ગુજરાતનો જય/૨૬. બાપુ જીત્યા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬. બાપુ જીત્યા!

યાદવ સૈન્ય જ્યારે આ માયાવી માલવ સૈન્યનો પીછો પૂર્ણ કટ્ટરપણે લઈ રહ્યું હતું ત્યારે તાપીના પાણીમાં સેંકડો નૌકાઓ કિનારે કિનારે ગોઠવાતી હતી. પ્રભાસપાટણથી માંડી ગોપનાથ સુધીની સાગરપટ્ટીનાં એ મછવાઓ અને વહાણોમાં, ઉપર અનાજની થપ્પીઓ ખડકાઈ હતી અને નીચેના પોલાણમાં શસ્ત્રધારી ગુર્જર સૈનિકો હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતના બીધેલા લોકો તરફથી પોતાને વેઠે મળ્યા કરતી આ ખોરાકીથી યાદવનાથ બડો ખુશ હતો. ઉપરાંત સુવેગે એને ગળે ઘૂંટડો જ એવો ઉતરાવી નાખેલો કે ગુર્જર મંત્રીઓના વિદ્રોહી ઠાકોરો જ આ માલ આપણને મોકલી રહ્યા છે! યાદવ સૈન્યને માટે અનાજના કોથળાઓ લાવનાર ખારવાઓને વેશે જમા થયેલ ગુર્જર સૈન્ય સુદ એકમની અંધારી રાત્રિએ સિંઘણદેવના બાકી રહેલા લશ્કર ‘ઉપર છાપો લગાવ્યો. યાદવ સેનામાં ભંગાણ પડ્યું. સિંઘણદેવ બાવરો બન્યો, સૈન્યની સાથે જ નાઠો. સુવેગનો પત્તો લગાડવાનો એને સમય નહોતો; સુવેગ અદ્રશ્ય થઈ ગયો હતો. પોતાની સેનાની કતલ થતી જોઈને સિંઘણદેવની છાતી બેસી ગઈ. આગલી બે ચડાઈઓમાં એનું અવિજેય કાળરૂપ જોનારા અને એના નામમાત્રથી ઘરબાર ઉઘાડાં ફટાક મેલી ભાગી જનારા તાપી-તીરના ગુર્જરોએ સિંઘણને નાસતો જોયો, ત્યારે તેમનાં હૈયાંમાં નવી હામ આવી. "યાદવોની પાછળ આ કોનો દાવાનળ દોડ્યો જાય છે?” ગામડે ગામડે જવાબ ફરી વળ્યો: “એ છે મંત્રી વસ્તુપાલ અને તેજપાલનાં દળકટકનો દાવાનળ.” એ શ્રાવકડો તો જાત્રાએ ઘૂમતો હતો ને?” “નહીં, નહીં, હું નહોતો કહેતો કે, એની જાત્રા એ તો લશ્કરની તૈયારીનો વેશ માત્ર હતો" એ રીતે હું શું કહેતો હતો ને તું શું નહોતી કહેતી એવાં સામસામાં ઉત્સાહવચનો કાઢતી પ્રજા ઉત્તરોત્તર હિંમતમાં આવતી ગઈ, અને નાસેડું લેતી યાદવસેનાને સંઘરનાર એક ગામડું પણ રહ્યું નહીં. યાદવસેના ઘેરાઈ ગઈ. એણે શ્વેત ધજા ઊંચી કરી. એના સાંધિવિગ્રહિકો ગુર્જર સૈન્યના સેનાપતિ પાસે વિષ્ટિ લઈ ગયા. સેનાપતિ તેજપાલે જવાબ દીધો: “મહામંડલેશ્વર રાણા લવણપ્રસાદ પધાર્યા વગર અમારાથી કોઈ સંધિ કરી શકાય નહીં. આપે શ્વેત ઝંડી દેખાડી એટલે તે ઘડીથી જ આપ અમારા શત્રુ મટીને પરોણા ઠરો છો. ઉપરાંત આપ પૂર્વે બે વાર ગુર્જર દેશના વિજેતા બની ચૂક્યા છો એટલે આજ તો હજુ આપનું સન્માન ગુર્જરીને ચોપડે જમા છે. આપ જ્યાં છો ત્યાં જ માનભેર અમારા મહેમાન બનીને થોભો. મંડલેશ્વર જ અહીં આપના મિલાપ માટે આવી રહ્યા છે.” સેનાપતિ તેજપાલના આ સંદેશાએ ધાડપાડુ ઘાતકી સિંઘણદેવના અંતરમાં ઉમદા શૌર્ય-સંસ્કાર પાડ્યો. બે જ દિવસ પૂર્વે તો એને આવી ગુર્જર ખાનદાની સ્વપ્નવતું અને તરકટભરી લાગેલી. પોતાને બેવકૂફ બનાવી ગયેલો ગુર્જર ગુપ્તચર હાથ આવત તો એને કાચો જ ખાઈ જાત! એણે પાટણના સર્વાધિકારી લવણપ્રસાદ વાઘેલાના આગમનની વાતમાં ભયના ઓળા નિહાળ્યા હતા. એણે માલવ દેશને માર્ગે ગયેલા પોતાના સૈન્યના પાછા વળવાની વ્યર્થ આશા સેવ્યા કરી હતી. સૈન્યને તો સુવેગ તાપી-નર્મદાનાં કંઈક કોતરોમાં પેલી કલ્પિત માલવ સેનાની પાછળ પદોડી રહ્યો હતો. અહીં તાપીના તીરપ્રદેશમાં તેજપાલ સિંઘણદેવને ઘેરી વળીને પૂર્ણ મહેમાની અદા કરતો હતો. પણ સિંઘણદેવનું દિલ સ્થિરતા મેળવતું નહોતું. એ પુછાવતા હતા કે, “મારી જિંદગીનો હામી કોણ?” "આપના જીવના હામી તરીકે હું જ નામ દઉં છું. હામી અમારા ધર્મગુરુ વિજયસેનસૂરિ.” એવો જવાબ દઈને તેજપાલે ધોળકા-ખંભાત મુનિજીને ખબર મોકલ્યા. વૈશાખ સુદ પાંચમ-છઠના પ્રભાતમાં ખંભાતનો અખાત બાળરવિનાં કિરણો નીચે ગુલાબના થાળ જેવો બની ગયો હતો. અને એના ઉપર કાઠિયાણીને શિરે પાતળો સેંથો પડતો હોય એવો લિસોટો પાડતી એક મોટી નૌકા આવતી હતી. એ નૌકા પર પાટણનું રાજચિહ્ન હતું; તે સિવાય કોઈ શણગાર નહોતો, કારણ કે તેની અંદર પ્રવાસ કરનાર પુરુષ પોતે જ રાજા છતાં રાજચિહ્નવિહોણો હતો. ખંભાતથી ઊપડેલી નૌકાના એ મુસાફરો કિનારે ઊભેલા એક જૈન સાધુના ઊંચા થયેલા હાથ સામે નમન કરી રહ્યા હતા; અને એ સાધુ-શરીર દેખાતું બંધ થયું ત્યાંસુધી તેના ઉપર તાકી રહ્યા હતા. એ વિજયસેનસૂરિ હતા. એમણે છેલ્લા શબ્દો આ કહ્યાઃ “સાધુનું હામીપણું વસમું છે, હો વત્સ!” એ બે મુસાફરોમાં બુઢ્ઢા હતા લવણપ્રસાદ અને પ્રૌઢ હતા મંત્રી વસ્તુપાલ. માતાની પ્રભાત-પ્રફુલ્લિત છાતી ઉપર રમતી દીકરી જેવી નૌકા ડોલતી હતી અને બંને મુસાફરોના પ્રાણને ડોલાવી રહી હતી. "હં, પછી ભદ્રેશ્વરમાં શું બન્યું, બાપુ?” વસ્તુપાલ રાણા લવણપ્રસાદ પાસેથી એ વાત સાંભળતો હતો. “તને ખરું કહું?” બુઢ્ઢા લવણપ્રસાદ હસતા હસતા કહેતા હતા, "વીરધવલને લઈને હું એકલો જ્યારે ભદ્રેશ્વર જવા નીકળ્યો ત્યારે છાતી થડક થડક થતી હતી. સૈન્ય ક્યાં હતું તે સાથે લઉં! મને શી ખબર કે તારો ભાઈ બધી સેના સિંઘણદેવ સામે ગોઠવી રહ્યો હશે! મને એવી શી ગમ કે તુંય ગિરનાર-શેત્રુંજાના ને પ્રભાસના તારા ભગવાનને આખી જાત્રામાં ઊંઠાં ભણાવતો હઈશ? મેં તો એકલા વીરધવલને ભદ્રેશ્વરને પાદર ઊભો રાખ્યો અને તારી પાસેથી થોડી શીખેલો તે વાણિયાગત અજમાવી.” એમ કહેતાં કહેતાં લવણપ્રસાદનો કંઠ રડવું ખાળવાને માટે હસતો હોય તેવો ઘોઘરો બન્યો. “એ વાણિયાગત નહોતી, બાપુ, એ તો અરણરાજ વાઘેલાના પુત્રને અને પાટણના ભરતને શોભે તેવી સુજાણ રાજનીતિ હતી. એ રાજનીતિએ જ ત્રણેય ઝાલોદવાળા ચૌહાણોને ને ભીમસિંહને પાણી પાણી કર્યા.” બુઢ્ઢો ગળાને સમારીને પાછો ગર્જવા માંડ્યોઃ “નહીં ત્યારે મેં તો એ ત્રણેયને કહાવી દીધું, કે નથી કચ્છીઓને કપાવવા, કે નથી ગુર્જરોને વઢાવવા. આ રહ્યો મારો દીકરો! કૃપણતા કરી હતી તો એણે કરી હતી અને પાટણનું રાજતિલક કરવાનો પાપી ઈરાદો હોય તો તે અમારો બાપદીકરાનો હશે, ત્રીજાનો શો વાંક? ખેલી લો એની એકલાની સાથે દ્વંદ્ધ” વસ્તુપાલને ધોળકે પડેલું વીરધવલનું જખમી શરીર યાદ આવ્યું. ભદ્રેશ્વરમાં એ શરીર ઉપર તલવારના ઘાની ઝડીઓ વરસી હતી! એણે પૂછ્યું: “બાપુ, આપને દીકરાનીય દયા ન આવી? આટલા જખમો થયા ત્યાંસુધી આપ અટક્યા નહીં?” “અટકું શેનો?” લવણપ્રસાદની આંખમાં આંસુ લટકી રહ્યું. ને એણે જાણે પંજામાં કાંઈ પકડતો હોય તેવી હાથની ચેષ્ટા કરતે કરતે કહ્યું “સામટા ત્રણ ઝારોળાઓના ઘા પડે, ને વીરધવલ ઘોડેથી નીચે પડે એટલે હું દોડીને વળી પાછો એને પડકારી ઊભો કરું. અને કોણ જાણે કેવાયે રામ એની ભુજાએ બેસી ગયા કે મારે પડકારે પડકારે એ ધૂળ ખંખેરીને જાણે રમતમાંથી ઊભો થતો હતો. અને ખોટું નહીં કહું હો! વીરધવલનું શોણિતસ્નાન મારાથી જોવાયું નહીં ત્યારે મેંય થોડી વાણિયાગત કરી. વીરધવલને પાવા પાણી લાવ્યા એટલે મેં તો ઝારોળા ચૌહાણોને યાદ દેવરાવ્યું કે, “નહીં, બાપ! ગુજરાતનાં પાનબીડાં ચાવીને તમે રાતાં મોઢાં કરી ગયા છો, ગુજરાતે કરાવેલું શુકન તમને ભદ્રેશ્વરમાં ફળ્યું છે. તમારા મોં એ પાનબીડે આજે જેવાં શોભે છે તેવું જ શોભવા દો મારા ધવલનું રુધિરાળ મોં. મારો ધવલ ખાશે તો તમારા હાથનું બીડું જ ખાશે; પણ લાલ બનેલું મોં તમારે પાણીએ ધોશે તો નહીં જ! આમ સંભળાવ્યું ત્યારે ત્રણેય વિમાસી રહ્યા, ધોળકે બીડાં ખાધાનું સાંભરી આવ્યું, પઢિયારને અને ચૌહાણોને જ શરમનો પાર ન રહ્યો. ચૌહાણોએ કહી દીધું ભીમસિંહને કે આ કસાઈવાડો હવે નથી જોવાતો. પતાવો આ કજિયો.” પછી આપે કજિયો પતાવ્યો કઈ રીતે એ તો કહો?” “કહું? ખિજાઈશ નહીંને?” "નહીં ખિજાઉં.” “કચ્છી માડુને લોભ એક જ હતો કે એને એનાં ડંકાનિશાન અને છત્રચામર આબાદ રહે. મેં કહ્યું કે, રાખને બચ્ચા જોટે! પછી તો ગુજરાતનું સામંતપદ કબૂલ છેને? જોને, હું એકેય છત્રચામર નથી રાખતો, તું મારાથી મોટો: પાટણમાં આવ ત્યારેય તારાં છત્રચામર ઓઢીને આવજે. માત્ર ખંડણી ભરજે.” "અને એ કબૂલ થયો?” “અરે, રાજી રાજી થઈ ગયો. અને તુરક સેના કચ્છને સીમાડેથી તો એક ઊંટ પણ ન કાઢી શકે એવો જાપ્તો રાખવાના એણે કસુંબાની અંજલિ માથે સોગંદ લીધા.” વસ્તુપાલ એની ઝીણી મૂછો નીચે એક હાસ્ય રમાડતો હતો. એણે પૂછ્યું “છત્રચામર કેમ રાખવા દીધાં, બાપુ?” “તું જ કહેને? એ ચીંથરાં કેટલાંક ચોમાસાં ટકશે? આપણે તો ચોમાસું આવે એટલો જ વખત વેઠવાનો છેને? ભલેને દીકરો થોડા દી ઠઠારો માણે! આપણેય માનશું કે નાટક જોઈએ છીએ.” “હવે આપ ખરા જીત્યા, બાપુ” એમ કહીને વસ્તુપાલે લવણપ્રસાદના પગમાં માથું ઢાળ્યું, “આપે રાજપૂતોનાં લીલાંકાંચ નેત્રોમાંથી ઝેરને ચૂસીને પી લીધું.” “તને એમ લાગે છે કે આજે જ પીધું?” એમ બોલતા લવણપ્રસાદની આંખોમાં અને ચહેરા ઉપર કાળી વાદળીઓ ચાલી ગઈ.