ગુજરાતનો જય/૧૭. સાધુની ચેતવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. સાધુની ચેતવણી

એનું રુદન થંભ્યું તે ક્ષણે જ મંદિરને દ્વારે લોકોનો ગુંજારવ થયો. મેદની વચ્ચે કેડી પડી. તપેલાં કાંચનની ઝાંય પાડતું, પાતળું, પચાસેક વર્ષનું શુભ્રવસ્ત્રધારી સાધુશરીર, પચાસ નાનામોટા શિષ્યો સહિત દાખલ થયું. એના ઊંચા પાતળા શરીરમાં જેનો સંભવ ન ગણી શકાય તેવા ગરવા કંઠે એણે 'ધર્મલાભ! ધર્મલાભ' એવા શબ્દ બોલી સૌના નમસ્કાર ઝીલ્યા. ને એની પાછળ પાછળ જનરવ જાગ્યોઃ 'મહારાજશ્રી વિજયસેનસૂરિ આવી પહોંચ્યા.' માતાની મૂર્તિ તરફ તાકીને રડતા રહેલા વસ્તુપાલે મૂર્તિની બાજુએ ગુરુ વિજયસેનસૂરિને દીઠા, એની ધ્રુસકતી છાતી ધીરી પડી. વિજયસેનસૂરિએ પણ કુમારદેવીની પ્રતિમા સામે ગંભીર નૈનો માંડ્યાં. એનું મુખ મલકાઈ રહ્યું અને પ્રતિમાની બીજી બાજુ ઊભેલા યુવાન સલાટ શોભનદેવને પહેલવહેલો જોઈને એના મોંમાંથી જૂની કોઈ પિછાનનો ઉદ્ગાર નીકળી પડ્યોઃ "તમે આંહીં!” શિલ્પી શોભનદેવ, જેણે આ સૂરિને પહેલી જ વાર જોયા. તે સૂરિનો સવાલ સમજી શક્યો નહીં, તેણે જવાબ વાળ્યોઃ “જી, હું સલાટ છું.” એ સવાલ-જવાબ ધીમા અવાજે થઈ ગયા. વિજયસેનસૂરિની પાતળી હેમવરણી કાયાનો કોઈ અદ્રશ્ય પ્રભાવ એ મેદની પર પથરાઈ રહ્યો. એનો હાથ ઊંચો થયે સૌ આરસની ફરસબંધી પર બેસી ગયા, ને સૂરિએ પણ રજોહરણ ફેરવીને ફરસબંધી પર નાનું પાથરણું બિછાવી બેઠક લીધી. સામે વસ્તુપાલ બેઠો. એનું મોં હજુ ભીનું હતું. એ નીચું જોઈને જ બેઠો. “શું કારણ બન્યું, મંત્રીજી?” વિજયસેનસૂરિએ ધીમેથી પૂછ્યું, “હર્ષને સ્થાને વિષાદ શા માટે? પ્રતિસ્પર્ધી પૃથ્વીપાલોના હણનારા અને સ્વજનોના સ્નેહમાં નીતરતા અમારા વસ્તુપાલ જેવા રાજનીતિજ્ઞને આજે શાની ઓછપ સાલી?” વસ્તુપાલે લજ્જિત બની નીચે જોયું. એની પાંપણો ભોંય ખોતરવા લાગી. એણે આંખો લૂછતાં લૂછતાં કહ્યું: “આજે મારી માતા હોત તો તેને સ્વહસ્તે અહીં મંગલ કરતી દેખીને ગુર્જરોને કેટલું સુખ થાત! ને એ મારા હસ્તે મંગલ થતું નિહાળીને ભયમુક્ત બનત.” “શાનાં ભયમુક્ત?” "કે દીકરા કેવા પાકશે ને કેવા નહીં એ વાતની એને સતત ધાસ્તી રહેતી હતી. અમારું જરા જેટલું પણ અઘટિત કામ દેખીને એ એકાંતે જઈ વિચારમાં પડી જતી તે મને યાદ છે. હું પૂછતો કે બા, તમે અમારા ભવિષ્યની શીદ આટલી જંજાળ કરો છો, તો એ બોલતાં નહીં. એને છૂપું છૂપું શું મૂંઝવતું હતું તેની મને આજે પણ ખબર નથી પડી.” "તેની મને ખબર છે, વત્સ!” વિજયસેનસૂરિને હોઠે હાસ્ય રમી રહ્યું “એમને ભય હતો કે દીકરા વંઠશે તો કુળવાન વિધવાનું પુનર્લગ્ન વગોવાશે.” "પણ એ બીકથી મુક્ત થવા આજે એ જ નથી રહ્યાં.” "જગત તો રહ્યું રહ્યું જુએ છેને!” “એ મારી માને ક્ષમા આપશે?” "ક્ષમા નહીં, વત્સ! જગત તો આજે એને વંદના દે છે.” એમ કહેતાં સૂરિનાં પ્રસન્ન નેત્રોએ આખી પ્રખદા પર ચક્કર મારી લીધી. એના શબ્દોનો ભાવ તમામ ચહેરાઓ પર ઝિલાયો હતો. "મારા બાપુએ.” વસ્તુપાલ ફરી બોલ્યો, “એમની દીન-દરિદ્ર અવસ્થામાં પણ એની માતાને શ્રવણની માફક આ બધાં તીર્થાટન કરાવ્યાં હતાં. હું તો લૂણિગભાઈનું મરતી વેળાનું માનતા માનેલું પ્રભુ-બિમ્બ પધરાવવા પણ માતાને જીવતી ન રાખી શક્યો.” એ સાંભળી શોભનદેવને કશોક નિગૂઢ રોમાંચ થયો. એનાથી વગર વિચારે પણ અનુપમા સામે જોવાઈ ગયું. સૂરિજી વસ્તુપાલને સાંત્વન દેવા લાગ્યા. “કલ્પાંત વૃથા છે, સુજ્ઞ! મહારાજ સિદ્ધરાજ પણ અવન્તી જીતીને પાછા વળ્યા ત્યારે દેવી મીણલનો અભાવ એને બહુ સાલેલો. પાટણના ભરઉત્સવ વચ્ચે એણે કલ્પાંત કરેલું કે, मा स्म सीमन्तिनी काडपि जनयेत् सुतमीधशम् । बृहदभाग्यफलं यस्य मृतमातृरनन्तरम् । (“હે જગતની કોઈ પણ જનેતા! એવો બેટો કદી ન જણજો, કે જેનો મહાભાગ્યોદય માના મૂઆ પછી પ્રગટે) પણ એ એક જ ચાવી આપણે હાથ નથી. ધીર પુરુષોને એ ઓરતા ન શોભે. ચાલો હવે, દેવને તો યાદ કરીએ.” સૌ ઊઠ્યા. પ્રાસાદની અંદર જતાં જતાં બન્ને આગળ એકલા ચાલતા હતા. બન્ને વચ્ચે વાતો થઈ. મંત્રીએ કહ્યું: “આપનો મેળાપ કેટલાં વર્ષ વીત્યે?” “ચારેક તો ખરાં જ.” "આપ પણ કેમ મને ત્યજી ગયા હતા?” “એક વાર ધોળકે આવેલો, પણ મંત્રીના ઘરને બદલે, ભદ્રા કુમારદેવીના પુત્રના ઘરને બદલે, કોઈ મદ્યપી (દારૂડિયા)નું ઘર દેખી પાછો વળી ગયેલો.” પાંચસો બ્રાહ્મણો હંમેશાં મંત્રીને ઘેર વેદપાઠ કરતા હતા તે વાત જૈન સાધુને ખટકી હતી તે દિવસનું વસ્તુપાલને સ્મરણ થયું. એણે કહ્યું: “મને યાદ છે. હું તે વખતે મેડી પર હતો. મને અનુપમાએ કહ્યું હતું. અને ખંભાતમાં પણ આપ એનો અફસોસ કરતા હતા તેવો સંદેશો મને પહોંચતો હતો.” “મારી ભૂલ મને પાછળથી સમજાઈ હતી. તમે બ્રાહ્મણોની સાથે ભાંગ પીતા ને તડાકા મારતા બેસતા હતા તેને મેં વિલાસ માનેલો, પણ એ તો તમારી રાજનીતિ પુરવાર થઈ છે.” “આપ એમ કહેશો તેથી હું મલકાઈ તો થોડો જ જવાનો છું?” "મલકાવું તો પોસાય તેમ ક્યાં છે? તમારી તો એક પછી એક વધુ આકરી પરીક્ષાઓ ચાલી આવે છે.” "કંઈ નવું?” “હા રે હા, ઘણું ઘણું નવું. પહેલાં તો ઉત્સવ ઉકેલીને પછી મને આવી મળો એટલે કહું.” “ઉતાવળ છે?” "જેટલી કલ્પી શકો તેટલી ઉતાવળ ન હોત તો હું ચાતુર્માસ પૂરા થયે, વળતા જ દિવસે ત્રીસ-ત્રીશ ગાઉનો વિહાર ન ખેંચત. પણ તેનો અર્થ એ નહીં કે યાત્રિકોમાં કોઈક વિહ્વળતા કે શંકાસંદેહ પેદા થાય તેવી દોડાદોડ કરવી. આ તો ભાઈ, વણિકભાઈઓનું તેતર-ટોળું છે. ને આ એમને સૌને મન તીર્થયાત્રા છે, મારે મન તો આ પણ ગુર્જરીના ચાલુ થયેલા યુદ્ધનું જ એક પાસું છે. પતાવીને પછી આવો. રોજના ક્રમમાં જરીકે ઉતાવળ ન બતાવતા.”