ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મેશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મેશ
ઉષા ઉપાધ્યાય

હું જન્મી
ત્યારે છઠ્ઠીના દિવસે
નાનીમાએ ત્રાંબાની તરભાણી
દીવા પર ધરી
હોંશે હોંશે કાજળ પાડીને
મારી આંખમાં આંજ્યું હતું.
હજુ ગયા વરસે જ
મારી દીકરીને ત્યાં દીકરી જન્મી
ત્યારે મેં પણ
છઠ્ઠીના દિવસે
હોંશભેર કાજળ પાડી
મારી દોહિત્રીની
સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું.
આજે,
આ ઢળતી સાંજે
આગજનીમાં બળીને
કાળામેશ થઈ ગયેલાં
મારાં શહેરનાં
મકાનોને જોતાં થાય છે.
કોની છઠ્ઠી માટે
પડાઈ હશે
આટલી બધી મેશ?