ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મુસાફરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુસાફરો
વિનોદ અધ્વર્યુ

અમે બધા તો!
મુસાફરો કેવળ થર્ડ ક્લાસના!
ઠાંસી ભરેલા અમ આમવર્ગમાં
ધસી ઘૂસીને.
બે (એક વા!) પાય મૂકી મુસીબતે,
ફૂટપાયરી પરે.
રહ્યા મજા ભોગવી વાયુયાનની!

કો બારણાને, સળિયા ગ્રહી, કે
જાણ્યા-અજાણ્યા સહપાન્થ કેરાં
કોણી-ખભો-કૉલર કોટ-જે ચડ્યું
હાથે-ગ્રહીને
લટકી, ટકીને
મુસાફરી રોજ અમે કરી રહ્યા.

પસાર થાય છે કૈ વનવૃક્ષ, ખેતરો,
રસ્તા, નદી, રોજ સવારસાંજે-
ના યાદ કૈં!
ધ્યાન અમારું તો બધું ઠર્યું છ
થાક્યા પ્રસ્વેદભીના
છૂટી જતા હાથ અને ઘડી ઘડી
સરી જતા પાય સમાલવામાં.