ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ઘરડા ભીંડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘરડા ભીંડા
પવનકુમા૨ જૈન

ઘરડા ભીંડા
મોટા અને બીથી
ફાટફાટ થતા હોય છે.
છોડ ઉપર રહી જાય,
તો સુકાઈને
નક્કી ફાટે છે.

ઘરડા ભીંડાના શાકમાં
લહેજત નથી આવતી.

પણ, શિખાઉ બકાલું
લેનારો મોટું કદ
જોઈ હરખાય છે.
કૂણા ભીંડાની તાજપને
એ કઈ રીતે વરતે?

સભ્ય સમાજમાં
ભીંડા અને સાહિત્યકારોની
સરખામણી નથી થતી.

તથાપિ, આ અળવીતરું મન
ભીંડામાં સાહિત્યકારને
જુએ છે.