zoom in zoom out toggle zoom 

< ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા

ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એકલવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકલવ્ય
દલપત ચૌહાણ

ઓહ!
તમે મને ઓળખી ચૂક્યા છો.
સારું જ થયું.
ગામ પાડાની પીઠ શો ચળકતો વાન,
મૌક્તિક મણી શાં વિશાળ નેત્ર,
અને – ઐરાવતના ગંડસ્થળ શા સ્કંધ,
ભૂલી જ ન શકો તમે.
પણ...
એક એક પગલામાં વરતાતી સાવધાની;
માટીના પૂતળા પાસેથી નહીં,
સમય પાસેથી શીખ્યો છું,
મારે ક્યાં તમારા સવ્યસાચીની જેમ,
વડવેધ – કે – મત્સ્યની આંખમાં નિશાન લેવાના છે;
સભાગૃહોમાં,
અને ક્યાં પુરવાર કરવી છે વીરતા?
સ્વને રક્ષવા હથિયાર – પુરુષાર્થમાં;
કાંઈ જ તમારું નથી
તમે કેવળ માગનારા ભિખારી.

હું અસ્તિત્વ માટે તૈયાર યોદ્ધો
મારા હાથ તરફ ન જોશો (દ્રોણ)
અંગૂઠો હવે નહીં જ મળે;
હું એકલવ્ય ખરો... પણ...
છેતરનારને કશું જ ન આપું
ચપટી ધૂળ પણ નહીં