ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સાણસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાણસી
બકુલ ટેલર

રસોડામાં રસોઈ પકાવનાર હોય યા ન હોય
હોય છે હંમેશ આ સાણસી
ગઈ કાલે હતી ત્યાં જ યા જરાક આમતેમ
એણે ક્યાંય જવું હોતું નથી
ધાતુમાંથી આકારોમાં ઢળી રહી હતી ત્યારથી તેનું વ્રત છે
ઉચ્ચાલનના નિયમોમાં રહેવું, નિયત થયેલું કામ કરવું
બીજી કોઈ બબાલ નહીં, ટંટો-ફિસાદ નહીં
તેને કોઈ આળસ નહીં, ઉતાવળ નહીં
રાત યા દિવસના, ઋતુચક્રના ભેદ નહીં
વાવાઝોડા, ધરતીકંપ જેવી આફતોમાંય સ્થિતપ્રજ્ઞ
ઉચ્ચાલનના નિયમોમાં રહેવું, નિયત થયેલું કામ કરવું

ચાની તપેલી તમને દઝાડે, તેને નહીં.
સિફતથી તે જકડે ને કપમાં ચા ઢળે ત્યાં સુધી જકડે
તે ક્યારેય ચાની ચૂસકી ન માગે
મઝાનું રસાદાર શાક હોય કે હોય રવાદાર મીઠાઈ
ન તેને કોઈ સ્વાદ, ન તેને કોઈ રાગ
જગતમાં જેને જે ખાવું હોય તે ભલે ખાય
ધાતુ તરીકે તેણે હજારો વર્ષ માટીનો સ્વાદ સેવ્યો છે
ખાણિયાઓએ તેને ઢૂંઢી કાઢ્યું ત્યારે માણસોને જાણ્યા
ને બસ હવે માણસ વચ્ચે તેનું આયુષ્ય વીતી રહ્યું છે
હવે તે માણસને જ જાણે છે, માટીના ભેદ ભૂલી ગઈ છે
અલબત્ત, તેને સ્ત્રીઓના હાથમાં ગોઠવાવું ગમે છે
પુરુષોના હાથમાં તે ઘણી વાર છટકી ગઈ છે
ઘણા માને છે કે આ સ્ત્રીઓએ વંઠાડી છે એને
હશે, કદાચ થોડું એવું હશે, પણ આમ નહીં
સ્ત્રીઓના હાથોએ તેનામાં લીસ્સાપણું આપ્યું છે
નળ નીચે તેને પાણીમાં ધુએ ત્યારે ખુશ
ને ક્યારેક બે-ચાર દિવસ ન ધોવાય તો...
– તો સમજે કે બાઈમાણસને બહુ કામો હોય છે
– સમજે કે સ્ત્રીને ને સાણસીને મિજાજી થવું ઠીક નહીં
સાંધા ઢીલા થાય તો પણ પકડ ન છોડવી

સાણસી એવું પણ સમજે કે
ચમચા, તવેથા, ભાતિયાં, રવઈ ભલે ઘણાં હોય
બધા વચ્ચે તે તો એક, એકમાત્ર
રસોઈ થઈ રહે તેની રાહ જુએ ઉતાવળ વિના
બાકી શાંત, જન્મારો અહીં જ વીતવાનો છે એવા ભાવથી
શાણી ને સમજદાર ગૃહિણીઓ તેને સાચવે છે
કામ પૂરું થાય પછી બાજુ પર મૂકે છે
સાણસી કાગાનીંદરમાં પોઢી જાય છે
-કાંઈ કશું પકાવો તો કહેજો કહી આંખ આડી કરે છે.