ગુજરાતનો જય/૨૧. સ્મશાનયાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. સ્મશાનયાત્રા

દરિયાતીર તરફથી મશાલોનું મંડલ વેગભર્યું આવતું હતું. મોખરે ત્રણ ઘોડેસવાર હતા. પાછળ સેના હતી. “મંત્રીજી! મંત્રીજી!” કોઈના સાદ પડતા હતા. "આ રહ્યો છું. કોણ છે?” વસ્તુપાલે જવાબ વાળ્યો. ત્રણેય અશ્વારોહીઓ આવીને ઊતર્યા: “જે કરણીજી રી! મંત્રીજી!” એમ બોલીને ત્રણેય જણા મંત્રીને મળ્યા. આ મશાલને અજવાળે ત્રણેયનાં મોં અને લેબાસ ઓળખાયાં – કોઈ રાજસ્થાની મેવાડી યોદ્ધા લાગ્યા. ભારી પ્રતાપી મોઢાં! "આપનું ઓળખાણ?” વસ્તુપાલે પૂછ્યું. “અમારાં નામ: સામંતસિંહ, અનંતપાલ અને ત્રિલોકસિંહ. અમે જાબાલીપુરના ચાહમાનો, રાજા ઉદેસિંહના ભાઈઓ.” "આંહીં ક્યાંથી?” “માતા કરણીજીએ ભેટાડ્યા. આવ્યા હતા ધોળકે, વિશેષ વાતો મુકામે કરશું. ચાલો, શત્રુ તો ગયો; જરાક મોડા પડ્યા અમે, મંત્રીજી! અમને મા જેતલદેવીએ ગફલતમાં રાખ્યા. નકર શંખ બાપડો જાવા કેમ પામત?” વડેરો સામંતસિંહ બોલ્યો. ત્યાં તો શહેર તરફથી બીજી મશાલોની ચૂંગલી ચાલી આવતી દેખાઈ. અવાજો ઊઠતા હતાઃ “જેતલબાની જે! જે રણચંડીની.” “કોણ આવે છે? જેતલબા! આંહીં! આ ટાણે?” મંત્રીની બુદ્ધિ મૂંઝવણમાં પડી ગઈ. “હા, વીરા!” દૂરથી જેતલદેવીનો ઊભરાતો ઉદ્ગાર આવ્યો: “ભાઈ મારા! ક્ષેમકુશળ છો, બાપા?” એમ બોલતી હતી ત્યાં ગળું કહી દેતું હતું કે રુદનને મહામહેનતે રૂંધી રાખેલ છે. "બા!” મંત્રીએ નીચે જોઈને કહ્યું, “આ દીઠો? આ તમારા વીરમદેવના ઘોડિયાની દોરી ખેંચનારો વંઠક ભુવણો પોઢ્યો છે, બા!” મંત્રીએ આંગળી ચીંધાડી. જેતલદેવીએ ભુવનપાલના શબને ઓવારણાં લીધાં ને કહ્યું: “ઘોડિયાની દોરી તાણનારા પંજાએ વિજયની દોરી તાણી જાણ્યું! ખમા, મારા બાપ!” ખંભાતના શ્રેષ્ઠીઓ ને નાગરિકો, યવનો, પારસીકો, આરબો, નાગરો, બધાનાં ટોળાં આવી પહોંચ્યાં. ડંકા-નિશાન અને તૂરી-ભેરી વાગતાં આવે છે, શંખધ્વનિ થાય છે, મંદિરે મંદિરે દીપમાલા પ્રકટી છે ને ઝાલરો ઝંકારે છે. પ્રજાએ કહ્યુંઃ "પધારો મંત્રી! સારુંય સ્તંભતીર્થ સામૈયાની તૈયારી કરીને ખડે પગે તલપાપડ ઊભું છે.” "વિજયયાત્રા? મારી?” વસ્તુપાલ રૂંધાતે કંઠે બોલ્યો, “અત્યારે તો ન જ હોયના! પહેલી તો સ્મશાનયાત્રા – આ શબની.” એણે ભુવનપાલ દેખાડ્યો, “ભલે જાણે ગુજરાત, કે મંત્રી વસ્તુપાલને એક અદનો સૈનિક પણ વધારાનો નહોતો.” એટલું બોલીને એણે પોતાના માથા પરની પાઘ ઉતારીને ભોંય પર મૂકી અને દુપટ્ટો લઈને માથા પર ઓઢી લીધો. એના અનુકરણમાં હજારો પ્રજાજનોએ ને સૈનિકોએ માથે ઓઢી ડાઘુ વેશ ધારણ કરી લીધો. ત્રણ પરદેશી પરોણા – જાબાલીપુરના ચાહમાનો - તો સ્તબ્ધ બન્યા. પોતાના એક જ સૈનિકના રણમૃત્યુ પર વિજયપ્રવેશને ઓળઘોળ કરનારો મંત્રી એમણે ગુજરાત સિવાય ક્યાંય જાણ્યો નહોતો. સમરભૂમિ સ્મશાન બની ગઈ. વિજય-સામૈયું શબયાત્રામાં પલટાઈ ગયું. શંખોએ ને ઝાલરોએ, મંદિરોના ઘંટારવોએ અને ચોઘડિયાંએ એક જ અજાણ્યા વીરના શોકમાં તેમ જ માનમાં મૌન પાળ્યું. કાષ્ઠને બદલે ચંદનના ઢગલા આવ્યા. છાણાંને બદલે ઘીના કુડલા આવ્યા. ચિતા ખડકાઈ તે પરવચ્ચે ભુવનપાલનું ને શંખ પક્ષના ત્રણ શત્રુ યોદ્ધાઓનાં શબોને ચડાવવામાં આવ્યાં; ચિતા પ્રજ્વલી. શાંતિ પથરાઈ ગઈ. શબ્દો કે સ્વરો શોધ્યા જડતા નહોતા. મશાલોને અજવાળે સર્વનાં મુખો પર કોઈ મહાન બનાવની ગંભીરતા અંકાઈ ગઈ હતી. એમાં એકાએક કોઈકનું ડૂસકુ સંભળાયું. કોઈકનો વિલાપ-સ્વર ઊઠ્યો, ને વસ્તુપાલ ચોંક્યો. સ્વર જાણીતો હતો. રોજરોજનો પરિચિત હતો. સ્વર આવતો. હતો – નજીકના એક દેવમંદિરમાં બેઠેલી સ્ત્રીઓના વૃંદમાંથી; જેતલબા સર્વ સ્ત્રીઓને લઈને બેઠાં હતાં ત્યાંથી. મંત્રી ઊઠ્યા, મંદિર તરફ ગયા. પૂછયું, “બા, કોણે ધ્રુસકો મૂક્યો?” "ભાઈ, વયજૂકાએ.” "આંહીં ક્યાંથી?' ' “સાથે આવી છે..” "ઠીક, વયજૂ! બહેન! તારો ભાઈ પોતાનો સર્વ સ્વધર્મ બજાવી ચૂક્યો છે. ઓછપ આણતી નહીં. તું ધન્યભાગી બની છે એમ સમજી લેજે. હૈયું હાથ રાખજે. હું સાક્ષી હતો – છું – ને હજુ રહીશ.” એ સાંભળ્યા પછી વયજૂકા રડતી બંધ પડી. ભાઈએ બહેનને જે કહ્યું તેનો મર્મ કોઈ બીજું ન સમજી શક્યું છતાં વગર સમજે વાતાવરણમાં કોમળતા મહેકી ઊઠી. "બીજું કોણ કોણ આવ્યું છે. બા?” "મારી સોખુ.” "શું બોલો છો?” “તમારી સોખુએ જ ઉધામા મચાવ્યા તેનું આ પરિણામ છે, ભાઈ!” જેતલદેવીએ કહ્યું, “પછી બધી વાત કરીશ.” ચિતા સળગતી રાખી, સૈનિકોને સોંપી, મંત્રી અને મહેમાનો ઊઠ્યા. રાતની ત્રીજી ઘટિકાએ ખંભાત નગરીએ પોતાનાં ઉઘાડાં દ્વારમાં મેદનીને સમાવી લીધી. ત્રણેય ચાહમાન પરોણાઓને યોગ્ય સન્માનથી ઉતારો આપીને વસ્તુપાલ રાતે ને રાતે જેતલદેવીને મળ્યો. વયજૂકા અને સોખુ પણ ત્યાં જ બેઠાં હતાં. "આપ આ મદદ લઈને કેવી રીતે આવી પહોંચ્યાં, બા?” એણે કથા પૂછી. જેતલદેવીએ વૃત્તાંત કહ્યો: “તમારો સંદેશો આવ્યો ત્યારે મારે તો ઝેર ખાવા જેવી સ્થિતિ હતી, ભાઈ! રાણા અને તેજપાલભાઈ બેયને પાટણ ચડી સવારીએ જવું પડ્યું છે. એનું તો નારાયણ જે કરે તે ખરું એના ગયા પછી મારુદેશના આ ત્રણ પરોણા આવી ચડ્યા. ભેગો એમનો રસાલો પણ હતો.” “કેમ આવ્યા છે?” "ચાકરીએ રહેવા. મેં રોકાવ્યા, પણ ખંભાતમાં શું થઈ રહ્યું છે તેની વાત એમને કહેવરાવતાં મારી જીભ ઊપડી નહીં. ત્યાં તો તમારે ઘેર તમારી લાડકી સોખુના ધમપછાડા મચી ગયા. એ તો કહે કે મરી જાઉં તોય ખંભાત પહોંચ્યે રહું. એ તો દોડી ખંભાતને મારગે. માણસોની દોટાદોટ ને ગોકીરા થઈ ગયા. એણે રડી રડીને રાજગઢ ગજાવ્યો. કહે કે આપણે સ્ત્રીઓ તલવારો બાંધીને નીકળીએ. મને તો સૌ રાજપૂતાણીઓમાં નપાવટની નપાવટ કહી કાંઈ ટોણાં માર્યા છે! મારી છાતીએ તો એણે કાંઈ ડામ દીધા છે, ભાઈ! મને કહે કે કોઈના ચૂડા ભંગાવવા બેઠાં છો એ તો ઠીક, પણ પોતે રાજગઢમાં ગરી રહ્યાં છો! એને ફાવે તેમ કહ્યું. સારું થયું કે એણે મને મારું કુળ ને મારી જાત યાદ કરી આપી. હું તો તૈયાર થઈ. હતાં તેટલાં માણસોને હથિયાર બંધાવ્યાં. એ ખબર આ મહેમાનોને પડી. પછી તો એમણેય મારી ઉપર તડપીટ પાડીઃ: કહેવરાવ્યું કે અમને ત્રણેયને ધોળકામાં ઝેર ઘોળાવવુંતું કે પેટ કટાર નખાવવી'તી! કોઈ બોલતાં કેમ નથી? જમવા બેઠેલા થાળી ઉપરથી ઊઠ્યા, ને તમારી વહારે આવ્યા. આમ ખંભાતને ને તમને કોણે, મેં બચાવ્યાં, તમારી આ સોખુએ, કે એ ત્રણ ચાહમાનોએ, એ સમસ્યા તો હવે તમે ને સોખુ બેઉ એકલાં પડો ત્યારે વિચારજો.” પણ વસ્તુપાલના હૃદય પર ભુવનપાલના મૃત્યુનો શોક એટલો ભારી હતો કે એ વિનોદમાં રસ ન લઈ શક્યો. એના અંતર પર આ ત્રણ ચાહમાન ભાઈઓની ખાનદાનીનો ભાર ચડી બેઠો. “પણ, બા!” મંત્રીએ પૂછ્યું, “તમે ધોળકાને સાવ રેઢું મૂક્યું”?” “હું તો નહોતી મૂકતી, પણ સોમેશ્વર ગોર, તમારી લલિતા અને અનોપ, એ ત્રણેએ ધોળકાને તો પડકારી ઊભું કરી દીધું છે. ત્રણેય જણાં હથિયાર બાંધી, મારા વીરમને સાચવીને બેઠાં છે.” આમ એ બધા જ સમાચાર મંત્રીની છાતીની પહોળાઈ વધારનારા હતા. પણ ભુલાતો નહોતો ફક્ત એક ભુવનપાલ.