ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પક્ષીતીર્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પક્ષીતીર્થ
ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદૃશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડતું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું...
હમણાં જ....
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.