માનીને દુ:ખ માગ્યું હતું, ત્યાં તમે મને દુઃખને રૂપે સુખ આપ્યું. જેનું હૃદય સેંકડો સ્વાર્થની સાધનામાં વેરવિખેર થઈ ગયું હતું. તેને તમે એકઠું કરીને ભક્તિના બંધનમાં બાંધી દીધું. સુખ સુખ કરીને બારણે બારણે તેં મારી પાસે કેટલીય દિશાઓમાં શોધાવ્યું, કેટલુંય શોધાવ્યું, હવે મને સમજાયું કે તમે મારા કેટલા પોતાના છો. તમારી કરુણા કયે માર્ગે કોને ક્યાં લઈ જાય છે ! આંખ ખોલીને એકાએક જોયું તો તમે મને તમારે બારણે લઈ આવ્યા છો ! ૧૯૦૦

૧૫

જાણું છું કે જ્યારે પ્રભાત થશે ત્યારે તમારી કૃપાનૌકા મને ભવસાગરના કિનારે લઈ જશે. હું બીતો નથી, તમારું જ જયગાન કરતો હું ચાલ્યો આવીશ અને તમારા અમૃતદ્વાર પર આવીને ઊભો રહીશ. જાણું છું કે તમે યુગે યુગે તમારા બાહુ વીંટીને મને તમારા અસીમ જીવનમાં રાખ્યો છે. તમે મને પ્રકાશમાંથી પ્રકાશમાં જનમ દીધો છે, જીવનમાંથી નવવનમાં લીધો છે. જાણું છું, હે નાથ, પાપપુણ્યે મારું હૃદય સદા મારી આંખો સમક્ષ સૂતેલું છે. તમામ પથે-વિપથે, સુખે-અસુખે, રાત ને દિવસ મારા હાથમાં તમારા હાથ રહ્યા છે. જાણું છું, રે, જાણું છું; મારું જીવન કદી વિફળ થવાનું નથી; તમે એને વિનાશ-ભયના સાગરમાં ફેંકી નહિ દો — એવો વખત આવશે, જ્યારે કરુણાથી પ્રેરાઈને તમે પોતે જ એને ફૂલની પેઠે ઊંચકી લેશો ! ૧૯૦૦

૧૬

થોડું લઈને રહું છું, તેથી મારું જે જાય છે તે ચાલ્યું જાય છે. કણભર જો ખોવાઈ જાય તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરે છે. નદીતટની પેઠે સતત વૃથા જ પ્રવાહને જકડી રાખવા ચાહું છું. એક પછી એક લહરી હૈયા પર આઘાત કરીને ક્યાંય ચાલી જાય છે.

જે જાય છે અને જે કંઈ રહે છે તે બધું તમને સોંપી દઉં, તો પછી ઘટવાનું નથી, બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે. તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે, કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી, મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારે ચરણે નહીં રહે? ૧૯૦૧

૧૭

તારા અસીમમાં પ્રાણમન લઈને હું ગમે એટલે દૂર દૂર દોડું —ક્યાંય દુઃખ કે મૃત્યુ કે વિરહનું દર્શન થતું નથી. પણ તારાથી વિમુખ બની જ્યારે મારી પોતાની સામે જોઉં છું ત્યારે એ મૃત્યુ મૃત્યુનું રૂપ ધરે છે, અને દુ:ખ દુઃખનો કૂપ બની જાય છે. હે પૂર્ણ, તારા ચરણ સમીપ જે કંઈ બધું છે, તે છે જ, — તેને ભય નથી, નથી. એ માત્ર મને જ છે, તેથી રાતદિવસ હું રડું છું. જીવનમાં જો તારું સ્વરૂપ રાખી શકું તો અંતરની ગ્લાનિ અને સંસારના ભાર પલકમાં ક્યાંનાં અદૃશ્ય થઈ જાય ! ૧૯૦૧

૧૮

તારી પતાકા તું જેને આપે છે તેને એ ઉપાડવાની શક્તિ પણ આપે છે, તારી સેવાનું મહાન દુઃખ સહેવાની ભક્તિ પણ આપે છે. તેથી હું પૂરા પ્રાણથી દુ:ખની સાથે દુ:ખમાંથી ત્રાણ માગું છું. તારા હાથની વેદનાના દાનમાંથી છટકીને હું મુક્તિ નથી માગતો. દુ:ખની સાથે જો તું ભક્તિ આપશે તો દુઃખ મારા મસ્તકનું ભૂષણ બની જશે; જો તું તને ભૂલવા ન દે, અને ખોટી જંજાળોમાં મારા અંતરને તું ફસાવા ન દે, તો તારે મને જેટલું કામ આપવું હોય એટલું આપ ! ખુશીથી મને જેટલો બાંધવો હોય તેટલો બંધનમાં બાંધ, પણ તારી તરફ મને મુક્ત રાખ! તારી ચરણરજથી પવિત્ર કરીને મને ધૂળમાં રાખ ! સંસારમાં મને ભુલાવી રાખજે, પણ તને ભૂલવા દેતો નહિ. જે રસ્તે ભટકવા તેં મોકલ્યો છે તે રસ્તે હું ભટકીશ, પણ છેવટે તારા ચરણમાં પહોંચું એ જોજે; બધો શ્રમ છેવટે મને સકલશ્રાન્તિહરણ એવા તારી પાસે લઈ જાય એ જોજે ! આ ભવાટવિનો માર્ગ દુર્ગમ છે, એમાં કેટલો ત્યાગ શોક અને વિરહદહન છે— જીવનમાં મૃત્યુનું વહન કરીને મરણમાં પ્રાણને પામું — સાંજ સમે વિશ્વશરણના ચરણમાં માળો (આશ્રય ) પામું ! ૧૯૦૧

૧૯

દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ. તું મને શબ્દ આપજે; તું મને સૂર આપજે. મનમાં જો તું ખીલેલા કમલાસન પર રહે, જો તું (મારા) પ્રાણને તારા પ્રેમથી પરિપૂર્ણ કરે, (તો) દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ. મારી સામે રહી જો તું ગીત સાંભળે, તારી ઉદાર આંખ જો સુધાનું દાન કરે, દુ:ખ ઉપર જો તું તારા સ્નેહભર્યો હાથ રાખે, સુખમાંથી જો તું દંભ દૂર કરે, (તો) દરરોજ હું તારી સુમધુર ગાથા ગાઈશ. ૧૯૦૩

૨૦

દુ:ખ છે, મૃત્યુ છે, વિરહનો દાહ લાગે છે. તોય તે શાંતિ, આનંદ અનંત જાગ્યા કરે છે. તો પણ પ્રાણની નિત્યધારા છે, સૂર્ય ચંદ્ર તારા હસી રહે છે. કુંજમાં સુંદર રંગો સાથે વસંત આવે છે. મોજાં મળી જાય છે, મોજાં ઊઠે છે. ફૂલો ખરી પડે છે. ફૂલો ફૂટે છે. ક્ષય નથી, નથી અંત, દૈન્યનો લવલેશ નથી, એ જ પૂર્ણતાનાં ચરણોમાં મન સ્થાન યાચે છે. ૧૯૦૩

૨૧

આજે તને પ્રણામ કરીને, હે નાથ, હું સંસારના કામે જઈશ. તું અંતરમાં મારી આંખમાં આંખ પરોવી રાખજે. તું હૃદયદેવતા પ્રાણમાં રહેલો છે, એ વાત મન સતત જાણે તો સારું. દુઃસહ લાજને બાળી મૂકીને પાપનો વિચાર મરી જાય એમ ઇચ્છું છું. બધા ઘોંઘાટમાં આખો દિવસ અનાદિ સંગીતનું ગાયન સાંભળું, બધાની સાથે તારો અવિરત સંગ રહે એમ ઇચ્છું છું. પળે પળે નયનમાં ને વચનમાં બધાં કર્મમાં ને બધાં મનનમાં, સમગ્ર હૃદયતંત્રમાં જાણે મંગલ ગાજી ઊઠે એમ ઇચ્છું છું. ૧૯૦૩

૨૨

હે સ્વામી, તું આનંદ છે, તું મંગલ છે, હે મહાસુંદર, તું જીવનનાથ છે. શોકમાં અને દુ:ખમાં તારી જ વાણી જાગરણ લાવી આપશે, દારુણ અવસાદનો નાશ કરશે. તારે ચરણે મેં મારું ચિત્ત અને મન અર્પણ કર્યું છે. શુભ્ર શાંતિ શતદલના પુણ્યમધુપાન પ્રત્યે આ સેવક મીટ માંડી રહ્યો છે, ક્યારે તારા શુભદૃષ્ટિપાતથી દુ:ખની રાત વીતીને પ્રભાત થશે. ૧૯૦૩

૨૩

આજે મારું મન જીવનસખાને ઇચ્છે છે. તે જ જન્મમાં અને મરણમાં નિત્યનો સંગી છે, નિશદિન સુખમાં અને શોકમાં- તે જ શાશ્વત આનંદ છે, વિમલ શાશ્વત- સુધા છે. યુગે યુગે કેટલાય નવા નવા લોકમાં તે જ શાશ્વત શરણ છે. તે અંતરતમ ચિરસુંદર પ્રભુ જ પરમશાંતિ છે, પરમપ્રેમ છે, પરામુક્તિ ને પરમક્ષેમ છે, તે જ ચિત્તસખા ધર્મ-અર્થ કામ પૂરા પાડનાર હૃદય હરી લેનાર રાજા છે. ૧૯૦૩

૨૪

તારા જ નામે આજે પુણ્યપ્રભાતે આંખો ખોલી; તારા જ નામે હૃદય કમળની પાંખડીઓ ઊઘડી. તારા જ નામે ગાઢ તિમિરમાં કનકલેખા ફૂટી; તારા જ નામે ગગનમાં કિરવીણા બજી ઊઠી. તારા જ નામે પૂર્વ - તોરણે સિંહદ્વાર ઊઘડ્યું, અને સૂરજ, મુગટને ધોઈ સાફ કરીને નવીન પ્રકાશમાં ચમકતો બહાર આવ્યો, તારા જ નામે જીવનસાગરમાં લહરીઓની લીલા જાગી; તારા જ નામે આખું વિશ્વ બનીઠનીને બહાર આવ્યું. ૧૯૦૩

૨૫

નિત્યનાં કલ્યાણ કાર્યો માટે મને દ્વાર પર રાખો. તમારું આહ્વાન સ્વીકારીને તમારા રાજ્યમાં ફરીશ, સતત લિપ્સામાં ડૂબીને આળસમાં નહીં પડ્યો રહું. નિરર્થક દિવસોની લજ્જાથી જીવન જર્જર થયું છે. બહુ બધા સંશયો મને સતત ઘેરી નહીં રહે. બહુ સંગ્રહના આશયથી જુદે જુદે માર્ગે નહીં ફરું. અનેક રાજાઓના શાસનમાં શંકાભર્યા આસન પર નહીં રહું, (પણ) તમારા ભૃત્યને વેશે નિર્ભયતાથી અને ગૌરવથી ફરીશ. ૧૯૦૩

૨૬

મારી આંખની સામે ઊભા રહો, જેથી તમારી દૃષ્ટિ હૃદયને સ્પર્શે. સામે આકાશમાં, સકળ વિશ્વમાં, આ અપૂર્વ પ્રકાશમાં ઊભા રહો, મારો પ્રાણ પ્રત્યેક ક્ષણે નજરોનજર તમારા દર્શનને ઇચ્છે છે. આ જે ધરણી તાકીને જોતી બેઠી છે એની મધુરતાને વધારો. ધૂળ ઉપર પાથરેલા શ્યામ અંચલમાં, હે નાથ, ઊભા રહો, ઊભા રહો. જે કાંઈ છે તે બધાને ઢાંકી, વિશ્વમાં ઊભરાઈ, જીવનમાં વ્યાપી ઊભા રહો. જ્યાં જ્યાં આ વિરહી હૃદય તમારે માટે એકલું જાગે છે ત્યાં ત્યાં ઊભા રહો. ૧૯૦૩

૨૭

નિબિડ ગાઢ અંધકારમાં ધ્રુવનો તારો ચમકી રહ્યો છે. હે મારા મન, સાગરમાં દિગ્ભ્રાન્ત થા નહીં. વિષાદથી મરવા જેવો થઈ ગીત બંધ ના કર. મોહનો કારાગાર તોડી પ્રાણને સફળ કરી લે. જીવનમાં બળ રાખ; હંમેશ આશા રાખ. આ સુંદર ભુવન પર પ્રેમ રાખ, સંસારના સુખ-દુ:ખમાં હસતે મુખે ચાલ્યો જા. હૃદયમાં સર્વદા તેમની સુધાધારા ભરી રાખ. ૧૯૦૩

૨૮

હે કવિ, તું તારું સુમધુર સંગીત ગંભીર તાને મારા પ્રાણમાં બજાવ (એટલે મારું) દ્રવીભૂત જીવન તારે ચરણે ઝરણાની જેમ ઝરઝર ઝરશે. બધાં સુખદુઃખ, ચિંતા અતૃપ્ત વાસના ભૂલી જશે – વિમુક્ત હૃદય વિશાળ વિશ્વમાં ક્ષણે ક્ષણે આનંદવાયુમાં સંચરશે. ૧૯૦૩

૨૯

વિમલ આનંદમાં જાગો, સુધાસાગરમાં મગ્ન થાઓ, હૃદય-ઉદયાચલે પ્રથમ પરમ જ્યોતિરાગ જુઓ. ૧૯૦૩

૩૦

બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ. બધાની વચ્ચે તને હૃદયથી વરીશ. માત્ર પોતાના મનમાં જ નહિ, પોતાના ઘરના ખૂણામાં નહિ, માત્ર પોતાની રચનામાં જ નહિ; તારો મહિમા જ્યાં ઉજ્જવળ રહે તે બધાંની વચ્ચે તારો સ્વીકાર કરીશ. દ્યુલોકમાં, ભૂલોકમાં તને હૃદયથી વરીશ. બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા સ્તવનમાં જ નહિ, માત્ર સંગીતરવમાં જ નહિ, માત્ર નિર્જનમાં ધ્યાનના આસન પર જ નહિ; ( પણ ) જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિય અપ્રિયમાં તને હૃદયથી વરીશ, અજ્ઞાત રૂપે તારો સ્વીકાર કરીશ, જ્ઞાત રૂપે હે નાથ, તને હૃદયથી વરીશ, માત્ર જીવનના સુખમાં જ નહિ, માત્ર હસતા મુખમાં જ નહિ, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહિ; (પણ) દુ:ખશોક જ્યાં અંધારું કરી રાખે છે, નમ્ર બનીને ત્યાં તારો સ્વીકાર કરીશ, આંખનાં આંસુ વડે તને હૃદયથી વરીશ. ૧૯૦૩

૩૧

રજનીપ્રભાતે જો સ્વપ્ન ભાંગી નાખ્યું તે મંગલ કિરણોથી હૃદય પૂર્ણ કર. મને તારા કામમાં રાખ. આ જીવનને નવું બનાવ. મારા ઘરનો દરવાજો ખોલીને તારા ભવનમાં બોલાવ. ૧૯૦૩

૩૨

મારી હૃદયની વાસના પૂરી થઈ, આજે પૂરી થઈ, હે જગતના બધા લોકો સાંભળો, મેં કેવી શોભા જોઈ? સમગ્ર ભુવનના સ્વામી ચિત્તમાં સ્થિર આસને બેઠા છે. ૧૯૦૩

૩૩

તમે જે કોઈએ મને સુખ આપ્યું છે તેમણે તેમનો જ પરિચય આપ્યો છે, સૌને હું નમસ્કાર કરું છું. તમે જે કોઈએ મને દુઃખ આપ્યું છે, તેમણે તેમનો જ પરિચય આપ્યો છે, સૌને હું નમસ્કાર કરું છું. જે કોઈએ મારા ઉપર પ્રેમ બતાવ્યો છે, તેમણે ઘરમાં તેમનો જ દીવો પેટાવ્યો છે, તેમની અંદર હું આજે બધાંનો પરિચય પામ્યો છું. સૌને હું નમસ્કાર કરું છું. જે કંઈ પાસે આવ્યું છે, અને છે, તે તેમને જ પ્રાણમાં લાવ્યું છે. સૌને હું નમસ્કાર કરું છું. જે કંઈ મને છોડીને દૂર ગયું છે તેણે તેમના તરફ જ મને ખેંચ્યો છે. સૌને હું નમસ્કાર કરું છું. હું જાણું કે ન જાણું, હું માનું કે ન માનું, આંખ ખોલીને અખિલ વિશ્વમાં હું તેમનો જ પરિચય પામ્યો છું. સૌને હું નમસ્કાર કરું છું. ૧૯૦૩

૩૪

આ મારાં હૃદય, પ્રાણ અને મન તમને શું કહીને સમર્પું? કૃપા કરીને ચિત્તમાં આવીને સ્વયં લઈ લો; આ મારાં હૃદય, પ્રાણ અને મનને તમારું સર્વસ્વ બનાવી દો. એ તો છે માત્ર ધૂળ સમાં, રાખ જેવાં, – કશાં મૂલ્ય વગરનાં ! તમારા સ્પર્શમણિને સ્પર્શે તેને મૂલ્ય અર્પો. જ્યારે તમારે ગૌરવે મારું ગૌરવ થશે, ત્યારે મારું સર્વસ્વ, —મારાં હૃદય, પ્રાણ અને મન, વિસર્જિત કરી દઈશ. ૧૯૦૩

૩૫

મારું ગોરજમુહૂર્ત પાસે આવ્યું હોય એમ લાગે છે, મારું ગોરજમુહૂર્ત. વિવાહના રંગથી સોનેરી આકાશ લાલ થઈ જાય છે. પંખીઓએ ગીત ગાવાનું પૂરું કરી દીધું, નદી ઉપર પવન પડી ગયો, સામે પારનો કાંઠો અને ભાંગેલું મંદિર અધારામાં ડૂબી ગયાં. મધુર તમરાંના ઝાંઝરના ઝણકારે ગોરજમુહૂર્ત આવે છે. મારો દિવસ ક્યારેક રમતમાં તો ક્યારેક કેટલાંય કામોમાં વીતી ગયો છે. અત્યારે શું પૂરવીના સૂરથી ક્યાંક દૂર દૂર વાંસળી વાગતી સાંભળું છું? એમ લાગે છે કે વિલંબ નથી, એમ થાય છે કે આવે છે, આવે છે; આકાશમાં પ્રકાશનો આભાસ દેખાય છે. અરે, દિવસને અંતે મને નવમિલનના શણગારથી કોણ શણગારશે? કામ પૂરાં થયાં, હવે નકામા મને આજે કામે શા માટે બોલાવો છો? હું જાણું છું કે મારું ગોરજમુહૂર્ત ગણવાનું પૂરું થઈ ગયું છે. ધૂંધળા પ્રકાશમાં અસ્તગગન આંખો મીંચશે. ત્યારે આ ઓરડાનાં બારણાં કોણ ઉઘાડશે, કોણ મારા હાથ ખેંચી પાસે લેશે, મને કોણ જાણે શાય મંત્રથી અને ગીતથી મગ્ન કરી દેશે—જ્યારે બધાં ગીતો પૂરાં કરીને ગોરજમુહૂર્ત આવશે. ૧૯૦૬

૩૬

તમે જે જે ભાર મારા પર નાખ્યા છે તે તે હળવા કરીને નાખ્યા છે. મેં જે ભાર ભેગા કર્યા છે તે બધા જ બોજારૂપ થઈ પડ્યા છે. એ ભાર મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી શી ખબર હું ક્યાં જઈ રહ્યો છું, તમે મારી આ યાત્રા અટકાવો ! હું પોતે જે દુ:ખોને બોલાવી લાવું છું તે વજ્રનલથી બાળે છે અને બાળીને કોલસો કરી જાય છે, ત્યાં કોઈ ફળ બેસતું નથી. તમે જે આપો છો તે તો દુ:ખનુ દાન છે; તે શ્રાવણની વર્ષામાં વેદનાના રસથી પ્રાણને સાર્થક કરી દે છે. જ્યાંથી જે કંઈ મળ્યું તે બધુંયે મેં કેવળ ભેગું જ કર્યું છે; જે જુએ છે તે આજે હિસાબ માગે છે, કોઈ ક્ષમા કરતું નથી. આ બોજો મારો ઉતરાવો, બંધુ, ઉતરાવો—ભારના વેગથી ઠેલાતો ચાલું છું, આ મારી જાત્રા અટકાવો ! ૧૯૦૬

૩૭

હે અન્તરતર (ભીતરથી વધુ ભીતર), મારા અંતરને વિકસિત કરો, નિર્મલ ઉજ્જવલ સુંદર કરો. જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો. મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો. સર્વ સાથે એને જોડો, એનાં બંધન છોડો. મારાં સકલ કર્મોમાં તમારા શાન્ત લયનો સંચાર કરો. તમારા ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા વગર લીન થાય એમ કરો, એને આનંદિત આનંદિત કરી મૂકો. ૧૯૦૮

૩૮

કેટલાંય અજાણ્યાંને તે ઓળખાવ્યાં, કેટલાંય ઘરમાં તે મને સ્થાન આપ્યું, તેં દૂરને નિકટનું કર્યું. હે મિત્ર, તેં પારકાને ભાઈ બનાવ્યા. જ્યારે જૂનું ઘર છોડીને જાઉં ત્યારે કોણ જાણે મારું થશે એવી ચિન્તા કરી કરીને મરી જાઉં છું. નૂતનમાં તું પુરાતન રહ્યો જ છે એ વાત હું ભૂલી જાઉં છું. જીવનમાં ને મરણમાં સમસ્ત ભુવનમાં જ્યારે જ્યાં મને લઈ જશે ત્યાં હું સદાકાળના પરિચિત, તું જ મને બધાંને ઓળખાવશે. તને જાણ્યા પછી નથી કોઈ પારકું નથી કોઈ મના કે નથી કોઈ ડર. બધાંને મેળવીને તું જાગૃત બેઠેલો છે એવું દર્શન સદા સર્વદા જાણે પામું. ૧૯૦૮

૩૯

તમે કેવી રીતે ગાઓ છો, હે ગુણીજન, હું તો આભો બની સાંભળી રહું છું, માત્ર સાંભળી રહું છું.

સૂરનો પ્રકાશ આખા ભુવનને ઢાંકી દે છે, સૂરની હવા ગગનમાં વ્યાપી જાય છે, પાષાણ તોડીને સૂરની ધૂની વ્યાકુળ વેગથી ધસમસતી વહી જાય છે. મને એમ થાય છે કે એવા સૂરે હું ગાઉં, પણ મારા કંઠમાં સૂર શોધ્યો જડતો નથી. કંઈ કહેતાં કહેવા ચાહું છું, પણ શબ્દો અટકી જાય છે. હાર સ્વીકારીને મારા પ્રાણ રડે છે. રે, મારી ચારે તરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે! ૧૯૦૮

૪૦

તમે નવે નવે રૂપે પ્રાણમાં આવો. ગંધરૂપે આવો, વર્ણરૂપે આવો. ગીતરૂપે આવો. અંગમાં પુલકમય સ્પર્શરૂપે આવો. ચિત્તમાં સુધામય હર્ષરૂપે આવો. મારી મુગ્ધ અને મુદામય બે આંખોમાં આવો. હે નિર્મલ ઉજજવળ કાન્ત આવો. હે સુન્દર સ્નિગ્ધ પ્રશાન્ત આવો. આવો વિવિધ વેશે આવો. દુ:ખમાં અને સુખમાં આવો, મર્મમાં આવો. નિત નિત બધાં કર્મોમાં આવો. અને બધાં કર્મોને અંતે આવો. ૧૯૦૮

૪૧

તિમિરનાં દ્વાર ખોલો,—આવો, નીરવ પગલે આવો! હે મમ જનની આ નવીન અરુણ કિરણોમાં આવી ઊભાં રહો ! પવિત્ર સ્પર્શના રોમાંચથી બધી આળસ દૂર થાઓ. જગતને જગાડનારા સૂર ગગનમાં વીણા વગાડો. હે જનની, તારા પ્રસાદનાં સુધાસમીકરણથી જીવન શીતલ થાઓ ! હે જનની મમ, મારાં જ્યોતિ વિભાસિત નયનોમાં આવી ખડાં રહો ! ૧૯૦૮

૪૨

અહોહો, આજે આ આનંદસંધ્યા સુંદર વિકસી રહી છે. મંદ પવનમાં આજે વિછોડાયેલીશી બહાવરી વસંતમાધુરી આકાશમાં વહી રહી છે. અહોહો, સ્તબ્ધ ગગનમાં ગ્રહો અને તારાઓ નીરવપણે કિરણસંગીત દ્વારા સુધા વરસાવે છે. મારાં પ્રાણ અને મન ધીરે ધીરે પ્રસાદરસથી ભરાઈ જાય છે, અહોહો દેહ પુષ્કળ હર્ષથી પુલકિત થઈ જાય છે. ૧૯૦૮

૪૩

વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઈચ્છું છું. દુઃખ તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાન્ત્વના ના આપી, દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ પોતાનું બળ ન ટૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાં, માત્ર વંચના મેળવવા છતાં, પોતાના મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શક્તિ રહે એમ ઇચ્છું છું. ભલે મારો ભાર હળવો કરીને સાન્ત્વના ન આપી, હું એ વહી શકું એમ ઈચ્છું છું. નમ્ર મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ —દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે, ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું. ૧૯૦૮

૪૪

બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લૂંટાવીને તમને પ્રણામ કરવા, સરળ સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકાર માફ કરવા, બધા ગર્વનું દમન કરવા, કુમતિને અવગણવા, મારા પ્રાણમાં શકિત આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં ( મારા ) ચિત્તનું વાસસ્થાન શોધવા મારા પ્રાણમાં શકિત આપો. તમારું કાર્ય માથે લેવા, સંસારનો તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમારી વિશ્વછબિમાં તમારા પ્રેમરૂપને પામવા, ગ્રહ, તારા, શશી અને રવિમાં તમારી આરતી જોવા મારા પ્રાણમાં શક્તિ આપો, વચન અને મનથી પર એવી તમારી જ્યોતિમાં ડૂબી જવા, સુખ, દુ:ખ, લાભ, નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શકિત આપો. ૧૯૦૮

૪૫

વિપુલ તરંગ રે, વિપુલ તરંગ. સમગ્ર ગગનને ઉદ્વેલિત કરતી, ભૂત અને ભવિષ્યને ડુબાડતો આલોકથી ઉજ્જવલ જીવનથી ચંચલ આ કેવો આનંદ તરંગ છે ! એટલે ઝૂમી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, તારા, ચેતનાધારા ચમકીને કંપી રહી છે. આકુલ ચંચલ સંસાર નાચે છે. હૃદયપંખી કૂજી રહ્યું છે. ૧૯૦૮

૪૬

હે ભુવનેશ્વર, બધાં બંધનોમાંથી મુક્ત કરો, મુક્ત કરો. હે પ્રભુ, ભયથી મુક્ત કરો, બધાં દૈન્યનો નાશ કરો, સદાય શંકિત અને ચંચલ (રહેતા) ચિત્તને નિઃસંશય બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. જડ વિષાદથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ, તમારું પ્રસન્ન વદન બધાં દુ:ખને સુખ બનાવી દો, ધૂળમાં પડેલા દુર્બળ ચિત્તને જાગ્રત કરો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. હે ભુવનેશ્વર, સ્વાર્થપાશથી મુકત કરો, મુક્ત કરો. હે પ્રભુ (મારા) પ્રાણ વિરસ અને વિકલ થઈ ગયા છે, પ્રેમજલનું દાન કરો : ક્ષતિથી પીડાતા શંકિત ચિત્તને સંપત્તિવાન બનાવો. રાત અંધારી છે, પથિક અંધ છે, તમારો ઝળહળતો દીવો સામે ઊંચો ધરો. ૧૯૦૮

૪૭

હે પ્રભુ, જો આ વખતે આ જીવનમાં તારાં દર્શન ન થાય તો હું તને પામ્યો નથી એ વાત યાદ રહે, અને હું (એ) ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે.) આ સંસારના હાટમાં મારા દિવસો જેમ જેમ વીતતા જાય છે, જેમ જેમ મારા બે હાથ ધનથી ભરાતા જાય છે, તેમ છતાં હું કશું જ પામ્યો નથી એ વાત યાદ રહે અને હું (એ) ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). જો હું આળસને લીધે રસ્તામાં બેસી જાઉં, ધૂળમાં જતન કરીને પથારી પાથરું તો મારો આખો જ રસ્તો બાકી છે એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). ઘરમાં ગમે એટલી હાસ્યની છોળો ઊછળે, અને ગમે એટલી વાંસળી વાગે અને ઘરને ગમે એટલી તૈયારી કરીને શણગારું તોયે તને ઘરમાં આણ્યો નથી એ વાત યાદ રહે અને (એ વાત) હું ભૂલી ન જાઉં, એ માટે સૂતો હોઉં ત્યારે સ્વપ્નમાં પણ વેદના પામ્યા કરું (એમ કરજે). ૧૯૦૮

૪૮

જોઉં છું દિવસરાત તારો જ વિરહ ભુવને ભુવનમાં વિરાજિત છે, કેટલાં રૂપ ધરીને કાનનમાં, ભૂધરમાં, આકાશમાં, સાગરમાં પ્રકટ થાય છે, આખી રાત તારાએ તારામાં અનિમેષ નેત્રે નીરવ ઊભો છે, પલ્લવદલમાં, શ્રાવણની ધારામાં તારો જ વિરહ બજે છે. ઘેરેઘેર આજે કેટલી વેદનામાં તારો જ વિરહ ઘનીભૂત થાય છે, – હાય કેટલા પ્રેમમાં, કેટલી વાસનામાં, કેટલા સુખમાં, દુઃખમાં, કામમાં. સકલ જીવનને ઉદાસ કરીને કેટલાંય ગીતમાં, સુરમાં ઓગળી ઝરીને તારા વિરહ મારા હૃદયમાં ભરાઈ જાય છે. ૧૯૦૮

૪૯

મારું માથું તમારી ચરણરજમાં નમાવી દો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. પોતાને ગૌરવ અર્પતા જતાં હું પોતાનું કેવળ અપમાન જ કરું છું, હું ક્ષણે ક્ષણે માત્ર પોતાની જ આસપાસ ફરીને ભટકી મરું છું. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. હું પોતાનાં કાર્યો દ્વારા મારો પોતાનો પ્રચાર ન કરું, અને મારા જીવનમાં તમારી જ ઇચ્છા પૂર્ણ થાય એમ થાઓ. તમારી ચરમશાંતિ અને પ્રાણમાં તમારી કાંતિ યાચું છું. મને ઢાંકી દઈને તમે મારા હૃદયપદ્મમાં ઊભા રહો. મારો બધો અહંકાર અશ્રુજળમાં ડુબાડી દો. ૧૯૦૯

૫૦

હું ઘણી કામનાઓની (પરિપૂર્તિ) પ્રાણપણે ચાહું છું, પરંતુ તમે મને એનાથી વંચિત કરીને બચાવી લો છો. તમારી આ કઠોર કૃપા મારા જીવનભરમાં સંચિત થઈ છે. માગ્યા વિના તમે મને જે દાન દીધાં છે, – આ આકાશ, પ્રકાશ, આ તન, મન અને પ્રાણ, – એ મહા દાનને યોગ્ય મને દિવસે દિવસે કરી રહ્યા છો, ઇચ્છાની અતિશયતાના સંકટમાંથી મને બચાવી લઈને. હું કોઈ વાર ભૂલી જાઉં છું અને કોઈ વાર તમારા માર્ગને લક્ષ્ય કરીને ચાલું છું; તમે એવા નિષ્ઠુર છે કે મારી સામેથી સરકી જાઓ છો. પરતું, હાય, હું જાણું છું કે એ તમારી દયા છે. મને તમે પાસે લેવા માગો છે. તેથી જ પાછો વાળો છો, અધૂરી ઈચ્છાઓના સંકટમાંથી મને બચાવીને આ જીવનને પૂર્ણ કરીને તમારા મિલનને યોગ્ય બનાવી રહ્યા છો. ૧૯૦૯

૫૧

મને મળવા માટે તું ક્યારનો આવી રહ્યો છે. તારા ચંદ્ર અને સૂર્ય તને ક્યાં ઢાંકી રાખવાના હતા? કેટકેટલા સમયથી સવારે ને સાંજે તારાં પગલાં સંભળાય છે; (તારો) દૂત ગુપ્ત રીતે હૃદયમાં મને હાક મારી ગયો છે. અરે ઓ પથિક, આજે મારા સમગ્ર પ્રાણને વ્યાપીને જાણે હર્ષ રહી રહીને કંપી ઊઠે છે. જાણે આજે સમય આવ્યો છે, મારાં બધાં કામો પૂરાં થઈ ગયાં છે, હે મહારાજ, તમારી સૌરભભર્યો પવન આવે છે. ૧૯૧૦

૫૨

હવે તારા બોલકા કવિને મૂંગો કરી દે. તેની હૃદયરૂપી વાંસળીને પોતે લઈ લઈ ગંભીર સૂરે બજાવ. મધરાતના ગાઢા સૂરમાં વાંસળીમાં તું તાન પૂરી દે – જે તાનથી તું ગ્રહોને ને ચંદ્રને અવાક્ કરી દે છે. જીવનમરણમાં મારું જે કંઈ વેરાયેલું પડેલું છે તે બધું ગીતના આકર્ષણથી તારે ચરણે આવીને ભેગું થાઓ. ઘણા દિવસનો વાક્યોનો રાશિ એક નિમેષમાં તણાઈ જશે - આકુલ તિમિરમાં એકલો બેસીને વાંસળી સાંભળીશ. ૧૯૧૦

૫૩

હે નિષ્ઠુર, તમે આ ઠીક જ કર્યું છે, મારે માટે ઠીક કર્યું છે ! આમ કરવાથી મારા હૃદયમાં તમે તીવ્ર દાહક જ્વાળા જગાડી છે. મારો આ ધૂપ સળગાવ્યા વિના બિલકુલ સુગંધ આપતો નથી, મારો આ દીપ ચેતવ્યા વિના જરાય પ્રકાશ ફેલાવતો નથી. જ્યારે મારું આ ચિત્ત અચેત રહે છે ત્યારે આ આઘાત જ તમારો સ્પર્શ બની રહે છે અને એ એક પુરસ્કાર સમો બની રહે છે. તમને હું મોહરૂપી તમસને લઈને, લજ્જાને લઈને જોઈ શકતો નથી ! મારી જે કંઈ કાલિમા છે તેને વજ્રથી અગ્નિ (જેવી) બનાવી દો. ૧૯૧૦

૫૪

આ તારા આસનતળેની ધૂળમાં હું પડ્યો રહીશ, તારી ચરણરજથી હું ધૂળભર્યો થઈને રહીશ, મને માન દઈને હજી દૂર શા માટે રાખે છે? આવી રીતે સદાકાળ મને ભૂલી જઈશ નહીં. અસમ્માન કરીને મને તારાં ચરણ પાસે ખેચી લાવ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. હું તારા યાત્રીઓના ટોળામાં સહુથી છેવાડે રહીશ. મને તું સહુથી નીચેનું સ્થાન આપજે. પ્રસાદ માટે કેટલું લોક દોડ્યું આવે છે. હું તો કશુંય માગીશ નહીં, માત્ર જોઈ રહીશ. છેક છેલ્લે જે કાંઈ બચ્યું હશે તે જ હું લઈશ. હું તો તારી ચરણરજથી ધૂળભર્યો થઈને રહીશ. ૧૯૧૦

૫૫

હે સાધક, હે પ્રેમી, હે પાગલ, તું કેવા પ્રકાશથી પ્રાણનો પ્રદીપ પ્રકટાવીને પૃથ્વી પર આવે છે? આ કાંઠા વગરના સંસારમાં દુ:ખ અને આઘાત તારા પ્રાણમાં વીણાને ઝંકારે છે, ઘોર વિપત્તિમાં તું કંઈ જનનીના મુખ પરનું હાસ્ય જોઈને હસે છે? તું કોની શોધમાં બધાં સુખમાં પૂળો મૂકીને નીકળી પડ્યો છે, કોણ જાણે! તને આમ વ્યાકુળ કરીને રડાવનાર કોણ છે તારો પ્રેમી? તને કશાની ચિન્તા નથી – તેથી જ હું વિચારું છું કે તારો સાથીસંગાથી કોણ હશે ! તું મરણને ભૂલીને પ્રાણના કયા અનન્ત સાગરમાં આનંદથી વહી રહ્યો છે?

૫૬

મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં નશો ચઢે છે – મારા હૃદયને કોણે રંગીન રાખડીના દોરે બાંધ્યું છે? આજે આ આકાશતળે જળમાં સ્થળમાં ફૂલમાં ફળમાં હે મનોહર, તેં મારા મનને શી રીતે વિખેરી દીધું? આજે તારી સાથે મારી કેવી ક્રીડા જામી! હું પામ્યો છું કે હજુ શોધતો ફરું છું, મને કશું સમજાતું નથી, આજે શા નિમિત્તે આનન્દ મારી આંખમાં આંસુથી છલકાઈ ઊઠવા ઇચ્છે છે? વિરહ આજે મધુર બનીને મારા પ્રાણને વિહ્વળ કરી મૂકે છે. ૧૯૧૦

૫૭

જીવન જ્યારે સુકાઈ જાય, ત્યારે કરૂણાધારાએ આવો, માધુરી બધી છુપાઈ જાય ત્યારે ગીત સુધારસે આવો ! કર્મ જ્યારે પ્રબળ આકાર ધારણ કરી ગાજી ઊઠીને ચારે બાજુઓને ઢાંકી દે, ત્યારે હે જીવનનાથ, મારા હૃદયના ખૂણામાં શાન્ત પગલે આવો ! દીનહીન મન જ્યારે પોતાને કૃપણ બનાવીને ખૂણામાં પડ્યું રહે, ત્યારે હે ઉદાર નાથ, દ્વાર ખોલીને શાહી ઠાઠમાઠથી આવો ! વાસના જ્યારે ખૂબ ધૂળ ઉડાડી આ અબોધને આંધળો બનાવી, ભૂલમાં નાખે ત્યારે હે પવિત્ર, હે અનિદ્ર, રુદ્ર તેજે આવો ! ૧૯૧૦

૫૮

જાણું છું, રે જાણું છું, જીવનમાં જેટલી પૂજા પૂરી ન થઈ તે પણ ખોવાઈ નથી ગઈ. જાણું છું, રે જાણું છું, જે ફૂલ ખીલ્યા વગર ધરતી પર ખરી પડ્યું છે, જે નદી રણમાં પોતાનો પ્રવાહ ખોઈ બેઠી છે, તે પણ ખોવાઈ નથી ગઈ. જાણું છું, રે જાણું છું, જીવનમાં આજે પણ જે કંઈ પાછળ રહ્યું છે તે નકામું થઈ ગયું નથી. મારું બધું અનાગત અને મારું બધું અનાહત તારી વીણાના તારમાં બજી રહ્યું છે—જાણું છું, રે જાણું છું, તે પણ ખોવાઈ ગયું નથી. ૧૯૧૦

૫૯

જાણું છું, જાણું છું, કયા આદિ કાલથી તેં મને જીવનના સ્ત્રોતમાં વહાવ્યો છે તે !- એકદમ, હે પ્રિય, રસ્તામાં કેટલાં ઘરોમાં, તેં કેટલો આનંદ પ્રાણમાં ભરી દીધો છે! કેટલીયે વાર તું વાદળની આડમાં આવું મધુર હાસ્ય કરીને ઊભો, અરુણ-કિરણરૂપે તેં પગ લંબાવ્યો, અને લલાટે શુભ સ્પર્શ કર્યો. કંઈ કેટલી વાર સમયે સમયે કંઈ કેટલા લોકોએ કેટલા નવા નવા પ્રકાશમાં, અરૂપનું રૂપદર્શન કર્યું તે આ આંખોમાં સંચિત થયેલું છે. કેટકેટલા યુગોથી અમૃતનું કેટલું રસવર્ષણ કેટલાં સુખદુ:ખમાં, અને કેટલાં પ્રેમગાનમાં પ્રાણમાં ભરાયા કરે છે તેની કોઈને ખબર નથી. ૧૯૧૦

૬૦

તમે કોઈએ શું નથી સાંભળ્યો? શું એનો પદધ્વનિ નથી સાંભળ્યો? આ...એ આવે, આવે, આવે! યુગે યુગે પળે પળે રાતદિવસ આ...એ આવે, આવે, આવે! જ્યારે પણ મેં પાગલની પેઠે મારા મનથી મેં જ્યારે જે કંઈ ગીતો ગાયાં છે ત્યારે એ તમામ સૂરોમાં તેના આગમનનું ગાન બજ્યું છે—આ …એ આવે, આવે, આવે! કેટલાય કાળના ફાગણ દિને, વનના મારગે આ...એ આવે, આવે, આવે! શ્રાવણના અંધકારમાં, મેઘ-રથે ચડીને આ…એ આવે, આવે, આવે ! દુઃખ પછી પરમ દુઃખમાં એનાં જ ચરણ તારા હૃદયમાં વાગે છે. સુખમાં ક્યારે એ સ્પર્શમણિ ફેરવી દે છે, આ...એ આવે, આવે, આવે! ૧૯૧૦

૬૧

તમારા સિંહાસનના આસન પરથી તમે નીચે ઊતરી આવ્યા—મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને નાથ, તમે અટકીને ઊભા રહ્યા. હું એકલી બેઠી બેઠી મનમાં મનમાં ગીત ગાતી હતી. એ ગીતનો સૂર તમારા કાને પહોંચ્યો, તમે ઊતરી આવ્યા – મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા. તમારી સભામાં કેટલું સંગીત છે, કેટલાયે ગુણીજનો છે. પણ આ ગુણહીનના ગાને આજે તમારા પ્રેમને અસર કરી. તાનમાં એક કરુણ સૂર સંભળાયો. હાથમાં વરણમાળા લઈને તમે ઊતરી આવ્યા—મારા નિર્જન ઘરના દ્વાર પર આવીને, નાથ, તમે અટકી ને ઊભા રહ્યા. ૧૯૧૦

૬૨

તેથી તને મારામાં આનંદ આવે છે, તેથી તું નીચે ઊતરી આવ્યો છે, હું ન હોત તો, હે ત્રિભુવનપતિ, તારો પ્રેમ નકામો થઈ જાત. મને લઈને તેં આ મેળો વિસ્તાર્યો છે; મારા હૃદયમાં રસની રમત ચાલી રહી છે. મારા જીવનમાં તારી ઈચ્છા વિચિત્ર રૂપ ધરીને તરંગિત થઈ રહી છે. તેથી તો પ્રભુ, તું રાજાનો રાજા થઈનેયે મારા હૃદય વાસ્તે કંઈ કંઈ મનોહર વેશે ફરી રહ્યો છે, નિત્ય જાગરણ કરી રહ્યો છે. તેથી તો જ્યાં આગળ તારો પ્રેમ ભક્તના પ્રેમમાં ઊતરી આવ્યો છે ત્યાં તારી મૂર્તિ યુગલ સંમિલનરૂપે પૂર્ણપણે પ્રકાશે છે. ૧૯૧૦

૬૩

હે પ્રભુ, મારો સઘળો પ્રેમ તારા તરફ વહો. હે પ્રભુ, મારી સઘળી ગભીર આશા તારા કાનમાં પહોંચો. મારું ચિત્ત જ્યારે જ્યાં હોય ત્યાંથી તારા સાદને ઉત્તર આપો. હે પ્રભુ તારા ખેંચાણથી સઘળાં બંધન તૂટી જાઓ. બહારની આ ભિક્ષાથી ભરેલી થાળી આ વખતે પૂર્ણપણે ખાલી થઈ જાઓ, હે પ્રભુ, મારું અંતર તારા દાનથી ગુપ્તપણે ભરાઈ જાઓ. હે મારા સખા, હે અંતરતર, આ જીવનમાં જે કાંઈ સુંદર છે તે બધું જ આજે તારા ગીતરૂપે સૂરમાં બજી ઊઠો. ૧૯૧૦

૬૪

રાત્રિનું સ્વપ્ન છૂટયું રે છૂટયું. બંધન તૂટયું રે તૂટયું. હવે પ્રાણને કોઈ આડશ રહી નહીં; હું જગતમાં બહાર આવ્યો. હૃદય-કમળની બધી પાંખડીઓ આ ફૂટી રે ફૂટી. મારું દ્વાર ભાંગી અંતે જેવા તે પોતાની મેળે આવીને ઊભા રહ્યા કે હૃદય નયનજળમાં વહી તેમના ચરણતલમાં લેટી પડ્યું. આકાશમાંથી પ્રભાતના પ્રકાશે મારા તરફ હાથ લંબાવ્યો. તૂટેલા કારાગારના દ્વારે મારો જયધ્વનિ ગુંજી ઊઠયો, રે ગુંજી ઊઠ્યો. ૧૯૧૦

૬૫

પ્રભુ, આજે તારા જમણો હાથ ઢાંકી રાખ નહીં. હે નાથ, તને રક્ષા બાંધવા આવ્યો છું, જો તારા હાથે રક્ષા બાંધું તો બધાની સાથે બંધાઈશ. જ્યાં જે છે (તેમાંથી) કોઈ બાકી રહેશે નહીં. પોતા-પરાયામાં ભેદ ન રહે, તને ઘરમાં અને બહાર એક રૂપે દેખું એવું થાઓ. તારી સાથેના વિરહને કારણે રડતાં રડતાં ભટકતો ફરું છું. તેથી, એક ક્ષણ માટે (તેને) દૂર કરવા તને સાદ પાડું છું. ૧૯૧૦

૬૬

વજ્રમાં તારી વાંસળી બજે છે, તે શું સહજ ગીત છે! તે સૂરથી હું જાગું, મને તેવા કાન આપ. હવે સહેજમાં નહિ ભૂલું કે મૃત્યુની વચ્ચે જે અન્તહીન પ્રાણ છે, તે પ્રાણથી મન મત્ત થઈ ઊઠશે, જે ઝંકારથી સપ્તસિંધુ અને દશ દિગંતને ઝંકારે છે, ચિત્તવીણાના તારમાં તે આંધીને આનંદપૂર્વક સહું તેમ થાઓ. આરામથી વિચ્છિન્ન કરીને મને તે ગભીરમાં ગ્રહણ કર, જ્યાં અશાંતિના અંતરમાં સુમહાન શાંતિ છે. ૧૯૧૦

૬૭

રાત્રિ પૂરી થઈ. સવાર થયું. રસ્તો પૂરો થયો. પણે સાંભળો, લોકેલોકમાં પ્રકાશનાં ગીત ગાજે છે. કે રાતના ઉજાગરાથી થાકેલા પથિક, તું ધન્ય થયો; ધૂળથી ભૂખરા થયેલા તારા પ્રાણ ધન્ય થયા. વનના ખોળા પાસે વાયુ જાગ્યો છે, કુંજને દ્વારે મધુભિક્ષુઓ (ભ્રમર) આવ્યા છે. તારી યાત્રા પૂરી થઈ, આંસુની ધારા લૂછી નાખ. લજ્જા અને ભય ખરી પડયાં, અભિમાન દૂર થયું. ૧૯૧૦

૬૮

જ્યાં સૌથી અધમ અને દીનમાં દીન માણસો વસે છે ત્યાં તમારા ચરણ વિરાજે છે, સૌની પાછળ, સૌથી નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં. હું જ્યારે તમને પ્રણામ કરું છું ત્યારે મારા પ્રણામ ક્યાંક અટકી જાય છે. તમારા ચરણ અપમાનોની તળે જ્યાં ઊતરી જાય છે, ત્યાં મારા પ્રણામ પહોંચતા નથી, સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં. તમે શણગાર ઉતારી નાખી, દીન દરિદ્ર વેશે સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં જ્યાં ફરતા હો છો ત્યાં અહંકાર પહોંચી શકતો નથી. ધનથી અને માનથી જ્યાં બધું ભર્યુંભર્યું છે, તમારા સંગની આશા જ રાખું છું, પણ તમે જ્યાં સંગીહીનોના ઘરમાં સંગી થઈને રહ્યા છો ત્યાં સૌની પાછળ, સૌની નીચે, જેમણે સર્વસ્વ ગુમાવ્યું છે તેવાઓમાં મારું હૃદય ઊતરતું નથી. ૧૯૧૦

૬૯

અરૂપરતનની આશા સેવીને મેં રૂપસાગરમાં ડૂબકી મારી છે. મારી જીર્ણ નાવડી તરાવતા તરાવતા હવે મારે ઘાટે ઘાટે ફરવું નથી. મોજાંની થપાટો ખાવાનું પતાવી દેવાનો હવે સમય આવે તો સારું. હવે મારે સુધામાં ડૂબી જઈને મરીને અમર થઈ રહેવું છે. જે ગીત કાને સંભળાતું નથી તે ગીત જ્યાં સદા બજ્યા કરે છે, તે અતલની સભામાં પ્રાણની વીણા લઈને મારે જવું છે. શાશ્વતીના સૂર મેળવીને, છેલ્લા ગીતમાં તેનું રુદન રડી લઈને, જેઓ નીરવ છે તેમને ચરણે નીરવ વીણા ધરી દઈશ. ૧૯૧૦

૭૦

સીમાની અંદર, હે અસીમ તું પોતાનો સૂર બજાવે છે. મારી અંદર તારું પ્રાકટ્ય એટલે આટલું મધુર છે. કેટલા રંગમાં, કેટલી ગંધમાં, કેટલા છંદમાં હે અરૂપ, તારા રૂપની લીલાથી હૃદયઆવાસ જાગે છે! મારી અંદર તારી શોભા આવી સુમધુર છે. તારું અને મારું મિલન થતાં બધું ખૂલી જાય છે, વિશ્વસાગર મોજાં ઉછાળીને ત્યારે દોલાયમાન થઈ (નાચી) ઊઠે છે. તારા પ્રકાશમાં તો છાયા નથી, મારી અંદર તે કાયા પામે છે, તે મારા અશ્રુજળથી સુંદર વ્યથિત બને છે. મારી અંદર તારી શોભા આવી સુમધુર છે. ૧૯૧૦

૭૧

હે વિરહી, તું કોના મિલનને ઝંખે છે? હે શાન્તિસુખહીન મન, આ કુટિલ જટિલ ઘોર ભવ-અરણ્યમાં તું તેમને ક્યાં શોધે છે? જો જો, ચિત્તકમળમાં એમના ચરણપદ્મ શોભે છે. હે મન, એ અમૃતજયોતિ કેવો સુંદર છે! ૧૯૧૦

૭૨

હે કવિ, તારા વિચિત્ર આનંદનો જય હો, તારી કરુણાનો જય હો ! તમામ કલુષનો નાશ કરનારી તારી ભીષણ રુદ્રતાનો જય હો ! તારા અમૃતનો જય હો, તારા મૃત્યુનો જય હો. તારા શોકનો જય હો, સાન્ત્વનાનો જય હો! તારા પૂર્ણ જાગ્રત જ્યોતિનો જય હો, તિમિરિનિબિડ, ભયદાયિની નિશીથિનીનો જય હો ! તારા પ્રેમમધુમય મિલનનો જય હો, અસહ્ય વિરહવેદનાનો જય હો ! ૧૯૧૩

૭૩

રાત્રિની પેલી પાર નિર્મળ નેત્રે જાગો, મુક્તિના અધિકારમાં અંતરક્ષેત્રે જાગો ! ભક્તિનો તીર્થમાં પૂજા-પુષ્પની સુગંધે જાગો, ઉન્મુખ ચિત્તે જાગો, અમ્લાન પ્રાણે જાગો, સુધાસિન્ધુના કિનારે નંદનનૃત્યે જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિર દ્વારે જાગો!, ઉજ્જવળ પુણ્યે જાગો, નિશ્ચલ આશાએ જાગો, નિઃસીમ શૂન્યમાં પૂર્ણના બાહુપાશમાં જાગો, નિર્ભય ધામમાં જાગો, સંગ્રામના સાજમાં જાગો, બ્રહ્મના નામે જાગો, કલ્યાણના કામે જાગો ! જાગો, હે દુર્ગમ યાત્રી, દુ:ખના અભિસારમાં જાગો, સ્વાર્થના પ્રાંતે પ્રેમમંદિરદ્વારે જાગો ! ૧૯૧૩

૭૪

હે મારા પ્રભુ, મારા પ્રિયતમ, મારા પરમ ધન, હે મારા ચિરજીવન, (તમે) શાશ્વત પથના સંગી છો. (તમે) મારી તૃપ્તિ અને અતૃપ્તિ, મારી મુક્તિ અને બંધનદોરી છો. સુખદુઃખના મારા ચરમ જીવન-મરણ રૂપ છો. મારી સકળગતિમાં (તમે) પરમ ગતિ છો. નિત્ય પ્રેમના ધામમાં મારા પરમ પતિ છો. હે બધાના, હે મારા (પ્રભુ), વિશ્વમાં થઈને ચિત્તમાં આવો, તમારી અનંત લીલા નિત્યનૂતન છે. ૧૯૧૩

૭૫

તમે અગ્નિવીણા શી રીતે બજાવો છો? તારાગણના પ્રકાશના ગાનના નશામાં આકાશ કાંપે છે, એ જ રીતે તમારા હાથથી મારી વેદનાને તમે સ્પર્શ કર્યો. મને લાગ્યું કે જીવતરમાં નવી સૃષ્ટિ જાગી ઊઠી. એ વાગી ઊઠે છે માટે જ તમે બજાઓ છો. એ ગર્વથી હે પ્રભુ મારા પ્રાણ બધું સહી શકશે. તમારા કઠણ વહ્નિપ્રહારથી વારંવાર મારી રાત્રિમાં વ્યથાથી ભરીને નવીન તારા તમે પ્રજવલિત કરી દીધા. ૧૯૧૩

૭૬

અગ્નિનો પારસમણિ પ્રાણને અડકાડો, દાહનું દાન દઈને આ જીવનને પવિત્ર કરો. મારા આ દેહને ઉઠાવી લો, તમારા એ દેવાલયમાં એને પ્રદીપ બનાવો, રાતદિવસ તેજશિખા (તમારા) ગાનમાં જળ્યા કરો. અંધકારને ગાત્રે ગાત્રે તમારો સ્પર્શ સારી રાત નવા નવા તારા ખીલવો. આંખોની દૃષ્ટિ આગળથી કાળપ દૂર થઈ જશે, જ્યાં જ્યાં એ પડશે ત્યાં પ્રકાશ જ દેખશે. મારી વ્યથા ઊર્ધ્વમુખી બનીને પ્રજળી ઊઠશે. ૧૯૧૪

૭૭

જો તું ફરી ઇચ્છતો હોય તો હું ફરી આ દુઃખસુખના તરંગો ઉછાળતા સાગરને તીરે આવું. ફરી પાણીમાં તરાપો તરાવું, ધૂળમાં રમત રમું, અને હાસ્યની માયામૃગીની પાછળ અશ્રુમાં તણાઈ જાઉં. ફરીથી કાંટાળા માર્ગે અંધારી રાત્રે યાત્રા કરું, આઘાત ખાઈને જીવું અથવા આઘાત ખાઈને મરું. ફરીથી તું છદ્મ વેશે મારી સાથે હસીને રમે, હું ફરીથી નવા પ્રેમથી ધરણી ઉપર પ્રેમ કરું. ૧૯૧૪

૭૮

હે સુંદર, આ મને તમારો સંગ મળ્યો. મારાં અંગ પવિત્ર થયાં, મારું અંતર ધન્ય થયું, પ્રકાશથી મારાં નયન મુગ્ધ થઈને ખીલી રહ્યાં, હૃદયગગનમાં સૌરભથી મંથર ગતિએ વાયુ વહેવા લાગ્યો. તમારા આ સ્પર્શરૂપી રંગથી ચિત્ત મારું રંગાયું છે, તમારી આ મિલનસુધા પ્રાણમાં સંગ્રહાયેલી રહી. આ રીતે મને તમારામાં જે નવીન કરી લો છો, હે સુંદર, તેને લઈને આ જન્મમાં જ મારો જન્મજન્માંતર કરાવી લીધો છે. ૧૯૧૪

૭૯

બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું? તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી—હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુઃખ દીધું ! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં ! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુઃખરૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે. ૧૯૧૪

૮૦

તમારા સૂરે ગાઉં એવી વીણા મને આપો, તમારી જ વાણી સાંભળું એવો અમર મંત્ર મને આપો. તમારી સેવા કરું એવી પરમ શક્તિ મને આપો, તમારું મુખ જોઈ રહું એવી અચળ ભક્તિ મને આપો. તમારો આઘાત સહી શકું એવું વિપુલ ધૈર્ય મને આપો, તમારો ધ્વજ ઉપાડું એવી અટલ સ્થિરતા મને આપો. હું સકળ વિશ્વને સ્વીકારી શકું એવા પ્રબળ પ્રાણ મને આપો, હું મને અકિંચન કરી નાખું એવા પ્રેમનું દાન મને કરો. તમારી સાથે હું ચાલી નીકળું એ માટે તમારો જમણો હાથ મને આપો, તમારા યુદ્ધમાં લડી શકું એવું તમારું અસ્ત્ર મને આપો. તમારા સત્યમાં જાગું એવું જ આહ્વાન મને આપો, સુખનું દાસત્વ છોડી દઈ શકું એવું કલ્યાણ મને આપો. ૧૯૧૪

૮૧

મને તમારા ચરણ પકડવા દો, ખેંચી ન લેશો, ખેંચી ન લેશો, હું જીવન મરણ સુખ દુઃખ વડે તમને છાતીસરસા જકડી રાખીશ. સ્ખલિત શિથિલ કામનાનો ભાર વહી વહીને હજી ક્યાં સુધી ફર્યા કરીશ? તમે તમારે હાથે જ હાર ગૂંથી લો, મને તરછોડી મૂકશો નહીં. મારી સદાની તરસી વાસનાને અને વેદનાને મારીને મને બચાવી લો. તમારી આગળ હારીને એ આખરી જયમાં એ વિજયી થાઓ. હું ગરીબડી મારી જાતને વેચતો વેચતો બારણે બારણે ફરી શકતો નથી, વરમાળા પહેરાવીને તમે મને તમારો બનાવી લો. ૧૯૧૪

૮૨

જાણું છું, દિન વીતી જશે, આ દિન વીતી જશે. એક વખત કોક સાંજે મ્લાન સૂરજ કરુણ હાસ્ય કરીને અંતિમ વિદાયની નજરે મારા મોં સામે જોશે. રસ્તાના કિનારે બંસી બજશે; નદીના કિનારે ગાયો ચરશે; આંગણામાં બાળકો રમશે, પંખીઓ ગીત ગાશે,—તો પણ દિન વીતી જશે, આ દિન વીતી જશે. તારી આગળ મારી આ વિનંતિ છે, જાણે જતાં પહેલાં હું જાણવા પામું કે શ્યામલ વસુમતીએ આકાશ ભણી આંખો કરીને મને કેમ બોલાવ્યો હતો; રાત્રિની નીરવતાએ તારાઓની વાત કેમ સંભળાવી હતી; અને દિવસના જ્યોતિએ પ્રાણમાં મોજાં કેમ જગાડ્યાં હતાં.- તારી આગળ મારી આ વિનંતિ છે. પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે જાણે મારું ગાન પૂરું થતાં, હું સમ પર આવીને અટકી શકું, અને છયે ઋતુનાં ફૂલફૂલથી મારી છાબ ભરી શકું! આજ જીવનના પ્રકાશમાં તેને જોઈ જઈ શકું, મારી ડોકની માળા તને પહેરાવી જઈ શકું—પૃથ્વી પરનો મારો ગીત-અભિનયનો વેશ પૂરો થાય ત્યારે! ૧૯૧૪

૮૩

તમે મારા પ્રાણમાં સૂરની જે આગ લગાડી દીધી તે આગ બધી જગાએ ફેલાઈ ગઈ. જેટલાં ભરેલાં સૂકાં ઝાડ હતાં તે બધાંની ડાળે ડાળે આગ તાલે તાલે નાચે છે, અને આકાશમાં શી ખબર કોની તરફ એ હાથ ઊંચા કરે છે. અંધકારના બધાયે તારા અવાક્ થઈને જોઈ રહે છે, ક્યાંકથી હવા ગાંડી બની દોડતી આવે છે. આ જુઓ, નિશીથના હૃદયમાં અમલ સુવર્ણકમલ ફૂટી નીકળ્યું ! આગમાં કયા ગુણ છે તેની કોને ખબર છે ! ૧૯૧૪

૮૪

તમે મારા ભવનમાં આવ્યા છે એ વાત આખા ભુવનમાં ફેલાઈ ગઈ છે. નહિ તો ફૂલમાં શાનો રંગ લાગ્યો છે? ગગનમાં કયું ગીત જાગ્યું છે, પવનમાં કયો પરિમલ વ્યાપ્યો છે? દુ:ખસુખની વેદના દ્વારા મારામાં તમારી સાધના ચાલે છે. મારી વ્યથામાં પગ દઈને તમે તમારા સૂર છેડતા આવ્યા, મારા જીવનમાં આવ્યા. ૧૯૧૪

૮૫

આવ્યો, આવ્યો, આવ્યો, હે પુરવાસી, તારો એ આનંદદ્વારે આવ્યો. છાતીનો અંચળો આંગણાની ધૂળમાં પાથરી દે. એના પગ મલિન ન થાય એટલા વાસ્તે રસ્તામાં સુગંધિત જળનું સિંચન કર. આવ્યો, આવ્યો, આવ્યો, તારો એ સુંદર દ્વારે આવ્યો. દે, રે, આકુલ હૃદયને તેની સામે પાથરી દે! તારું બધું આજે ધન્ય થઈ ગયું, સાર્થક થઈ ગયું ! વિશ્વજનના કલ્યાણ માટે આજે ઘરનાં દ્વાર ખોલ. જો, આકાશ આખું રાતું થયું છે, ચિત્ત આનંદમગ્ન બની ગયું છે. આવ્યો, આવ્યો, આવ્યો, તારો નિત્ય પ્રકાશ દ્વારે આવ્યો. એ પ્રકાશથી પેટાવીને તારા પ્રાણનો પ્રદીપ ઊંચો ધર. ૧૯૧૪

૮૬

તારી આ માધુરી આકાશમાંથી ઊભરાઈને વરસશે. એ મારા પ્રાણમાં નહિ તો બીજે ક્યાં માશે? સૂર્ય, ગ્રહ અને તારાઓને જે આ પ્રકાશ લાખો ધારાઓમાં વરસી રહ્યો છે, તે આ પ્રાણ ભરાશે ત્યારે પૂરો થશે. તારાં ફૂલોમાં ઊંઘ જેવો જે રંગ લાગ્યો છે, તે મારા મનમાં લાગ્યો ત્યારે તો જાગ્યો. જે પ્રેમ વિશ્વવીણાને પુલકથી કંપિત કરે છે તે જે દિવસે મારા સમસ્ત હૃદયનું હરણ કરશે તે દિવસે પલકમાં સંગીતમાં વહેવા માંડશે. ૧૯૧૪

૮૭

તમે મારા ગાનની પેલે પાર ઊભા છો. મારા સૂર તમારા ચરણને પામે છે, (પણ) હું તમને પામતો નથી. કેવા અદ્દભૂત પવન વાય છે ! હવે નૌકાને બાંધી ના રાખો. પાર થઈને મારા હૃદયમાં આવો, આવો. તમારી સાથેની ગીતની રમત દૂરની રમત છે; આખો વખત વેદનાના સૂરે વાંસળી વાગે છે. આનંદભરી નીરવ રાતના ગાઢ અંધકારમાં મારી વાંસળી લઈ જાતે જ ક્યારે વગાડશો! ૧૯૧૪

૮૮

દુ:ખની વર્ષાથી જેવાં આંખનાં આંસુ ખર્યાં કે હૃદયનાં દ્વાર આગળ પ્રિયનો રથ આવીને ઊભો રહ્યો. મિલનનું પાત્ર વિરહ અને વેદનાથી ભરેલું છે, તે તેના હાથમાં આપી દીધું; ખેદ નથી, મને હવે ખેદ નથી; બહુ દિવસોથી વંચિત અંતરમાં કેટલી આશાઓ ભરેલી છે! આંખના પલકારામાં જ સ્પર્શની તૃષ્ણા મટી ગઈ. આટલા દિવસે જાણ્યું કે જે રુદન કર્યું. તે કોને માટે હતું. આ જાગરણ ધન્ય છે, ધન્ય છે. ૧૯૧૪

૮૯

પ્રભુ, તમારી વીણા જેવી અંધકારમાં બજે છે કે તરત જ તારા ઊગે છે. તે જ વીણા ગભીર તાનમાં મારા પ્રાણમાં તે જ રીતે બજો. ત્યારે, હૃદયના અંધકારમાં કેવા ગૌરવથી નૂતન સૃષ્ટિ પ્રકટ થશે ! ત્યારે, સ્તરે સ્તરે પ્રકાશનો સમૂહ ચિત્તગગનની પાર પ્રકાશી ઊઠશે. ત્યારે, હે કવિ, તમારી સૌન્દર્ય-છબિ મારામાં અંકિત થઈ જશે. ત્યારે, વિસ્મયની સીમા રહેશે નહીં અને એ મહિમા ઢાંકી શકાશે નહીં. ત્યારે, તમારું પ્રસન્ન હાસ્ય નવજીવન પર આવીને પડશે, ત્યારે, તમારા આનંદ-અમૃતથી હંમેશ માટે ધન્ય થઈશ. ૧૯૧૪

૯૦

હે માર્ગના સાથી, તને વારંવાર નમસ્કાર. પથિકજનના નમસ્કારને સ્વીકારી લો. હે વિદાય, હે ક્ષતિ, હે દિનાન્તના સ્વામી, ભાંગેલા વાસના નમસ્કાર સ્વીકારો. હું નવપ્રભાતના જ્યોતિ, ચિરદિનની ગતિ, નવ આશાના નમસ્કાર સ્વીકારો, જીવનરથના હે સારથિ, હું તમારા માર્ગનો નિત્યનો પથિક છું, માર્ગ પર ચાલવાના નમસ્કાર સ્વીકારો. ૧૯૧૪

૯૧

પરોઢને વખતે ક્યારે આવીને તું હસીને સ્પર્શ કરી ગયો. મારી ઊંઘનાં બારણાં ઠેલીને કોણે તે ખબર ફેલાવી દીધી?—જાગીને જોઉં છું તો મારી આંખ આંસુમાં તણાઈ ગઈ છે. મને થયું, જાણે આકાશે કાનમાં ને કાનમાં વાત કહી. મને થયું, જાણે આખો દેહ ગીતે ગીતે ભરાઈ ગયો. જાણે ઝાકળથી નમી પડેલું હૃદય પૂજાના ફૂલની પેઠે ખીલી ઊઠ્યું, જીવન-નદી કાંઠા ડુબાડીને અસીમ દેશમાં ફેલાઈ ગઈ. ૧૯૧૪

૯૨

બારણાં તોડ્યાં છે, હું જ્યેાતિમર્ય, તું આવ્યો છે. તારો જય હો. તિમિરને વિદારી નાખનાર તારો ઉદાર અભ્યુદય થયો છે. તારો જય હો. હે વિજયી વીર, નવજીવનને પ્રભાતે તારા હાથમાં નવીન આશાનું ખડ્ગ છે. જીર્ણ આવેશને કઠોર ઘા મારીને કાપી નાખ, બંધનનો નાશ થાઓ. હે દુઃસહ, કે નિર્દય, આવ. તારો જય હો. હે નિર્મલ, હું નિર્ભય, આવ. તારો જય હો. હે પ્રભાતસૂર્ય, તું રુદ્રવેશે આવ્યો છે. દુ:ખને માર્ગે તારો તૂરિ વાગે છે—ચિત્તમાં અરુણવહ્નિ સળગાવ, મૃત્યુનો નાશ થાઓ. ૧૯૧૪

૯૩

જે રાતે મારાં બારણાં વંટોળના તોફાનથી ભાંગી ગયાં તે દિવસે તું મારા ઘરમાં આવ્યો એની મને ખબર નહોતી પડી. બધું કાળું થઈ ગયું, કોડિયાનો દીવો હોલવાઈ ગયો, કોને માટે મેં આકાશ ભણી હાથ લંબાવ્યા? સ્વપ્ન છે એમ માનીને હું અંધકારમાં પડી રહી. વાવાઝોડું એ તારો વિજયધ્વજ છે એ હું થોડું જ જાણતી હતી ! સવારના પહોરમાં જોઉં છું તો આ શું, ઘર ભરીને વ્યાપેલી મારી શન્યતાની છાતી ઉપર તું ઊભો છે. ૧૯૧૪

૯૪

જો પ્રાણમાં પ્રેમ ન આપ્યો તો પરોઢનું આકાશ આમ ગીતોથી શા માટે ભરી દીધું? શા માટે તારાઓની માળા ગૂંથી છે? શા માટે ફૂલની શય્યા પાથરી છે? શા માટે દક્ષિણાનિલ ગુપ્ત વાત કાનમાં ને કાનમાં કહે છે? જો પ્રાણમાં પ્રેમ ન આપ્યો તો આકાશ શા માટે આમ મોં તરફ જોઈ રહે છે? તો શા માટે ક્ષણે ક્ષણે મારું હૃદય પાગલની જેમ એવા સાગરમાં નાવડી વહેતી મૂકે છે, જેનો ફૂલ કિનારો એ જાણતું નથી. ૧૯૧૪

૯૫

એકાંત રસ્તે જતાં જતાં મારી બત્તી બુઝાઈ ગઈ. અરે આંધી આવી, આ વખતે તો આંધી જ મને સાથી મળ્યો. આકાશના ખૂણામાં એ સર્વનાશ કરનારી ક્ષણે ક્ષણે હસી ઊઠે છે, અને પ્રલય મારા કેશ અને વસ્ત્રો સાથે તોફાનમસ્તી કરે છે. જે રસ્તે થઈને જતી હતી તે મને તેણે ભુલાવી દીધો. હવે વળી ગાઢ અંધકારમાં ક્યાં ચાલવું પડશે. એમ લાગે છે કે આ વજ્રધ્વનિ નવા રસ્તાની ખબર આપશે—કયા નગરમાં ગયા પછી પ્રભાત થશે. ૧૯૧૪

૯૬

રાજમહેલમાં વાંસળી સંધ્યા સમયની તાન બજાવે છે હું રસ્તે ચાલું છું, પથિક પૂછે છે, “તેં આપવા માટે શું લીધું છે? બધાની આગળ બતાવું એવું મારી પાસે શું છે; મારી સાથે તો ફક્ત આ થોડાં ગીત છે. ઘરમાં મારે ઘણા લોકોનાં મન રાખવાં પડે છે—અનેક વાંસળી, અનેક કાંસીજોડાં, અનેક સામગ્રી (રાખવી પડે છે ) પ્રેમીની પાસે આવતી વખતે મેં માત્ર ગળામાં ગીત લીધાં છે. તેના ગળાની માળા બનાવી એને હું મૂલ્યવાન બનાવીશ. ૧૯૧૪

૯૭

માત્ર તારી વાણી નહિ; હે બન્ધુ, હે પ્રિય, વચ્ચે વચ્ચે પ્રાણને તારો સ્પર્શ આપતો રહેજે. આખા માર્ગનો મારો થાક, આખા દિવસની તરસ કેવી રીતે દૂર કરીશ?, (જ્યારે) દિશા પણ શોધી શકતો નથી—આ અંધકાર તારાથી પૂર્ણ છે, તે જ વાત કહેજે. મારું હૃદય આપવા માગે છે, માત્ર લેવા ઇચ્છતું નથી, તેનો જે કંઈ સંઘરો છે, તે ઉપાડી ઉપાડીને ભટકે છે. તારો હાથ લાંબો કર, મારા હાથમાં આપ—તેને હું ગ્રહણ કરીશ, તેને હું ભરીશ, તેને સાથે રાખીશ. રસ્તા ઉપર મારા એકલા એકલા ચાલવાને રમણીય બનાવી દઈશ. ૧૯૧૪

૯૮

તારો જ સૂર મારા મુખ ઉપર, મારી છાતી ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. પૂર્વના પ્રકાશ સાથે સવારમાં બે આંખો પર પડો— અંધારામાં ગંભીર ધારાથી પ્રાણો પર પડો. રાત દિવસ આ જીવનના સુખ ઉપર દુ:ખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. જે ડાળી પર ફૂલ ખીલતાં નથી, ફળ બિલકુલ આવતાં નથી, તે ડાળીને તારો જલધરભીને પવન જગાડી દો. મારું જે કંઈ જીર્ણ છે, દીર્ણ છે, પ્રાણહીન છે, તેના સ્તરેસ્તરમાં સૂરની ધારા વરસી પડો, રાત દિવસ આ જીવનની તરસ ઉપર, ભૂખ ઉપર શ્રાવણની ધારાની જેમ વરસી પડો, વરસી પડો. ૧૯૧૪

૯૯

અંત નથી તો પછી અંતિમ વાત કોણ કહેશે? આઘાત થઈને જેણે દેખા દીધી તે અગ્નિ થઈને સળગશે. વાદળાંનો વારો પૂરાં થતાં વૃષ્ટિ પડવાનુ શરૂ થશે. બરફ જામવાનું પૂરું થતાં, નદીના રૂપમાં ઓગળશે. જે પૂરું થાય છે, તે માત્ર દેખાવ પૂરતું પૂરું થાય છે, (પણ તે) અંધકારનો દરવાજો પાર કરીને પ્રકાશમાં જાય છે. પ્રાચીનનું હૃદય તૂટતાં નૂતન પોતે જ ખીલી ઊઠશે. જીવનમાં ફૂલ ખીલ્યા પછી મરણમાં ફળ પાકશે.

૧૦૦

તારી ખુલ્લી હવા સઢમાં ભરી દોરડાના ટુકડા કરી હું ડૂબી જવા તૈયાર છું. મારી સવાર નકામી ગઈ, અને સાંજ એની પાછળ જઈ રહી છે— કિનારાની પાસે હવે ન રાખ, હવે ન બાંધ. નાવિકની રાહ જોતો આખી રાત જાગતો રહું છું, મોજાં મને લઈને માત્ર રમત કરી રહ્યાં છે. આંધીને હું મિત્ર કરી દઈશ, એની ભ્રકુટિથી નહિ ડરું— લે, છોડી દે, તોફાન થાય તો હવે હું જીવું! ૧૯૧૪

૧૦૧

આજે પ્રકાશની આ ઝરણ-ધારામાં ધોઈ દો, પોતાને આ ઢાંકી રાખતા ધૂળના ઢાંકણને ધોઈ નાખો. જે જણ મારી ભીતર નિદ્રાની જાળમાં જકડાયેલ છે તેના કપાળે આજે આ પ્રભાતે ધીરે ધીરે આ અરુણ પ્રકાશની સોનાલકડી અડકાડી દો. વિશ્વહૃદયથી દોડી આવતી પ્રકાશઘેલી પ્રભાતહવા- એ હવાથી જ મારા હૈયાને ઝુકાવી દો. આજે નિખિલની આનંદધારા વડે ધોઈ નાખો, મનના ખૂણાની સર્વ દીનતા મલિનતા ધોઈ નાખો. મારી પ્રાણવીણામાં અમૃતગાન પોઢેલું છે, તેને નથી તો વાણી, નથી તો છંદ, નથી તાન, તેને આનંદની આ જાગરણી (જગાડનારી બુટ્ટી) અડાડી દો. વિશ્વહૃદયથી છૂટેલી, પ્રાણઘેલી, ગીતની હવા—એ હવાથી જ મારા હૈયાને ઝુકાવી દો. ૧૯૧૫

૧૦૨

તને નવા રૂપે પામવા માટે જ હું ક્ષણેક્ષણે તને ખોઉં છું, હે મેરા સ્નેહઘન ! દર્શન દેશે એટલા વાસ્તે તું અદૃશ્ય થઈ જાય છે, હે સ્નેહઘન ! એ જી, તું મારા અંતરાલનો નથી, તું મારા ચિરકાલનો છે—ક્ષણકાલની લીલાના સ્ત્રોતમાં તું નિમગ્ન થાય છે, હે મારા સ્નેહધન ! હું જ્યારે તને શોધતો ફરું છું ત્યારે મારું મન ભયથી કાંપે છે—તે વખતે મારા પ્રેમમાં મોજાં જાગે છે, તારો અંત નથી, તેથી શૂન્યનો વેશ ધારણ કરી તું પોતાને સમાપ્ત કરી દે છે- એ હાસ્યને ધોઈ નાખે છે મારા વિરહનું રૂદન, હે મારા સ્નેહઘન! ૧૯૧૫

૧૦૩

હે સખા, ધીરે ધીરે તારા વિજન મંદિરમાં ચાલ. હું માર્ગ જાણતો નથી; પ્રકાશ છે નહીં; અંદર બહાર કાળું જ કાળું છે. આજ આ ગંભીર અરણ્યમાં (મેં) તારા ચરણશબ્દને વધાવી લીધો છે. હે સખા, ધીરે ધીરે અંધકારના તીરે તીરે ચાલ. હું. મધ્યરાત્રિએ તારા પવનના ઇશારાથી ચાલીશ. આજે આ વસંતના સમીરમાં (મેં) તારા વસ્ત્રની સુવાસ વધાવી લીધી છે. ૧૯૧૫

૧૦૪

બધાં જેને બધું આપે છે, તેને બધું આપી દઉં. કહેવા પહેલાં, માગવા પહેલાં પોતે પોતાને જ સમર્પી દઈશ. લેતી વખતે ઋણી થયો, ભીડ કરી છે પણ ભય પામ્યો નથી—અત્યારે પણ ભય પામીશ નહિ, આ વખતે આપવાનો દાવ ખેલીશ. પ્રભાત તેનું પોતાનું સોનું લઈને નાચતું કૂદતું નીકળી પડે છે. સંધ્યા તેને પ્રણામ કરી, તેનું બધું સોનું તેને ચૂકવી દે છે. ખીલેલા ફૂલનો આનંદ, ખરેલા ફૂલમાં જ ફળ બને છે—હે ભાઈ, પોતાને વેળાસર સંપૂર્ણપણે આપી દેવાનું (ઋણ) ચૂકવી દે. ૧૯૧૫

૧૦૫

ચાલું છું રે, હું ચાલું છું, ચાલ્યો જ જાઉં છું. મારગનો દીવડો ગગનમાં બળે છે. હું મારગની બંસી બજાવતો ચાલું છું, ચાલવાનું હાસ્ય વેરતો ચાલું છું. જળે સ્થળે રંગીન વસ્ત્ર ઉડાડતો ચાલું છું. આ પથિકભવન પથિકો પર પ્યાર કરે છે. તેથી એ આવા સૂરમાં ક્ષણેક્ષણે પુકારે છે. ચાલવાના મારગની આગળ આગળ ઋતુ ઋતુનો સોહાગ જાગે છે, અને પગના આઘાતથી મરણ પળે પળે મરે છે. ૧૯૧૫

૧૦૬

મારાં સઘળાં દુઃખોને પ્રદીપ પેટાવીને દિવસ પૂરો થતાં જણાવીશ કે મારી વ્યથાની પૂજા સમાપ્ત થઈ નથી. જ્યારે સંધ્યાકાળના આછા પ્રકાશમાં પંખીઓ પોતાના માળામાં પાછાં ફરતાં હશે, જ્યારે સંધ્યાકાળની આરતીનો ઘંટારવ થતો હશે, ત્યારે આ જીવનની અંતિમ જ્યોત જલતી હશે, ત્યારે મારી વ્યથાની પૂજાની પણ સમાપ્તિ થશે. ઘણાય દિવસની ઘણી વાતો, વેદનાના દોરામાં ગૂંથાયેલી કેટલીય વ્યાકુળતા આજે મનમાં ઊભરાઈ આવે છે. જ્યારે એમાંની એક એક પૂજાના હોમાનલમાં સળગી ઊઠશે અને બંધનમાંથી મુક્ત થઈને આકાશ પ્રતિ ધાશે અને અસ્ત થતા રવિના દૃશ્યની સાથે બધાં આયોજન મળી જશે, ત્યારે મારી વ્યથાની પૂજાની સમાપ્તિ થશે. ૧૯૧૬

૧૦૭

મારા પ્રિયતમ નિશદિન મારા પ્રાણમાં કેટલી લાગણીપૂર્વક તેં સમાચાર પાઠવ્યા? તેં છૂપા રહીને પ્રેમથી, ગીતથી, હાય, મારા ચિત્તને ભર્યું. ૧૯૧૬

૧૦૮

ક્રન્દન અને હાસ્યના હિંડોળાને ઝુલાવનારો પોષ-ફાગણનો પ્રસંગ હવે આવ્યો. એમાં હું જીવનભર ગીતની છાબને ધારણ કરીશ. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? તેથી જ મારી ઊંઘ ભાગી ગઈ છે? મનનાં બંધન તૂટી ગયાં છે? ચિરવ્યથાના વનમાં ઉન્મત્ત હવાના તરંગો ઉઠ્યા છે. મારાં દિવસરાતના સકળ અંધકારપ્રકાશ કંપી ઊઠ્યા છે. એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? . રાતવાસા માટેનું ઘર તો બાંધી શકાયું નથી, દિવસના કામમાં પણ ત્રુટિ રહી ગઈ છે. કશા કામ વગરની સેવા કરવામાં મને ફુરસદ મળી નથી. આ વિશ્વજીવનમાં મારે માટે શાન્તિ ક્યાં છે? અશાન્તિ આઘાત કરે છે તેથી જ તો વીણા વાગે છે. પ્રાણને બાળનાર ગીતના અગ્નિની જ્વાળા હમેશાં રહેશે? એવી જ તારી ઇચ્છા છે ને? તેથી જ તેં મને સૂરથી સુગન્ધિત માળા પહેરાવી છે ને? ૧૯૧૬

૧૦૯

આ દ્વારને વટાવતાં આવા સંશય શા માટે? અજાણ્યાનો જય હો, જય હો. તારી બધી આશા આ તરફ છે, તે તરફ તારો ભય છે. અજાણ્યાનો જય હો, જય હો. જાણેલા ઓળખેલાઓની વચ્ચે ઘર બાંધીને તો દિવસ હસીરડીને કાઢ્યા. આ તરફ તો તારી આવનજાવન કેમે કરી થઈ જ નહોતી, અજાણ્યાનો જય હો, જય હો. ભાઈ, તેં મરણને પારકું કરી દીધું છે તેથી જ તો તારું જીવન તુચ્છ થઈ ગયું. બે દિવસના ઘરમાં જો આટલું બધું માય, તો શું સદાકાળનો એ આવાસ શૂન્ય હશે? અજાણ્યાનો જય હો, જય હો. ૧૯૧૮

૧૧૦

ગીતના સૂરનું આસન મેં રસ્તાની ધારે પાથર્યું છે. હે પથિક, જેથી તું ત્યાં વારે વારે આવીને બેસી શકે, તું જ્યારે અરુણ પ્રકાશની હોડીમાં બેસીને ઘાટની આ પારે આવે છે, ત્યારે આ તારું સવારનું પંખી હંમેશાં કલબલાટ કરે છે અને તું મારાં પ્રભાતિયાંના ગીતમાં મારે દ્વારે આવીને ઊભો રહે છે. આજે સવારે મેઘની છાયા વનમાં આળોટી પડી છે, પેલા ગગનની નીલ આંખોને ખૂણે પાણી ભરાઈ આવ્યું છે. આજે તું નૂતન વેશે તાડના વનમાં મેદાનને છેડે આવ્યો છે. એમને એમ ચોરપગલે ચાલ્યો જઈશ નહીં. મારા મેઘાચ્છન્ન ગીતના વાદળભર્યા અંધકારમાં ઊભો રહેજે. ૧૯૧૮

૧૧૧

પ્રભુ, એકલા ઘરમાં બેઠાં બેઠાં મારા જીવનમાં તેં કયો સૂર બજાવ્યો? પ્રભુ, તારો પારસમણિ ગૂંથીગૂંથીને ખૂબ ચૂપકીથી તેં મને સજાવી! દિવસના પ્રકાશનો પડદો તાણીને તું ક્યાં સંતાયો હતો એ હું નથી જાણતી, પણ આથમતા રવિના તોરણમાંથી તેં રાતનાં મારાં સ્વપ્નામાં પગ લાંબો કર્યો. મારા હૈયામાં અંધકારાકુલ યામિની બજી રહી છે, તે તો તારી બંસી છે. આકાશપારના તારા તારાઓની રાગિણી હું સાંભળું છું, મારું બધું ભૂલીને. કાનમાં આશાની વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલા પ્રથમ પ્રભાતે તારાં કરુણાભર્યાં કિરણોમાં હું બારણાં ઉઘાડાં પામીશ. ૧૯૧૮

૧૧૨

તારું ભુવનવ્યાપી આસન લાવીને મારા હૃદયમાં બિછાવ ! રાતના તારા, દિવસને રવિ, અંધકાર અને પ્રકાશની બધી શોભા, આકાશને ભરી દેતી તારી બધી વાણી લાવીને મારા હૃદયમાં બિછાવ ! તારી જીવનવીણાના સકલ સૂરથી મારાં હૃદય અને પ્રાણને ભરી દે ને ! દુ:ખસુખનો બધો હરખ, ફૂલનો સ્પર્શ, આંધીનો સ્પર્શ, તારો કરુણ શુભ ઉદાર હાથ, મારા હૃદયની અંદર એ લાવી દે ને! ૧૯૧૮

૧૧૩

મારા ઘરની ચાવી (તાળું) તોડીને મને કોણ લઈ જશે? હે મારા બધું ! તારાં દર્શન પામ્યા વગર, એકલાં એકલાં મારા દિવસ જતા નથી. રાત પૂરી થઈ લાગે છે. સૂર્યના પ્રકાશે આભાસથી દેખા દીધી લાગે છે. સામે પેલો રસ્તો દેખાય, તારો રથ મારે આંગણે નહિ પહોંચે? આકાશના બધા તારા, પલક પાડ્યા વગર જોઈ રહે છે, રાત અને પ્રભાતના માર્ગની ધારે બેસી રહે છે. તારાં દર્શન થતાં, બધુ ફગાવી દઈને પ્રકાશના પારાવારમાં ડૂબી જશે. પ્રભાતના બધા યાત્રીઓ કેવા કલરવ કરતા કરતા આવ્યા, અને કેવા ગીત ગાતા ગાતા હારબંધ ચાલ્યા ગયા ! ફૂલ ખીલ્યાં લાગે છે, અરુણવીણાને તારે તારે સૂર જાગ્યા છે. ૧૯૧૮

{center|૧૧૪}}

મારી બારીમાં પ્રદીપ આણીને હું પેટાવીશ નહિ, બેઠાં બેઠાં હું અંધકારને પૂર્ણ કરતી ગભીર વાણી સાંભળ્યા કરીશ. મારાં આ દેહ અને મન નિશીથરાતમાં ભલે વિલીન થઈ જાય, છૂપી છૂપી ફૂટેલી મારા આ હૃદયની પુષ્પપાંખડીઓમાં મારી વેદનાની સુવાસ ભલે ઢંકાયેલી રહે.

જ્યાં પેલી અંધકારની વીણા પર પ્રકાશ બાજી રહ્યો છે, ત્યાં તારાઓમાં મારું સમગ્ર હૃદય ઊર્ધ્વમાં ક્યાંય પલાયન કરી જશે. મારા આખા દિવસની પંથની શોધ પૂરી થઈ ગઈ. હવે બધી દિશાઓને છેડે આવીને દિગ્ભ્રાંત થઈને કોની આશાએ નિર્ભયપણે બેસી રહ્યો છું ! ૧૯૧૯

૧૧૫

હજી પણ અંધકાર ગયો નહિ, હજી પણ બાધા રહી છે. હજી પણ જીવનમાં મરણવ્રતની સાધના ન થઈ. દુઃખજ્વાળા ક્યારે વિજયમાળા બની જશે? ક્યારે મધરાતનું ક્રંદન અરુણના તેજથી ઝળાંઝળાં થઈ જશે? હજી પણ પોતાની જ છાયા કેટકેટલી માયા રચે છે. હજી પણ મન તો નકામું સતત પાછળ જોયા કરે છે; અચાનક વીજળીના તેજે આંખને આંજી દીધી. ૧૯૧૯

૧૧૬

હવે હૃદયગગન સાંજના રંગથી રંગાઈ ગયું. મારી બધી વાણી સાંજના રંગમાં મગન થઈ ગઈ. મનને એમ થાય છે કે દિવસ અંતે હવે પથિક ઘરે આવશે. મારું પવિત્ર મુહૂર્ત સાંજના રંગથી ભરાઈ જશે. અસ્તાચલના સાગરકાંઠાના આ પવનથી મારી આંખોમાં ક્ષણે ક્ષણે તંદ્રા આવે છે. સાંજની જૂઈની સુગંધમાં જ્યારે પથિક બારણે આવશે ત્યારે સાંજના રંગમાં આપોઆપ મારો નિદ્રાભંગ થશે. ૧૯૧૯

૧૧૭

જીવન-મરણની સીમા વટાવીને, હે મારા મિત્ર, તું ઊભો છે. આ મારા હૃદયના વિજન આકાશમાં તારું મહા-આસન પ્રકાશથી ઢાંકેલું છે. કોઈ ઊંડી આશાએ ગાઢ આનંદપૂર્વક બેઉ બાહુ પ્રસારીને હું તેની સામે જોઉં છું. નીરવ નિશાએ તારા ચરણને ઢાંકી દઈને અંધકારરૂપી કેશભારને પાથરી દીધો છે. આજે આ કયું ગીત સમસ્ત વિશ્વને ડુબાડી દઈને તારી વીણામાંથી ઊતરી આવ્યું છે! સૂરના ઝંકારમાં ભુવન વિલીન થઈ જાય છે, અને ગાનની વેદનામાં હું ખોવાઈ જાઉં છું. ૧૯૧૯

૧૧૮

મારું મન ચાહે છે કે તને કંઈક આપું, ભલેને તને એની કશી જરૂર ન હોય! જ્યારે મને તારાં દર્શન થયાં, અંધારામાં ગાઢ નિર્જન વનમાં તું એકલો એકલો ફરતો હતો, ત્યારે તારા માર્ગમાં એક દીવો પ્રગટાવવાની મને ઈચ્છા થઈ હતી,— ભલેને તને એની કશી જરૂર ન હોય ! મેં જોયું કે બજારના માણસો તને ગાળો દે છે, તારા શરીર પર ધૂળકાંકરી ઉડાડે છે. છતાં આવા અપમાનના મારગ વચ્ચે પોતાના સૂરમાં પોતે નિમગ્ન એવી તારી વીણા નિત્ય બજી રહી છે. તે વખતે તારી ડોકમાં વરણમાળા પહેરાવવાની મને ઇચ્છા થઈ હતી, ભલેને તને એની કશી જરૂર ન હોય! લોકોનાં ટોળેટોળાં આવે છે, અને વિવિધ ભાષાઓમાં વિધવિધ કલરવ કરી તારી સ્તુતિનાં સ્તોત્રો રચે છે—ભિક્ષા વાસ્તે તારાં બારણે કેટલા શાપ અને કેટલાં કંદનોનો વારંવાર આઘાત કરે છે. તે વખતે મને ઇચ્છા થઈ કે વિનામૂલ્યે મને તારા ચરણમાં દઈ દઉં, ભલેને તને એની કશી જરૂર ન હોય ! ૧૯૧૯

૧૧૯

બહાર જ્યારે ભૂલ આઘાત કરશે ત્યારે અંતરની ભૂલ ભાંગશે કે? વિષાદના વિષથી બળીને અંતે તારી કૃપા માગશે કે? તડકાની બળતરા પૂરી થયે વર્ષાની ધારા ઊતરશે કે? લજ્જાની લાલી મટ્યા પછી હૃદય પ્રેમના રંગે રંગાશે કે? જેમ જેમ દૂર જશે તેમ તેમ બંધન કઠિન થઈને વ્યથાની તાણથી ખેંચશે નહિ કે? અભિમાન (પ્રેમમાં અનાદર કે ઉપેક્ષાથી. થતો ચિત્તક્ષેાભ)નાં કાળાં વાદળને વર્ષાની હવા જોસથી લાગશે ત્યારે અશ્રુનો આવેગ કોઈ બાધા માનશે કે? ૧૯૧૯

૧૨૦

તારું દુઃખ ચિરંતન નથી આ ક્રંદનના વિશાળ સાગરને પણ સામો કિનારો છે. આ જીવનની જેટલી વ્યથા છે તેં બધી અહીં જ પૂરી થશે. ચિરપ્રાણના નિવાસમાં અનંત શાંતિ છે. તારું મૃત્યુ ચિરંતન નથી. (તું) તેના દ્વાર પાર કરી જઈશ, બંધન તૂટી જશે. આ વખતે જો આંધીમાં તારી પૂજાનાં ફૂલ ખરી પડે, તો જવાને સમયે (પૂજાની) થાળી માળા અને ચંદનથી ભરાઈ જશે. ૧૯૧૯

૧૨૧

મારા અભિમાનના બદલામાં આજે તારી માળા લઈશ. આજે રાત પૂરી થતાં આંસુનો અધ્યાય પૂરો કરી દઈશ. મારા કઠિન હૃદયને મેં રસ્તાની ધારે ફેંકી દીધું છે. તારા ચરણ તેને પથ્થરને પિગાળી નાખનાર મધુર સ્પર્શ કરશે. મારો જે અંધકાર હતો, તેને તેં જ ખેંચી લીધો, તારો પ્રેમ અગ્નિ બનીને આવ્યો અને તેને પ્રકાશમય બનાવી દીધો. પેલો જે ‘હું' મારે મન સૌથી કીમતી હતો તેને પૂરેપૂરો અર્પી દઈને તારી અર્ધ્યની છાબ સજાવી દીધી. ૧૯૧૯

૧૨૨

આજે નિર્જન ઘરમાં મધરાતે તું ખાલી હાથે આવશે તેથી શું હું ડરી જવાની છું ! હે પ્રિય, હું જાણું છું, જાણું છું કે તારે હાથ તો છે. માગવા અને મેળવવાને માર્ગે માર્ગે જેમ તેમ કરીને દિવસ પૂરો થયો છે; હવે સમય થયો છે એટલે તારી આગળ મને લાવીને સોંપી દઉં. આકાશને અંધ બનાવી દેનારો અંધકાર દિશાએ દિશામાં છો રહેતો, મારા હૃદયને ભરી દેનારો સ્પર્શ ચાલુ રહો. જીવનના ઝૂલાએ ઝૂલી ઝૂલીને હું મારું પોતાનું ભાન ભૂલી ગઈ હતી. હવે જીવન અને મરણ બંને બાજુએથી તું મને ખેંચી લેજે. ૧૯૨૨

૧૨૩

સાંજની વખતે તમારા સૂરની સાથે સૂર મેળવતાં મેળવતાં મારો વખત જાય છે. એકતારાનો એક તાર ગીતની વેદનાને વહી શકતો નથી. એટલે જ તો તમારા સૂરની સાથે સૂર મેળવવાની આ રમતમાં મેં વારંવાર હાર કબૂલી છે. મારો આ તાર નજીકના સૂરે બાંધ્યો છે અને પેલી વાંસળી તો દૂર વાગે છે. ગાનની લીલાના એ કિનારે શું બધા સાથ આપી શકે? વિશ્વહૃદયના પારાવારમાં રાગરાગિણીની જાળ ફેલાવી શકે? તમારા સૂરની સાથે સૂર મેળવી શકે? ૧૯૨૨

૧૨૪

કોઈ ગુપ્તવાસીની હાસ્ય ને ક્રંદનની ગુપ્ત વાતો સાંભળવાને મારા પોતાના હૃદયના ગહનને દ્વારે કાન માંડી રહું છું! નિભૃત નીલ પદ્મની લગનીને લઈને ત્યાં ભમરા ગૃહત્યાગી બની જાય છે. નિઃસંગ એ અંધકારમાં કોઈ રાતનું પંખી એકલું ગાય છે. એ મારો કોણ એ તો શી ખબર ! કંઈક તેનો આભાસ આવે છે, કંઈક અનુમાન થાય છે, અને કંઈક એનું સમજમાં પણ નથી આવતું ! વચ્ચે વચ્ચે તેની વાત મારી ભાષામાં કેવી વાણી પામે છે! જાણું છું, ગાનના તાનમાં છુપાવીને મને તેનો સંદેશ પાઠવે છે ! ૧૯૨૨

૧૨૫

જે મારા મનમાં રહે છે તેને જ હું શોધતો રહ્યો છું. તે છે માટે તે મારા આકાશમાં રાતે તારા ખીલી નીકળે છે, મારા વનમાં પ્રભાતકાળે ફૂલ ફૂટે છે. તે છે માટે તો આંખની કીકીના પ્રકાશમાં આટઆટલી રૂપની લીલા, અસીમ સફેદ અને કાળામાં રંગનો મેળો જામે છે! એ મારી સાથે રહે છે માટે દક્ષિણના પવન મારે અંગે અંગે હર્ષ જગાડે છે! મારાં ગીતોના સૂરમાં અન્યમનસ્ક કયા તાનમાં તેની વાણી એકાએક ભરાઈ જાય છે મને દુઃખને ઝોલે એકાએક ઝુલાવે છે, કામમાં છુપાઈ જઈને મારાં કામકાજ ભુલાવી દે છે! એ મારો હરહંમેશનો છે, એટલે તો તેના પુલકથી મારી પળો ક્ષણે ક્ષણે ભરાઈ જાય છે! ૧૯૨૨

૧૨૬

મેં તમને જેટલાં ગાન સંભળાવ્યાં હતાં તેના બદલામાં હું કોઈ દાન ઇચ્છતો નથી. કદાચ એ ગીત તમે ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો. જ્યારે સંધ્યાસાગરને કિનારે તારા નીકળશે, જ્યારે તમારી સભામાં આ માત્ર કેટલાક દિવસની મારી આ કેટલીક તાન પૂરી કરીશ ત્યારે (તમે મારાં એ ગીત ભૂલી જાઓ, તો ભલે ભૂલી જજો). તમે મને તમારાં કેટલાં ગાન સંભળાવ્યાં છે એ વાતને તમે શી રીતે ભૂલી જશો? હે કવિ, એ વાત વર્ષામુખરિત રાત્રિએ, ફાગણના સમીરણે તને યાદ આવશે. બસ મારું આટલું અભિમાન રહી ગયું કે મારા પ્રાણને ભોળવ્યો છે એ શું તમે ભૂલી શકવાના હતા ! ૧૯૨૨

૧૨૭

આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો? આકાશમાં પેલા કાળા અને સોનેરી રંગમાં, શ્રાવણમેઘને ખૂણે ખૂણે અંધકારમાં અને પ્રકાશમાં કઈ રમત ચાલી રહી છે એ કોણ જાણે? સૂકાં પાન ધૂળ પર ખરી રહ્યાં છે, નવાં પાનથી ડાળીઓ ભરાઈ ગઈ છે. વચ્ચે આપભૂલ્યા તમે છો. ચરણની પાસે થઈને પાણીની ધારા પેલા કયા અશ્રુભર્યા ગીતરૂપે વહી રહી છે? આવવા-જવાની વચ્ચે તમે એકલા કોની રાહ જોતા મીટ માંડી રહ્યા છો? ૧૯૨૨

૧૨૮

તારા સૂરની ધારા જ્યાં વહે છે તેની પાર એક બાજુએ શું મને વાસ કરવા દેશે? હું કાને ધ્વનિ સાંભળીશ, પ્રાણમાં ધ્વનિ ભરીશ, અને એ જ ધ્વનિથી મારી ચિત્ત-વીણામાં ફરીફરીને તાર બાંધીશ. મારો નીરવ સમય તારા એ સૂરોથી ફૂલની અંદર મધુની પેઠે ભરાઈ જશે. મારો દિવસ જ્યારે પૂરો થશે, રાત જ્યારે અંધકારમય થશે, ત્યારે મારા હૃદયમાં ગાનના તારાઓની હારની હાર ફૂટી નીકળશે. ૧૯૨૨

૧૨૯

પ્રત્યેક પરિચિતમાં તે અપરિચિતને હું વારંવાર પામ્યો છું. જેને મેં જોયા તેમાં ન જોયેલાની કોઈ બંસી બજે છે. જે મારા હૃદયની અડોઅડ છે તેના અભિસારે હું નીકળી છું. એ અપરૂપ રૂપે રૂપે ગુપચુપ કઈ રમત રમે છે. કયા સુદૂરના સૂરોથી કાનોમાં શબ્દો ભરાઈ જાય છે, આંખોઆંખનું દેખવું કયા અજાણ્યાના માર્ગની પાર લઈ જાય છે! ૧૯૨૨

૧૩૦

જય હો, નવઅરુણોદયના જય હો! પૂર્વ દિશાનો અંચળો જ્યોતિર્મય હો ! અસત્યનો નાશ કરીને — શંકાને નષ્ટ કરીને, સંશયને દૂર કરીને અપરાજિત વાણી આવો. ચિરયૌવનના જયગાનરૂપ નવજાગ્રતગ પ્રાણ આવો ! જડતાનો નાશ કરનારી મૃત્યુંજયી આશા આવો ! – ક્રંદન દૂર હો ! બંધનનો ક્ષય હો ! ૧૯૨૨

૧૩૧

હવે મારો વખત થયો. જવાનું બારણું ખોલો, ખોલો. હળ્યાં, મળ્યાં, તડકી-છાંયડીમાં રમ્યાં—એ સ્વપ્ન ભૂલી જાઓ, ભૂલી જાઓ. આકાશ દૂરના ગીતથી ભરાઈ જાય છે. હૃદય અલક્ષ્ય દેશ તરફ આકર્ષાય છે. ઓ સુદૂર, ઓ મધુર, પ્રાણપ્રિયનો માર્ગ બતાવ, બધાં આવરણ ઉપાડી લે ઉપાડી લે. ૧૯૨૩

૧૩૨

હે અરૂપ, તમારી વાણી મારા અંગમાં, મારા ચિત્તમાં મુક્તિ લાવી આપો. નિત્યકાલનો તમારો ઉત્સવ છે–વિશ્વની દિવાળી. હું તો કેવળ તેનું માટીનું કોડિયું છું. કદી ન બુઝાતી, પ્રકાશથી ઝળહળતી તમારી ઇચ્છા તેની શિખા પેટાવો. જેમ તમારો વસંતવાયુ રંગરંગમાં, પુષ્પોમાં, પાંદડાંમાં, વને વને, દિશાએ દિશાએ ગીતલિપિ અંકિત કરી જાય છે, તેમ મારા પ્રાણના કેન્દ્રમાં તમારી ફૂંક ભરી દો, તેના સૂનકારને પૂર્ણતા આપી, સૂરથી ધન્ય બનાવો. તમારો દક્ષિણ હસ્ત તેનાં વિઘ્નોને પવિત્ર કરો. ૧૯૨૪

૧૩૩

આજે કેમ મર્મરધ્વનિ જાગ્યો ! મારા પલ્લવે પલ્લવે, હિલ્લોલે હિલ્લોલે, થરથર કંપન લાગ્યું. કયો ભિખારી મારા જ આ આંગણાને દ્વારે આવ્યો, એણે મારું સર્વ ધન, મન માગ્યું એમ લાગે છે. એમ લાગે છે કે જાણે હૃદય તેને ઓળખે છે, તેના ગીતથી ફૂલ ખીલવે છે. આજે મારા અંતરમાં તે પથિકનાં જ પગલાં ગાજે છે. તેથી એકાએક ઊંઘ ઊડી ગઈ. ૧૯૨૫-૨૬

૧૩૪

મારા પ્રાણમાં ગભીર ગોપન, અત્યંત પોતાનો એવો શું તે છે? અંધકારમાં અચાનક તેને જોઉં છું. જ્યારે પ્રચંડ વાવાઝોડાથી આગળા ખૂલી જાય છે, ત્યારે એ કોની આંખો ઉપર મારી આંખ થંભી જાય છે? જ્યારે પરમ મુહૂર્ત આવે છે ત્યારે આકાશમાં તેની ભેરી વાગે છે. વીજળીના ચમકારામાં વેદનાનો જ દૂત આવે છે, હૃદય ઉપર આમંત્રણને સંદેશો લખી જાય છે. ૧૯૨૫-૨૬

૧૩૫

રે, તારી અંદર જાગતો એ કોણ છે; અને તેં બંધનમાં બાંધી રાખ્યો છે. હાય, એ પ્રકાશનો તરસ્યો છે. તેથી મુંઝાઈને રડી ઊઠે છે. જો પવનમાં પ્રાણ જાગ્યો તો વીણામાંથી ગાન કેમ નીકળતું નથી? જો ગગનમાં પ્રકાશ જાગ્યો, તો આંખોમાં આંધી કેમ લાગી? પંખીઓએ નવપ્રભાતની વાણીને વનેવનમાં આણી દીધી; ફૂલોમાં નવજીવનની આશા કંઈ કેટલાયે રંગોમાં ભાષા પામે છે. ત્યાં રાત પૂરી થઈ ગઈ છે, અને અહીં મધરાતનો દીવો બળે છે. તારા ભવનમાં, ભુવનમાં કેમ અડધોઅડધ ભાગલા પડી ગયા છે? ૧૯૨૫-૨૬

૧૩૬

દિવસને સમયે તારી વાંસળી અનેક સૂરમાં તેં વગાડી હતી. ગીતનો સ્પર્શ પ્રાણને લાગ્યો, (પણ) તું પોતે દૂર રહ્યો. માર્ગ પરના કેટલાંયે લોકોને પૂછું છું, ‘આ વાંસળી વગાડી કોણે’ — તેઓ જુદાં જુદાં નામોથી ભુલાવે છે; જુદે જુદે દ્વારે ભટકતો ફરું છું. હવે આકાશ મ્લાન થયું; કલાન્ત દિવસ આંખ મીંચે છે. રસ્તે રસ્તે ફેરવીશ તો વ્યર્થ શોધમાં મરી જઈશ. બહાર છોડી દઈ અંતરમાં તું પોતે આસન બિછાવી લે, મારા પ્રાણના અંતઃપુરમાં આવીને તારી વાંસળી બજાવ. ૧૯૨૫-૨૬

૧૩૭

લે, લે, ઉપાડી લે આ નીરવવીણા. તારા નંદનનિકુંજમાંથી એને સૂર આણી આપ, હે સુંદર. હું તારે ભરોસે રાત્રિના આકાશમાં અંધાર બિછાવીને બેઠી છું. તારાએ તારાએ તારી પ્રકાશભરી વાણી જગાડ, હે સુંદર. મારું પાષાણ હૃદય કઠોર દુઃખથી રડીને તને કહે છે : “સ્પર્શ કરીને સ-રસ બનાવો, આંસુમાં વહેવડાવો, હે સુંદર.’’ મારા ચિત્તમાં આ શુષ્ક નગ્ન મરુભૂમિ હમેશાં લજવાઈ મરે છે; તેની છાતી ઉપર શ્યામલ રસનો અંચલ ઢાંકી દે, હે સુંદર. ૧૯૨૫-૨૬

૧૩૮

પ્રથમ પ્રકાશનો ચરણધ્વનિ જેવો બજી ઊઠયો કે મારું નીડવિરાગી હૃદય ઊડી ગયું. નીલ સાગરમાંથી ક્યાંકથી કોઈકે તેને ઉદાસ કરી દીધું! ગુપ્તતામાં રહેતી તે ઉદાસીનતાનું કાર્ય ઠામ-ઠેકાણું નથી. ‘સુપ્તિનું શયન છોડીને આવ’ એવી તેની વાણી જાગે છે. તે બોલે છે, ‘જ્યાં સાગરપારનું નિવાસસ્થાન છે ત્યાં ચાલ’. દેશ-વિદેશની બધી ધારાઓ ત્યાં બંધન વગરની થાય છે. ખૂણાનો દીવો જ્યેાતિ-સમુદ્રમાં જ પોતાની જ્યોત વિલીન કરી દે છે. ૧૯૨૫-૨૬

૧૩૯

હે ચિરનૂતન, આજે આ દિવસના પ્રથમ ગીતમાં મારું જીવન તારી ભણી જ વિકસિત થઈ ઊઠો. તારી વાણીમાં અસીમ આશા છે, ચિરદિવસોની પ્રાણમયી ભાષા છે. તારા હાથના દાનથી મનને અક્ષય ધનથી ભરી દે છે આ શુભ મુહૂર્તે ગગનમાં અમૃતવાયુ જાગો. જીવનમાં નવજન્મનો સ્વચ્છ વાયુ લાવો, જે કંઈ જીર્ણ છે જે કંઈ ક્ષીણ છે, નવીનની અંદર તે વિલીન થઈ જાઓ. જે કંઈ જૂનું અને મલિન છે તે નવા આલોકના સ્નાનથી ધોવાઈ જાઓ. ૧૯૨૫-૨૬

૧૪૦

તેં હાર કબૂલ કરાવી, અભિમાન ભાંગી નાખ્યું, દુર્બળ હાથે પેટાવેલ નિસ્તેજ દીવાનો થાળ ટુકડે ટુકડા થઈ ગયો. તો હવે તારો તારાને દીપ પેટાવ. રંગીન છાયાવાળી આ ગોરજનું અવસાન હો. પેલે પારના સાથી આવો. પથનો પવન વાયો, ઘરની બત્તી બુઝાઈ ગઈ. આજે નિર્જન માર્ગ પર અંધકારના ઘાટ પર બધું ખોઈ નાખવાના નાટકમાં આ ગીત લાવી છું. ૧૯૨૫-૨૬

૧૪૧

હે મહાજીવન, હે મહામરણ, શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. અંધારા દીવાની વાટ પેટાવો, જ્યોતિનું તિલક લગાવો — મારી લજ્જા હરી લો. તમારા ચરણ પારસમાણિ છે. શરણે આવ્યો છું, શરણે આવ્યો છું. જે કંઈ કાળું છે, જે કંઈ વિરૂપ છે, તે બધું સારું થાઓ—બધાં આવરણ નષ્ટ કરો, નષ્ટ કરો. ૧૯૨૫-૨૬

૧૪૨

ગીતના ઝરણા નીચે તમે સાંજવેળાએ આવ્યા, જે સૂર ગુપ્ત ગુફામાંથી વ્યાકુળ સ્ત્રોતે દોડી આવે છે, જે હૃદયના પથ્થરને ઠેલીને ક્રન્દનના સાગર ભણી જાય છે, જે સૂર ઉષાની વાણી વહીને આકાશમાં લહેરાતો જાય છે, સોનાવરણું હાસ્ય વેરતો રાત્રિના ખોળામાં જતો રહે છે, જે સૂર પોતાને પૂરેપૂરો રેડી દઈને ચંપાના પ્યાલાને ભરી દે છે ને જે ચૈત્રના દિવસોની મધુર ક્રીડા કરીને ચાલ્યો જાય છે તે સૂરની સોનાવરણી ધારા મારે કાજે વહાવી દો. ૧૯૨૫-૨૬

૧૪૩

હવે મને અંધારામાં રાખશો નહિ. મને જોવા દો, તમારામાં મારા પોતાનાને જોવા દો, રડાવવું હોય તો રડાવો, પરંતુ આ સુખની ગ્લાનિ સહી જતી નથી. મારાં નયન આંસુની ધારામાં છો ધોવાઈ જાય,—મને જોવા દો, જાણતી નથી કે આ કઈ કાળી છાયા છે, જે જ્યારે વિષમ માયા ગાઢ બને છે ત્યારે પોતાના બળથી ભોળવે છે. સ્વપ્નના ભારથી બોજ ભેગો થયો છે, જીવનભર શૂન્યને શોધવાનો છે. રાતની પેલી પાર જે મારો પ્રકાશ છુપાયેલો છે, તે મને જોવા દો.

૧૪૪

ઘણા દિવસોની મારી શૂન્યતા ભરવી પડશે. મારી મૂંગી વીણાની તંત્રીઓ સુધા-રવે જગાવો. વસન્તનો સમીર તમારો ફૂલ ખીલવનારો સંદેશ પ્રાણમાં લાવી દો. વિશ્વ ઉત્સવમાં બોલાવો. મિલનના કમલમાં તમારી પ્રેમની અરૂપ મૂર્તિ પૃથ્વી ઉપર દેખાડો. સૌની સાથે મને મેળવો, અહંકાર ભુલાવો, બંધ થઈ ગયેલાં બારણાં ખોલાવો, પ્રણતિના ગૌરવથી મને પૂર્ણ કરો. ૧૯૨૭

૧૪૫

મારી વણબોલી વાણીની ગાઢ રાત્રિમાં તારા વિચાર તારાની જેમ શોભે છે. એકાંત મનના વનની છાયાને ઘેરીને વણજોયાં ફૂલની ગુપ્ત સુગંધ ફરે છે; વણુઝર્યાં અશ્રુનીરમાં વેદના છુપાય છે; હૃદયની ગુફામાં વણસાંભળી વાંસળી વાગે છે. મેં ક્ષણે ક્ષણે તને અજાણતાં જ મારાં ગીત અર્પણ કર્યાં છે. પ્રાણની છાબ રમતનાં ફૂલથી સજાવું છું; ક્યારે તું પોતે પસંદ કરીને ઉપાડી લે છે ખબર પણ પડતી નથી; વણદેખ્યા પ્રકાશથી ગુપચુપ બારણું ઉઘાડીને તું મારા કાર્યમાં પ્રાણનો સ્પર્શ કરી જાય છે.

૧૪૬

તારા અને મારા આ વિરહ વચ્ચે સૂરેસરે અને તાલેતાલે હું હજી કેટલા સેતુ બાંધું? તો પણ પ્રાણમાં છૂપી વેદના થયા કરે છે— હવે સંધ્યાકાળે સેવાના કામમાં મને બોલાવી લે. વિશ્વથી દૂર અંતરના અંતઃપુરમાં હું રહું છું; ભાવનાઓની સ્વપ્નજાળમાં ચેતના ભરાઈ રહે છે. દુ:ખસુખ પોતાનાં જ છે; એ બોજો ભારે બની ગયો છે—ચરમ પૂજાના થાળમાં એ સમર્પી શકું તો સારું! ૧૯૨૭

૧૪૭

તારા પ્રેમથી તું જેને ધન્ય કરે છે તે સાચેસાચ પોતાને પામે છે. દુ:ખ, શોક, નિંદા કે અપવાદમાં તેનું ચિત્ત અવસાદમાં ડૂબતું નથી; તેનું બળ સંસારના ભારથી તૂટતું નથી. એના મારગમાં ઘરની વાણી બજે છે, એના કઠિન કામમાં એનો વિરામ જાગે છે, પોતાને એ તારામાં જ દેખે છે; એનું જીવન વિઘ્નોથી રૂંધાતું નથી, એની દૃષ્ટિ અંધકારની પેલી પાર છે. ૧૯૨૭

૧૪૮

દિવસ જ્યારે અસ્ત થયો ત્યારે નિખિલ વિશ્વના અંતર-મંદિરના પ્રાંગણમાં પેલું તારું આહ્વાન આવ્યું. જુઓ, મંગલમય રાત્રિએ ઉત્સવના દીવા જલાવ્યા. આ સ્તબ્ધ સંસારમાં તારું વંદનગીત શરૂ કર. કર્મના કલરવથી કલાન્ત થયેલા તારા અંતરને શાંત કર. ચિત્તરૂપી આસન બિછાવી દો. જો દર્શન નહીં મળે, તો પણ અંધકારમાં તેમનો સ્પર્શ થશે—આનંદથી તે પ્રાણોને જગાવી દેશે. ૧૯૨૭

૧૪૯

જે ધ્રુવપદ તેં વિશ્વની તાનમાં બાંધી આપ્યું છે, તેને જ હું જીવનના ગીતમાં મેળવીશ. ગગનમાં તારો વિમલ નીલ છે, તેતો જોટો હું મારા હૃદયમાં મેળવીશ; —નીરવ પ્રાણમાં શાંતિમયી ગભીર વાણીરૂપે. રાત્રિને કાંઠે ઉષા જે ગીતની ભાષા બજાવે છે, તે ધ્વનિ લઈને મારી નવી આશા જાગશે. ફૂલ જેવા સહજ સૂરથી મારું પ્રભાત ભરપૂર બની જશે; મારી સંધ્યા તે સૂરથી પોતાને ભરી લઈ શકે એમ હું ઇચ્છું છું. ૧૯૨૭

૧૫૦

પૃથ્વી હિંસાથી પાગલ બની છે. (અહીં) નિત્ય નિષ્ઠુર દ્વન્દ્વ ચાલ્યા કરે છે. તેનો માર્ગ ઘોર કુટિલ છે, તેનાં બંધન લોભથી જટિલ છે. બધાં પ્રાણી તારા નવા જન્મ માટે આતુર છે, હે મહાપ્રાણ, ત્રાણ કરો, અમૃતવાણી લાવો, હમેશાં મધુ ઝરતા પ્રેમપદ્મને વિકસિત કરો, હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાધન, ધરણીતલને કલંકરહિત કરો. હે દાનવીર આવો, ત્યાગકઠણ દીક્ષા આપો. હે મહાભિક્ષુ બધાના અહંકારને ભિક્ષા રૂપે લઈ લો. સમસ્ત લોક શોક ભૂલી જાય, મોહનું ખંડન કરો. જ્ઞાનસૂર્યનો ઉદયસમારોહ ઉજ્જવલ બનો – સકલ ભુવનને પ્રાણ પ્રાપ્ત હો, અંધને નયન પ્રાપ્ત હો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો. તાપથી બળેલ નિખિલ હૃદય રૂદનમય છે, તે વિષયોના વિકારથી જીર્ણ, ખિન્ન અને અસંતુષ્ટ છે, પ્રત્યેક દેશે રક્તથી કલુષિત ગ્લાનિનું તિલક ધારણ કર્યું છે. તારો જમણો હાથ તારો મંગલ શંખ લાવો. તારો શુભ સંગીત રાગ તારો સુંદર છંદ લાવો. હે શાન્ત, હે મુક્ત, હે અનંતપુણ્ય, કરુણાઘન, ધરણીતલને કલંકરહિત કરો. ૧૯૨૭

૧૫૧

તૂટેલા પાંદડાની હોડી બનાવીને હું એકલો એકલો રમત કરું છું-જાણે દિક્બાલિકાએ અન્યમનસ્ક ભાવે તરતો મૂકેલો વાદળાંનો તરાપો ન હોય ! જાણે અનાયાસે અલસ છંદમાં અવહેલાપૂર્વક, કોઈ તરંગીએ કોઈ આનંદ-તરંગમાં, સવારમાં બેસાડેલી આંબાની મંજરીઓને સાંજે ખેરવી નાખી ! જે પવન ફૂલની ગંધ લે છે અને દિવસ આથમતાં એને ભૂલી જાય છે, તેના હાથમાં હું મારો છંદ મૂકું છું — ક્યાં જાય છે એની કોને ખબર છે! લક્ષ્યવિહીન સ્ત્રોતના પ્રવાહમાં જાણે, જાણે મારું બધુંયે ખોવાઈ જાય છે. પથના નશામાં હમેશાં મેં પાથેયની અવહેલના કરી છે. ૧૯૨૭

૧૫૨

તારો સૂર સંભળાવીને તું જે ઊંઘ તોડે છે તે મારી ઊંઘ રમણીય છે— જાગરણની સંગિની છે, એને તારો સ્પર્શ આપ. એના અંતરમાં ઊંડી ક્ષુધા છાની છાની તેજ-સુધાને ઝંખે છે. મારી રાત્રિના હૃદયમાં એ છે તારા પ્રભાતની પોતાની પ્રિય. એ વાસ્તે અંધકારને ભેદનાર અરુણુ રંગથી આકાશ રંગાય છે, એના વાસ્તે પંખીના ગાનમાં નવીન આશાનો આલાપ જાગી ઊઠે છે. તારો નીરવ પદધ્વનિ એને આગમનનું(આગમન= શિવપત્ની ઉમાનું પિતૃગૃહમાં આગમન, જે આગમન સંબંધી તે આગમની.) ગીત સંભળાવે છે. સાંજ સમયની એ કળીને સવારના પહોરમાં ચૂંટી લેજે ! ૧૯૨૯

૧૫૩

મારી મુક્તિ આ આકાશમાં પ્રકાશે પ્રકાશમાં છે; મારી મુક્તિ ધૂળે ધૂળમાં અને ઘાસે ઘાસમાં છે. દેહમનથી દૂર દૂરને કિનારે હું પોતાને ખાઈ બેસું છું. ગીતના સૂરમાં મારી મુક્તિ ઊર્ધ્વલોકમાં તણાય છે. મારી મુક્તિ બધા માણસોના મનમાં છે, દુ:ખ અને વિપત્તિને તુચ્છ ગણનાર કઠણ કાર્યમાં છે. વિશ્વવિધાતાની યજ્ઞશાળામાં આત્મહોમની વહ્નિજ્વાળામાં હું મુકિતની આશાએ મારું જીવન જાણે આહુતિ તરીકે અર્પી દઉં. ૧૯૩૨

૧૫૪

હે મધુર, તારો પાર હું પામી શકતો નથી. પ્રહર તો પૂરો થયો. આખા વિશ્વમાં આનંદનો આવેશ વ્યાપી રહ્યો છે. દિનાન્તના આ એક ખૂણામાં, સંધ્યામેઘના અંતિમ સોનામાં, મારું મન ક્યાંય નિરુદ્દેશ ગુંજાર કરી રહ્યું છે. સાયંકાળના કલાંત ફૂલની સૌરભ હવામાં (આવીને) અંગવિહીન આલિંગનથી બધાં અંગોને ભરી દે છે. આ ગોધૂલિની ધૂસરતામાં શ્યામલ ધરણીને છેડે છેડે, વનવનાંતરમાં અસીમ ગીતનું અનુરણન સાંભળું છું. ૧૯૩૨

૧૫૫

બધાં કલુષ અને તામસને હરનાર તારો જય હો તારો જય—સમગ્ર વિશ્વ પર અમૃતવારિનું સિંચન કરો. હે મહાશાન્તિ, મહાક્ષેમ, મહાપુણ્ય, મહાપ્રેમ. જ્ઞાનસૂર્યના ઉદયનો પ્રકાશ અંધકારરાત્રિનો નાશ કરો. દુઃસહ દુઃસ્વપ્નને હણીને ભય દૂર કરો. મોહમલિન, અતિ દુર્દિનને કારણે શંકિત ચિત્તવાળો (એવો હું) પાંથ જટિલ ગહન માર્ગનાં વિઘ્નોના ભયથી ઉદ્ભ્રાન્ત (થયેલો) છું. હે કરુણામય, તારું શરણું માગું છું. દુર્ગતિ અને ભયને હરો, દુઃખનાં બંધનોમાંથી તારનાર મુક્તિનો પરિચય આપો. ૧૯૩૨

૧૫૬

જ્યારે હું અંધ હતો, (ત્યારે) સુખની રમતમાં વેળા વીતી ગઈ હતી, (પરંતુ) આનંદ પામ્યો નહોતો. રમતના ઘરની દીવાલ ખડી કરીને ખ્યાલોમાં જ મસ્ત રહેતો હતો. એ ભીંત તોડીને જેવા તમે આવ્યા તેવું મારું બંધન તૂટી ગયું. હવે સુખની રમત ગમતી નથી, ( કારણ કે) આનંદ પામ્યો છું. હે મારા ભીષણ, હે મારા રુદ્ર, મારી ક્ષુદ્ર નિદ્રા ઊડી ગઈ છે. તીવ્ર વ્યથાથી તમે નવી રીતે મારો છંદ બાંધ્યો છે. જે દિવસે અગ્નિવેશે આવીને તમે મારું સર્વ કંઈ લઈ લીધું, તે દિવસે હું પૂર્ણ થઈ ગયો, મારું દ્વંદ્વ ટળી ગયું. હે આનંદ, સુખદુઃખની પાર તમને પામ્યો છું. ૧૯૩૩

૧૫૭

દુ:ખના અંધકારમાં જો તારા મંગળદીવો જલે, તો તેમ થાવ; મૃત્યુ જો તારા અમૃતમય લોકને પાસે લાવે, તો તેમ થાવ; તારા પૂજાના દીવામાં જો મારો દીપ્ત શોક જલે, તો તેમ થાવ; આંસુભરી આંખો પર તારી સ્નેહભરી દૃષ્ટિ ખીલી ઊઠે, તો તેમ થાવ. ૧૯૩૭