ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/શોધ્યા કરું છું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શોધ્યા કરું છું
દક્ષા વ્યાસ

સવાર પડે છે ને રાત પડે છે
શોધ્યા કરું છું સોનપરીને

વસંતની વહેલી સવારે
પોપચાં પર પગ ટેકવીને
બેઠી ભાળું - ન ભાળું ત્યાં
ઊડી જાય એ ફર્ ર્ ર્
અજાણી વનરાજિમાં
પુષ્પ-પાંદડીની પાંખો પહેરીને

શ્રાવણની ઝીણી ઝરમરમાં
ઝાંઝરના ઝણકાર રેલતી
ઠમકાં લેતી એને
ઝાલું – ન ઝાલું ત્યાં
ફોરોના ત્રિપાર્શ્વ ગોળામાં બિરાજીને
પહોંચી જાય છે
મેઘધનુના આકાશી ઝરૂખે

શરદની અચ્છોદ-ધવલ રાત્રે
રાતરાણીના મઘમઘતા પ્રાંગણમાં
આંખો બિછાવીને
બેસું છું પ્રતીક્ષામાં
શકે
રૂપેરી પડદાની બહાર
આવે એ ધરાર

પળ પછી પળ
આકળ વિકળ
ને...
કેદ થઈ જાય છે એ
ઘેરી નિંદરની કિલ્લેબંધીમાં
સવાર પડે છે ને રાત પડે છે
શોધ્યા કરું છું મને – સોનપરીને