ગીત-પંચશતી/પ્રકૃતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પ્રકૃતિ


શ્રાવણના ગગનમાં ઘનઘોર ઘટા છવાયેલી છે, મધરાત છે, હે સખિ, હું અબલા કામિની કુંજપથે કેવી રીતે જઈશ? ઉન્મત્ત પવનથી યમુના ઊછળે છે, મેઘ વારે વારે ગર્જે છે. વીજળી ચમકારા કરે છે, માર્ગ પરનાં વૃક્ષો ઢળી પડયાં છે, (મારો) દેહ થરથર કંપે છે. વાદળો વારે વારે રિમઝિમ રિમઝિમ કરતાં વરસે છે. શાલ પિયાલ અને તાલ તમાલથી કુંજ નિબિડ અંધકારમય છે. હે સખિ કહે, આવા કસમયે કુંજમાં નિર્દય કાન દારુણ વાંસળીમાં સકરુણ રાધાનામ શા માટે બજાવે છે? મોતીના હારથી મને સજાવ, માથે પાંથી પાડ, છાતી પર વિખરાયલા ચંચલ કેશને ચંપાની માળાથી બાંધ. તારો દાસ ભાનુ કહે છે કે હે બાલા, ગહન રાતમાં નવલિકશોરની પાસે ન જઈશ. વારે વારે ગર્જના થાય છે, તને બહુ બીક લાગશે. ૧૮૭૭

આવ વસંત, ધરાતલ ઉપર આવ. વારે વારે નવી નવી તાન લાવ, નવા પ્રાણ, નવાં ગીત લાવ. ગંધમદથી ભરેલો આળસભર્યો સમીર લાવ. વિશ્વના અંતરે અંતરમાં ગાઢ ચેતના લાવ, નવ ઉલ્લાસના હિલોળા લાવ, પૃથ્વી ઉપર આનંદછંદના હિંડોળા લાવ. બંધનની શૃંખલા તોડી નાખ. પૃથ્વી ઉપર ઉદ્દીપ્ત પ્રાણની વેદના લાવ. થરથર કંપતા, મર્મરથી મુખર બનેલા, નવ પલ્લવથી પુલકિત થયેલા, ફૂલથી લચી પડેલા માલતી લતાના મંડપમાં, સુખકર છાયામાં, મધુર વાયુમાં આવ. વિકસેલા ઊંચા મુખવાળા આવ, ચિરઉત્સુક નંદનવનના પથના ચિરયાત્રી આવ. સ્પંદિત, નંદિત ચિત્તભવનમાં ગીત ગીતે પ્રાણે પ્રાણે આવ. અરુણ ચરણવાળી. કમળવર્ણી તરુણ ઉષાના ખોળામાં આવ. જ્યોત્સ્નાથી વિવશ બની ગયેલી મધરાતે, તરંગોથી ગાજતા નદી કિનારે આવ, સૂતેલા સરોવરના નીરમાં આવ; આવ, આવ. વીજળીની શિખાના જેવા ઝંઝાવાતને પગલે સિંધુતરંગના ઝોલા ઉપર આવ. જાગરણથી ગાજતા પ્રભાતે આવ. નગરમાં, પાદરમાં ને વનમાં આવ, કર્મમાં, વચનમાં ને મનમાં આવ. આવ, આવ. ઝાંઝરથી ઝણકતા ચરણે આવ, ગીતથી ગાજતા મીઠા કંઠે આવ. સુંદર મલ્લિકાની માળા પહેરીને આવ. કોમલ કૂંપળનાં વસ્ત્ર સજીને આવ. હે સુંદર, યૌવનના વેગથી આવ. હે દપ્તવીર, નવાં તેજથી આવ. હું ઉન્મત્ત, વિજયયાત્રા કર, પવનમાં કેસરની રજ વેરતો વેરતો ચંચલ વાળ ઉડાડતો ઉડાડતો જરાનો પરાભવ કરવાના યુદ્ધે ચાલ. ૧૮૮૮

ભુવનમાં આ શી આકુળતા છે! પવનમાં આ શી ચંચળતા છે! આ શો મધુર મદભર્યો રસરાશિ આજે આકાશતળે વહી રહ્યો છે! ચંદ્રનાં કિરણોમાં આ કયું હાસ્ય ઝરી રહ્યું છે, ગગનમાં ફૂલની સુગંધ આળોટી રહી છે! આજે કેવા પ્રાણસભર અનુરાગે વિશ્વના માનવીઓ જાગી રહ્યા છે! આજે આ અખિલ નીલ ગગનમાં સુખનો સ્પર્શ ક્યાંથી લાગી રહ્યો છે! સઘળી વનરાજિ સુખથી રોમાંચિત થઈ રહી છે, મુગ્ધ કરનારી વાંસળી વાગી રહી છે! આજે સુંદર સ્વપ્નોથી પૂર્ણરૂપે વિકસી રહેલું મારું અંતર જુઓ ! ૧૮૯૬

ઝરઝર વરસાદ વરસે છે. હાય રે પથવાસી, હાય રે ગતિહીન, હાય રે ગૃહહીન ! વાયુ હાહાકાર કરતો ફરે છે; જનહીન સીમાહીન મેદાનમાં કોઈને પોકારે છે—રાત અંધારી છે. તરંગાકુલા અધીરી યમુના અકૂલા બની ગઈ છે; ( કાંઠો દેખાતો નથી) એણે તિમિરનું ઓઢણું ઓઢ્યું છે. ઘનઘોર વાદળાં આકાશમાં જોરથી વારેવારે ગડુડુડુ ગર્જનાઓ કરે છે, ચંચળ ચપલા (વીજળી ) ચમકે છે — નથી શશી કે નથી તારા! ૧૮૯૬

વિશ્વવીણાના રવથી વિશ્વજન મોહિત થઈ રહ્યા છે. સ્થળે, જળે, નભતળે, વનમાં, ઉપવનમાં, નદીનદમાં, ગિરિગુહામાં અને પારાવારમાં નિત્ય સરસ સંગીતમધુરિમા, નિત્ય નૃત્યરસભંગિમા જાગે છે. નવ વસંતમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. કુંજમાં અતિ મંજુલ ગુંજન સાંભળું છું. પલ્લવપુંજમાં મર્મર સાંભળું છું, વિજન પુષ્પવનમાં કોકિલકૂજન (સાંભળું છું.), મૃદુ વાયુના હિલ્લોળથી ચંચલ વિભોર વિશાળ સરોવરમાં લલિત કલગીત બજે છે. હરિયાળા વન ઉપર પવન ધીરે ધીરે સંચરે છે, નદી તીરે બરુના વનમાં સરસર મરમર ધ્વનિ જાગે છે. કેટલી દિશાઓમાં કેટલી વાણી છે, કેટલી નવી નવી ભાષાઓ છે, રસધારા ઝરઝર (વરસે છે). અષાઢમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. નીલ અંબરમાં અતિ ગંભીર ડમરુ બજે છે, જાણે કે પ્રલયકર્તા ચંડી નાચતી ન હોય! અરણ્યમાં નિર્ઝરિણી ગર્જન કરે છે. જુઓ ભયંકર વિશાળ એકાન્ત પિયલા અને તમાલના મંડપમાં ભૈરવતાનો રવ ઊઠે છે. પવન અંધારી રાતે મલ્હાર રાગ ગાય છે; અંબર નીચે ઉન્માદિની સૌદામિની (વીજળી) રંગમાં આવીને નૃત્ય કરે છે. દિશાએ દિશામાં કેટલી વાણી છે, કેટલી નવી નવી ભાષાઓ છે, રસધારા ઝરઝર (વરસે છે ). આસોમાં નવો આનંદ છે, નવો ઉત્સવ છે. અતિ નિર્મલ ઉજ્જ્વળ વસ્ત્રોમાં ભુવનમાં નવી શરદલક્ષ્મી વિરાજે છે. (તેની) લટોમાં બીજની ચંદ્રલેખા પ્રકાશે છે. આકાશના નીલકમળમાં અતિ નિર્મલ હાસવિભાસ વિકાસે છે. શ્વેત હાથમાં શ્વેત વીણા બજે છે, મૃદુ મધુર બિહાગ રાગમાં આલાપ જાગે છે. ચંદ્રકિરણોથી ઉલ્લસિત ખીલેલા પુષ્પવનમાં તમરાંનો અવાજ તંદ્રા લાવે છે. દિશા દિશામાં કેટલી વાણી છે, નવી નવી કેટલી ભાષા છે, રસધારા ઝરઝર વરસે છે. ૧૮૯૬

નીલ ગગનમાં શ્યામલ ઘન જોઈને કાજળભીની આંખ યાદ આવી ગઈ. કરુણાથી સિક્ત, વિનતીની વેદનાથી અંકિત ઓઠ (યાદ આવ્યા), વિદાયની વેળાએ ચુપચાપ તાકી રહેવાનું (યાદ આવ્યું). ઝરમર ઝરમર વરસાદ વરસે છે, વીજળી ચમકે છે, પવન પાગલ ગીતથી વનમાં મત્ત બન્યો છે. મારા પ્રાણપુટમાં ક્યાંક વ્યથા જાગે છે, કોના શબ્દો મારા હૃદયના ખૂણામાં બજી ઊઠે છે! ૧૯૦૦

આજે આંધીની રાતે તારો અભિસાર, હે પ્રાણસખા, મારા બંધુ. આકાશ હતાશની જેમ ક્રન્દન કરે છે. મારી આંખોમાં નીંદર નથી. બારણું ખોલીને, હે પ્રિયતમ, વારંવાર જોયા કરું છું. બહાર કશું દેખાતું નથી. તારો માર્ગ ક્યાં છે એ વિચારું છું. સુદૂર કઈ નદીની પેલી બાજુ કયા ગહન વનને છેડે, કયા ઊંડા અન્ધકારમાં તું પાર થઈ રહ્યો છે. ૧૯૦૮

આજે ભર્યાં વાદળોમાંથી વારિ ઝરઝર ઝરે છે. આકાશથી છૂટેલી આકુલ ધારા ક્યાંય સમાતી નથી. શાલ–વનમાં રહી રહીને, હોકારા કરતી, આંધી ઝુલાવે છે. ખેતરોમાં પાણી વાંકુંચૂકું દોડ્યું જાય છે. આજે મેઘની જટાને ઉડાવતું કોણ નૃત્ય કરે છે? ઓરે, વૃષ્ટિમાં મારું મન ભાગે છે, આ આંધીમાં આળોટે છે. હૃદયમાંથી ઊભરાઈને મારા તરંગ કોને ચરણે પડે છે? અન્તરમાં આજ શો કોલાહલ છે! બારણે બારણાંના આગળા ભાંગી ગયા છે. આજે ભાદ્રપદમાં હૃદયની ભીતર પાગલ જાગી ઊઠ્યો છે. આજે આ રીતે કોણ ઘરમાં અને બહાર મસ્ત થઈ ગયું છે? ૧૯૦૮

આજે શ્રાવણનાં વાદળાંની ગાઢ છાયામાં તારાં ગુપ્ત પગલાં પાડતો રાત્રિની પેઠે નીરવ રીતે અને બધાની નજર ચુકાવીને તું આવ્યો. પ્રભાતે આજે આંખો બંધ કરી દીધી છે, પવન વ્યર્થ પોકાર કર્યા કહે છે, નિર્લજ્જ નીલ આકાશને ઢાંકીને કોણે ગાઢાં વાદળાં પાથરી દીધાં? કાનન ભૂમિ કૂજન વગરની છે, બધાં ઘરોનાં બારણાં બંધ છે, (એવે વખતે) પથિક વગરના પથ ઉપર તું કોણ એકલો જઈ રહ્યો છે? હે એકાકી સખા, હે પ્રિયતમ, આ મારું ઘર ખુલ્લું પડ્યું છે, અવજ્ઞાપૂર્વક મને હડસેલી મૂકીને તું સ્વપ્નની જેમ સામે થઈને ચાલ્યો ન જતો. ૧૯૦૮

૧૦

મેઘ ઉપર મેઘ ખડકાયા છે. અંધારું થતું આવે છે, મને શા માટે એકલો બારણા પાસે બેસાડી રાખે છે? કામના દિવસોમાં જાતજાતનાં કામોમાં હું ભાતભાતના લોકો ભેળો રહું છું. આજે તે હું તારે જ ભરોસે બેઠો છું. તું મને દર્શન ન દે, મારી અવહેલા કરે, (તો ) મારી આવી વર્ષાની વેળા શી રીતે જાય? દૂર દૂર આંખ પસારીને હું કેવળ તાકી રહું છું, મારા પ્રાણ તોફાની પવનમાં રડતા ફરે છે. ૧૯૦૮

૧૧

વિમલ ધવલ શઢને મંદ મધુર હવા લાગે છે. દેખી નથી, ક્યારેય દેખી નથી આવી હોડી ચલાવાતી, કયા સાગરને પારથી કયા સુદૂરનું ધન તે લાવે છે? મન તણાઈ જવા ચાહે છે, બધું ઇચ્છવું, બધું મેળવવું,—એને આ કિનારા પર ફેંકી જવા ચાહે છે, પાછળ ઝરમર ઝરમર વરસાદ વરસે છે, મેઘ ગડગડાટ કરતો બોલાવે છે. છિન્નભિન્ન થયેલા મેઘના બાકોરામાંથી અરુણ કિરણ ચહેરા ઉપર આવીને પડે છે. અરે ઓ કર્ણધાર, તું કોણ છે? તું કોની હાસ્ય-ક્રન્દન રૂપ દોલત છે? મારું મન એનો વિચાર કરી મરે છે. કયા સૂરે આજે તાર મિલાવશો, કયો મંત્ર ગવાશે? ૧૯૦૮

૧૨

મારા નયનને મુગ્ધ કરનાર (તું) આવ્યો. હૃદયને ખોલીને મેં શું જોયું ! પારિજતકની પાસે પાસે, ખરેલાં ફૂલોના ઢગલે ઢગલામાં, ઝાકળભીના ઘાસ ઉપર અરુણ જેવાં લાલ ચરણો મૂકતો મૂકતો મારી આંખને મુગ્ધ કરનાર આવ્યો. તડકી-છાંયડીનો પાલવ વનેવનમાં આળેટી પડે છે. ફૂલ એ મુખ તરફ જોઈને મનમાં ને મનમાં શી વાતો કરે છે? અમે તને વધાવી લઈશું, મુખ ઉપરનું ઢાંકણ દૂર કર, એ જરા જેટલું મેઘનું આવરણ બે હાથ વડે હટાવી દે વનદેવીને બારણે બારણે, ગંભીર શંખધ્વનિ સાંભળું છું, આકાશવીણાના તારે તારે તારા આગમનનું ગીત ગાજે છે. સોનાનાં ઝાંઝર ક્યાં વાગે છે, જાણે મારા હૃદયમાં વાગે છે એમ લાગે છે; બધા ભાવોમાં અને બધાં કાર્યોમાં પાષાણને પિગળાવી દેનારી સુધા વર્ષાવતો મારાં નયનોને મુગ્ધ કરનાર આવ્યો. ૧૯૦૮

૧૩

આજે ડાંગરના ખેતરમાં તડકા અને છાંયડાની સંતાકૂકડીની રમત ચાલી રહી છે. નીલ આકાશમાં સફેદ વાદળાંનો તરાપો કોણે તરતો મૂકયો? આજે ભમરાઓ મધ પીવાનું ભૂલી જાય છે, પ્રકાશથી મત્ત બનીને ઊડતા ફરે છે, આજે શા માટે નદીના ભાઠામાં ચકવા-ચકવીનું મિલન છે? ઓરે, આજે હું ઘેર નહી જવાનો, આજે ઘેર નહી જવાનો. અરે, આજે આકાશને ફાડીને બહારના જગતને લૂંટી લાવીશ. હવામાં આજે હાસ્ય ધસી રહ્યું છે. જાણે ભરતીનાં પાણીમાં ફીણના ઢગ. આજે કાંઈ કામકાજ વગર બંસરી બજાવવામાં બધો સમય વીતવાનો. ૧૯૦૮

૧૪

અમે કાશના ગુચ્છા બાંધ્યા છે, અમે પારિજાતની માળા ગૂંથી છે, નવી ડાંગરની મંજરીથી અમે છાબ સજાવીને લાવ્યા છીએ. હે શારદલક્ષ્મી તારા શુભ્ર મેઘના રથમાં, નિર્મલ નીલ પંથે થઈને, ધોવાયેલા શ્યામ પ્રકાશથી ઝળહળતા વનગિરિ-પર્વત ઉપર, શીતળ ઝાકળ ભરેલા શ્વેત શતદલનો મુગુટ પહેરીને આવ. ભરી ગંગાને કાંઠે એકાંત કુંજમાં ખરી પડેલાં માલતીનાં ફૂલથી આસન બિછાવેલું છે; તારે ચરણે પાંખ બિછાવવા માટે હંસ ફરી રહ્યા છે. તારી સોનાની વીણાના તાર ઉપર મૃદુ મધુર ઝંકારથી ગુંજર તાન છેડજે, (એટલે) હાસ્યભર્યા સૂર ક્ષણિક અશ્રુધારારૂપે ગળી પડશે. જે પારસમણિ રહી રહીને અલકને ખૂણે ઝળકે છે તે ક્ષણને માટે કરુણાભર્યા હાથે અમારા મનને હળવેથી અડાડજે. (એટલે) બધા વિચારો સોનાના બની જશે અને અંધારું પ્રકાશ થઈ જશે. ૧૯૦૮

૧૫

મેઘની ગોદમાં તડકો હસી રહ્યો છે, વાદળાં તૂટી ગયાં છે, હે ભાઈ, આજે આપણને રજા છે, આજે આપણને રજા છે. આજે શું કરવું, કંઈ સૂઝતું નથી; રસ્તો ભૂલીને કયા વનમાં જઈએ? બધા છોકરાઓ ભેગા થઈને કયા મેદાનમાં દોડતા ફરીએ? કેવડાના પાંદડાની હોડી બનાવીને ફૂલથી શણગારી દઈશું, તાલતળાવમાં તરતી મૂકીશું, ડોલતી ડોલતી ચાલશે. આજે ગોવાળ બાળકોની સાથે વાંસળી વગાડીને ગાય ચરાવીશું, ચંપાના વનમાં આળોટીને શરીરે ફૂલનો પરાગ લગાવીશું. ૧૯૦૮

૧૬

ફરીથી આકાશ છાઈ દઈને આષાઢ આવ્યો છે. પવનમાં વૃષ્ટિની સુવાસ આવે છે. નવા મેઘની સઘનતા જોઈને મારું આ પુરાતન હૃદય આજે ફરીવાર પુલકથી ડોલી ઊઠીને બજી ઊઠે છે. રહી રહીને વિશાળ મેદાન ઉપર નવા તૃણદલ ઉપર વાદળની છાયા પડે છે. ‘આવ્યો છે, આવ્યો છે' એમ પ્રાણ બોલે છે. આવ્યો છે, આવ્યો છે, એવું ગીત જાગે છે; નયનમાં અને હૃદયમાં ધસી આવ્યો છે. ૧૯૧૦

૧૭

આજે બારણે વસંત જાગે છે. તારા અવગુંઠિત કુંઠિત જીવનથી તેને વિડંબિત ન કર. આજે હૃદયની પાંખડીઓ ખોલી નાખો, ખોલી નાખો, આજે પોતાનો અને પારકાનો ભેદ ભૂલી જાઓ. આ સંગીતમુખરિત ગગનમાં તારી સુગંધના તરંગો જગાવ. આ બહારના વિશ્વમાં દિશાનું ભાન ભૂલી જઈને થોકે થોક માધુર્ય વેરી દો. વનમાં આ તે કેવી ગાઢ વેદના આજે પલ્લવે પલ્લવે ગાજી રહી છે : દૂર ગગનમાં કોની રાહ જોઈને આજે વ્યાકુલ વસુંધરા સાજ સજે છે. મારા પ્રાણમાં દક્ષિણનો વાયુ લાગે છે, બારણે બારણે હાથ પછાડીને કોને માગે છે? આ સૌરભવિહ્વલ રજની કોને ચરણે પૃથ્વી ઉપર જાગે છે. હે સુંદર, વલ્લભ, કાંત, તારું ગંભીર આહ્વાન કોને છે? ૧૯૧૦

૧૮

આજે દક્ષિણનું દ્વાર ખુલી ગયું છે—હે મારા વસંત આવ, આવ, આવ. હું તને મારા હૃદયરૂપી ઝૂલાએ ઝુલાવીશ. હે મારા વસંત, આવ, આવ, આવ. નવ શ્યામલ સુંદર રથમાં તું બકુલ બિછાવેલ માર્ગે આવ. વ્યાકુલ વેણુ બજાવતો, પિયાલ ફૂલની રજ ચોળીને આવ. હે મારા વસંત, આવ, આવ, આવ. ઘન પુલ્લવપુંજે આવ; આવ, આવ. વનમલ્લિકાના કુંજમાં આવ, આવ, આવ. મૃદુ, મધુર, મદિર હાસ્ય કરતો, પાગલ હવાના દેશમાં આવ, તારું ફરફરતું ઉત્તરીય તું આકાશમાં ઉડાવી દે. હે મારા વસંત, આવ, આવ, આવ. ૧૯૧૦

૧૯

વસંતમાં શું માત્ર ખીલેલાં જ ફૂલોનો મેળો ભરાય છે? સુક્કાં પાંદડાં અને ખરેલાં ફૂલની રમત જોતા નથી? જે મોજું ઊઠે છે તેના સૂરમાં સમગ્ર સાગરમાં કેવું ગીત રેલાય છે? જે મોજું પડે છે તેનો પણ સૂર આખો વખત જાગતો રહે છે. વસંતમાં આજે તમે ખેરેલાં ફૂલની રમત જુઓ. મારા પ્રભુના ચરણતલમાં માત્ર શું માણેક જ ઝળહળે છે? તેમના ચરણમાં માટીનાં લાખો ઢેફાં આળોટી ક્રંદન કરે છે. મારા ગુરુના આસન પાસે હોશિયાર છોકરા તો ઘણા છે, પણ ઠોઠને પણ તેમણે ખોળામાં બેસાડ્યા છે, એટલે તો હું તેમનો ચેલો છું. ઉત્સવરાજ ખરેલાં ફૂલની રમત મીટ માંડીને જુએ છે. ૧૯૧૦

૨૦

જે મારા મનના ઊંડાણમાં હતી તે આ શરદના પ્રકાશના કમલવનમાં પ્રગટીને વિહરી રહી છે. આજે પ્રભાતનાં કિરણોમાં તેનાં સોનાનાં કંકણ વાગી રહ્યાં છે, તેનો અંચળો હવામાં કંપી રહ્યો છે, ઘડીએ પલકે છાયા પાથરી રહ્યો છે. ફગફગતા કેશના પરિમલમાં શેફાલિવનનો ઉદાસીન વાયુ વૃક્ષની નીચે પડી રહે છે. હૃદયમાં હૃદયને ડોલાવી રહી છે, અને બહાર જગતને મુગ્ધ કરી રહી છે. આજે તેની આંખોની દૃષ્ટિ નીલ ગગનમાં તેણે ફેલાવી દીધી છે. ૧૯૧૦

૨૧

હે શેફાલિવનના મનની કામના, શા માટે સુદૂર ગગનમાં પવને પવનમાં ભળી ગઈ છે? શા માટે કિરણે કિરણે ઝળકીને ઝાકળમાં ઓગળી જાય છે? શા માટે ચપળ તેજછાયામાં તું તારી માયામાં સંતાઈ રહેલી છે? તું રૂપ ધારણ કરીને ક્ષણેકને માટે નીચે તો આવ. હે શેફાલિવનના મનની કામના ! આજે તું મેદાનમાં વિહાર કરતી રહો, તૃણ (તારા સ્પર્શથી) કંપી ઊઠો, તું તાલવૃક્ષનાં પાંદડાંના વીજણે નીચે આવ, પાણીમાં તારી છબિને વિસર્જિત કરતી નીચે આવ. તારા પાલવમાં સૌરભ ભરીને, તારી આંખમાં સુનીલ કાજળ આંજીને આવ, મારી આંખ સામે ઘડીભર ઊભી રહે ને, હે શેફાલિવનના મનની કામના ! હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ કેટલાં વ્યાકુળ હાસ્ય અને રુદનમાં રાત અને દિવસ સ્વપ્નમાં અને જાગતાં, આગિયાની દીપમાળ પ્રકટાવીને રાત્રીના તિમિરનો થાળ ભરીને પ્રભાતે કુસુમની છાબ સજાવીને, સાંજે તમરાંનાં ઝાંઝર રણકાવીને તારી કેટલી સ્તુતિઆરાધના કરી છે, હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ. સકળ વિશ્વ સાથે આજે તારો સંવાદ ચાલી રહ્યો છે. તું એ શુભ્ર આસન પર બેઠી છે. આહા, શ્વેત ચંદનના તિલકથી આજે તને કોણે સજાવી છે? પોતાની દુઃખશય્યા ત્યજીને આજે કોણે તને વધાવી લીધી છે? તેં કોના વિરહના ક્રંદનને શાંત કરી દીધું છે? હે સોનાના સ્વપ્ન, મારા અરમાનની તૃપ્તિ. ૧૯૧૪

૨૨

તારા મોહક રૂપથી કોણ ભોળવાઈ રહે? શું હું નથી જાણતો કે મરણ નાચે છે, એ ચરણોમાં મૃત્યુ નાચે છે. શરદના પ્રકાશનો અંચળો તોડીને કશાકની ઝલક નાચી ઊઠે છે. છૂટા કેશમાં તેં આંધી આણી છે. હવા કાંપવા માંડે છે; પાકા ધાન ભયભીત બની જાય છે, અને ભર્યા ખેતરમાં ધ્રૂજી ઊઠે છે. રે, હું જાણું છું, આજે વિશ્વના અશ્રુસાગરના કિનારે હાહાકારમાં તારી પૂજા પૂરી થશે. ૧૯૧૪

૨૩

હે શરદ, તારા અરુણ પ્રકાશની અંજલિ મનને મુગ્ધ કરનારી આંગળીઓમાંથી ઊભરાઈ વિખરાઈ ગઈ. હે શરદ, ઝાકળ બિંદુઓથી ધોવાયેલ તારા કેશ અને વનના માર્ગે લહેરાયેલા પાલવથી આજ પ્રભાતનું હૃદય ચંચલ બની જાય છે. માણેક જડેલાં તારાં એક કંકણોથી તારા હરિયાળા આંગણામાં ઝળાંહળાં થાય છે. ગુંજારવના સંગીતથી એવા કયા નૃત્યની મુદ્રામાં કુંજ છાયા ઓઢણી ફરકાવે છે, કે જેથી શેફાલિ (પારિજાત)વનનું હૃદય નાચી ઊઠે છે. ૧૯૧૪

૨૪

આટલા દિવસ હું રાહ જોતો અને દિવસ ગણતો બેઠો હતો. આખરે ફાગણમાં તેં દેખા દીધી, બાળવીરને વેશે તેં વિજય પર વિજય મેળવ્યો – એ તે કેવી નવાઈ! તરુણ કંઠનું ગીત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો છું ! ગંધથી ઉદાસ થયેલી હવાની પેઠે તારી પામરી ઊડી રહી છે, તારા કાનમાં કૃષ્ણચૂડાની મંજરી છે. તરુણ હાસ્યની પાછળ કયો અગ્નિ છુપાયેલો રહે છે— આ તે કેવી નવાઈ ! તું તારાં અસ્ત્ર કયા ભાથામાં સંતાડી રાખે છે? ૧૯૧૫

૨૫

હે દક્ષિણની હવા, હે પથિક હવા, ઝૂલતા હિંડોળા પર (મને) ઝૂલાવ, નવા પાંદડાનાં રોમાંચથી છવાયેલો સ્પર્શ (મને) હળવેથી કરાવ. હું તો રસ્તાની ધારે ઊભેલા વ્યાકુળ વાંસ, એકાએક મેં તારા પગલાં સાંભળ્યાં. મારી શાખાએ શાખાએ પ્રાણના ગીતના તરંગો ઉછાળીને આવ. હે દક્ષિણની હવા, હે પથિક હવા, મારો વાસ તે! રસ્તાની ધારે, હું તારી આવનજાવનને જાણું છું. હું તારા ચરણુની ભાષા સાંભળું છું. તારો થોડોશો સ્પર્શ મને થતાં હું કંપી ઊઠું છું, કાનમાં કહેલી એક વાતથી તું બધી વાત ભુલાવી દે છે. ૧૯૧૫

૨૬

ઓરે ભાઈ, વન વનમાં ફાગણ પ્રકટી ઊઠ્યો છે. ડાળે ડાળે, ફૂલે ફળે, પાંદડે પાંદડે, આડશમાં અને ખૂણે ખૂણે, એણે રંગે રંગે આકાશને રંગીન કરી મૂકયું છે. સમસ્ત વિશ્વ ગીતથી ઉદાસ થઈ ગયું છે. જાણે ચલ ચંચલ નવ પલ્લવદલ મારા મનમાં મર્મરિત થઈ ઊઠે છે. જુઓ જુઓ અવનીનો રંગ ગગનનો તપોભંગ કરે છે. એના હાસ્યના આઘાતે મૌન હવે ટકી શકતું નથી. એ ક્ષણે ક્ષત્રે કંપી ઊઠે છે. આખાય વનમાં પવન દોડી વળે છે. એને ફૂલોનો હજી પરિચય નથી. તેથી જ કદાચ એ વારે વારે, કુંજને દ્વારે દ્વારે દરેક જણને પૂછતો ફરે છે. ૧૯૧૫

૨૭

વસંતમાં ફૂલોએ મારી જયમાળા ગૂંથી. આગ લગાડનાર દક્ષિણપવન પ્રાણોમાં વહ્યો. વીત્યાની વાંસળી ખૂણાના ઓરડામાં નકામી રડી મરે છે— આ વખતે મૃત્યુ મારા વરણની છાબ લઈને આવ્યું છે. આકાશ પાતાળમાં યૌવનની જ આંધી ઊઠી છે. તેણે તેમના નૃત્યના તાલના ઝંકારથી મને પાગલ કરી દીધો. ભેગું કરવાનો ધંધો પૂરો થયો, ઉડાવી દેવાનો નશો લાગ્યો—આરામ કહે છે, ‘મારો જવાનો વારો આવ્યો.’ ૧૯૧૫

૨૮

‘પંથ ભૂલેલો હું એક પથિક આવ્યો છું. સંધ્યાવેળાની હે ચમેલી, સવારની હે મલ્લિકા, તું મને ઓળખે છે કે?’ ‘હે નવીન પથિક. તને બરાબર ઓળખીએ છીએ. તારાં રંગીન વસ્ત્રોના છેડા વને વને ઊડી રહ્યા છે. અરે હે, ફાગણની પ્રભાતના બાવરા, ચૈત્રની રાત્રિના ઉદાસી, તારે પંથે અમે વહ્યા આવ્યા છીએ. ' ‘જ્યારે વીણા વગાડતો વનને પંથે ફરી રહ્યો હોઉં છું ત્યારે ઘર ત્યજેલા આ પાગલને કરુણ ગુંજનથી કોણ બોલાવી રહ્યું હોય છે? ' ‘અરે ઓ ઉદાસી, હું આંબાની મંજરી તને બોલાવી રહી છું. તને નજરે જોયા પહેલાં જ મારી આંખમાં તારાં સ્વપ્નો જાગે છે, હૃદયમાં વેદના જાગે છે. તને ઓળખ્યા વગર જ તારા પ્રેમમાં પડી છું.’ ‘જ્યારે વેળા વીતી જતાં, આ ખેલ પૂરો થતાં, આ ઊની લા’ય ધૂળને રસ્તે થઈને ખરી પડેલાં ફૂલોના રથમાં ચાલ્યો જઈશ, ત્યારે મારી સાથે કોણ આવશે? ' ‘હું. માધવી, આવીશ. ’ ‘અને જ્યારે વિદાયની વાંસળીના સૂરે સૂરે સૂકાઈ ગયેલાં પાન ઊડી જતાં હશે, ત્યારે સાથે કોણ રહેશે !' ‘અરે હું તરુણ કરેણ તારી સાથે રહીશ. અરે હે ઉદાસી, હું તારી સાથે ઉદાસ થઈશ. ’ ‘વસંતના આ લલિત રાગમાં છૂપી છૂપી વિદાયની વ્યથા જાગી રહી છે. અરે, ફાગણના દિવસમાં ક્રંદનભર્યું હાસ્ય હસી રહ્યો છું.’ ૧૯૧૮

૨૯

મારો દિવસ વ્યાકુળ વર્ષાની સાંજે ગાઢ મેઘની નિબિડ ધારામાં પૂરો થયો. વનની છાયામાં જળ છલ છલ સુરથી મારા હૃદયને છલોછલ ભરી દે છે. ક્ષણે ક્ષણે પેલા ગુરુ ગુરુ તાલથી આકાશે આકાશમાં ગંભીર મૃદંગ બજે છે. કયા દૂરનો માણસ જાણે આજે પાસે આવ્યો. અંધકારની આડશમાં મૂંગો મૂંગો ઊભો છે. તેની છાતીએ ગુપ્ત મિલનની અમૃતગંધથી ભરેલી વિરહવ્યથાની માળા ઝૂલે છે, એમ લાગે છે. જાણે તેના ચરણનો અવાજ ઓળખું છું—( પણ ) એના અજાણ્યાના વેશથી હું હારી જાઉં છું. ૧૯૧૯

૩૦

મારી વીણા આજે કયા સૂરમાં કયા નવા ચંચલ છંદમાં વાગી ઊઠે છે! મારું અંતર આજે અખિલ વિશ્વના હૃદયના સ્પંદન સાથે કંપિત થાય છે. કયો અશાંત તરુણ આવે છે? તેના વસ્ત્રનો છેડો ઉડે છે. પ્રકાશના નૃત્યથી વનપ્રદેશ અધીર આનંદથી ગાજી ઊઠયો છે. પેલા આકાશના પ્રાંગણમાં નિઃશબ્દ નૂપુર ગુંજે છે, તે અશ્રુત તાલમાં પલ્લવોના સમૂહમાં કરતાલ વાગી રહી છે. કોના પાદસ્પર્શની આશાએ તૃણે તૃણને ભાષા અર્પી? વનની કઈ સૌરભથી બંધનવિહીન વાયુ ઉન્મત્ત બની ગયો છે. ૧૯૧૯

૩૧

મને કોણે અંદરની તરફ બોલાવ્યો? એમને બોલાવતાં આવડે છે. જેમ આસો માસમાં પ્રભાતને સમયે પારિજાતની ડાળ પરનું સૌરભ-સંગીત મધમાખને બોલાવે છે, તેમ આજે ઘર વગરનાને ઘર મળ્યું, પોતાના મનમાં મગ્ન થઈ ગયો. પેલા ઘર વગરના મેઘને કાને કેવી રીતે હવાનાં મોજાં પર થઈને ખખર પહોંચી ગઈ ! ૧૯૨૧

૩૨

દારુણ અગ્નિબાણે હૃદયને તૃષાથી આઘાત કરે છે. રાત્રિ ઊંઘ વગરની છે, દિવસ લાંબા અને બળ્યાબળ્યા છે. (હૃદય) આરામ જાણતું નથી. વનની સૂકી ડાળે કરુણ કાતર ગીતથી થાકેલો એવો કપોત બોલે છે. ભય નથી, ભય નથી. આકાશ તરફ જોઈ રહ્યો છું. હું જાણું છું કે તું એકવાર મારા તપ્ત પ્રાણમાં ઝંઝાવાતને વેશે આવીને દેખા દેશે. ૧૯૨૨

૩૩

પ્રખર સૂર્યના તાપમાં આકાશ તરસથી કંપે છે. પવન હાહાકાર કરે છે. લાંબા માર્ગના અંતે મંદિરે આવી હું સાદ પાડું છું : ‘ખોલો દ્વાર ખોલો !’ કોઈના આહ્વાનના અવાજથી ક્યારનો બહાર નીકળ્યો છું. પ્રભાતનાં ફૂલના હાર હમણાં મ્લાન થશે. આશા વિનાની ક્ષીણ મર્મર વીણા હૃદયમાં બજે છે. ખબર નથી કે કોઈ છે કે નહીં; તેને ઉત્તર તો મળતો નથી. આજે આખો દિવસ પ્રાણમાં સૂર ભરાઈ ઊઠે છે. એકલો કેવી રીતે ગીતનો ભાર વહીશ? ૧૯૨૨

૩૪

આજે મારું હૃદય, જેને તે જોવા પામ્યું નથી તેને માટે વહ્યું જાય છે. તે બંધન ભૂલી જાય છે, હવામાં ડોલે છે, વર્ષાનાં વાદળાંની ગોદમાં કયા અસંભવના દેશમાં ચાલ્યું જાય છે. ત્યાં વિજન સાગરને કાંઠે, પર્વતની તળેટીમાં શ્રાવણ ઘેરાય છે, રાજાના મહેલમાં તમાલના ઝાડ ઉપર નૂપુર સાંભળીને મયૂર નાચે છે—દૂર દૂર તેપાંતરની (શૂન્ય મેદાનની) પાર. ૧૯૨૨

૩૫

હે તૃષ્ણાનાં જળ, કલકલ છલછલ વહ્યાં આવો, કઠિન, ક્રૂર વક્ષને ભેદીને કલકલ છલછલ વહ્યાં આવો. ગૂઢ અંધકારમાંથી ધારારૂપે વહ્યાં આવો, નિર્મળ જળ, કલકલ છલછલ વહ્યાં આવો. સૂર્યનાં કિરણો તમારી પ્રતીક્ષામાં રહે છે, કારણ કે તમે તેના ક્રીડાના સંગી છો, એથી એઓ તમને ઝંખે છે. એમની સોનેરી તાન તમારામાં ગીતને જગાડે છે. હે ઉજ્જવળ જળ, કલકલ છલછલ આવો. અશાંત પવન તમને હાંક પાડીને બોલાવે છે; આવો, આવો, આવો. એ તમને શોધતો ફરે છે. એના મૃદુંગરવે તમારે તાળી પાડવી પડશે. હે ચંચળ જળ, કલકલ છલછલ આવો. મરુદૈત્યે કશીક માયાના પ્રભાવથી તમને પાષાણ શંખલામાં જકડી રાખ્યાં છે. એ કારાગારને ભાંગીને બંધનહીન ધારાએ વહી આવો. હે પ્રબળ જળ કલકલ છલછલ આવો. ૧૯૨૨

૩૬

હે મારી શ્રાવણમેઘની નાવડીના નાવિક, અશ્રુભરી પૂર્વની હવામાં આજે શઢ ચઢાવી દો. ઉદાસ હૃદય જોઈ રહ્યું છે, એનો ભાર વધારે નથી. એ તો રોમાંચિત કદંબના ફૂલની છાબ જેટલું જ છે. સવાર વેળાએ જે ક્રીડાનો સંગી મારી પાસે હતો, મને લાગે છે કે તેના ઠેકાણાની તને ખબર છે. તેથી જ તારાં નાવિકગીતોથી પેલી આંખ યાદ આવે છે, આકાશને ભરી દઈને વેદનાનું રુદન રણકી ઊઠે છે. ૧૯૨૨

૩૭

તિમિરના ઘૂંઘટમાં તારું વદન ઢાંકીને, તું કોણ અહીં મારા આંગણામાં એકલી ઊભી છે? આજે વાદળઘેરી રાત છે, તારા વાદળાંમાં છુપાઈ ગયા છે; નદીનાં પાણીમાં વરસાદની ધારાઓ ઝરમર પડે છે, તમાલવનને મર્મર ધ્વનિથી ભરી દઈ પવન અવાજ કરતો ચાલ્યો જાય છે. જે વાત તું મારા અંતરમાં ખેંચી આણી રહ્યો છે, તને કયા અંતરથી વાચા આપવી તેની મને ખબર નથી. હું બંધનમાં બંધાઈ રહ્યો છું, એ બંધનને તોડીશ, રસ્તા પર જઈશ, આ વૃથા ક્રંદનમાં આ રાત ન વીતે તો સારું ! કઠોર વિઘ્નોને વટાવવામાં હું અખાડા નહિ કરું ! ૧૯૨૨

૩૮

પૂર્વના સાગરની પેલે પારથી કોઈ પ્રવાસી આવ્યો. (તે) સાપને ખેલ કરાવવાની વાંસળી વારે વારે આકાશમાં, પવનમાં સન સન બજાવે છે. તેથી ક્યાંકથી એકદમ ક્લકલ કરતા સ્રોત રૂપે પ્રત્યેક દિશામાં જળની ધારા ઉલ્લાસપૂર્વક દોડી રહી છે. આજે દિગન્તમાં વારંવાર ડમરુનો ગંભીર અને મોટો અવાજ શરૂ થયો છે. તે સાંભળીને આજે ગગનતલે પ્રત્યેક ક્ષણે અગ્નિના રંગનાં નાગ-નાગિણીઓનાં ઉદાસીન ટોળે ટોળાં દોડી રહ્યાં છે. ૧૯૨૨

૩૯

વાદળ-બાઉલ એકતારો બજાવે છે. આખો વખત ઝરઝરઝર ઝરતી ધારા પડ્યા કરે છે. જાંબુના વનમાં, ધાન્યના ખેતરમાં, પોતાના તાનમાં પોતે જ મસ્ત બનીને નાચી નાચીને તે થાકી ગયો. આકાશમાં ઘનઘટાની જટા અંધકારને ગાઢ બનાવે છે. પાંદડે પાંદડે ટુપુર ટુપુર કરતાં મધુર નૂપુર બાજે છે. ઘર છોડાવનાર આકુલ સૂરથી ઉદાસ થઇને ઘર વગરની પૂર્વની હવા ઘૂમતી ફરે છે. ૧૯૨૨

૪૦

વર્ષાના મેઘમાં, ગગનમાં ગુરુ ગુરુ કરીને માદલ (મૃદંગ જેવું વાદ્ય)વાગે છે. તેના ગભીર નાદથી મારું હૃદય ડોલે છે, પોતાના સૂરથી પોતે જ મુગ્ધ થઈ જાય છે. ગહન પ્રાણમાં ગુપ્ત વ્યથા, ગુપ્ત ગીતરૂપે ( કોણ જાણે) ક્યાં (છુપાયેલી ) હતી; આજે તે બધી હવામાં, શ્યામલ વનની છાયામાં, સર્વત્ર ગીતે ગીતે ફેલાઈ ગઈ. ૧૯૨૨

૪૧

બહુ યુગોની પેલે પારથી મને આષાઢ યાદ આવ્યો. ઝરઝર વરસાદમાં તે કયા કવિનો છંદ બજે છે? જે મિલનની માળા ધૂળમાં ભળી ધૂળ થઈ, તેની સુવાસ આજે ભીના પવનમાં વહી આવે છે. તે દિવસે રેવા નદીના તીરે આવી જ મેઘની ઘટા જામી હતી. શ્યામ શૈલના શિખરે આવો જ વરસાદ વરસ્યો હતો. માલવિકા અનિમેષ નયને માર્ગ તરફ જોઈ રહી હતી. તે જ દૃષ્ટિ કાળા મેઘની છાયા સાથે વહી આવી. ૧૯૨૨

૪૨

શ્રાવણની રાત પૂરી થતાં જ તારી વાડે મેંદીની મંજરી ખીલી ઊઠી. તેની સુવાસ વર્ષાનો વાયુ રહી રહીને વહી લાવે છે, તે મારા મનને ખૂણે ખૂણે સંચરતી ફરે છે. તારી ફૂલવાડીને તેં ક્યારે વાડ કરી? મારા વન તરફ તેં આડશ કરી રાખી હતી, ક્યારેક ગુપ્ત અંધકારમાં વર્ષાની રાત્રિની અશ્રુધારામાં તારી આડશ મધુર થઈને મર્મર ધ્વનિ કરી બોલાવે છે. ૧૯૨૨

૪૩

મારા હૃદય, તારી વૈશાખી આંધી આવતી હોય એવું લાગે છે. ઉદ્દામ ઉલ્લાસથી વાડો ભાંગવાની મસ્તી ઊતરી આવે છે. તારા મોહન ભીષણ વેશમાં, આકાશને ઢાંકતા જટિલ કેશ સાથે આવ્યો. તારી સાધનાનું ધન ચરમ સર્વનાશની ક્ષણે આવ્યું હોય એવું લાગે છે. પવનમાં તારો સૂર ન હતો. તાપથી ભરેલો હતો. પિપાસાથી જેતી છાતી ફાટી ગઈ છે એવી તારી ધરા શુષ્ક અને કઠીન છે. હે હતાશ, હવે જાગ. અવસાદનાં બંધન તોડીને દોડતો આવ. તારા પથનો સાથી વિપુલ અટ્ટહાસ્ય કરતો આવ્યો હોય એવું લાગે છે. ૧૯૨૨

૪૪

હે મારી ચાંદની, આજે ફાગણની સાંજવેળાએ મારા પાંદડે પાંદડે, ડાળે ડાળે તું ઝિલાઈ રહી છે. જે ગીત તારા સૂરની ધારાએ તારાએ તારાએ પૂર લાવી દે એ સૂર આજે મારા પ્રાણના તાલે તાલે મારા આંગણામાં બજી ઊઠ્યો. તારા હાસ્યના ઇશારાથી મારી બધી કળીઓ ખીલી ઊઠે છે. દિશાનું ભાન ભૂલી ગયેલી દક્ષિણની હવા મારાં ફૂલની ગંધથી મત્ત થઈ ઊઠે છે. હે શુભ્ર, તેં મને ચંચળ કરી મૂકયો છે; મારા પ્રાણમાં રંગના હિલ્લોળ જાગ્યા છે. મારું મર્મરિત હૃદય તારા હાસ્યની જાળમાં ઝલાઈ જાય છે. ૧૯૨૨

૪૫

શિયાળાના પવનથી આમળીની ડાળે ડાળે નૃત્ય જાગી ઊઠ્યું છે. પાંદડાંઓને કંપાવીને તાલે તાલે ખેરવી દીધાં. ઉડાડી દેવાની મસ્તીએ આવીને છેવટે તેને કંગાળ બનાવી દીધી. તે વખતે તેના ફળની બહાર વધારે વખત છુપી ના રહી. ખાલી કરીને ભરી દેવાની જેની રમત છે, તેને માટે બધો વખત બેસી રહ્યો છું. લાગે છે કે ઠંડીનો સ્પર્શી રહી રહીને બોલાવી જાય છે, ક્યારે, કઈ સવારે બધું ખોવાનો મારો સમય આવશે? ૧૯૨૨

૪૬

પારિજાત ખીલવાનું આ શિયાળાના વનમાં જેવું બંધ થયું, તે શૂન્ય ક્ષણે તમે આવ્યા. એટલે છાની રીતે છાબ સજાવીને શૂન્ય ક્ષણોમાં દુઃખના સૂરથી વરમાળા ગૂંથું છું. દિવસના કોલાહલમાં તે હૃદયતલમાં ઢંકાયેલી રહેશે—રાતનો તારો જ્યારે ઊગશે ત્યારે તારી સાથે મનોમન સૂરની માળાની અદલાબદલી થશે. ૧૯૨૨

૪૭

આજે દક્ષિણના પવનમાં વનના ઘાસમાં જેનું નામ ખબર નથી એવું વનફૂલ ખીલ્યું છે. ‘એ મારો પથનો સાથી રસ્તે રસ્તે ચુપચાપ આવે જાય છે.’ કૃષ્ણચૂડાનાં ફૂલ અંબોડામાં શોભે છે. બકુલ તારી માળામાં છે. શિરીષ તારો સાજ પૂર્ણ કરશે એ આશાએ તો એ ખીલ્યું છે. ‘એ મારી પથની બંસરીના સૂરે સરે છૂપી રીતે રડે-હસે છે.’ અરે એને દેખો કે ન દેખો, એને ભૂલી જાઓ કે ન ભૂલી જાઓ, અરે ભલે એને ન ઝુલાવો, ને ઊંચકી લો, સભામાં એ તમારું કોઈ નથી, એની સાથે ઘરનો કોઈ સ્નેહનો નાતો નથી. જવા-આવવાના સંકેત લઈને એક પાસ એ રહે છે. ‘અરે ઓ, એની સાથે એકએક નિશ્વાસમાં મારા પ્રાણની વાતચીત ચાલી રહી છે.’ ૧૯૨૨

૪૮

હાથમાં છાબ લઈને તું એ શિરીષ, બકુલ અને આંબાની મંજરી લઈ આવ્યો છે. બધું ક્યારે ખલાસ કરી દેશે અને બીજી દિશાએ ચાલ્યો જશે. હે પથિક, તને હું એળખું છું, તને હું મના નહિ કરું, જવાનો વખત થાય ત્યારે માથે વિજયમાળા ધારણ કરીને જજે, જજે. તેમ છતાં તું જેટલી ક્ષણ છે તેટલી ક્ષણ તારું મિલન હૃદયમાં અસીમ બની જાય છે. તું જ્યારે જશે ત્યારે મારો વિરહ પ્રાણને ગીતથી ભરી દેશે—આખો વખત દૂરની વાતો વ્યથાપૂર્ણ સૂરમાં વાગ્યા કરે છે. ૧૯૨૨

૪૯

હે મંજરી, હે મંજરી, આમ્રમંજરી ! આજે શું તારું હૃદય ઉદાસ થઈને ઝરી જાય છે? મારું ગીત તારી સુગંધ સાથે ભળીને દિશાએ દિશાએ ગુંજતું ગુંજતું ફરી ફરીને ફરે છે. પૂર્ણિમાનો ચંદ્ર તારી શાખાએ શાખાએ તારી સુગંધ સાથે એનું તેજ ભેળવી દે છે. આ દક્ષિણનો પવન સુગંધથી ઉન્મત થઈને આગળા તોડી નાખીને ગોળ ગોળ ફરતો બધે ફરે છે. ૧૯૨૨

૫૦

દક્ષિણાનિલ, જાગ, જાગ, મારા આ સુપ્ત પ્રાણને જગાવ હું વાંસ છું. મારી શાખા પર કેટલાં ગીત નીરવ છે! જાગ, જાગ. હું બંધન-હીન પથિક, પથની ધાર પર મારું કારાગાર છે. તારું નૃત્ય મારા ચિત્તમાં મુક્તિના ઝૂલાનું દાન કરે છે. જાગ, જાગ. ગીતની પાંખ જ્યારે હું ખોલું છું ત્યારે વિઘ્ન અને વેદનાને ભૂલી જાઉં છું. મારા હૃદયમાં જ્યારે તારા પથની વાંસળી જાગે છે ત્યારે, બંધન તોડનાર મારા છંદમાં મૌન ક્રંદનનું અવસાન થાય છે! જાગ, જાગ. ૧૯૨૨

૫૧

હે ચંચળ પવન, ધીરે ધીરે વહે. મધ્યરાત્રિની વાંસળી બજે છે; શાંત થા, શાંત થા. હું પ્રદીપશિખા, તારા માટે બીતી બીતી એકલી જાગું છું. મનની વાત કાનમાં ને કાનમાં ધીમે ધીમે કહે. તારી દૂરની ગાથા, તારો વનનો સંદેશ ઘરના ખૂણામાં લાવી દે. સવારના સમયના તારાને મારે કંઈક વાત કહેવી છે. તે વાત તું કાનમાં ચૂપકીદીથી ગ્રહણ કર. ૧૯૨૨

પર

વસંત તેનાં ગીત કેટલા લાડથી ધૂળ પર લખી જાય છે. એટલે તો તે ધૂળ વારે વારે નવા નવા વેશમાં હસી ઊઠે છે, વારે વારે રૂપની છાબ કેટલા લાડથી પોતાની મેળે જ ભરાઈ જાય છે. મારા હૃદયતલમાં તેવો જ સ્પર્શ લાગ્યો છે. તેટલા માટે જ તે મંત્રબલથી ધન્ય થયું, તેટલા માટે જ પ્રાણમાં કોઈ માયા જાગે છે, વારે વારે રોમાંચિત થાય છે, વારે વારે ગીતની કળીઓ કેટલા લાડથી પોતાની મેળે જ ખીલી ઊઠે છે. ૧૯૨૨

પ૩

હું કશું જ બાકી રાખીશ નહીં. તારા ચાલવાના માર્ગે ભૂમિ છાઈ દઈશ. હે મોહન, તારા ઉત્તરીયને મારી સુવાસથી ભરી લે. તારા ચરણમાં બકુલ, બેલા, જુઈને પૂર્ણપણે વિખેરી દઈશ. દક્ષિણ સાગરના પેલે કિનારેથી હે પથિક, તું આવ્યો છે. (તે) અતિથિને હું વનભૂમિ, મારું સર્વસ્વ અર્પી દઈશ. સર્વસ્વ આપી દેવાની ઇચ્છાથી તારા ચરણને સ્પર્શ કરું છું. મારા માળામાં ભરેલાં બધાં ગીત છે તે તને જ દાન કર્યાં છે. ૧૯૨૨

૫૪

ફાગણના દિવસના પ્રવાહમાં અચાનક માધવી ક્યાંથી આવી? આવીને હસીને કહે છે, ‘હું જાઉં છું, જાઉં છું, જાઉં છું.’ ટોળે ટોળાં પાંદડાં તેને ઘેરી વળીને કાનમાં કાનમાં કહે છે, ‘ના, ના, ના.’ તાથૈ તાથૈ કરતાં નાચે છે. આકાશનો તારો તેને કહે છે, ‘તું આકાશની પાર આવ, તું મારે જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે.’ ટોળે ટોળાં પાંદડાં તેને ઘેરી વળીને કાનમાં કાનમાં કહે છે, ‘ના, ના, ના.’ તાથૈ તાથૈ કરતાં નાચે છે. પવન દક્ષિણમાંથી આવે છે, તેની આસપાસ ફરે છે, કહે છે, ‘ આવ, આવ, આવ.’ કહે છે, 'નીલ અતલને કિનારે દૂર દૂર અસ્તાચલની નીચે દિવસ જાય છે, જાય છે, જાય છે.’ કહે છે, ‘પૂર્ણિમાની રાત્રિનો પ્રકાશ ધીમે ધીમે ઝાંખો થઈ જશે, સમય નથી, નથી, નથી.’ ટોળે ટોળાં પાંદડાં તેને ઘેરી વળીને કાનમાં કાનમાં કહે છે, ‘ના, ના, ના.’ તાથૈ તાથૈ કરતાં નાચે છે. ૧૯૨૨

૫૫

આ નવ ફાલ્ગુનના દિવસે હું તેને ન ઓળખુ તો શું તે મને ઓળખી લેશે? જાણતી નથી, જાણતી નથી. તે મારી કળીના કાનમાં ગીતે ગીતે વાત કરશે, આ નવ ફાલ્ગુનના દિવસે તેના પ્રાણ ખરીદી લેશે? જાણતી નથી, જાણતી નથી. તે પોતાના રંગથી ફૂલને રંગી નાખશે, તે મર્મમાં આવી ઊંઘમાં ભંગ પાડશે, મારા નવા પાંદડાંના ઘૂમટાને તે અચાનક હલાવશે? આ નવ ફાલ્ગુનના દિવસે તે ગુપ્ત વાત જાણી લેશે? જાણતી નથી, જાણતી નથી. ૧૯૨૨

૫૬

એકાએક તારાં ડાળાંપાંદડાં ચંચલ થઈ ઊઠ્યાં, ઓ ચંપા, ઓ કરેણ, આકાશમાં તું કોને જોવા પામી, મને ખબર નથી. પવનમાં કયા સૂરની મસ્તી આવીને ફરતી ફરે છે, આ ચંપા, આ કરેણ, કોના નૃત્યનાં નૂપુર બજે છે, મને ખબર નથી. તને ક્ષણે ક્ષણ વિસ્મય જાગે છે. કોણ અજાણ્યાનું ધ્યાન તારા મનમાં જાગે છે. ફૂલે ફૂલમાં કયા રંગની મસ્તી ઝૂમી ઊઠી, ઓ ઓ ચંપા, ઓ કરેણ, રંગીન સાજમાં કોણે સજાવી, મને ખબર નથી. ૧૯૨૨

૫૭

તે દિવસે મને કહ્યું હતું, મારો સમય થયો નથી—એટલે વળીવળીને ચાલ્યા ગયા. ત્યારે રમતની વેળા હતી—વનમાં મલ્લિકાનો મેળો હતો, પાંદડે પાંદડામાં પવન નિરંતર ચંચલ હતો. આજ હેમંતનો દિવસ આવી ગયો—ધુમ્મસમાં વિલીન, શોભાવિહીન. વેળા હવે બાકી નથી, સમય નથી, થયો શું?—દિવસને અંતે દ્વાર પર બેસીને પથ ભણી જોઉં છું. ૧૯૨૨

૫૮

પૂર્ણ ચંદ્રની માયામાં આજે મારા વિચારો રસ્તો ભૂલે છે. જાણે (તેઓ) સાગરની પારના પંખીઓ છે! તે ચાલી જાય છે, ચાલી જાય છે. પ્રકાશ અને છાયાના સૂરમાં અનંતકાળથી કોઈ દૂર દૂરથી, આવ, આવ, એમ કહી બોલાવે છે. જ્યાં મારી ગુમાવેલી ફાગણની રાત ચાલી ગઈ છે, ત્યાં તે ફરી ફરી પોતાના સાથીને શોધે છે. ત્યાં પ્રકાશ અને છાયામાં અનેક દિવસોની કોઈક વ્યથા, હાય, હાય, એમ કરી રડી રહી છે. ૧૯૨૨

૫૯

તું કેવો તો મનોહર છે તે માત્ર મન જ જાણે છે. મારું હૃદય તારા ગીતે થરથર કંપે છે. આજે આ પ્રભાતવેળાએ વાદળ સાથે તડકાની રમત ચાલી રહી છે. તારી તરફ જોતાં આંખ જળથી છલછલ થઈ ઊઠે છે. પ્રકાશનો ચંચળ ઝળહળાટ નદીના તરંગો પર નાચે છે. વનનું ખિલખિલ હાસ્ય પાંદડે પાંદડે દોડી જાય છે. આકાશમાં આ હું શું જોઉં છું. તારી આંખથી દૃષ્ટિ મારા પ્રાણમાં સુનીલ અમૃતની જેમ ઝરે છે. ૧૯૨૨

૬૦

કોણ જાણે, કાના મનની આ વેદના ચૈત્ર માસની ચંચળ હવામાં છે. ઝૂમકા લતાના ચળકતાં પાંદડાં કોની ચમકીને જોતી દૃષ્ટિથી કંપી રહ્યાં છે. કોની ખોવાઈ ગયેલી એ વાણી, કોના પ્રેમનું સ્મરણ આંબાની મંજરીની સુગંધ જોડે ભળીને વનને આજે રડાવી રહ્યું છે. બે કંકણનો રણકાર અત્યારે કોને યાદ છે. એ જ કંકણના ઝગમગાટ પિયાલવનની શાખાએ નાચે છે. જેની આંખનો આ આભાસ નદીના તરંગને ખોળે ખોળે ઝૂલે છે તેની સાથે મારો પરિચય હતો — એ સમયે કરેલા નૌકાવિહારની વેળાએ. ૧૯૨૨

૬૧

રસ નથી, રસ નથી; ભયાનક બળબળતા બપોરનો સમય છે. તારી નીરવ, ભૈરવ રમત રમો. જો પાંદડાં ખરી પડે તો ભલે પડે; ગૂંથેલી માળા મ્લાન થઈ જાય તો ભલે થાય. જનહીન માર્ગે મરીચિકાની જાળ ભલે ફેલાઈ જાય. સૂકી ધૂળ પર ખરેલાં ફૂલના સમૂહ પર, આકાશ નીચે વંટોળિયાના અંચલ ઉડાવ. જો તું તારા પ્રાણ મરુભૂમિ સમાન કરે તો તેમ થાવ. હું નિર્મમ, તું એકલો છે અને હું એકલો છું. મિલનમેળો કઠોર છે. ૧૯૨૫

૬૨

આંસુભરી વેદના દિશાએ દિશાએ જાગે છે. આજે શ્યામલ મેઘમાં કોની કામના બજી રહી છે? અશાંત વાયુ દોડતો જાય છે. તેના ગાનમાં કોનું રુદન ગાજે છે? કોણ તે વિરહી વ્યર્થ મનામણું કરી રહ્યો છે? ૧૯૨૫

૬૩

આજે શ્રાવણી પૂર્ણિમાએ તું શું લાવ્યો છે, બોલ? હાસ્યથી છલોછલ ભરેલું એવું નયનનું જળ. મેઘલી હવાના દીર્ઘ શ્વાસમાં જૂઇવનની વેદના આવે છે. ફૂલ ખીલવાના ખેલમાં ફૂલ ખેરવવાનું છળ શા માટે? ઓ, તું શું લાવ્યો છે, બોલ? અરે, ચંદ્રની આંખમાં હું શો આવેશ જોઉં છું? એ કયા સ્વપ્નલોકમાં વિચરી રહ્યો છે? મન રસ્તાને કિનારે બેસી રહે છે, જાણતું નથી કોને એ પામશે. ચંચલ હવામાં અવરજવરના ભણકારા તરે છે. અરે, તું શું લાવ્યો છે, બોલ? ૧૯૨૫

૬૪

કદંબના વનમાં છાયાવીથિ તળે આવ, નવધારાજળથી સ્નાન કર. ગાઢ કાળા કેશ વિખેરી નાખ, શરીરને ઘેરીને મેઘનીલ વસ્ત્ર ધારણ કર. આંખમાં કાજળ અને ગળામાં જૂઈની માળા ધારણ કર. કદંબના વનમાં છાયાવીથિ તળે આવ. હે સખી આજે ક્ષણે ક્ષણે હાસ્ય અધર ઉપર અને અને નયનોમાં ચમકી ઊઠો, તારો મધુર સ્વર મલ્લારના ગીતમાં વનમર્મરને, સઘન વર્ષાને અને જળના કલકલને વાણી આપો. ૧૯૨૫

૬૫

આજ આવી રહી છે અતિ ભૈરવ હર્ષથી, જળથી સિંચાયેલી પૃથ્વીની ઉત્કટ સૌરભ સાથે, ઘનગૌરવથી શ્યામ ગંભીર રસપૂર્ણ વર્ષા. ભારે ગર્જનાથી નીલ અરણ્ય કંપી ઊઠે છે, ચંચળ મોર કેકા કરતો કરતો વિહરે છે — બધાનાં ચિત્તને હરખાવનારી વાદળના ગૌરવવાળી મત્ત વર્ષા આવી લાગી છે. હે તરુણી પથિક લલનાઓ, તમે ક્યાં છો? વીજળીથી ચમકેલી આંખવાળી ગ્રામવધૂઓ ક્યાં છો? ક્યાં છો માલતીની માળા પહેરેલી ક્યાં છો પ્રિય પરિચારિકાઓ? આ અભિસારિકાઓ તમે ક્યાં છો? ગાઢ વનમાં ઘનનીલ વસ્ત્રો સજીને તું આવ, લલિત નૃત્યે તારી સ્વર્ણ કટિમેખલા બજી ઊઠો, મનોહારી વીણા પણ લાવો. ક્યાં છો વિરહિણી? ક્યાં છો તમે બધી અભિસારિકાઓ? મૃદંગ, મુરજ અને મધુરા મુરલો લાવો. શંખ વગાડો, વધૂઓ મંગલધ્વનિ કરો — વર્ષા આવી છે. હે નવઅનુરાગિણી, હે પ્રિયસુખભાગિની, કુંજકુટીરમાં ભાવથી વ્યાકુલ લોચને બેઠેલી હે સુંદરી, ભૂર્જપત્ર પર નવાં ગીતો રચો, મેઘમલ્લાર રાગમાં. વર્ષા આવી છે, હે નવઅનુરાગિની. કેતકીની રેણુથી કેશપાશ સુરભિત કરો, ક્ષીણ કટિએ કરેણની માળા ગૂંથીને પહેરો, શય્યા પર કદમ્બની રેણુ બિછાવી દો. નયનમાં અંજન આંજો. બે કંકણને રણકાવીને તાલ ગણી ગણીને ઘરના પાળેલા મોરને નચાવો. સ્મિતવિકસિત મુખે — કુસુમશય્યા પર કદમ્બની રેણુ બિછાવી દો. વર્ષા આવી છે, નવવર્ષા આવી છે. આકાશને ભરી દઈને પૃથ્વીને આશા આપનારી વર્ષા આવી છે. પવનમાં વનવીથિકા સન સન ડોલી રહી છે. તરુલતા ગીતમય છે. શતજુગના કવિઓ આકાશમાં ભેગા મળીને મત્તમદિર પવનમાં શતજુગનાં ગીતો ગાઈ રહ્યા છે. શતશત ગીતથી વનવીથિકા મુખરિત થઈ ઊઠી છે. ૧૯૨૫

૬૬

કદમ્બના જ વનને ઘેરીને અષાઢના મેઘની છાયા ખેલી રહી છે, પિયાલ વૃક્ષો અભિનયના ઠાઠમાં પવનમાં ઝૂમે છે. વર્ષાના સ્પર્શથી વનવનમાં કંપ ફેલાઈ જાય છે. મારું આ વિરહી મન દૂર દૂર જવા માટે પાંખો પ્રસારે છે. કશા અકારણ વેગથી આકાશ માર્ગે બગલાંઓ દોડ્યે જાય છે. પાંખના ગીતનું તોફાન સ્પર્શવાથી પૂર્વની હવામાં તરંગો ઊઠે છે. તમરાંઓથી મુખર વાદળભરી સાંજે આ હૃદયમાં કોણ દેખા દે છે? સ્વપ્નરૂપે ગુપચુપ મારી વ્યથા પર ડગ માંડીને આ કોણ ચાલે છે? ૧૯૨૫

૬૭

પૂર્વનો પવન આજે કેવો તો ઝૂમી રહ્યો છે ! હૃદયનદીના તીરે તીરે તરંગ ઊઠે છે. તેથી એકલી ઘાટ પર વાટ જોતી, કંઈ કામ વિના સમય વ્યતીત કરું છું. તારા સૂરની નાવ શઢ ચઢાવીને ઓ આવે. મારી વ્યથા કોઈ સીમાને માનતી નથી, કોઈ અવરોધને માનતી નથી. મારો પ્રાણ નિદ્રાને જાણતો નથી; જાગરણને પણ જાણતો નથી. આજ અનંતમાં તારું અને મારું ગીત મળશે, (તેના) રસના પૂરમાં આજે રાત્રિ વહી જશે. ૧૯૨૫

૬૮

હે આષાઢ, તારી માળા વજ્રરૂપી માણેકથી ગૂંથેલી છે. તારી શ્યામલ શોભાની છાતીમાં વિદ્યુતની જ જ્વાળા છે. તારા મંત્રબળથી પાષાણ પીગળે છે. ફસલ ફળે છે, મરુભૂમિ તારે ચરણે ફૂલની છાબ વહી લાવે છે. તારો કયો ઉત્સવ છે કે પાંદડે પાંદડુ મર્મર ધ્વનિ કરે છે અને પાણીનો અવાજ ઝરઝર રવે તથા વાદળની પખાજ ગુરુગુરુ રવે વાગે છે? લીલી સુધાની ધારા વડે તપેલી ધરતીમાં તું પ્રાણ લાવી આપ. ડાબી બાજુએ મરણ ઢાળતી ભયંકર રેલને રાખ. ૧૯૨૫

૬૯

હે પ્રિયતમ, આજ આ સઘન શ્રાવણની સવારે સાથે રહો, સાથે રહો. સાથી વિનાની રાતે શું તું મારા સ્વપ્નમાં હતો? હે પ્રિયતમ, સમય વ્યર્થ જાય છે. આજ આ વર્ષામાં, આકુળ પવનમાં મારા હૃદયમાં કંઈ વાત કહો, હાથમાં હાથ રાખો ! ૧૯૨૫

૭૦

જે ગયા તેમને જવા દે. તું ન જઈશ, ન જઈશ, મારું વર્ષાનું ગીત પૂરું નથી થયું. કુટિરે કુટિરનાં બારણાં બંધ છે, નિર્જન રજની અંધકારમય છે, વનના અંચલ ચંચલ થઈને કંપે છે, અધીરો સમીર તંદ્રાહીન છે. દીપ હોલવાઈ ગયો છે તો છો હોલવાતો, અંધારામાં તું તારો સ્પર્શ ચાલુ રાખ. મારા ગીતના તાલની સાથે સાથે તારે હાથે કંકણ વાગો, જેમ નદીના છલકછલકતાં પાણીમાં શ્રાવણની ધારા ઝરઝર ઝરઝર ઝરે છે. ૧૯૨૫

૭૧

શરદના પ્રભાતે મારી રાત પૂરી થઈ. હે વાંસળી, હું તને કોના હાથમાં આપી જાઉં? તારે હૈયે ફાગણમાં અને શ્રાવણમાં કેટકેટલી સવારે અને રાતે વિદાયનાં અને આગમનનાં ગીતોના કેટલાય ધ્વનિ બજ્યા છે. જે વાત પ્રાણની અંદર અગોચરપણે રહે છે તે તેં ગીતે ગીતે ચોરી લીધી હતી. પરોઢના તારાની પેઠે તેનો સમય પૂરો થઈ ગયો છે, પારિજાતનાં ફૂલના મરણ સાથે તેને પૂરી કરી દે. ૧૯૨૫

૭૨

હવે અવગુંઠન ખોલ. ગાઢ મેઘની માયામાં, નિર્જન વનની છાયામાં, તારું આળસમાં ભોંય ઉપર આળોટવાનું પૂરું થયું. પારિજાતની સુગંધ ભરી રાતે ખીલેલી ચાંદનીમાં મૃદુ મર્મર ગીતમાં તારી મર્મરવાણી બોલ. વિષાદના અશ્રુમાં શરમનું હાસ્ય ભળી જાઓ, માલતી મંડપ તળે પ્રિયતમની વાંસળી વાગો. ઝાકળ ભીની હવામાં, છાયા અને પ્રકાશથી વીંટાયેલા વિરહમિલનથી ગૂંથેલા નવા પ્રાણના ઝૂલાએ ઝૂલ. ૧૯૨૫

૭૩

કોની બંસી રાત પૂરી થતાં મારા પ્રાણે બજી ઉઠી? દિગન્તે અરુણના કિરણની કળીઓ ફૂટી રહી છે. શરદના પ્રકાશમાં સુન્દર આવે છે, ધરણીની આંખ ઝાકળમાં તરી રહી છે. હૃદયના કુંજવનમાં મધુર શેફાલિકા મંજરિત થઈ ઊઠી છે. ૧૯૨૫

૭૪

આજે કિસલયને તેના કાંઈ સમાચાર મળ્યા છે કે? તેઓ કોની વાત વન આખામાં કરે છે? આકાશ સમગ્રમાં દૂર દૂર કયા પથિકનો જય પ્રત્યેક સૂરમાં ગાઈ રહે છે? જ્યાં ચંપાકળીની શિખા જલી રહી છે, ત્યાં તમરાંના અવાજથી ભરપૂર ગાઢ વનતલમાં, કવિ, આવો, આવો, માળા પહેરો, બંસરી ધારણ કરો. ગાનેગાને વિનિમય થાઓ. ૧૯૨૫

૭૫

મધ્યરાત્રિના પ્રાણે આજે ચંદ્રના પ્રકાશમાં કોઈક સુધાનું પાન કર્યું છે, તેથી મનના આનંદમાં આજે (તેનું ) કાંઈ પણ ગુપ્ત રહ્યું નથી. અંધકારના આવરણને તોડી ફોડી સર્વસ્વનું દાન કર્યું છે. દક્ષિણના પવને તેના સઘળાં દ્વાર ખોલી દીધાં છે. તેના નિમંત્રણથી આજે વનેવને ફરું છું. આખી રાત જાગેલું મારું ગીત સાથે લઈને આવ્યો છું. ૧૯૨૫

૭૬

ફાગણ માસ શરૂ થતાં જ જે બધાં સૂકાં પાંદડાં ખરી પડયાં તે આજ રડતાં રડતાં પૂછે છે, ‘પેલી ડાળ પર ફૂલ ફૂટ્યાં? અરે, કહો, કેટલાં ફૂટ્યાં?’ તેઓ કહે છે, ‘એકાએક આવેલા પવનમાં માધુર્યનું દૂર દૂરનું હાસ્ય, હાય, તણાઈ આવ્યું. ગાંડા પવનથી વ્યાકુળ થઈને અમે સેંકડો ખરી પડ્યાં.’ તેઓ કહે છે, ‘તો શું આજે તે નવા વેશમાં આવ્યો છે? તો શું આજે આટલે વખતે જે ગીત મનમાં હતું તે વનમાં ગૂંજી ઊઠ્યું? એ સંદેશ સાંભળીને આ વખતે તો (અમે) ચાલી જઈએ.’ ૧૯૨૫

૭૭

હે ધરણી, દૂર દૂર જોતી આજ (તું) કેમ જાગી રહી છે? જાણે કે કોઈના ઉત્તરીયના સ્પર્શથી આનંદ અનુભવતી હોય! આજે કોનું મિલનગીત વનની કેડીને ધ્વનિત કરી રહ્યું છે? કયો અતિથિ આકાશના નવીન મેઘમાંથી (તારા) મુખ તરફ જોઈ રહ્યો છે? કદંબ ફૂલની દોરી વડે માથા પર (તેં) વસ્ત્ર ઓઢ્યું છે. આંખની પાંપણોમાં નીલિમાનું કાજળ આંજી (તું) સજ્જ થઈ છું. તારા પેલા વક્ષ નીચે તાજાં લીલાં દુર્વાદળમાં પ્રાણના રોમાંચથી પ્રકાશની ઝલક ઝળહળે છે. ૧૯૨૬

૭૮

આવ, આવ, આવ, હે વૈશાખ. તાપસના નિશ્વાસના વાયુથી મુમૂર્ષુને ઉડાવી દે, વર્ષાનો કચરો દૂર થઈ જાઓ. પુરાણી સ્મૃતિ ચાલી જાઓ, ભુલાઈ ગયેલાં ગીતો ચાલ્યાં જાઓ, આંસુ દૂર દૂર અદૃશ્ય થઈ જાઓ. ગ્લાનિ ભૂંસાઈ જાઓ, જરા દૂર થઈ જાઓ, ધરતી અગ્નિસ્નાનથી પવિત્ર થાઓ. રસના બધા આવેશો આવીને સૂકવી નાખ, તારા પ્રલયનો શંખ લાવ. માયાના ધુમ્મસનું જાળું દૂર થઈ જાઓ. ૧૯૨૭

૭૯

હે પથિક, આટલી ચંચળતા શાને? કયા શૂન્યમાંથી તને કોના ખબર મળ્યા છે? નયન કોની પ્રતીક્ષામાં રત છે? વિદાયના વિષાદથી ઉદાસ જેવા ઘન કુન્તલનો ભાર લલાટ પર ઝૂકેલો છે. થાકેલી વિદ્યુતવધૂ તન્દ્રામાં પડી છે. પુષ્પરેણુથી છવાયેલા કદમ્બવનમાં મર્મરથી મુખરિત મૃદુ પવનમાં વર્ષાના હર્ષથી ભરી ધરણીની વિરહથી શંકિત કરુણ કથા (બજી રહી છે). ધીરજ ધર, ધીરજ ધર, તારા કંઠમાંની વરમાળા મ્લાન થઈ નથી—હજી મ્લાન થઈ નથી. પુષ્પની સુગંધ અર્પણ કરનારી વેદનસુંદર માલતી તારે ચરણે નમેલી છે. ૧૯૨૭

૮૦

ગગન ગગનમાં મનની મોજમાં આ તારી કેવી રમત છે! તું કેટલા વેશમાં ક્ષણ ક્ષણ નિત્ય નવીન છે. જટાની ગભીરતામાં સૂર્યને છૂપાવી લીધો, છાયાપટ પર આ કેવી તસ્વીર અંકિત કરે છે! મેઘમલ્હારમાં મને શું કહો છો, કેવી રીતે કહું? વૈશાખની આંધીમાં તે દિવસનું તે અટ્ટહાસ્ય ગુરુ ગભીર સ્વરમાં કયા સુદૂરમાં વહી જાય છે, તે સોનેરી પ્રકાશ શ્યામલતામાં ભળી ગયો—શ્વેત ઉત્તરીય આજે કેમ કાળું છે? છાયામાં મેઘની માયામાં કયો વૈભવ છુપાવ્યો? ૧૯૨૭

૮૧

પ્રકાશનું વિમલ કમળ કોણે ખીલવ્યું? નીલ આકાશની નિદ્રા કોણે ભગાડી મૂકી? મારા મનની ચિંતાઓ પાંખ પ્રસારીને બહાર નીકળી પડી. એ કમળના માર્ગ પર એને ભેળી લઈ લીધી. શરદની વાણીની વીણા કમળદલ પર બજી રહી છે. તેથી પારિજાત તળે લલિત રાગના સૂર ઝરે છે. તેથી જ તો પવન મત્ત થઈ કૂણાં ધાનનાં હરિયાળાં ખેતરોમાં ફરતો ફરે છે. વનના પ્રાણમાં એ મર્મરના તરંગો ઉપજાવે છે. ૧૯૨૭

૮૨

શિયાળાની રાતે પેલા ગગનના દીવાઓને હેમંતિકાએ પાલવ ઢાંકીને છુપાવી દીધા. ઘેરે ઘેર સંદેશ પાઠવ્યો—‘દિવાળીમાં દીવો પેટાવો, દીવો પેટાવો, પોતાના દીવો, દીવાઓથી પૃથ્વીને સજાવો’. ફૂલનો બાગ આ વખતે ખાલી છે, દોયલ (દૈયડ) કે કોયલ ગીત ગાતાં નથી, નદીને કિનારે કાશ ખરી જાય છે. અવસાદ, કાળો વિષાદ ભલે જાય, દિવાળીમાં દીવો પેટાવો— દીવો પેટાવો, પોતાનો દીવો, પ્રકાશની જયવાણી સંભળાવો. દેવો આજે પ્રતીક્ષા કરી રહ્યા છે. પૃથ્વીનાં પુત્રપુત્રીઓ જાગો, રાત્રિને પ્રકાશથી જગાવો. અંધકાર આવ્યો, દિવસ પૂરો થયો, દિવાળીમાં દીવો પેટાવો—દીવો પેટાવો, દીવો, પોતાનો દીવો, આ તામસી પર વિજય મેળવો. ૧૯૨૭

૮૩

હાય હેમંતલક્ષ્મી, તમારી આંખો કેમ ઢંકાયેલી છે—ધુમ્મસનો ગાઢ ઘૂમટો ધૂંવાડિયા રંગથી અંક્તિ છે, તમારા હાથમાંનો સંધ્યાદીપ ધુમ્મસમાં નિસ્તેજ દેખાય છે, તમારા કંઠમાંની વાણી કરુણ આંસુથી ભરી છે. ધરતીનો ખોળો સોનાના પ્રચુર ધાનથી ભરી દીધો છે. દિગ્વધૂઓનું આંગણું આજ તમારા દાનથી પૂર્ણ છે. પોતાના દાનની પાછળ તમે શા માટે આસન પાથરીને રહ્યાં છો ! તમે પોતાને આવી રીતે છૂપાં રાખો છો તે કેવું? ૧૯૨૭

૮૪

જે પથ પર તેં તારી ચરણરેખા આંકી દીધી તેનાં ચિહ્ન તેં આજે તારી જાતે જ ભૂંસી નાખ્યાં? અશોકની રેણુએ જેની ધૂળ રંગી તે (પથને) આજે તૃણતલે ઢંકાઈ ગયેલો જોઉં છું. ફૂલ ખીલવાનું પૂરું થાય છે, પંખીઓ પણ ગીત ભૂલી જાય છે. દક્ષિણનો પવન પણ ઉદાસી થઈને ચાલ્યો જાય છે. તો શું અમૃતે એને ભરી દીધો નહોતો? એનું સ્મરણ શું મૃત્યુમાં જ જઈને અટકી જશે? ૧૯૨૭

૮૫

હે ગંભીર, નીલ અને કાજળકાળાં વાદળોના ઢગલાની છાયાથી આકાશ છવાઈ ગયું છે. વનલક્ષ્મીની કાયા કંપે છે. અંતર ચંચલ છે. હે ગંભીર, તેની કંસારીનાં ઝાંઝર ઝમકે છે. મેઘથી ગાજતા છંદે વર્ષાનું ગીત મુખરિત થયું છે. કદંબવન આનંદઘન ગંધમાં અત્યંત મગ્ન થઈ ગયું છે. હે ગંભીર, તારું ઉત્સવમંદિર આનંદમાં આવી ગયું છે. ધગધગતી પથારીમાં તપી ગયેલી ધરણી તરસી થઈને પડી હતી. તેં તેને ઇન્દ્રલોકના અમૃતવારિના સમાચાર મોકલ્યા. માટીની કઠણ બાધા નબળી પડી ગઈ. દિશાએ દિશામાં ચિરાડ પડી ગઈ, અને ધરાતલ નવા અંકુરની જયપતાકાથી છવાઈ ગયું. હે ગંભીર બંદીનાં બંધનો તૂટી ગયાં છે. ૧૯૨૯

૮૬

હે શ્યામલ છાયા, તું ભલે છેલ્લી વર્ષાની ધારા વહાવીને ના જાય, સમય જો પૂરો થઈ ગયો હોય તો તેને હસીને વિદાય આપો. આ વખતે ભલે અસમયની રમત રમીને વખત પૂરો થતો. હે મલિન, શરદ આવીને તારી લાજ દૂર કરશે અને શણગાર પહેરાવશે. તરુણુ સૂર્ય હસી ઊઠશે, મેઘ સોનાની વાંસળી વગાડશે—તડકો અને છાંયો યુગલ રૂપે આકાશમાં મિલન વિસ્તારી દેશે. ૧૯૨૯

૮૭

જ્યારે મલ્લિકાવનમાં પહેલવહેલી કળી બેઠી હતી ત્યારે, હે સખા, મેં તારે માટે અંજલિ બાંધી હતી. ત્યારે પણ ધુમ્મસથી ઘેરાયેલી તરુણી ઉષાના ભાલ પર અરુણમાલિકા શિશિર બિંદુઓથી છલોછલ થઈ રહી હતી. હે સખા, હજી પણ વનનાં ગીત બંધ તો પડયાં નથી, તોયે તું અત્યારે જ ચાલ્યો જશે? ઓ મારી કરુણ વેલી, તારી શ્રાન્ત મલ્લિકા, ઝરું ઝરું થઈ ગઈ છે, આ વખતે તારી છેવટની વાત તું કહી દે. ૧૯૩૦

૮૮

થોડોક સ્પર્શ થાય છે, થોડી વાત સાંભળું છું. એનાથી મનમાંને મનમાં મારી ફાલ્ગુની (વસંતોત્સવ) રચું છું. કંઈક પલાશનો નશો, કંઈક વળી ચંપાનો મેળ, એનાથી સૂરે સૂરે રંગ ને રસની જાળ વણું છું. ક્ષણિકની વચ્ચે વચ્ચે જે કંઈ પાસે આવે છે તે વિસ્મિત મનના ખૂણામાં સ્વપ્નનું ચિત્ર આંકે છે. જે કંઈ દૂર જાય છે તેને સૂરે વિચારોમાં આંદોલન થાય છે, તેને લઈને નૂપુરના તાલ ગણતાં વખત વહી જાય છે. ૧૯૩૦

૮૯

હે ખરેલા પાન, હું તારા જ દળમાં છું. પુષ્કળ હાસ્ય અને પુષ્કળ અશ્રુજળથી મારા હૃદયમાં ફાગણે વિદાયમંત્ર દીધો. હે ખરેલા પાન, વસંતી રંગ વડે છેવટના વેશમાં તેં આ કેવો સાજ સજ્યો છે ! વસંતના આ ચરમ ઇતિહાસમાં તેં ઘાસે ઘાસે ધૂળમાં હોળી ખેલી. તારી જ પેઠે મારા ઉત્તરીયને પણ આગના રંગે રંગીન કરી નાખ. મારા પ્રાણની છેવટની પૂંજીને આથમતો સૂરજ પારસમણિ અડાડો.

૯૦

મારા પ્રાણમાં તમે ગુપચુપ કંઈક આપતા જાઓ—ફૂલની ગંધરૂપે, બંસીના ગીતરૂપે, મર્મર-મુખરિત પવનરૂપે. તમે કંઈક લેતા જાઓ વેદનામાંથી વેદનામાં—હાસ્યમાં લીન એવાં મારાં અશ્રુ, નયનોમાં નીરવ એવી વાણી ! ૧૯૩૦

૯૧

ઘનઘોર અમાવાસ્યાના અંધકારમાંથી ભરતીના સ્ત્રોતમાં શુક્લ રાતે ચંદ્રની નાવ બહાર આવી. માલ લઈ જનારી નાવ અરૂપ ફૂલોથી ભરી; અમરાવતીના કિનારે ચમેલી રંગના દીવાઓની માળાથી છાબ સજાવી. તિથિ પછી તિથિના ઘાટ પર ડોલતી ડોલતી નૌકા આવે છે. ધરતી ચૂપચાપ સ્વપ્નમાં હસે છે. ઉત્સવનો સામાન લઈ શું આ તંદ્રાને હરનાર (નાવ) અંતે પૂર્ણિમાને કિનારે આવી નાંગરી? ૧૯૩૦

૯૨

વસંતે વસંતે તું તારા કવિને સાદ પાડે છે— તેને આવવું હોય તો આવે. તે વાણી છે તે સૂરથી ભરેલી છે, તે દૂર નહીં રહે. તેનું હૃદય તારી કુંજમાં મૂગું નહીં રહે. તેનો છંદ કળીઓના નવા નૃત્યમાં નાચી નાચીને જીવતો રહેશે. તારી વીણા તેને ભૂલી ના જાઓ, તારા પ્રત્યેક ફૂલમાં, ભમરાના ગુંજારવમાં તેની વેદના રહો. ૧૯૩૦

૯૩

વેદના કઈ ભાષામાં મર્મમાં મર્મર કરી, ગુંજન કરી પ્રગટ થાય છે? તે વેદના પવન પવનમાં સંચરે છે. ( એણે) ચંચલ વેગથી વિશ્વને દોલાયિત કરી દીધું છે. હું દિવસ અને રાત નિદ્રા હરી લેનારા વિરહમાં છું. હે મનમોહન, તારા નંદનવનના આંગણાના દ્વાર પર આકુલ પ્રાણથી પારિજાતમાલાની સુગંધ પ્રહાર કરી રહી છે. ૧૯૩૦

૯૪

હે માધવી, દ્વિધા કેમ છે? આવીશ કે પાછી વળી જઈશ? આંગણામાં બહાર આવતાં જ મન કેમ ખમચાઈ ગયું? પવનમાં છુપાઈ રહીને કોણ મને બોલાવી ગયું છે? પાંદડે પાંદડે તને તે પત્ર લખી ગયો છે. ક્યારે દક્ષિણમાંથી કોઈએ દરવાજાને ઠેલ્યો, ચમેલી ચમકીને આંખ ખોલી જાગી ઊઠી. બકુલે મુક્તિ મેળવી છે, કરેણે પ્રત્યુત્તર આપ્યો છે. શિરીષ દૂરથી કોને જોઈને રોમાંચિત થાય છે? ૧૯૩૦

૯૫

હે સુન્દરી વધૂ, તું તો છે. મધુમંજરી, પુલકિત ચંપાના અભિનંદન સ્વીકાર, પર્ણના પાત્રમાં ફાગણની રાતે મુકુલિત મલ્લિકાની માળાનું તારે બંધન છે. હું વસંતની સુવાસની અંજિલ લાવ્યો છું. એમાં પલાશનું કુમકુમ, ચાંદનીનું ચંદન છે, પારુલ પુષ્પનો હિલ્લોલ છે, શિરીષનો હિંડોળો છે. મંજુલ વલ્લીના બંકિમ કંકણ છે. ઉલ્લાસથી ચચળ વાંસવન કલ્લોલિત થઈ ઊઠ્યું છે. કંપતા કિસલયને મલયનો પવન ચૂમે છે. હે પ્રિયતમે, તારી આંખના પલ્લવ પર ગગનના નવનીલ સ્વપ્નનું અંજન આંજી લે. ૧૯૩૨

૯૬

મારી આંખમાં તૃષ્ણા છે, તૃષ્ણા મારી છાતીને વ્યાપીને રહી છે, હું વૃષ્ટિહીન વૈશાખનો દિવસ, મારા પ્રાણ સંતાપથી બળી જાય છે. ગરમ હવામાં આંધી ઊઠે છે. એ મનને દૂર દૂર શૂન્યમાં દોડાવે છે. અવગુણ્ઠન ઊડી જાય છે, જે ફૂલ વનને પ્રકાશિત કરતાં તે કાળાં પડીને સુકાઈ ગયાં છે. ઝરણા આડે કોણે અંતરાય ઊભો કર્યો છે? નિષ્ઠુર પાષાણથી બંધાયેલુ એ દુઃખના શિખરની ટોચે છે ૧૯૩૩

૯૭

મારા વને વનમાં કળીઓ બેઠી છે, મનમાં મનમાં દક્ષિણાનિલ વાય છે; મધમાખીઓની પાંખે પાંખે જણે મારી ઉત્સુક દૃષ્ટિ ઊડે છે. ગુપ્ત સ્વપ્નરૂપી કુસુમોમાં કોણે આવા ગાઢો રંગ રંગી દીધો? નવી કુંપળોના રોમાંચથી મારું ચિંતન છવાઈ ગયું. ફાગણની પૂર્ણિમાએ આ દિશા ભૂલી ગયેલી- ભૂલી પડેલી રાતે નિદ્રાવિહીન ગીતો દ્વારા કયા નિરુદ્દેશ તરફ મારી આ નૌકા, ઊછળતી સૌરભની ભરતીના તરંગમાં ચલાવવામાં આવશે? ૧૯૩૪

૯૮

અંધારા આકાશમાં ગંભીર ગર્જન સાથે પ્રચંડ ડમરુ વાગ્યું. સમીરથી ચંચલ દિશાઓના આંગણામાં અશ્વત્થના પલ્લવમાં અશાંત હિલ્લોલ જાગ્યો. નદીના કલ્લેાલનો, વનના મર્મરનો, ઊછળતા વાદળાનો ઝરણાના ઝરમરનો ધ્વનિ નિબિડ સંગીતમાં તરંગિત થયો—શ્રાવણસંન્યાસીએ રાગિણી રચી. તોફાની વાવાઝોડુ કદંબકુંજની સુગંધ મદિરાને અજસ્ત્રપણે લૂંટે છે. દિગંતનું સંધાન કરીને તડિત્શિખા દોડે છે, ભયાર્ત રાત્રિ ક્રંદન કરી ઊઠે છે, જાણે પ્રમત્ત દાનવ મેઘના દુર્ગના દ્વાર ઉપર પ્રહાર કરતો નાચે છે. ૧૯૩૬

૯૯

નીલા નવઘનભર્યા આષાઢના ગગનમાં તલમાત્ર જગા નથી. અરે, આજે તમે ઘરની બહાર જશો નહીં. વરસાદની ધારા ઝરઝર ઝરે છે; ચોમાસુપાકનાં ખેતરો પાણીથી ભરેલાં છે. જુઓ, શાહી જેવાં કાળાં વાદળોની પેલે પાર અંધકાર ગાઢ થઈ આવ્યો છે. અરે, સાંભળો સાંભળો, કોઈ પેલી પાર જવા ઇચ્છે છે, ( એટલે) નાવિકને બોલાવે છે. પેલે પાર લઈ જનારી નાવનું આવવું-જવું આજે બંધ થયું છે. પૂર્વનો પવન વાઈ રહ્યો છે; કિનારા પર કોઈ નથી, બંને કિનારા પર મોજાં હિલોળા લે છે. અત્યંત વેગથી જળમાં જળ પડી છબછબ અવાજ કરે છે. પેલે પાર લઈ જનારી નાવની અવર જવર બંધ થઈ છે. અરે, સાંભળો, ગાય વારંવાર ભાંભરે છે; ધોળી ગાયને કોઢારમાં લાવો- દિવસ પૂરો થતાં હવે અધારું થશે. અરે, દ્વાર પર ઊભા રહી જુઓ તો ખરા, જેઓ ખેતરમાં ગયા છે તે શું પાછા ફર્યા છે! ગોવાળિયાએ આજે આખો દિવસ કોણ જાણે ક્યાં વિતાવ્યો. દિવસ પૂરો થતાં હવે અંધારું થશે. અરે, આજે તમે ઘરની બહાર જશો નહીં, જશો નહીં, આકાશમાં અંધકાર છે. વેળા હવે વધારે નથી. ઝરઝર વૃષ્ટિમાં વસ્ત્ર ભીંજાશે; ઘાટે જતાં રસ્તો લપસણો થયો છે. અરે જુઓ, રસ્તા પરના વાંસના ઝુંડ વારે વારે ઝૂમી રહ્યાં છે. ૧૯૩૬

૧૦૦

હે શ્યામલસુંદર આવ, તારી તાપ હરી લેનારી, તૃષા દૂર કરનારી સંગરૂપી સુધા લાવ, વિરહિણી આકાશમાં જોઈ રહી છે. તમાલકુંજને માર્ગે સજલ છાયામાં તે વ્યથિત હૃદય બિછાવીને બેઠી છે, તેની આખોમાં કરુણ રાગિણી જાગે છે, તેણે બકુલની કળીઓ ગૂંથી રાખી છે. આંગણે મિલનની વાંસળી વાગી રહી છે. તું તારા મંજીરાં સાથે લઈ આવજે. તે ચંચલ નૃત્યના છંદમાં વાગશે—કંકણ અને કિંકિણી વાગશે, ઝાંઝર ઝનઝન ઝંકાર કરશે. ૧૯૩૭

૧૦૧

મધુગંધથી ભરેલા મૃદુ સ્નિગ્ધ છાયામય નીપકુંજમાં, વૃષ્ટિના જળમાં કઈ શ્યામ કાંતિમય સ્વપ્નમાયા વિચરે છે! લાલ અળતાથી રંગેલા ચરણે વૃષ્ટિથી ભીંજાયેલી હવામાં તે ફરે છે, મેઘયુક્ત સહાસ્ય ચંદ્રકલા સેંથાને છેડે ઝળકે છે. ઊભરાતી તરલ પ્રલયમદિરા પીને, અત્યંત મુખર તરંગિણી અધીર બનીને ધસે છે. કોની નિર્ભયા મૂર્તિ મંદ્ર કલ ધ્વનિ કરતી તરંગો ઉપર ઝૂલે છે? આ તારાવિહીન નિઃસીમ અંધકારમાં કોની નાવડી ચાલી રહી છે ! ૧૯૩૭

૧૦૨

કશુંક કહીશ એ આશાએ આવ્યો હતો, પણ બોલ્યા વિના કેવળ જોઈ જ રહ્યો ! મેં જોયું કે ખુલ્લી બારી આગળ તું તારી ધૂનમાં માળા ગૂંથી રહી છે. જૂઈની કળીને ખોળામાં લઈને તું ગુન ગુન ગૂંજતી ગાઈ રહી છે. આખુંય આકાશ તારા ભણી નિર્નિમેષ જોઈ રહ્યું છે. વાદળને ભેદીને આવેલો તડકો તારા કાળા કેશ પર પડતો હતો. વરસાદના વાદળોમાં મૃદુલ હવામાં તારી અલકલટ ફરફરી રહી છે. ૧૯૩૮

૧૦૩

મારું મન મેઘનું સંગી બનીને દિગદિગન્ત તરફ ઊડી ચાલે છે— નિઃસીમ આકાશમાં શ્રાવણના વર્ષણ સંગીતમાં રિમઝિમ રિમઝિમ રિમઝિમ કરતું મારું મન હંસબલાકાની પાંખોમાં ઊડી જાય છે — ક્યારેક ક્યારેક ચકિત વીજળીના પ્રકાશમાં, ઝંઝાના રુદ્ર આનંદથી ઝનઝન મંજીર બજાવીને. કલકલ કરતું ઝરણું પ્રલય આહ્વાનને પુકારે છે. પવન પૂર્વ સમુદ્રમાંથી ઉચ્છલ નદીના છલછલ કરતા તરંગોમાં વહે છે. મારું મન તેના મત્ત પ્રવાહમાં દોડે છે–તાલ તમાલના અરણ્યમાં, ક્ષુબ્ધ ડાળીઓના આંદોલનમાં. ૧૯૩૮

૧૦૪

મારા વિચારને કોણ જાણે કઈ હવાએ મત્ત બનાવી દીધા, અકારણ હર્ષથી (મારું) મન ડોલે છે. હૃદય-ગગનમાં સજલ ઘન નવીન મેઘ રસની ધારા વર્ષાવે છે. હું તેને જોઈ શકતો નથી, જોઈ શકતો નથી. કેવળ મનમાં મનમાં ક્ષણે ક્ષણે ઓ સંભળાયા કરે છે—તેના અલક્ષિત ચરણે રુમઝુમ રુમઝુમ નૂપુરધ્વનિ ગાજે છે. અસ્પર્શ્ય અંચલની નવ નીલિમાએ ગુપ્ત સ્વપ્નને છાઈ દીધું. વર્ષાના આ પવનમાં તેના છાયામય વીખરાયેલા કેશ આકાશમાં ઊડ્યા જાય છે. જળભીંજી કેતકીની દૂરથી આવતી સુવાસથી તેણે મારા મનને આકુળ બનાવી દીધું. ૧૯૩૮

૧૦૫

જે વાત વારેવારે સંભળાવી છે, તે તને ફરી વાર સંભળાવવા ઇચ્છુ છું—મારા પ્રાણમાં અવિરામ વર્ષણધારાથી જે વાણી ગાજી ઊઠે છે. કારણ પૂછીશ, એનો કંઈ અર્થ નથી, પુંજિત વેદનાના સૂરનો સંકેત જાગે છે. જે વાણી સ્વપ્નમાં મનમાં ને મનમાં ક્ષણે ક્ષણે ગાજી ઊઠે છે, તેનું જ વાદળાંના અંધકારમાં કને કાને ગુંજન કરીશ. ૧૯૩૯

૧૦૬

અરે આવ, નિર્જન ઘરના ખૂણામાં દીવો સળગાવી આપી જા. અરે આવ. શ્રાવણસંધ્યા ઊતરી છે, વનેવનમાં કાળી છાયા ગાઢ થતી જાય છે. જૂઈની માળાની મૃદુ સુગંધથી મારી એકાંત પ્રતીક્ષામાં વિસ્મય લાવ; સુખરજનીની પેઠે નીલ વસનના અંચલની છાયા મનમાં ફેલાઈ જાઓ. મારી વાંસળી ખોવાઈ ગઈ છે, હું તને કયા સૂરથી બોલાવું? વાટ જોઈ રહેલી મારી દૃષ્ટિની વાણી તને સંભળાય છે? સજલ સમીરણમાં ધડકતી છાતીને સ્પર્શ તું પામે છે? ૧૯૩૯

૧૦૭

મત્ત પવનવાળા વર્ષાના દિવસે મારું પાગલ મન જાગી ઊઠે છે. ઓળખપાળખનીય પેલે પાર, જ્યાં કોઈ માર્ગ નથી ત્યાં કારણ વિના (તે) દોડી જાય છે. ઘર તરફ શું તે બીજા કોઈ દિવસે પાછું જશે? નહીં જાય. જેટલી દીવાલો હતી તે બધી તૂટી ગઈ. વૃષ્ટિના નશાથી ચકચૂર સંધ્યાનો સમય છે; હું કોઈક બલરામનો શિષ્ય છું. મારા સ્વપ્નોને ઘેરી બધા મત્ત થયેલા એકઠા થઈ નાચે છે, જે નથી માગવાનું તે જ આજે માગું છું. જે નથી મળવાનું તે ક્યાં મેળવું? નહીં મળે, નહીં મળે. અસંભવિતતાના ચરણમાં માથું પછાડી (હું) મરી રહ્યો છું. ૧૯૩૯

૧૦૮

વર્ષાના દિવસનું પ્રથમ કદંબ ફૂલ તેં મને આપ્યું છે; હું શ્રાવણનું ગીત આપવા આવ્યો છું. મેઘની છાયાના અંધકારમાં મેં તેને ઢાંકી રાખ્યું છે—એ તો મારા સૂરના ખેતરનું પ્રથમ સોનેરી ધાન્ય છે. આજે તેં (ફૂલ) આણી આપ્યું છે, કદાચ કાલે નયે આપે. તારી ફૂલની છાબ તો ખાલી થઈ જશે. આ મારું ગીત શ્રાવણે શ્રાવણે તારી વિસ્મૃતિના પ્રવાહની રેલમાં તારા સંમાનને વહતી નાવરૂપે ફરી ફરીને આવશે. ૧૯૩૯

૧૦૯

ગાઢ અંધારી રાત છે, શ્રાવણ ધારા ઝરે છે—અંધ વિભાવરી સોબત અને સ્પર્શ વિનાની છે. આકાશ ભણી અન્યમનસ્ક બની તાકી રહું છું. ત્યાં વિરહિણીનાં આંસુને પેલા તારાએ હરી લીધાં છે. પીપળાનાં પલ્લવો પર મર્મર અવાજ કરતી વૃષ્ટિ નિશીથની અનિદ્રાને ભરી દે છે. માયાલોકમાંથી છાયાતરણી સ્વપ્નપારાવારમાં વહેતી મૂકે છે—તેનો કોઈ કિનારો નથી. ૧૯૩૯