ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એકરાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


એકરાર
પન્ના નાયક

ભલે રાખ થઈ ગઈ
અગરુની વાટ
પણ શ્વાસમાં હજી યે છે એની સુવાસ
શ્વાસે શ્વાસે પામું છું સુગંધ.

શાવરમાંથી બહાર આવેલાં
ભીનાં પગલાંની હારમાળા
મારી દૃષ્ટિની પગદંડી બની ગઈ છે
પણ હવે એ રસ્તે મારાથી ચલાતું નથી
અમે ઘણો માર્ગ સાથે કાપ્યો છે.

સ્પર્શનો રંગ હોય તો
તે રાતો
હું તો ત્યારે જ ઘણું લજાઈ ગયેલી
તેમાં અંબોડાના ગુલાબ
અને ચૂમેલા હોઠની સ્પર્ધા સુખરિત થઈ ઊઠી.

મેં વાંચ્યાં તે કાવ્યો ન હતાં
કોઈ કુમારિકાની જાણે એ તો કંકોત્રી
પંક્તિ પંક્તિએ હસ્તમેળાપનો સમય
ને મારો હાથ... એમ જ ઝલાઈ ગયો.

શયનગૃહની
કોમલ શય્યા પર શ્વેત ચાદર
તાણી તાણીને બિછાવું છું
પણ સળ પડી જ જાય છે
જાણે સળવળ સળવળ થતાં એ ક્ષણનાં સ્મરણો.

સ્ફુરણ પામતી કાવ્યની પ્હેલી પંક્તિ સમું
હવે ગર્ભમાં કંઈક ફરકે છે
કોઈ મારી પાસેથી ગયું છે
અને કોઈ મારામાં આવી રહ્યું છે