ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)
૧
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું. આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ. આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે. અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ. કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?
૨
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો. ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી. સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે. વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે. આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે. નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.
૩
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯ નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે. કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે. અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે. પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે. કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે. ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.