ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/આ ગ્રંથના પ્રકાશન પ્રસંગે...
આ ગ્રંથના પ્રકાશન પ્રસંગે, આમ તો, અંગત નિવેદન રૂપે ખાસ કશું કહેવાની ઇચ્છા નહોતી. પણ આ ગ્રંથ, મુંબઈ યુનિવર્સિટીમાં ૧૯૬૯ના વર્ષમાં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ અર્થે – ‘અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિભાઈ દ્વિવેદીનાં વિવેચનાત્મક લખાણોના સંદર્ભે તેનું સમીક્ષાત્મક અધ્યયન’ – શીર્ષકથી જે મહાનિબંધ મેં પ્રસ્તુત કરેલો, તેનો પ્રારંભનો ભાગ માત્ર છે; એટલે, મારા અધ્યયનક્ષેત્ર વિશે થોડી ચોખવટ કરવાની જરૂર વરતાતી રહી છે. મૂળ મહાનિબંધ એક વિસ્તૃત સંશોધન-અધ્યયન હોવાથી તેનું એક જ ગ્રંથરૂપે પ્રકાશિત કરવાનું આર્થિક દૃષ્ટિએ ભારે મુશ્કેલ હતું. એ સંજોગોમાં મહાનિબંધનાં આરંભનાં પાંચ પ્રકરણો અહીં પ્રકાશિત કર્યાં છે. બાકીનાં, બીજા ભાગમાં સમાવી લેવાની યોજના મનમાં છે. આ મહાનિબંધ એક અધ્યાપક તરીકેની મારી કારકિર્દીનાં આરંભનાં વર્ષોમાં તૈયાર થયો હતો. છેક ’૬૪-’૬૫નાં વર્ષોમાં અધ્યયનક્ષેત્રનો વિચાર કરતો હતો ત્યારે, સૌ પ્રથમ તો, આપણા સૌ અગ્રણી વિદ્વાનોની કાવ્યચર્ચા – વ્યાપકપણે સાહિત્યચર્ચા – અધ્યયનમાં લેવાનું સ્ફુર્યું હતું : છેક સુરેશ જોષીની કાવ્યચર્ચા સુધી વિષયનો વ્યાપ લક્ષમાં હતો. પણ એ રીતે વ્યાપ વિસ્તરી જતાં કાવ્યશાસ્ત્રના મુદ્દાઓની ઝીણવટભરી સઘન તપાસ માટે અવકાશ રહેશે નહિ, એમ તરત સમજાયું. એટલે પછી, અર્વાચીન યુગના આરંભના તબક્કાના પાંચ અગ્રણી વિદ્વાનોની ચર્ચા અવલોકનમાં લેવાનું ઠર્યું. મહાનિબંધના શીર્ષકની યુનિવર્સિટીમાં નોંધણી થઈ તે પછી સાક્ષરશ્રી ગોવર્ધનરામની કેટલીક સાહિત્યવિચારણા ઉપલબ્ધ થઈ. એટલે એ વિશે ય ચર્ચા કરી છે. પણ શીર્ષકમાં એમનો ઉલ્લેખ નથી તે વિશે આટલી સ્પષ્ટતા. આ મહાનિબંધનું પ્રકાશન કરતાં એના પ્રથમ પ્રકરણની ચર્ચાવિચારણા જરા જુદી રીતે ગોઠવી છે. કેટલીક વિગતો ઉમેરી છે. બીજાં પ્રકરણોમાં પ્રસંગે ચર્ચાવિચારણામાં પરિમાર્જન કર્યું છે. જોકે મૂળનું કેટલુંક પુનરાવર્તન ટાળી શકાયું હોત, પણ એ માટે જરૂરી પુનર્લેખન કરી શકાયું નથી. સમય અને સંજોગોના ભારે દબાવ નીચે એ કામ હાથ પર લઈ શકાયું નહિ. એ વાતની મને ઊંડી વ્યથા છે. આ ગ્રંથનો બીજો ભાગ પ્રગટ થશે ત્યારે મારા મહાનિબંધનાં બાકીનાં બધાં પ્રકરણો રજૂ થશે. પણ આપણા અર્વાચીન કાવ્યવિચારનો એ માત્ર પૂર્વ તબક્કો જ છે. અંતરમાં એવો અભિલાષ છે કે એ પછીના અગ્રણી વિવેચકોની કાવ્યવિચારણાને ય હવે પછી આ રીતે સમીક્ષામાં લેવી, અને મહાનિબંધના અધ્યયનમાં પૂર્તિ કરવી. પણ એ તો ઈશ્વરની કૃપા પર અવલંબે છે. આ ગ્રંથના પ્રકાશન અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાય મળી છે. એ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો, પરામર્શકશ્રીનો, મહામાત્રશ્રી અને તેમની કચેરીનો સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથના પ્રકાશન પ્રસંગે આ મહાનિબંધના મારા માર્ગદર્શક ડૉ. રમેશભાઈ જાનીસાહેબનું ભીનું સ્મરણ થાય છે. સમગ્ર શોધકાર્ય દરમ્યાન મને તેમનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું છે. મૂળ હસ્તપ્રતમાં તેઓ જે રીતે નાનીમોટી હાંસિયાનોંધ મૂકતા, તેમાં તેમની કઠોર વિદ્યાકીય શિસ્તનો આગ્રહ છતો થતો. આજે એ નોંધો અને ટીકાટિપ્પણીઓનું મૂલ્ય મને સમજાય છે. તેમના દૃષ્ટિસંપન્ન માર્ગદર્શન માટે આજે ફરીથી તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ શોધકાર્ય દરમ્યાન એક યા બીજી રીતે સહાય કરનારા મારા અનેક અધ્યાપકમિત્રો, મુંબઈ યુનિવર્સિટીના તેમજ કૉલેજોના ગ્રંથપાલકો, અને વિદ્યાપ્રેમી લોકોનું હૃદયથી ઋણ સ્વીકારું છું. આ પુસ્તકનું ઘણું સુઘડ અને મનોહર છાપકામ કરી આપવા માટે શ્રી શારદા મુદ્રણાલય અમદાવાદનો, વિશેષતઃ સર્વશ્રી રોહિતભાઈ કોઠારીનો, અંતઃકરણપૂર્વક આભાર માનું છું : એ જ રીતે વેચાણવ્યવસ્થાની જવાબદારી સ્વીકારનાર પાર્શ્વ પ્રકાશનના શ્રી બાબુભાઈ શાહનો ય આભારી છું. અસ્તુ.
વડોદરા
૨૨-૧-૯૫
– પ્રમોદકુમાર પટેલ