ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કાળા પથ્થરોના વચમાંથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાળા પથ્થરોની વચમાંથી
રામચંદ્ર પટેલ

કાળા પથ્થરોની વચમાંથી પસાર થતા નગરની
એક સડક અચાનક મારા ઘર-આંગણાની રેત
સૂંઘવા માંડી, એ ભાળી હું ભૂલમાં એને બકરી
સમજી લઈ ખેતરનું લીલું ઘાસ નીરતાં એ ખુશ
થઈ નાચવા લાગેલી એમ એમ બધું ઘાસ
નાખી દીધા પછી જતી રહેવાને બદલે ભૂંડણ
થઈ એ ઘરમાં પેસવા ફૂંગરી તરત કમાડ બંધ કરી
દેતાં એનું માથું અંદ૨ ને કાયા બહાર રહી ગઈ
તેથી મેં ન છોડ્યાં કમાડ કે એણે ના પાછું વાળી
લીધું શરીર, આમ હું ભૂખ્યો-તરસ્યો એની
સંભાળ રાખતાં ઘણાં વરસો વીતી ગયા બાદ
મારા બંને હાથની પકડ ઢીલી થતાં જ એકદમ
ઘૂસી આવી એ ભૂખી લીંપણને ચાટવા લાગતાં
એની શ્વાસ-વરાળમાં વાસણ-કપડાં-દાણા-પાણી
બધું ખાખ થવા માંડ્યું ને આખરે એની સાથે
હું જીવ બગાડી પરણી બેઠો ત્યારે એના લબડતા
કાન જેવાં વિમાન ને પૂંછડી સમાં બલૂન ખેતર
ઉપર ઊડવા લાગ્યાં એ નિહાળીને મારું ઘર કોઈ
ડુંગર તળેટી તરફ નાઠું, હું એની પાછળ ક્રૂડયંત્ર
બની રેત ફૂંકતો દોડ્યો તો મને ના વાદળ વાગ્યું
વૃક્ષ વાગ્યું-ફૂલ વાગ્યું બસ ગૅસના રેલા સમ હું
સર્વેને આરોગતો આગળ આગળ વિસ્તરવા લાગું
એ પહેલાં ચોમેર ઇલેક્ટ્રિક જાળ બંધાઈ ગઈ હતી
એમાં મરી ગયેલા પંખી જેવું મારું ઘર ઊંધું
લટકતું જોતાં જ હું પાછો હળુહળુ વાયરો થઈ
એને સ્પર્શવા માંડું ત્યાં કાળા પથ્થરોની
વચમાંથી...