ગુજરાતનો જય/૪. કલંક ને ગૌરવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. કલંક ને ગૌરવ

સહસ્ત્રલિંગની પાળે સાંઢણી ઝોકારીને રાણો લવણપ્રસાદ જ્યારે કટુકેશ્વરના શિવાલયમાં દર્શન કરવા ચાલ્યો ત્યારે રાતનાં ચોઘડિયાં વાગવાની વેળા હતી. પણ અણહિલપુર પાટણ સૂમસામ હતું. કરોડપતિ શ્રેષ્ઠીઓની હવેલીઓ પર દીવાની જ્યોતિર્માળા દેખાતી નહોતી. સરોવરતીરનાં મંદિરોમાં પણ છૂપીચોરીથી દેવપૂજા પતાવાતી હોય તેવું લાગતું હતું. ફક્ત થોડાએક બટુકો સાથે રાજગુરુ કુમારદેવ ગુલેચા કટુકેશ્વરમાં આરતી ઉતારતા હતા. એનું મુખ નિસ્તેજ હતું. આરતીના દીવાઓ એના મોં પરના ખાડા અને કરચલીઓને વધુ સ્પષ્ટ કરી રહ્યા હતા. લવણપ્રસાદે આરતીનો ધૂપ લઈને પૂછ્યું: “દેવ! આમ કેમ બધું સૂમસૂમાકાર છે? મહારાજના કાંઈ સમાચાર નથી શું?” “મહારાજ ભીમદેવ તો ચાર દિવસ પર પરોઢિયે પાટણમાં આવી ગયા.” “શું કહો છો?” લવણપ્રસાદ આશ્ચર્ય પામ્યો, “હું આવીને ઉત્સવ કરવાનો હતો, મહારાજને વાજતેંગાજતે નગરપ્રવેશ કરાવવો હતો, તે બધું...” “મહારાજે કશો સમારંભ કરવાની ના પાડી.” “કેમ?” "કહે કે માંડ માંડ સુરત્રાણનો સૂબો દિલ્હીમાં શાંત બેઠો છે તે પાછો ચિડાઈને ચડી આવે.” "એમ...!” લવણપ્રસાદની ખોપરી ગરમ થઈ, “કુતબુદ્દીને શું મહારાજને પાટણ પાછું ભેટ કે દાનમાં દીધું છે? અમે તો લીધું છે અમારા બાહુબળે. ભુજાઓ તો ભાંગી છે મારા મેર યોદ્ધાઓની, ચંદ્રાવતીના પરમાર સુભટોની અને નાગોરના ભીલોની.” “એ બધાં સૈન્યોને પણ મહારાજે પાછાં ચાલ્યા જવા કહી દીધું.” “એમ! અને પટ્ટણી, વણિકો ને શ્રાવકો બધા ક્યાં મરી ગયા છે, કે તેમણેય નગરમાં અંધારું ધબ રાખ્યું છે?” "એ તો બધા પાછા જ ક્યાં આવ્યા છે? મ્લેચ્છોના કિલ્લેદારોએ પાટણનો કબજો કરેલો ત્યારથી જ એ નાસી ગયા છે, રાણા! અડીખમ વાણિયો તો એકેય ઊભો જ નથી રહ્યો.” "ને ચોઘડિયાં, નોબતો, દેવની આરતી કેમ મૂંગાં મૂંગાં છે?” "મહારાજે કાંઈ કરતાં કાંઈ જ હોહા કરવાની ના પાડી દીધી છે. કહે કે દિલ્હીનો સુરત્રાણ વળી પાછો ખિજાય.” “પોતે શું કરે છે? ક્યાં રહે છે?” “બહાર નીકળતા જ નથી. દિવસે મહેલમાં ને રાત્રિએ ચંદ્રશાલા (અગાશી)માં જ પડ્યા રહે છે એમ વંઠકો કહે છે. સ્તંભતીર્થથી આરબ હકીમો ને મર્દન કરનારાઓ આવ્યા છે તેની પાસે શ્વેત કેશ પર કલપ લગાવરાવે છે ને ઔષધિઓ ખાય છે.” "શાની ઔષધિ?” “શક્તિવર્ધનની.” “હા, દેવ! હા ક્ષત્રિય!” એક નિઃશ્વાસ નાખીને લવણપ્રસાદે રાજગુરુને કહ્યું, “ખેર! હવે જુઓ, દેવ, તમારી પાસે ભણનાર કોઈક નિશાળિયા ચાલ્યા આવે છે મંડલિકપુરથી.” “હા જી, મારો સોમેશ્વર કહેતો હતો કે ત્રણ શ્રાવક છોકરા આવનાર છે.” “પણ મેં એને માર્ગમાં ખૂબ ચીડવેલ છે. મને તો આ તમારા ભણતર અને સાહિત્યજ્ઞાન ઉપર મોટું મીંડું ચડી ગયું લાગે છે. મને તો સમજાતું નથી કે પાંચ પેઢીથી સોલંકી રાજાઓએ ચણાવેલાં ચણતર એક સૈકોય કેમ ટક્કર ન ઝીલી શક્યાં! આમ બધું ભરભર ભૂકો કેમ થઈ ગયું!” "શંભુ સૌ સારાં વાનાં કરશે, રાણા!” વૃદ્ધ કુમારદેવના હાથ હજુ પણ સોનાની દેદીપ્યમાન આરતીનો અધમણ બોજ ઉપાડી રહ્યા હતા; પોતે કેવું શિક્ષણ આપવાના છે તેનો મૂંગો મર્મ દાખવતી એ સાઠ વર્ષના વૃદ્ધની દેહાકૃતિ વિદ્વતા અને વીરશ્રીનાં કિરણો કાઢતી હતી. બહાર નીકળીને લવણપ્રસાદે ભીમેશ્વરપ્રાસાદનું ખંડિત શિખર જોયું એટલે યાદ આવ્યું કે આ પરદેશીઓ આવીને આસાનીથી ભાંગી ગયા છે. “આ નાલેશીનો તો હવે ઉપાય કરો!” એ પણ મરામત કરવાની મહારાજે ના જણાવી છે. કહે કે સુરત્રાણનાં ભાંગેલાં મંદિરો હમણાં સમરાવશું તો પાછો એ કોપીને કટક ચલાવશે.” વધુ કંઈ બોલવાની શક્તિ ન રહી એટલે લવણપ્રસાદ મૂંગો મૂંગો, લજ્જિત થઈ, કોઈને મોં પણ ન બતાવતો, પાલખીમાં પુરાઈને રાજગઢમાં ચાલ્યો ગયો. પ્રભાત પડ્યું ત્યારે લવણપ્રસાદે રાજગઢની અંદરની પોતાની હવેલીના ઊંચા ઉતારા પરથી પાટણને ચારે કોર નિરાંતવી નજરે નિહાળ્યું. મંદિરોની એ નગરીમાં મંદિરો માથા વગરના મહાવીરોનાં ધડ જેવાં ઊભાં હતાં. કરોડપતિઓની હવેલીઓ પર લાખ લાખ દ્રમ્મની સંપત્તિ દીઠ અક્કેક ઊડતી એવી સેંકડો ધજાઓ ફરકતી નથી, ચોરાસી ચૌટાં ગાજતાં નથી. મહાભટ અને ભટરાજોની સવારીઓ નીકળતી નથી. છત્રપતિ ડંકાપતિઓનાં નગારાં મૂંગાં મરી રહેલ છે. ઊભરાતાં ચાલ્યાં છે ફક્ત જૈન યતિઓનાં, મુલાયમ વચ્ચે લહેરાતાં, વિલાસી તેલો વડે મઘમઘતા વાંકડિયા શિર-કેશવાળાં ટોળાં ઉપર ટોળાં. તેમના શોખને ને ઠાઠમાઠને થોભ નથી. એક ઠેકાણેથી બીજે ઠેકાણે આ ટોળાં હોકારા-પડકારા કરતાં વાદાવાદને માટે ઘૂમી રહેલા છે. અને રાજગઢમાં પણ તેઓ ઔષધિઓની પેટીઓ ઉપડાવી મહારાજ ભીમદેવના વૃદ્ધ દેહને નવા વિલાસોની વાસનાશક્તિથી સજાવવા દાખલ થઈ રહેલ છે. લોકો તેમનાથી ડરીને-તરીને દૂર ચાલતા હોય છે. પાણી ભરીને આવતી નગર-નારીઓને આ યતિઓની દ્રષ્ટિઓના મંત્રપાશથી માથા પરથી બેડો પડી જાય તેવી બીક લાગે છે. લવણપ્રસાદ મહારાજના તેડાની વાટ જોઈ બગાસાં ખાતો ખાતો બેઠો હતો તે વખતે રાજગઢમાં એક પરદેશી પોશાક પહેરેલું ટોળું દાખલ થયું. આગળ ચાલનાર પચાસેક વર્ષનો પુરુષ હતો. એના પાની ઢળકતા કાળા જામા ઉપર જરકશી ભરેલી હતી. એનો પોશાક પરદેશી હતો. એનો દેહ અલમસ્ત હતો. ગરદન ટૂંકી ને કાન લાંબા હતા. ચરબીના થરો ચડેલા હતા. દેહ ટમેટાના રંગનો હતો. રાજગઢનો દરેક માણસ એને ઝૂકી ઝૂકી પરદેશી ઢબની સલામો ભરતો હતો. એ સલામોની સામે આ પરદેશીની ફક્ત આંખો જ હલતી; એથી વધુ સામો વિનય એ કરતો નહોતો. એની પાછળ હારબંધ ગુલામોની ટુકડી હતી. ગુલામોના શિર પર હાથીદાંતની, સુખડની, સીસમની, એવી તરેહવાર નક્શી કરેલી અક્કેક પેટી હતી. પેટીઓમાંથી જૂજવી-જૂજવી માદક સોડમે આખા રાજગઢને મઘમઘાવી દીધો. સૌની પાછળ એક બંધ પરદાવાળી પાલખી આવતી હતી. પાલખીની કનાતો પર જરિયાનની અપરૂપ શોભા હતી. "પધારો પધારો, સદીક શેઠ!” એમ કહેતા એક પુરુષે ઉપરથી ઊતરી ઝૂકી ઝૂકી અદબ કરી, “મહારાજ આપની જ રાહ જોતા બેઠા છે.” પાટણના એ ખુદ દંડનાયકને આ ખુશામત કરતો દેખી લવણપ્રસાદ વધુ ચિડાયો. "મહેરબાની મહારાજની,” એમ કહીને એ પરદેશી અતિથિએ પોતાને લેવા ઊતરેલા આ રાજપુરુષ પ્રત્યે પાછળ આવતા મ્યાના તરફ આંખ ફેરવીને ઈશારતથી કાંઈક સૂચના માગી. તેનો સામો જવાબ પણ મૂંગી ઇશારત વડે જ મળ્યો. મ્યાનો એક બીજા માર્ગે થઈને રાજગઢના અંદરના ભાગમાં લઈ જવામાં આવ્યો અને વિદેશી પરોણાને એની પેટીઓના સરંજામ સહિત સીધી સીડીએથી ઉપર લઈ જવામાં આવ્યો. જતાં જતાં એ સદીક નામે સંબોધાયેલ વિદેશીની ને નીચે બેઠેલા રાણા લવણપ્રસાદની ચાર આંખોનું મિલન થયું: સદીકની આંખોમાં સંશય અને તુચ્છકાર હતા, લવણપ્રસાદની આંખોમાં દેવતા હતો. સદીકે ઉપર ચડતે પૂછ્યું: “એ કોણ?” પાટણના દંડનાયકે કહ્યું: “કાંટો.” “પરવા નહીં. ચીપિયા ઘણા છે. નામ શું?” "રાણા લવણપ્રસાદ.” "મુસ્લિમ કિલ્લેદારોને તોબાહ પોકરાવનાર એ ખુદ-બ-ખુદ?” “હા, શેઠ.” “હં.” એ ઉચ્ચાર ભેળા સદીકના બઠિયા કાન જરાક હલી ગયા. એકાદ ઘટિકા વીત્યા બાદ એ પરોણો પાછો ઊતર્યો. લવણપ્રસાદને એણે હજુયે બેઠેલ દીઠો. એના મોં પર સખતાઈનાં ગૂંચળાં વળતાં હતાં. જરાક આગળ નીકળી જઈને પછી સદીક શેઠ પાછો ફર્યો. એણે પાણી પાણી કરી નાખે એવા એક મધુર કાતિલ સ્મિત સાથે લવણપ્રસાદને કહ્યું: “આદાબ! જનાબ, આદાબ! મને લાગ્યું કે આપ કંઈક બીમાર છો. પેટમાં કાંઈ આંટી વળતી દેખાય છે.” લવણપ્રસાદ કાંઈ બોલે તે પહેલાં જ સદીકે કહી નાખ્યું: “પેટની આંટી પર અકસીર કામ કરે તેવી અજમાની દવા છે મારી પાસે. જનાબ ફરમાવે તો બંદો હકીમી કરવા હાજર છે. જુદાઈ ન જાણજો, બંદેનવાઝ!” એમ બોલતો-બોલતો બેઉ હાથ ઝુકાવીને સલામો ભરતો એ આરબ પરોણો નીચે ઊતરી ચાલ્યો ગયો. છેક દેવડી સુધી જઈને એણે પાછળ એક નજર નાખી જોઈ. લવણપ્રસાદ તો સડક બનીને જ બેઠો હતો. આખો દિવસ મહારાજ ભીમદેવે 'હમણાં બોલાવું છું, હમણાં તેડાવું છું' કહાવી વિતાવી દીધો. સાંજે ઘણીવાર બહાર બેસી રહ્યા પછી લવણપ્રસાદની વરધીને તેડું આવ્યું. હીંડોળે હીંચકતા મહારાજાને લવણપ્રસાદ બે વર્ષે પહેલી વાર જોવા જતો હતો. સંવત ૧૨૫૦માં અણહિલવાડ ગરજન(ગિજની)ના શાહબુદ્દીન ઘોરીની સમશેર તળે નીકળ્યું, ચૌહાણોના અજમેર-દિલ્હી અને રાઠોડોના કનોજની કતલોમાં શોણિતપાન કરીને પછી ગુજરાત પર ત્રાટકેલી ઇસ્લામની તલવારને ભાળીને નાસડું લેનારી ગુજરાતની ફોજનો આ સ્વામી ભીમદેવ બીજો, નાસી ગયો હતો. ક્યાં જઈ છુપાયો હતો, એ કોઈને ખબર નહોતી. લોકવાયકા હતી કે સ્તંભતીર્થના નગ્ન મૂર્તિઓના એક દેવળમાં એ પોતાનું જવાહિર લઈ જઈને દેવદાસીઓને હાથ વિલાસમાં ચકચૂર બન્યો હતો. આબુના જેતસી પરમારની યુવાન ઇચ્છનકુમારીને પરણવાની જીદ ખાતર પૃથ્વીરાજના બાપ સોમેશ્વરને મારનારો અને તે પછી પોતાના દેશનિકાલ કરેલ છ ભત્રીજાઓના ઝઘડાને ખાતર પૃથ્વીરાજની બાણ-પથારી પર પોતાના નવલખા યોદ્ધાઓને પોઢાડનારો ઘમંડી ભીમ સોલંકી આજે હવે ઘોરીના સૂબા મલેક કુતબુદ્દીનના પંજામાંથી લવણપ્રસાદ વગેરે રાજનિષ્ઠોએ મુક્ત કરેલ અણહિલવાડમાં ચુપકીદીથી રાત લઈને પેસી ગયો હતો. લવણપ્રસાદ પગથિયાં ચડી રહ્યો હતો ત્યારે મેડી ઉપર કશીક ધમાલ સંભળાતી હતી. દાસદાસીઓ મહારાજ પાસેથી કશીક ચીજવસ્તુઓ દૂર કરવા દોડાદોડી મચાવતાં હતાં ને મહારાજનો પોતાનો પણ ઉગ્ર સ્વર આવતો હતોઃ “ઓ મૂરખાઓ! જલદી કરો, જલદી ઉઠાવી જાઓ આ બધી સામગ્રી તમારો બાપ કાળ જેવો હમણાં આવશે ને જોશે તો ધૂળ કાઢશે.” લવણપ્રસાદને લાગ્યું કે મહારાજ પોતાનાથી શરમ અનુભવી રહેલ છે. પોતે ઉપર પહોંચ્યો ત્યારે મહારાજ શરીર પર વસ્ત્રો ઠીકઠાક કરતા હતા. એમના મોં ઉપર ઝાંખપ હતી. કોઈ દારૂડિયો પોતાનો નશો દૂર કરવાના ફાંફાં મારે તેમ ભીમદેવ પોતાની શિથિલતા ને દીનતા ઢાંકવા મથતો હતો. એની તાજી કલપ દીધેલ દાઢીમૂછોમાંથી વિકાર ડોકિયાં કરતો હતો. સોલંકીઓના હાથના કાંડા પર જે કંકણ-કાવ્ય સદા ધારણ હતું, રાજશાસનના અને આત્મમંથનના ગંભીર ગહન પ્રસંગે જે કંકણ-કાવ્યનું મનન કરતાં કરતાં સોલંકીઓ શુદ્ધ વિચાર ભાવતા, સમસ્યાનો ઉકેલ શોધતા, આત્માને ખોજતા, તે કંકણ-કાવ્ય કોતરેલું કંકણ જ ભીમદેવના કાંડા પરથી દૂર થયેલું દીઠું. ઉપર પહોંચું ને જોઉં કે તરત જ ધધડાવી નાખું એવો મનસૂબો લઈને લવણપ્રસાદ ગયો તો ખરો, પણ જતાંની વાર ભીમદેવનું મોં જોઈને એનો ગુસ્સો હોઠે આવેલો તે હૈયે પાછો ઊતરી ગયો. “આવ, ભાઈ!” ભીમદેવના એટલા જ બોલમાં જિંદગીભરની કંગાલિયત સંભળાઈ, મહારાજનો વધુ તેજોવધ કરતાં એની હિંમત હાલી નહીં. એણે પગે લાગીને મહારાજની સામે પડેલી ગાદી પર વીરાસન વાળ્યું. બેઉ વચ્ચે થોડો વખત તો બોલચાલ શરૂ જ ન થઈ શકી. ભીમદેવ પાંપણો નીચે ઢાળીને છૂપો છૂપો લવણપ્રસાદની મુખમુદ્રા તપાસતો હતો. એ મોં એણે છેલ્લું બે'ક વર્ષો પર જોયું હતું. પણ નિહાળીને જોયાં તો ચારેક વર્ષ ગયાં હતાં. એ મોં પર જખમોના ડાઘ હતા. એક ચીરો તો લમણા ઉપર હતો; દાઢીથી લઈને ડાબા કાન સુધીનો એક વ્રણ ટેભા લીધેલો હોય તેવો હતો. બેઉ ભુજાઓ પર ચાઠાં હતાં. ઉઘાડા દેખાતા એના દેહ પરથી જો આખી કાયાના હવાલની કલ્પના કરીએ તો અંગેઅંગ યુદ્ધમાં ડખોળાઈ ગયેલું લાગે. છેલ્લો જોયેલો ત્યારે લવણપ્રસાદ આરાસણા ખાણની શિલામાંથી કોતરી કાઢેલી કોઈ સુંદર સુભટ પ્રતિમા સમો હતો. જેણે જેણે એની જુવાની જોઈ હતી, તેમને મન આજે એની કદરૂપતા કહી કે સહી ન જાય તેવી હતી. એ કદરૂપતા ભીમદેવને પૂછતી હતી જાણે કે –  તારે પરણવી હતી આબુના જેતસી પરમારની ઇચ્છન, એ માટે તેં કેટકેટલી રજપૂતાણીઓના રૂપાળા ધણીઓને યુદ્ધમાં ઓરી જીવતા ભૂત કરાવ્યા, જાણે છે? તેં કાઢી મૂક્યા હતા છ ભત્રીજાઓને, તેમણે લીધો હતો ચૌહાણની ચાકરીનો આશરો. દરબારમાં મહાભારત વંચાતું હતું ત્યારે એ છમાંના એકે માત્ર મૂછે તાવે દીધો, પૃથ્વીરાજના કાકા ચૌહાણ કન્હથી ગુજરાતી આશ્રિતોનું અભિમાન ન સહેવાયું, એણે મૂછોના વળ સોતું એ માથું વાઢી લીધું; ને તેમાંથી ચૌહાણોની સામે તેં હુતાશન ચેતાવ્યો – તેમાં આવા કેટલા હોમ્યા, ખબર છે? ઘેરથી તો જેમને કાઢી મૂકેલા, તેઓનો પારકે ઘેર ગર્વ સાચવવાની ગંડુ ઇજ્જત પર તું ગુજરાતને ખુવાર કરી બેઠો, તે જાણે છે? ને પછી મૂર્છિત રાજપૂતીના મહાદેહ પર શાહબુદ્દીન ત્રાટક્યો ત્યારે તેં ભાગેડું લીધું ને તારી ગુજરાતનાં ગૌરવ તે આને ભળાવ્યાં, જાણે છે? કેટકેટલી લડાઈઓના ઝાટકાએ આ પૌરુષના રૂપને ટોચી નાખ્યું, યાદ આવે છે? વધુ વાર ભીમદેવ ટટ્ટાર ન બેસી શક્યો. એની નસોને અતિભોગે તોડી નાખી હતી. એણે હીંડોળાખાટ પર શરીર લંબાવ્યું. એણે પૂછ્યું, “તું સાજો નરવો છેને? હવે દોડાદોડી કરીશ મા, ભાઈ. એ તો આંહીં લખ્યા પ્રમાણે જ બન્યા કરશે.” એમ કહેતે એણે લલાટ બતાવ્યું. એ લલાટને છૂરીથી છોલી નાખવાનું લવણપ્રસાદને મન થયું, પણ કાંઈ બોલ્યા વગર પોતે બેઠો રહ્યો. “મદનરાણી ને વીરધવલ ક્યાં છે?” ભીમદેવે લવણપ્રસાદનાં સ્ત્રી-બાળકના ખબરઅંતર પૂછ્યા. "મદન મરી ગઈ.” લવણપ્રસાદે જવાબ દીધો. “ક્યારે?” "બે વર્ષ પર, ને વીરધવલ એક ઠેકાણે ઊછરે છે.” “હમણાં બહાર કાઢીશ મા. સુરત્રાણનો ભો જબરો છે.” “હું આપની રજા લેવા આવ્યો છું.” “ક્યાં જવું છે?” “ધોળકે જઈને રહીશ.” "પછી આંહીંની ટંટાળ કોણ કરશે?” "ટંટાળ તો હવે શી બાકી રહી છે?” “કેમ?” "મંડલેશ્વરો તમામ પોતપોતાનું દબાવીને બેસી ગયા છે. આટલાં વર્ષ એ કાંઈ આપણી વાટ જોઈ બેઠા રહે એવા મૂર્ખ થોડા જ છે!” “મૂઆ! મરવા દેને, ભાઈ! જે છે તેટલું જ નિરાંતે ભોગવવા દેને! એ તો ઠીક, પણ લવણપ્રસાદ, તને ઝવેરાતનો કેવોક શોખ છે? સ્તંભતીર્થના આરબો અસલ ચીજ રાખે છે, હો!” "હા, મહારાજ! મેં જોયું કે સ્તંભતીર્થનો આરબ વહાણવટી સદીક સવારે જ આપની સેવામાં આવી ગયો. અમારો ભેટો રાજગઢના ચોગાનમાં જ થયો. એણે મને કહ્યું કે પેટમાં દુખતું હોય તો મારી પાસે ઊંચી જાતના અજમા છે.” “એ વળી શું?” “એમ કે ગુજરાતની લૂંટ કરવામાં હું એની વચ્ચે ન આવું તો મને એ ઝવેરાતથી શણગારવા તૈયાર છે.” “એને બહુ છેડવા જેવો નથી. સાચવી લેવા લાયક નંગ છે એ, હો રાણા!” “પાટણના સર્વોપરી બારા સ્તંભતીર્થનો એ જલમંડપિકા (તરી માંડવી જકાત) અને સ્થલમંડપિકા (ખુશકી જકાત)નો કેટલાં વર્ષોથી ઇજારદાર છે ને રાજને શું આપે છે તે આપ જાણો છો?” “કાંઈ જાણવાની જરૂર નથી, ભાઈ, જે આપતો હોય તે આપણું સમજને અત્યારે એ આરબોને ને યવનોને સતાવવા જેવું નથી. દિલ્હીનો સુરત્રાણ ચિડાશે નાહકનો!” "મહારાજા મહારાજા” લવણપ્રસાદની મૂછો શાહુડીનાં પિછોળિયાંની જેમ છમકાર કરતી ઊંચી થઈ રહીઃ “પાટણનો ધણી નથી બોલતો આ. ગુજરાતની ભવિતવ્યતા બોલે છે. હોનહાર બહુ બૂરી ભાસે છે.” "જો ભાઈ, લવણપ્રસાદ!” ભીમદેવ પોતાના રત્ન-હીરાના શણગાર પર વૃદ્ધ હાથ ફેરવતા ફેરવતા બોલ્યા: “તારે હજુ ઝાઝું જીવવું છે, ને હું હવે થોડીક વસંતનો મહેમાન છું. મને હવે ધરાઈને મોજ કરી લેવા દે. તને હું મારો સર્વાધિકારી નીમું છું. તારે ઠીક પડે તેમ પાટણને સાચવ અને નહીં તો મૂક પાટણને તડકે. તું તારે તારું ધોળકું જમાવ. બાકી હા, આ દિલ્હીના સુરત્રાણને ભલો થઈને છેડતો ના ને સ્તંભતીર્થના સદીકની ઇતરાજી વહોરતો ના. આ તૂટેલાં દેરાંને હમણાં દુરસ્ત કરવાની કાંઈ જરૂર નથી.” "પણ સૈન્ય જેવી કોઈ ચીજ રહી નહીં તેનું શું, મહારાજ? આપે તો મેરોને ને નાગોરના ભીલોને રજા દઈ દીધી.” “બાપુ, હમણાં સૈન્યનો ઠઠારો કરવા જેવું નથી. યવન હજી માંડ પાછો ગયો છે ત્યાં વળી પાછું એને તેડું શીદ કરવું?” એટલું બોલતાં ભીમદેવને હાંફ ચડી ગઈ, એણે વંઠકને બૂમ પાડી, “અલ્યા, પેલો આસવ કટોરી ભરીને લાવજે તો – પેલો, સદીક શેઠ દઈ ગયા તે ગુલાબી આસવ.” “લેને, લવણપ્રસાદ! તું પણ થોડોક લેતો જાને! તારે કાંઈ દોડાદોડ ઓછી છે? મેં કરી લીધી. હવે તું કર. પણ થાકી જઈશ, લેતો રહેને આ અંજલિ અંજલિ –” એમ કહેતે કહેતે મહારાજની આંખ ફાંગી થઈ. એણે ફરી વાર પાછા પૂછ્યું: “ત્યાં ધોળકામાં તારો પરિવાર તો મજા કરે છેને? આમ સુકાઈ કેમ ગયો છે, હેં?” “પરિવાર નથી.” “ત્યારે શું એકલો છે?” “મેં આપને એક વાર ન કહ્યું કે મદન તો મરી ગઈ!” “હા, હા, પણ દુનિયાની બીજી બધી જ બૈરીઓ કંઈ થોડી મરી ગઈ છે, ગાંડા!” રાણો કઠોર મુખ કરીને ચૂપ બેસી રહ્યો. "વીરધવલ કેવડોક છે?” "દસેક વરસનો.” “એ ઠીક છે. હમણાં એને ગુપ્ત જ રાખજે, કારણ કે અત્યારે કોઈનું કાંઈ કહેવાય છે, બાપા! સુરત્રાણનાં ઘોડાં ફરી પાછાં ઊતરે તો ના પડાય છે? પણ. આમ જો. મારા પછી તું – ને તારા પછી વીરધવલ. પાટણના ગાદીવારસ તમે બેઉ છો, હો! હું આજે જ આદેશ કઢાવું છું.” અમારે ગાદી, ન ખપે, મહારાજા અમે તો પાટણના સેવકો છીએ ને સેવકો જ રહેશું.” "ગાંડો થઈ ગયો! હું ભીમદેવ સોલંકી – હું ગુજરાતનો સ્વામી, હું મારું સિંહાસન ચાય તેને દેવા સમર્થ છું. એમ કાંઈ તું મને મરેલો કે મુડદાલ ન માનીશ. એમ તો મેં ચૌહાણોને જેર કર્યા'તા, પરમારને ઠમઠોર્યો'તો, તારું નામ લેનાર કોણ છે બેટીનો બાપ? આવે તો ખરો કોઈ ચૌહાણ મારી સામે!” લવણપ્રસાદને લાગ્યું કે મહારાજના છલોછલ મિથ્યાભિમાનમાં સુરાની ગુલાબી પ્યાલીએ વધુ બહેકાટ ઉભરાવ્યો છે. 'જોશું કાલે' એમ કહીને એણે રજા લીધી. રાજગઢની બહાર નીકળતાં નીકળતાં એણે નવી વેદના અનુભવી. એણે ગુજરાતનો ધ્વંસ સર્વ પ્રકારે જોયો હતો: ભાંગેલાં મંદિરો, ઉજ્જડ બનેલી હવેલીઓ, વેરાન થઈ પડેલી પાઠશાળાઓ, સૂનકાર સહસ્ત્રલિંગ, વિષાદમાં ગરક પ્રજા, વિનષ્ટ થયેલું વાણિજ્ય, વેરાઈ ગયેલું સૈન્ય અને વીફરી બેઠેલા મંડળિકો; પણ એ સર્વ વિનાશ જે પોતે હમણાં જ જોઈને પાછો વળ્યો તે મહાધ્વંસના હિસાબે કોઈ વિસાતમાં નહોતો. એ મહાધ્વંસ અણહિલપુર પાટણના રાજાધિરાજ ભીમદેવના આત્મશૃંગોનો હતો. રાજગઢમાં લવણપ્રસાદે નીંદર વગર પથારીમાં પાસાં ફેરવવા માંડ્યાં. આખરે પાંસળીઓ બળવા લાગી ને પોતે રહી ન શક્યો. વિલાસી રાજભોગની એકેક સામગ્રી જોઈ જોઈ એ આકુળ બન્યો. રાજગઢ છોડીને એ ફરી વાર સહસ્ત્રલિંગને કાંઠે કુલગુરુ કુમારદેવની પાસે આવ્યો. “નહીં, દેવ,” એણે ગાદલું કઢાવવા જતા કુમારદેવને અટકાવ્યા: “મૃગચર્મ જ બિછાવો; તમારી પથારીની બાજુએ જ સૂવું છે.” "પેલા છોકરા મંડલિકપુરથી આવી ગયા કે નહીં?” એણે મૃગચર્મ પર બેઠે બેઠે પૂછ્યું, “મારું હૈયું બળે છે. મેં એ બાપડા વિધવાના પુત્રોને ચીડવ્યા છે. ક્યાંઈક પાછા ન ફરી ગયા હોય! હું મથીમથીને થાકું છું, દેવ, પણ ખોપરી સાવ ટાઢી તો થતી જ નથી.” “એ છોકરા હજુ તો કયાંથી પહોંચે?” "દેવ” લવણપ્રસાદે હતા તેટલા ઊભરા ઠાલવીને કહ્યું, “હવે તો કોણ જાણે કેટલાં વર્ષ મારું સ્વપ્ન પાછું ઠેલાયું.” "રાણાજી,” કુમારદેવનો સ્વર આશાના ઘોષ પાડી રહ્યો: “ધરતી કદી વાંઝણી નહીં રહે. કોઈક આ ટીંબાને જગાડનાર આવી પહોંચશે. પાંચ-પંદર વર્ષ મોડું ભલે થાય, પણ ગુજરાતને ફરી બેઠી કરે એવો કોઈ ઉત્તરાધિકારી આવી પહોંચશે. પણ મારી નજર તો એમ પહોંચે છે બાપા, કે કોઈક કુંવારી ધરતી ગોતીએ; આ તો હવે રંડાપો પામી છે.” “મહારાજના બોલ પણ એવા જ હતા. એ કહે કે તું તારે ધોળકે જઈ જે કરવું હોય તે કર.” કુમારદેવે કહ્યું: “બસ ત્યારે, મારા બાપ! સોલંકીનો દીકરો એટલો સમજણો તો ખરો. ધોળકાની પૃથ્વીનો જુગદેવ જાગ્યો સમજો.” “પણ આ પાટણ કોને ભળાવું? "તમારે ભળાવવા જવું નહીં પડે. ધરતી પોતે જ પોતાના યુગપ્રવર્તકને સાદ કરી તેડાવી લેશે. એનો અવાજ જેને કાને પડશે એ કોઈના ઝાલ્યા નહીં રહે. પૃથ્વીને સીમાડેથી પણ આવી પહોંચશે.” “પણ ધોળકું – એક ક્ષુદ્ર ટીંબો! વેરાનનો કાંઠો! એને માથે શું થઈ શકે, દેવ, મારી તો કલ્પના કામ કરતી નથી.” “કલ્પનાની વાત છોડી દો, રાણા! પણ નિશ્ચયની મેખ મારો. મસાણોય સજીવન થાય છે, તો ચંદના નદીના કાંઠાને માથે મારા શંભુની મહેર ઊતરતાં શી વાર? કુંવારી ધરતીને તો મંડળેશ્વર, ત્રણનું જ કામ છે: એક ક્ષત્રિય, બ્રાહ્મણ ને એક વાણિયો.” "એ ત્રણના મેળ કોણ મેળવશે, ગુરુ?” "મેળવશે ત્રિલોકનો નાથ મારો ભોળો રુદ્ર. આપણે તો શું, એ જ પોતાનું નવું બેસણું શોધતો હશે. વાટ જુઓ રાણા, ઉત્તરાધિકારીની વાટ જુઓ. વાટ જોવી એને પણ પ્રયાણનું પગલું જ સમજો, વાઘેલરાજ.”, “...મારો વીરધ...વ...લ –” એવાં તૂટક વાક્યોને ભાવિની વાણીના દોરમાં મોતીરૂપે પરોવતી લવણપ્રસાદની તંદ્રા કુમારદેવની કેટલીક વાતો પછી ગાઢ નિદ્રાની નાવડીમાં ચડી બેઠી.