ગુજરાતનો જય/૧૧. આરા-પાણીનાં છાનગપતિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. આરા-પાણીનાં છાનગપતિયાં

દસ વર્ષ પછી –  મલાવ તળાવનાં પાણીમાં દિવસભર જેટલાં વળિયાં પડતાં, તેટલાં જ ત્યાં જનરવનાં જૂજવાં મોજાં લહેરાતાં. જનરવ શમી જતો ત્યારે રાતને એકાંત-પહોરે મલાવના આરા અને મલાવનાં પાણી વચ્ચે છલક છલક સ્વરે જાણે કોઈ વાર્તાલાપ ચાલતો.. પાણી પૂછતું હતું, આરા જવાબ વાળતા હતા. મધ્ય ભાગમાં પાણીની વચ્ચોવચ્ચ ઊભેલા મીનલપ્રાસાદના મહાદેવ એકલા જાણે આ વાર્તાલાપ સાંભળતા અને મંદિરના ગર્ભાગારમાં બળતી દીવાની જ્યોત વચ્ચે વચ્ચે ચિડાઈને શિખા ધુણાવતી, શિવપાર્વતીને પૂછતી હતી કે તમે કેમ શોકમાં રહો છો? કહેતાં કેમ નથી? પાણી અને આરાના બબડાટ તમને શી વ્યથા કરી રહ્યા છે? પાણી પ્રશ્ન કરતાં: 'પહેલાં પાંચ વર્ષ તો આંહીં નિત્ય નિત્ય નવલા નવલા પ્રજાજનોની ભીડ ઊભરાતી, ને હવે કેમ તમારાં પગથિયાં ખાલી પડ્યાં રહે છે, હેં આરા?' આરા જળવાણીને જવાબ સંભળાવતા: ‘આવેલાઓ પસ્તાઈને પાછા ચાલ્યા જાય છે. આવવા તૈયાર થયેલાઓ આંહીંની હાલત સાંભળીને અટકી જાય છે. ગામોગામ ખબર પડ્યા છે કે ધોળકે તો મામા આવ્યા પછી કોઈને સુખ રહ્યું નથી.' . 'મામા કોણ છે?' 'મામાને ઓળખતાં નથી. મૂરખા મલાવનાં પાણી! તમારાં હૈયાં ઉપર હોડીઓ તરાવે છે, હંંસો, બતકો ને જળકૂકડીઓને ઝાલી જાય છે એ મામાને નથી ઓળખતાં? એનું નામ સાંગણમામા.' 'એ ક્યાંના છે?’ 'સોરઠ દેશના, વામનસ્થલી રાજનાઃ: આપણા રાણા વીરધવલના સાળા, રાણી જેતલવાના માડીજાયા.' 'મામા સાંગણ ઠેઠ વામનસ્થલીથી આંહીં આવ્યા, તેમાં બીજા કેમ પાછા જાય છે? આવેતુઓ કેમ અટકી જાય છે?' એમ પૂછતાં પૂછતાં પાણી વધુ ને વધુ ઉત્સુક બની, આરાનાં પગથિયાં ઉપર દોડાદોડ કરે છે, પણ આરાના લીસા પથ્થરો તેમને લપસાવીને પાછાં મલાવમાં ઉતારી મૂકે છે, પછી જવાબ આપે છે: 'કારણ કે મામા સાંગણ આંહીંનું મંત્રીપદ કરે છે અને એને મોંએ મીઠાશનું મધ ઝરે છે.' 'મોંએ મીઠાશ ઝરે તેથી બીજાં નાસે કેમ?' ‘એમ કે મનમાં ઝેરી કાળા નાગને સંઘરે છે મામા.' 'મનમાં કાળા વખનાગ શું કરે છે?' 'ધવલક્ક(ધોળકા)ની પ્રજા ઉપર ઝીણા-મોટા નવા કરવેરા નાખે છે, અને ધવલક્કની નીપજ વામનસ્થલી ભેગી કરે છે.' 'મામાને એમ કરવા કોણ આપે છે? શા માટે એમ કરવા દે છે?' ’ 'મામાને એમ કરવા રાજના અધિકારીઓ આપે છે, જૂના દંડનાયક વામનદેવ પણ મામાની મદદમાં છે. ગામેગામના પટ્ટકિલો (પટેલો) ભળી જાય છે, કેમ કે મામાની લૂંટમાંથી એમને ભાગ મળે છે.' આરાના સ્વરો, વાત જેમ જેમ આગળ ચાલી તેમ તેમ ભયભીત અને ધીરા બનતા ગયા. અહોરાત બડબડાટ કરવાની પાણીની લત તો જાણીતી છે! એટલે વળી પાછાં અજંપ્યાં જળ નવા પ્રશ્નો પૂછીને આરાનું મગજ પકવે છે –  ‘મોટા રાણા ને નાના રાણા કેમ પોતાના રાજને લૂંટાવા આપે છે?' 'બેમાંથી એકેયને ક્યાં ખબર છે? નવા રાજા, નવી પ્રજા, પોતાનું કોણ? મોટામાં મોટું સગપણ બેન-ભાઈનું. ભાઈને પોતાનો ગણીને રાણી જેતલબાએ રખેવાળ કર્યો. કોને ખબર કે વાડ થઈને ચીભડાં ગળે છે?’ ‘નાના રાણાને મોટા રાણાએ વામનસ્થલીના એવા લૂંટારા પઢિયારને ઘેર કાં પરણાવ્યા?' જળનો અવાજ વેદના પકડતો હતો. 'સામેથી દેવા આવ્યા. ગળે પડ્યા. ગણતરી જ એવી કે બેનની માલમતાએ ઘર ભરવા થાશે. મોટા રાજવળાને દીકરી દેવાનો એ જ આશય હોયને!' 'જેતલબાનેયે જાણ નહીં હોય?’ 'જેતલબાના દરદાગીના પણ મામાએ તાળાંચાવીમાં રાખેલ છે. જેતલબાને તો પટાવી લીધાં છે – એમ કહી કહીને કે તારો સસરો તો ગુજરાતને આબાદ કરવા ગાંડોતૂર બન્યો છે. ધોળકાની સંપત્તિ પાટણમાં લઈ જઈ પધરાવે છે, તને ભીખ માગતી કરશે, લાવ તારા દરદાગીના સાચવીને રાખું.' ‘મોટા રાણાને પાટણનું શું હજુય ઠેકાણે નથી પડતું?’ 'અરે... એની તો દુર્દશા થઈને! એ તો એ જ જીવી શકે ને જીરવી શકે. મારવાડ દેશના ચાર રાજા એના ઉપર તૂટી પડવાની વાટ જ જોઈ બેઠા છે. મોટા રાણા રાજપૂતાનાના રાજેરાજમાં સાંઢિયો ખૂંદાવતા ભમી વળ્યા, સૌને સમજાવી વળ્યા કે આપણે સૌ એક થાઓ, નહીંતર આ યવનોનાં ધાડાં સૌને ગડપ કરી જશે: તો જવાબ શું મળે છે, ખબર છે? જવાબ મોંએથી તો મીઠો મધ જેવો મળે છે, પણ પાછળથી બધા બોલે છે કે એકેય ક્ષત્રિયની ગાદી ન ટકી રહી ને ગુર્જર દેશ એકલો જ યવનોની સામે ટક્કર ઝીલે તેમાં અમારું શું ગૌરવ?' 'હં-હં' પાણી બોલ્યા, ‘એ તો આંહીં ધોણ્યો ધોવા આવતાં બૈરાંઓ બોલે છે તેના જેવું: આવ બાઈ હરખાં તો આપણે બેય સરખાં.' 'હાં-હાં! હવે તમે સમજ્યાંં, હો પાણી! પછી થાકીને મોટા રાણાએ ગુર્જર દેશના નિજના જ, નોખનોખા ચોકા જમાવી બેઠેલા મંડલેશ્વરોને ઘેર જઈ જૂથ બાંધવા સમજાવ્યા. પણ એ ટૅટાં તે માને? એને સૌને તો એમ છે કે કોના બાપની ગુજરાત! કટકો કટકો સૌ સૌના બાપનો. એમાંય પેલા ગોધપુર(હાલનું ગોધરા)ના રાજા ઘુઘૂલે હમણાં શો જવાબ મોકલ્યો છે જાણો છો? જવાબમાં કશો કાગળપત્ર નહીં, કશો સંદેશો નહીં, પણ બે વાનાંઃ ફક્ત બે જ વસ્તુઓઃ એક સાડી – બૈરાંને પહેરવાની સાડી, ને બીજી બૈરાંને આંખોમાં આંજવાની કાજળની દાબડી, હી-હી-હી હી-' આરો હસી પડ્યો. 'એનો શો અર્થ?' પાણીએ પૂછયું. 'મૂઢમતિ! આટલાં વર્ષોથી રોજ રોજ અપાર સાડીઓના મીઠા માદક મેલ. ખાઓ છો, અને હજારો લલનાઓનાં લોચનોમાંથી, રાત્રિએ રાત્રિના સૂરતશણગારનાં સુગંધી કાજળો લૂછીને લઈ જાઓ છો તોપણ સાન ન આવી? શાની આવે? તમે તો પાણી નાન્યતર જાતિ! નપુંસકો! તમને નર કે નારીના સંકેતોની ગતાગમ ક્યાંથી પડે?' 'પણ હવે તો પાડો, મોટા મરદ મુછાળા.' પાણી બબડ્યાં. 'ગોધપુરના ઘુઘૂલે સાડી અને કાજળની દાબડી મોકલી તેનો મર્મ એ થયો કે હે ગુજરાત! તું આ શણગાર સજીને મારી રાણી બની મારા અંતપુરમાં આવ. હું ગોધપુરનો ઘુઘૂલરાજ તારા સમી કંઈક ભૂમિઓને મારી વિલાસિનીઓરૂપે રણવાસમાં રાખીને રહ્યો છું.’ 'પછી મોટા રાણા તો ખિજાયા હશે.' 'ખીજનું તો શું પૂછવું? પણ કહે કોને? કરે શું? ગોધપુરના ઘુઘૂલને દંડવાની શી મજાલ છે પાટણની! નાના રાણાને દોટાદોટ બોલાવ્યા પાટણ, પછી બાપદીકરો બેઉ બેઠા બેઠા સમસમી રહ્યા છે. સાડી અને કાજળની દાબડી સાચવીને પટારામાં રાખી મૂકી છે.' 'મોટા રાણાને ક્યાંય સુખ નહીં, ક્યાંય વિસામો નહીં.' 'વિસામો' શબ્દ સાંભળતાં જ મલાવના મુખ્ય આરાની સામે ઊભેલો, વિસામા નામે ઓળખાતો, માથોડું ઊંચો ઓટો બોલી ઊઠ્યો: ‘મારું નામ કેમ લો છો? મારી ઓથે આવીને કેટલીયે રાતના અંધારામાં કોઈક બે જણાં આંહીં મોટા રાણાની વાટ જોતાં ઊભાં રહ્યાં છે જાણો છો?' 'કોણ બે જણાં વળી? હેં મૂંગા! તને મૂંગાને વળી વાણી ક્યાંથી ફૂટી?' આરાએ વિસામાને ધમકાવી કાઢ્યો. 'એનું નામ દેવરાજ પટ્ટકિલ અને મદનરાણી. એ તો અહીં વારંવાર આવે છે. એને ખબર છે કે નાના રાણાનું સત્યાનાશ કાઢી રહેલ છે મામા. એની આંતરડી દાઝે એવી તો કોઈની ન દાઝે, ખબર છે મૂરખા!' ‘એને શાનું દાઝે? એ કોણ?’ ‘એ હું શા માટે કહી દઉં? નહીં કહું. એ આંહીં ત્રણ વાર આખી રાત રોકાઈને પાછાં ગયાં, પણ મોટા રાણાનો ભેટો જ થયો નહીં. એણે તો આ મીનલપ્રાસાદમાં કેટલી વાર માનતાઓ ચડાવી!' 'કેટલી વયનાં છે?' આરાનું એક લીસું પગથિયું પણ વાતોમાં ઊતર્યું. 'દેવરાજ પચાસ વર્ષના, મદનરાણી ચાળીશનાં.' ‘ત્યારે તો એ નહીં.’ લાલ લાલ લીસા પગથિયાએ મોં મચકોડ્યું. ‘એ વળી કોણ? તુંય બહુ સાફાઈ કરતું પાછું સ્પષ્ટ વાત કહેતું નથી. ઉપાડીને તને ફેંકી દેશે મામો, ખબર છે?' આરાએ પોતાના એ લીસા પગથિયાને ધધડાવી નાખ્યું. ‘એ તો છે પચીસ અને અઢાર વર્ષનાં બે જણાં.' ‘તારે ને એને ક્યાંની ઓળખાણ?’ ‘ઓળખાણ તો બહુ મીઠી છે. અને જેટલી મીઠી એટલી જ વેદનાભરી છે.' 'કેમ મીઠી ને વેદનાભરી?' પાણીએ પૂછ્યું. ‘જુઓને, મારા જેટલો સુંવાળો છે કોઈ બીજો એકેય પથ્થર આ આરાનો? આંહીં પોતાના પગ ઘસીને કોણે મને ફરસું બનાવ્યું જાણો છો?’ ‘જાણી જાણી હવે!' આરો ચડભડ્યો, 'પેલી વયજૂકાએને?' હા, હા, પોરવાડ-ઓળના રસ્તેથી આંહીં ધોણ્ય ધોવા એ વયજૂકા આવે છે. અને રાજગઢમાંથી નાના રાણાની ધોણ્ય લઈને આવે છે એક વંઠક. એનું નામ ભૂવણો ગૂડિય.' 'હા, અને હવે ભસી નાખને, પા'ણા!' આro હી-હી-હી હસે છે, કે પોરવાડની પુત્રી વયજૂકા રાજગઢના ગોલા ભૂવણ ગૂડિયાને પ્રેમ કરે છે, એ જ કહેવું છેને તારે, પગથિયા?' 'નહીં રે નહીં, રઢિયાળા! પોરવાડની દીકરી હાલતાં ને ચાલતાં તળાવ-પાળે પ્રેમમાં પડી જાય તેવી નથી. સૌનો પ્રેમ કાંઈ તારા શેવાળ જેવો લપસણો ન હોય. એ વયજૂકાનો ભાઈ દીઠો છે?' 'કોણ?' 'તેજપાલ નાણાવટી; મંડલિકપુરનો વાણિયો; આજાનબાહુ યોદ્ધો.' 'આજાનબાહુ યોદ્ધો હોય તો પહોંચે નહીં મામા સાંગણને!' 'હં-અ!' પગથિયું બોલ્યું. 'કાંઈ તારા રાજપૂતો જેવો ચડાઉ ધનેડું નથી કે તારા જેવાનો ચડાવ્યો ભુજાનાં જોર વાપરી નાખે!' 'ત્યારે?' ‘એ તો સબૂરીભરી તૈયારી કરે છે. એને ઘેર તો ગામેગામનાં લોક આવે છે. કોઈ સોનારૂપાનાં ૨હ્યાં સહ્યાં ઘરેણાં વેચવા આવે છે, તો કોઈ જમીનો માંડી દેવા આવે છે. સૌને એ સમજાવે છે કે વેચી વેચીને ક્યાં સુધી લાંચ ખવરાવશો પટ્ટકિલોને, અધિકારીઓને ને મામાને? જૂથ બાંધોને એકલઠ્ઠા બનોને!' 'તે આ દુઃખની વાત વયજૂકાનો, ભાઈ રાણા-રાણકીને કેમ કહેતો નથી?' 'કાચું કાપે તેવો નથી એ વાણિયો. વસ્તી તો મામાની એક ત્રાડે રાણાની આગળ ફેરવી તોળે, કે ના રે ના, વયજૂકાનો ભાઈ તો જૂઠો છે! અમને તો મામાનું કાંઈ દુઃખ નથી! તો પછી વયજૂકાના ભાઈનો વક્કર શો રહે? એ તો વસ્તીને એવી ટેકનું પાણી પાય છે, કે મામો સાંગણ ઊભાં ને ઊભાં ફડિયાં કરી નાખે તોપણ કોઈ પ્રજાજનનો બોલ બદલે નહીં.' 'એવું શે થાય?' 'વયજૂકાનો ભાઈ પોતે ટેકીલો થાય તો જ થાય. પણ એ ટેકની કસોટી લોકો નજરે જુએ તો જ થાય.' 'પણ વયજૂકાની ને વંઠક ભૂવણાની શી વાત કરતું હતું તું, એ તો કહે સુંવાળા પગથિયા!” 'એ નહીં કહું.' એમ કહીને પગથિયું ચૂપ થઈ ગયું. કેમ કે પરોઢ પડતું હતું. આ ઉપર એક અઢાર વર્ષની કુમારિકા સ્નાન કરવા ઊતરતી હતી. તેની સાથે એક છત્રીસેક વર્ષની શ્યામવરણી સ્ત્રી હતી. એકનું નામ વયજૂકા ને બીજીનું નામ અનોપ. એક નણંદ ને બીજી ભોજાઈ. એક કુમારિકા ને બીજી સુવાસણ, છતાં ઘડીક કુમારી લાગે ને ઘડીક વિધવા ભાસે. શિવના સ્તોત્રધ્વનિ સામસામી પાળે ગુંજતા થયા. લોકો નાહતાં હતાં. મંદિરમાં પ્રાતઃકાળના ઘંટા વાગતા હતા.