ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/વિવેચનનું વિચારોત્તેજક વિવેચન
નવી પેઢીના ગુજરાતી વિવેચકોમાં ડૉ. પ્રમોદકુમાર પટેલનું નામ જાણીતું છે. તેમના સાત જેટલા નાનામોટા વિવેચનગ્રંથો – ‘વિભાવના’, ‘શબ્દલોક’, ‘રસસિદ્ધાન્ત : એક પરિચય’, ‘સંકેતવિસ્તાર’, ‘કથાવિવેચન પ્રતિ’, ‘પન્નાલાલ પટેલ’, ‘અનુભાવન’ – પ્રકાશિત થયા છે. વિવેચનની ઈયત્તા, ગુણવત્તા, વિવિધતામાં આ ગ્રંથો સમૃદ્ધ છે. તેમાં પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, તાત્ત્વિક અને વ્યાવહારિક, સ્વરૂપદર્શી અને સાહિત્યપ્રવાહદર્શી, કાવ્યવિષયક અને કથાવિષયક, કૃતિમૂલક અને કર્તાલક્ષી, સૂચિત અને અનૂદિત તમામ પ્રકારના ગંભીર, અભ્યાસયુક્ત, વિચારપ્રેરક વિવેચનનો સમાવેશ થયો છે. સામાન્ય વાચકો ઉપરાંત વિદગ્ધ વિવેચકોનું પણ તેમણે પોતાના પ્રતિ લક્ષ દોર્યું છે. અનેક સાહિત્યિક પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે. ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ – આવા ગણનાપાત્ર વિવેચન-ગ્રંથોની પરંપરામાં – તેમનો આઠમો વિવેચનગ્રંથ છે. પૂર્વેના ગ્રંથોથી તે, એક જ વિવેચ્ય વિષયની ગંભીર પ્રબંધાત્મક સાદ્યંત તાત્ત્વિક મીમાંસાથી, જુદો તરી આવે છે. તેમાં ગુજરાતીના સમગ્ર વિવેચનસાહિત્યમાં થયેલ વિવેચનલક્ષી તાત્ત્વિક વિચારણાની સર્વાંગીણ સમીક્ષા કરવાનો લેખકનો ઉપક્રમ રહ્યો છે. નર્મદ-દલપતરામ-નવલરામથી માંડી, ગુજરાતી વિવેચનના ઊગમકાળથી માંડી, શિરીષ પંચાલ-મધુ કોઠારી-મફત ઓઝા વગેરેની તરુણ પેઢી સુધીના, આધુનિક કાળ સુધીના વિવેચકો દ્વારા તેમનાં વિવેચનોમાં અભિવ્યક્તિ પામેલ વિવેચનતત્ત્વવિચારનું તેમાં, પરિચય-વિવરણ-પૃથક્કરણ-તુલના-પરીક્ષણ-મૂલ્યાંકનયુક્ત, નિરૂપણ થયું છે. ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’ રજૂ કરવાનો, ‘પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ’ કરાવવાનો તેમજ ‘ચર્ચા-વિચારણાઓની વિકાસરેખા આંકવાનો’ તેમાં લેખકનો સફળ પ્રયાસ થયો છે. વિષય-વસ્તુની સર્વાંગીણ સમીક્ષા માટે તેનું ગ્રંથમાં છ ઉપયુક્ત પ્રકરણમાં, અને પ્રત્યેક પ્રકરણનું અનેક વ્યવસ્થિત ખંડકોમાં, વિભાજન કરાયું છે. ‘પૂર્વભૂમિકા’ નામના પ્રથમ પ્રકરણમાં ‘વિવેચન’ સંજ્ઞા અને તેના ‘સંકેતવિસ્તાર’ની સાથે વિવેચનતત્ત્વવિચારના ક્ષેત્ર અને તદ્વિષયક અભ્યાસના લક્ષ્યનું નિરૂપણ થયું છે. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા પ્રકરણમાં અનુક્રમે ‘નર્મદયુગ’, ‘સાક્ષરયુગ’, ‘ગાંધી-મુનશીયુગ’ અને ‘સ્વાતંત્ર્યોત્તરયુગ’ના વિવેચકોએ કરેલ વિવેચનવિષયક તત્ત્વચર્ચાની સમીક્ષા થઈ છે. છઠ્ઠા – અંતિમ – પ્રકરણમાં સમગ્ર અધ્યયનનાં ‘તારણો અને સમાપન‘ રજૂ થયાં છે. અધ્યયનના આવા સમુચિત નિરૂપણને લઈ, તેમજ ઐતિહાસિક-વર્ણનાત્મક-તુલનાત્મક વિવેચનરીતિના કૌશલયુક્ત વિનિયોગે કરી, ગુજરાતી વિવેચનક્ષેત્રે આરંભકાળથી માંડી આજસુધી થયેલ તત્સંબંધી તત્ત્વચર્ચાનું નિરીક્ષણ-પરીક્ષણ સુપેરે થઈ શકયું છે, અને વિવેચ્ય વિષયની વિચારણા ક્રમબદ્ધ, સળંગસૂત્રી, વ્યવસ્થિત, વિશદ ઉપરાંત વ્યાપક અને તલસ્પર્શી બની છે. આ વિચારણામાં લેખકની સાહિત્યસૂઝ, અભ્યાસપરાયણતા, બહુશ્રુતતાની સાથે વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા અને નિર્ભીકતાનું પણ દર્શન થાય છે. તેઓ જે તે વિવેચક દ્વારા તેના વિવેચનમાં થયેલ સંબંધક તત્ત્વચર્ચાને, તેની આવશ્યક પશ્ચાદ્ભૂ સાથે, સંક્ષેપમાં વર્ણવે છે; તેનું વિશદ વિવરણ અને પૃથક્કરણ કરે છે; તેના મૂળ સ્રોતો પર પ્રકાશ પાડી પરસ્પર તુલના કરે છે અને તેની લાક્ષણિકતાઓ-વિશેષતાઓ તેમજ મર્યાદાઓ-દર્શાવી, નિષ્કર્ષો તારવે છે. તેમાં તેમની દૃષ્ટિ નર્મદ-નવલરામથી માંડી આજ સુધીના નાનામોટા બધા જ વિવેચકોની તમામ કૃતિઓને, વિવેચનગ્રંથો ઉપરાંત સામયિકોમાં પ્રકાશિત અગ્રંથસ્થ વિવેચનલેખોને પણ, આવરી લે છે. તેમાં તેથી નર્મદની ‘ટીકા કરવાની રીત’ અને ‘કવિ અને કવિતા’ વિશેના વિચાર, નવલરામનું સર્જક-વિવેચક-કૃતિ પરીક્ષણ વગેરે વિશેનું ચિંતન; નરસિંહરાવની ‘વિવેચક તે કવિનો જોડિયો ભાઈ’ અંગેની તેમ જ આનંદશંકરની ‘કવિતા આત્માની કલા’ અંગેની ચર્ચા; બ. ક. ઠાકોર અને ક. મા. મુનશીના વિવેચક-વિવેચન-કલાકૃતિનાં સ્વરૂપ-કાર્ય-પ્રયોજન અંગેના ખ્યાલ, વિ. મ. ભટ્ટ, રા. વિ. પાઠક, વિ. ર. ત્રિવેદીની વિવેચક અને વિવેચનવિષયક વિવિધ મુદ્દાઓની વિચારણા, સુંદરમ્-ઉમાશંકરનાં વિવેચકની વૃત્તિ-પ્રવૃત્તિ વિશેનાં નિરીક્ષણ; સુરેશ જોષીની કળા, કળાકૃતિ, રૂપનિર્મિતિ, સર્જન, વિવેચન, આસ્વાદ આદિ અંગેની આકારવાદ પ્રભાવિત મીમાંસા, ભાયાણીનાં વિવેચનની પારિભાષિક સંજ્ઞાઓ અંગેનાં વિવરણ, રમણલાલ જોશી, જયંત કોઠારી, હર્ષદ ત્રિવેદીનાં સર્જક-વિવેચકના સ્વરૂપ અભિગમ-કાર્યવિષયક લખાણ; સુમન શાહ, મધુસૂદન બક્ષી, ચંદ્રકાન્ત ટોપીવાળા, મધુ કોઠારી વગેરેના આકારવાદ, શૈલીવિજ્ઞાન, મનોવિજ્ઞાન, સંરચનાવાદ વગેરેથી પ્રભાવિત વિવેચનવિચાર—તમામનું વિવેચ્ય વિષયના ઉપલક્ષમાં ‘સર્વેક્ષણ’ અને ‘સમીક્ષાત્મક અધ્યયન’ થઈ શક્યું છે. તેમાંથી ગુજરાતીમાં નિરૂપિત વિવેચનતત્ત્વવિચારના પર્યાપ્ત પરિચયની સાથે તેમાંની વિશેષતાઓનો અને અસ્પષ્ટતા-સંદિગ્ધતા-આંતરવિરોધિતાનો પણ યથાર્થ ખ્યાલ મળી રહે છે. લેખકનું આ અધ્યયન તટસ્થભાવે, વસ્તુલક્ષી રૂપમાં, કથા જ પૂર્વ અભિગ્રહ-પ્રતિગ્રહ વિના, રજૂ થયું છે. તેમાં વિવેચક નહિ પણ વિવેચન તરફ જ દૃષ્ટિ રહી છે. આથી વિખ્યાત કે અલ્પખ્યાત વિવેચકોનાં વિવેચનોનો ખ્યાલ કર્યા વિના, જ્યાં જ્યાં કશાક ભિન્ન યા નવીન તત્ત્વવિચારનું દર્શન થયું છે, ત્યાં ત્યાં તેની નોંધ લેવાઈ છે; તેનાં પરિચય-વર્ણન-વિવરણ-પૃથક્કરણ-તુલના અપાયાં છે; તેમાંની વિશેષતાઓનું દર્શન કરાવાયું છે અને તદંતર્ગત રહી ગયેલ સંદિગ્ધતા અસ્પષ્ટતા-અપૂર્ણતા-આંતરવિરોધ તરફ લક્ષ દોરવામાં આવ્યું છે; દા. ત. બ. ક. ઠાકોર, ક. મા. મુનશી, રા. વિ. પાઠક, સુંદરમ્, સુરેશ જોષી જેવા વિવેચકોની તત્ત્વવિચારણામાં જોવા મળતી વિશેષતાઓનું વિશદ દર્શન કરાવ્યા પછી તેમાં ક્યાં કેવી સંદિગ્ધતા, અસ્પષ્ટતા કે આંતરવિરોધ છે તે પણ નમ્રભાવે પણ સ્પષ્ટરૂપમાં બતાવાયું છે. અલબત્ત, દોષદર્શન અંગે તેમાં ક્યાંય અનુચિત અભિનિવેશ, ઉગ્રતા કે કઠોરતા જોવા મળતાં નથી લેખક બહુશ્રુત, વિદગ્ધ, સુપ્રતિષ્ઠ છતાં સૌમ્ય, સ્વસ્થ, સમભાવશીલ, સહૃદય વિવેચક છે તે સર્વત્ર સતત જોઈ શકાય છે. ‘શીલ તેવી શૈલી’ એ જાણીતું સૂત્ર તેમની બાબતમાં સાવ સાચું લાગે છે. તેમની ભાષા-શૈલી શિષ્ટ, અર્થગંભીર, ગૌરવયુક્ત હોવાની સાથે દુર્બોધતા, કૃત્રિમતા, આડંબર યા પાંડિત્યભારથી સર્વથા મુક્ત છે. બહુશ્રુતતાનું દર્શન તેમાં બરાબર થતું રહે છે—વિવેચ્ય મુદ્દાના સ્પષ્ટીકરણ યા સમર્થન માટે યા તુલનાત્મક દર્શન માટે તેમાં દેશી-વિદેશી કર્તા-કૃતિઓનાં ઉલ્લેખ અવતરણ અવારનવાર, આત્મસાત્ થઈ ગયાં હોય તે રીતે, યોજાતાં રહે છે વિષયને અનુરૂપ બની ભાષા-શૈલી સહજ-સ્વાભાવિક રીતે વહ્યે જાય છે. ક્યારેક તે દીર્ઘસૂત્રી થતી હોવાનું દેખાય છે ખરું; પરંતુ વિવેચ્ય વિષયનું વર્ણન-વિવરણ-પૃથક્કરણ-તુલના-અવતરણ-ઉદાહરણયુકત, સાંગોપાંગ, અશેષ તેમ વિશદ નિરૂપણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ હોવાથી તે અનિવાર્ય લાગે છે. પરિણામે વિવેચનતત્ત્વવિચાર જેવા વિષયનું ગંભીર અધ્યયન અહીં રજૂ થયું હોવા છતાં વાચનક્ષમતા સાદ્યંત જળવાઈ રહે છે. આ બધું જોતા લાગે છે કે વસ્તુ અને નિરૂપણ બન્ને દૃષ્ટિએ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ એક ગણનાપાત્ર ગ્રંથ છે. ડૉ પ્રમોદકુમાર પટેલ દ્વારા ગુજરાતી વિવેચનસાહિત્યને થયેલું તે મહત્ત્વનું અર્પણ છે. ગુજરાતી સાહિત્યના સામાન્ય વાચક યા અભ્યાસી માટે જ નહિ, અધ્યાપકો-લેખકો-વિવેચકો માટે પણ તેનું વાચન વિચારોત્તેજક બની રહશે.
વલ્લભ વિદ્યાનગર
તા. ૩૧-૭-૧૯૮૫ (અ. શ્રાવણી પૂર્ણિમા)
– જશવંત શેખડીવાળા