ગુજરાતી અંગત નિબંધો/એકલું લાગે છે
એકલું લાગે છે -- હરિકૃષ્ણ પાઠક
◼
ગુજરાતી અંગત નિબંધો • એકલું લાગે છે – હરિકૃષ્ણ પાઠક • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
◼
એકલું લાગે છે ક્યારેક. ક્યારેક એટલે ગમે ત્યારે. એનાં ઘડી-પળ નિશ્ચિત નથી હોતાં. કશુંયે નિમિત્ત મળે; અરે! ક્યારેક તો અનિમિત્તે ય એકલું લાગી આવે છે. વગડામાં એકલી ઊભેલી પથરાળ ટેકરીની ટોચે, ક્યારેક, કોઈએ ચણી કાઢેલી અણઘડ દેરી ઉપર ફરકતી ફાટી-તૂટી ધજા જેવું. અંતરિયાળ ઊગેલા નિષ્પર્ણ વૃક્ષની એકાદ ડાળીએ માંડ ટકી રહેલા અર્ધા સૂકા પાનના ફરકાટ જેવું. સાવ એકલું લાગે છે ક્યારેક. ક્યારેક તો દિવસો સુધી, સતત, વ્યસ્ત રહ્યા કરું છું. નહીં કે કશુંક કરતો હોઉં છું. એવું યે નહીં કે ઘેરાયેલો રહું છું મિત્રોથી. બસ, એમ જ વ્યસ્ત હોઉં છું. ને એવે ભુલાઈ જાય છે ટેકરીની ટોચે ફરકતી ધજા, અર્ધું સૂકું પાન ને પેલી મહામૂલી એકલતા. પછી અસ્વસ્થ થઈ જાઉં છું. ને વળી પાછું ક્યારેક બસમાં જતાં-આવતાં, કશું વાંચતાં-લખતાં, કોઈ ભુલાઈ જવા આવેલા ગીતની કડી ગણગણતાં, માત્ર અલપઝલપ આંખે ચડી ગયેલા કોઈ ચહેરાની રેખાઓ ઉકેલતાં કે પછી બસ એમ જ એકલું લાગી આવે છે. શા માટે? શા માટે આવું બધું ઉભરાયા કરે છે ચિત્તમાં? કશુંક ભૂલીને સંભાર્યા કરું છું; ભૂંસીને દોર્યા કરું છું શા માટે? ભીતરથી કોરાતો રહું છું શા માટે? – આવા બધા અનુત્તર પ્રશ્નો વચ્ચે જો એકલું ન લાગે તો કદાચ ફાટી યે પડું. એ સ્તો ટકાવી રાખે છે મને, મારી હસ્તીનું પ્રમાણ આપે છે, પ્રતીતિ કરાવે છે. થાય છે કે હું જીવતો છું ને જીવતો રહેવાનો છું– જ્યાં સુધી આવું એકલું લાગે છે ત્યાં સુધી. જ્યારે એવી ક્ષમતા નહીં રહે ત્યારે થઈ ગયો હોઈશ રૂંઢ-મૂઢ ને રીઢો. દુનિયાદારીની ગમે તેવી ક્ષુદ્રતાથી મને ભરી દઈ શકાશે. ડાહ્યો અને દક્ષ ગણાઈશ. પછી પથરાળ ટેકરી કે નિષ્પર્ણ વૃક્ષ, સૂકું પાન કે ઝાંખો ચહેરો, નિમિત્ત કે અનિમિત્ત કશાનો મને ખપ નહીં રહે... પણ હજી એવાં ડહાપણ ને દક્ષતાથી દૂર રહ્યા કરું છું. ને જાતને બચાવ્યા કરું છું; સમજ્યે-વણસમજ્યે, કેમ કે હજી એકલું લાગે છે ક્યારેક; સાવ એકલું.
[‘અંગત અને સંગત’, ૨૦૦૯]