ગુજરાતનો જય/૨. મહામંત્રીનું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. મહામંત્રીનું ઘર

પોરવાડ-વાડાને આગલે છેડે જે નાનું ડેલું હતું એ મંત્રી બાંધવોનું ઘર હતું. સાંકડી પોળમાં વિજયસવારીનો સમાવેશ નહોતો, એટલે બંને ભાઈઓ પગે ચાલીને જ ઘરને આંગણે આવ્યા. પાછા વળતા લોકો વાતો કરતા હતા કે કારણ તો ગમે તે હો ભાઈ, પણ મંત્રી ને સેનાપતિ રાણાની રોજની માગણી છતાં રાજગઢમાં રહેવા જવાનીયે ના પાડે છે, તેમ બીજી કોઈ પહોળી જગ્યાનાં મકાન કરવાની પણ અનિચ્છા સેવે છે. કોઈ પૂછતું તો મંત્રી ભાઈઓ કહેતા કે રાજગઢ તો આજ છે ને કાલે ન હોય. અને આ તો ભાઈઓની ભીંસ છે, એનાથી ન શરમાઈએ. આજની મોટાઈ એ તો વંટોળિયે ચડેલી માટી છે. કાલે વંટોળિયો વહ્યો જાય એટલે માટીએ તો પૃથ્વી પર જ પડવાનું છે ના! કોઈ વળી એમ પણ માનતાં-મનાવતાં કે બેઉ જણ પાકા કાળજાના છે, લૂંટી-ઘૂંટીને ઘરમાં છૂપો માલ ભરવો હોય ખરોને! નાના ડેલાની એક બાજુ પચીસેક લેખકો (ગુમાસ્તાઓ) ને વાણોતરો સમાય તેટલી પહોળી જગ્યા હતી. ત્યાં આખો દિવસ પત્રો પર લેખણો ચાલતી, હૂંડીઓ લખાતી, દ્રવ્યો ગણાતાં, સોનારૂપાં લેવાતાં ને વેચાતાં. સૌની વચ્ચે ગાદી ઉપર એક તેરેક વર્ષનો બાળક બેસતો તે અઢારેક વર્ષનો લાગે તેવી એની ભરાવદાર દેહકાઠી તેમ જ ગરવાઈ હતી. વાણોતરો પ્રત્યેક કામ બાબત એને પૂછતા, એની સંમતિ લેતા, પણ બાળક એ સૌની પાસેથી શીખતો હોય તેવી અદાથી બોલતો ને સમજવા યત્ન કરતો. એ તેજપાલના મુદ્રાવ્યાપારની જૂની શરાફી પેઢી પર બેસી ગયેલો તેનો એકનો એક પુત્ર લૂણસી હતો. તે દિવસ પોતાના પિતાના વિજયપ્રવેશનો હતો તે છતાં આ બાળકના મોં પર ઉદ્વેગ હતો. બહુ મોટી પણ નહીં ને બહુ નાની નહીં એવી એની આંખોમાં કોઈ આવેશની લાલી હતી ને એ લાલાશ પર વારંવાર આંસુનાં જાળાં બંધાતાં ને વીખરાતાં હતાં. તેની પાસે ચિઠ્ઠીઓ લઈ લઈને કનિષ્ઠ જાચકોથી માંડી મહાન કાવ્યવેત્તાઓ તે દિવસે આવતા હતા ને ચિઠ્ઠીમાં માંડેલ આંકડા મુજબ એ પ્રત્યેકને પોતે રકમો ચૂકવતો હતો. તે દિવસની રાજસભામાં પોતાના પિતાને તેમ જ મોટાબાપુને બિરદાવનારા કવિઓને મોટાબાપુએ જે ઈનામો આપ્યાં હતાં તેની આ ચુકવણી હતી. ડેલું, ડેલા પરની મેડી અને આ પેઢી, ત્રણેય સાંકડાં હતાં. પણ અંદર જનારને એ ઘરનું ચોગાન વધુ ને વધુ વિશાળ થતું દેખાતું હતું. એ ઘરની પકતાણ બધી પાછળના વંડામાં હતી, ને ત્યાં પચાસેક હથિયારધારી સૈનિકોનું એક જૂથ રહેતું. તેમ જ એ પરસાળમાં સોએક બ્રાહ્મણો બેઠા બેઠા વેદની ઋચાઓ ગાતા હતા. શ્રાવકોના શ્રેષ્ઠ એવા આ ખોરડાને વિપ્રોના શાસ્ત્રનાદથી ગુંજતું સાંભળી પહેલાં તો જૈન શ્રમણો કચવાતા હતા, પણ મંત્રી બંધુઓએ તેમને કશું કોઠું ન આપવાથી હવે સૂરિઓ-યતિઓ ચૂપ થયા હતા. વિજયપ્રવેશ પતી ગયા પછી એ ઘરમાં એક કિશોરકન્યા દાખલ થઈ અને તેણે વારંવાર પેઢી પર જઈને લૂણસીને ઘરમાં આવવા કહ્યું. ચિઠ્ઠીઓની ચુકાત પતાવીને લૂણસી અંદર આવ્યો ત્યારે એ કિશોરી એની સામે તાકતી ઊભી. એ હતી રાજગુરુ સોમેશ્વરદેવની પુત્રી રેવતી. એણે લૂણસીને પૂછ્યું: “જોઉં, કઈ આંગળી મરડી વીરમદેવે?” “ના રે, કંઈ જ નથી.” એમ કહી લૂણસીએ પોતાના હાથને પીઠ પાછળ ખેંચી લીધા. "રાણાનો પાટવી કુંવર રહ્યો એટલે શું થઈ ગયું?” રેવતીએ લૂણસીની સામે જોઈને ક્રોધ દર્શાવ્યોઃ “તારો શો વાંક હતો તે વીરમદેવે ધમકી દીધી?” "ચૂપ રહે, રેવતી!” લૂણસીએ પોતાની સાથે સિદ્ધેશ્વર મહાદેવમાં સોમેશ્વરદેવ પાસે ભણતી આ બહેનપણીને વારીઃ “તું કંઈ જ રાડબૂમ કરે તો તને મારા સમ છે. કાકાબાપુ કે બાપુ, ગુરુજી કે રાણા જો જાણશે તો આજના રંગમાં ભંગ પડશે.” “નહીં કહું કોઈને. પણ તને તેણે કહ્યું શું તે તો કહે!” “તું આવી મોટી ફરિયાદ સાંભળનારી!” “કહેતો હોય તો કહે, નહીં તો હું ઘર ગજાવી મૂકીશ.” "કહ્યું કે આજ તો લૂંટની મતા ભલે ભેળી કરો, હું રાણો થઈશ ત્યારે બધું જ પાછું એકાવીશ.” "હં-હં– અત્યારથી” એમ બોલતી રેવતીની આંખો ચકળવકળ થવા લાગી, “બીજું?” “બીજું એ કે, રાણાજીનું મન નહોતું તોપણ ઘુઘૂલનું પાંજરું શહેરમાં ફેરવ્યું, એટલી બધી શું તારા બાપની પતરાજી!” "કેટલા બધા ફાટી ગયા છે વીરમદેવ? મોટા થશે ત્યારે શું નહીં કરે?” ત્યાં તો અંદરની મેડી પરથી કોઈએ સાદ પાડ્યો: “બેઉ જણાં અહીં આવો તો!” એ સાદ કાકાબાપુનો હતો. વસ્તુપાલે બેઉને પોતાની પાસે લઈ બેઉના મસ્તક પર હાથ રાખી, કોઈ ચોથાના કાને ન પડે તેવી રીતે કહ્યું: “છોકરાંઓ, મને એ બધી ખબર છે. વાતને દાટી દેજો, જાવ, સૌને જમાડવાની તૈયારી કરો. સૌની પહેલાં કોને જમાડી લેવાના છે, એ જાણે છે કે લૂણસી?” "જી હા, દેવરાજદાદાને.” “દેવરાજદાદા આજના ઉત્સવમાં હતા કે?” મંત્રીએ પૂછ્યું. "અરે હતા તો શું, કાકાબાપુ!” બોલકણી રેવતીની જીભ ચાલુ થઈ, “એ તો જાણે કે ડોસા મટીને છોકરું બન્યા હોય તેમ ઉત્સવ જોઈને લાકડીને ટેકે ટેકે કૂદતા હતા. એનું તો ધ્યાન જ રાણાજી ઉપર ચોટ્યું હતું ને એની આંખોમાંથી તો આંસુડાં હાલ્યાં જ જતાં'તાં. મેં કહ્યું કે, દાદા! કેમ રડો છો? તો એ કહે કે, હું ક્યાં રડું છું! રડેને મારા વીરધવલના વેરીની બૈરીઓ!” “ક્યાં છે દાદા?” "ડેલીની ચોપાટમાં.” “ચાલો, હું મળું. મંત્રીએ ડેલે જઈને એક વૃદ્ધ ક્ષત્રિયને ખભે હાથ મૂક્યો. આંખોનાં પોપચાં નીચાં ઢાળીને જ બેસતા એ એંશી વર્ષના બુઢાએ પોતાને અડકનાર તરફ જોવા મોં ઊંચકીને આંખો પર છાજલી કરી. માંડમાંડ માં દેખી શકાયું. વૃદ્ધ મંત્રીના પગમાં પોતાના બે હાથ નાખ્યા. મંત્રીએ બાળકભાવે એ ચોકીદાર જેવા જણાતા વૃદ્ધના હાથ ઝાલી લઈને પૂછ્યું: “કાં બાપુ, કેમ છો?” "ધુબાકા!” વૃદ્ધ હસતાં ને રડતાં પ્રત્યેક અક્ષરને ગામડિયો મરોડ આપીને 'ધુબાકા' શબ્દ સંભળાવ્યો. "હેઈ ખરાં! તો તો ઠીક,” મંત્રીએ કહ્યું, “આંહીં ગમે છેના! નીકર ચાલો ખંભાત.” "ના રે. સિદ્ધેશ્વર ભગવાનની માળા ફેરવું છું ને લહેર કરું છું. ત્યાં આવું તો પાછો જીવ આંહીં લંભાયા કરે.” "એ તો બરાબર છે. પોતે તમને મળે તો છેને?” "હોવ! વાતો પણ કરે છે.” “પોતે શરમાતા નથીને?” “બિલકુલ નહીં, કડકડાટ વાતો ઝીંકે છે. એના પંડની તો મને ખાતરી છે. પણ...” “શું પણ?” “દીવાની વાંસે...” “અંધારું નહીં થાય, દીવો જ થશે. ફિકર ન કરો.” “રંગ!” બુઢ્ઢો એ શબ્દના ઉચ્ચારણના મરોડ જ કોઈ અપૂર્વ પ્રકારે કરતો હતોઃ “તમે બે ભાઈઓ બેઠા છો ત્યાં સુધી તો ફેર પડે નહીં” “અમે બે ના!” મંત્રીએ કહ્યું, “જમડા આવે તો એનેય ના કહી દેશું કે, હમણાં નહીં” "હા, તમારી હા! ને મારી પણ હા માનજો, હો કે! હજી તો આ ભોમકાના ચૂડા જેણે ઉતરાવ્યા છે તેને તમામને તમારાં પીંજરામાં પુરાયેલા જોઈને પછી જ જાઈશ.” "વાહ વા! વાહ વા! સિદ્ધેશ્વરમાં બેઠા બેઠા આ છોકરાંઓને બરાબર એ પાઠ પાકો કરાવજો, હો કે બાપુ!” “આ રેવતી તો કાળા કોપની છે, મંત્રીજી! અને હું તે શું પાઠ ભણાવતો'તો! વીરમદેવ કુંવરનેય હાથ જીભ કઢાવે છે ને.” "હું – એનું કાંઈ નહીં. પધારો જમવા.” એમ કહીને એ વિલક્ષણ ડોસાને ચૂપ કરતા મંત્રીએ પોતે એને લઈ જઈ, બેસારી, પાસે બેસી ખરી ખાંતે જમાડ્યો ને સિદ્ધેશ્વરમાં પહોંચાડ્યો. એ વૃદ્ધ ધોળકામાં એક ભેદી પુરુષ હતો. સૌને ફક્ત એટલી જ ખબર હતી કે એને મંત્રીએ સિદ્ધેશ્વરનો રખેવાળ રાખ્યો હતો. એની સાચી ઓળખાણ ફક્ત ત્રણચાર જણાને જ હતીઃ બે મંત્રી ભાઈઓને, રાણા વીરધવલને અને દેવ સોમેશ્વરને. એ હતો રાણા વરધવલનો ધર્મપિતા, મેહતા ગામનો રાજપૂત ત્રિભુવનસિંહ, જેનું ધોળકા ખાતેનું નામ હતું દેવરાજ પટ્ટકિલ. લોકો ફક્ત એટલું જ સમજતા કે મોટા રાણાએ વીરધવલને એની નાની વયમાં આ પટેલને ઘેર મુસીબતના સમયમાં છુપાવી રાખ્યા હતા.