ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સરગવો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સરગવો
દલપત પઢિયાર

આજે
અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં
મોટ્ટો, લીલોકચ સરગવો હતો.
આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં એવી મોટી
અને જેના ઉપર ઇચ્છાઓ મૂકી રાખીએ એવી સળંગ
લાંબી સીંગો ઊતરતી –
દર ત્રીજે દિવસે ભારા બાંધીએ એટલી ઊતરતી!
આખી સોસાયટીમાં કલ્લો કલ્લો વહેંચાતી!
એટલું ખરું કે અમે ક્યારેય વેચેલી નહીં
ઝાડ, માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નથી.
કોઈ ગોઝારી પળે
અમને શું ટુંકૂં પડ્યું તે
અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું!
મેં મારે સગે હાથે એનું થડ કાપ્યું હતુંઃ
ભરેલી હાથણી ફસડાઈ પડે તેમ
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું!
લીલાં લીલાં પાન વિલાઈ ગયાં હતાં
અને પાંખડે પાંખડે
ઊભરાઈ આવેલાં ઊઘડવાની વાટ જોતાં,
નાની નાની ચૂનીઓનાં ઝૂમખાં જેવાં સફેદ ફૂલ
પછી કાયમ માટે બંધ થઈ ગયાં હતાં.
મારા હાથમાં, મારી આંખોમાં, મારા લોહીમાં, મારી ઇન્દ્રિયોમાં
એક અપરાધ કુહાડી થઈ ગયો છે...
મને કોઈ ઊંઘમાં પણ ટચકા મારે છે...
તમે નહીં માનો
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે,
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...!