ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ખારાઘોડા –૧ અગરિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખારાઘોડા – ૧
અગરિયા
નિખિલ ખારોડ

નથી ઊછળતા તરંગો
નથી ઘૂઘવતા દરિયા અહીં
નથી મુલાયમ રેતી કે
નથી કિનારો.
અસીમ રેતાળ ફલક પર
ફફડી રહ્યાં
કંતાન ઢાંક્યાં
ઝૂંપડાં
છૂટાંછવાયાં.
સોંસરવી ઊતરી ગઈ છે ખારાશ
ને થઈ જમા
જમીનના પેટાળમાં.
ઊંડે ઊંડે ખોદીને
ઉલેચે પાણી બધાં.
બહાર કાઢીને
કેટલુંક પીવે
કેટલુંક પાથરે
ને તડકે તપે
કાળામસ દેહો
ત્યારે બાઝે
ક્ષારની પોપટી
ચામડી પર, જમીન પર.