ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/વાત એટલેથી જ...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાત એટલેથી જ અટકી ગઈ છે
રાજેન્દ્ર શુક્લ

પાનના ગલ્લાની પેટ્રોમેક્સના ઝાંખા ઉજાસમાં,
સ્કૂટરોના કર્કશ અવાજ મધ્યે,
સાંજે વાયુ ભરેલા ફુગ્ગા અપાવેલા
શિશુઓને આંગળીએ વળગાડી
આવતાં જતાં રવિવારીય લોકો વચ્ચે,
ઓછું વપરાતા બસસ્ટૅન્ડના
ઘોર નિર્જન બાંકડા પર,
મ્યુનિસિપાલિટીના ગુલમ્હોરવૃક્ષની
એક ડાળ નીચે,
પદ્માસને ધ્યાનસ્થ એવા મને
બોધિજ્ઞાન થવાની ક્ષણે જ
અચાનક
એક સૌમ્ય છીંક
આકાશમાંથી નીચે ઊતરી આવી;
અને હે શ્રમણભિક્ષુઓ
વાત એટલેથી જ અટકી ગઈ છે......
વાત એટલેથી જ અટકી ગઈ છે.......
વાત એટલેથી જ અટકી ગઈ છે....
(‘સ્વવાચકની શોધ’ કવિતાનો એક અંશ)